નેશનલ એલિજીબીલિટી કમ એન્ટ્ર્ન્સ ટેસ્ટ(એનઇઇટી-નીટ)ની તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થયો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી રિટ અરજીમાં આજે અરજદાર વિદ્યાર્થીઓ તરફથી તેઓ તેમની માંગણી અને રજૂઆત પરત્વે હવે સુુપ્રીમકોર્ટમાં રજૂઆત કરશે એવી સ્પષ્ટતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી. તો, હાઇકોર્ટે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, ગઇકાલે સુપ્રીમકોર્ટના નિર્દેશ પ્રમાણે, તે(હાઇકોર્ટ) આ કેસની સુનાવણી હાથ ધરશે નહી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સુપ્રીમકોર્ટે નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા સીબીએસઇને લીલીઝંડી આપી હતી અને મદ્રાસ હાઇકોર્ટે નીટનું પરિણામ જાહેર કરવા સામે આપેલા સ્ટેને હટાવી લીધો હતો. સાથે સાથે દેશની તમામ હાઇકોર્ટોને નિર્દેશ જારી કર્યા હતા કે, નીટ સંબંધી જે તે હાઇકોર્ટોમાં થયેલી કોઇપણ પિટિશનોની સુનાવણી હાઇકોર્ટ હાથ ધરશે નહી. સુપ્રીમકોર્ટના આ હુકમ બાદ આજે ગુજરાત હાઇકોર્ટમાં નીટના કેસની સુનાવણી હતી. જે જેમાં અગાઉની સુનાવણીએ સીબીઈએસઇએ નીટનું પરિણામ તા.૧૨મી જૂન સુધી જાહેર નહી કરાય એ મતલબનું કોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું. જો કે, સુપ્રીમકોર્ટના ગઇકાલના હુકમ બાદ સમગ્ર પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. અરજદાર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને કોર્ટને રજૂઆત કરી હતી કે, તેઓ હવે તેમની રજૂઆત અને મુદ્દાઓ સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂ કરશે. કારણ કે, નીટનું પરિણામ જાહેર કરવા સુપ્રીમકોર્ટે સીબીએસઇને હુકમ કર્યો છે અને હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી નહી કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે પણ કેસની સુનાવણી હાથ નહી ધરી શકાય તે સ્પષ્ટ કરી દેતાં હવે આ મેટર નિરર્થક બની ગઇ હતી.