Aapnu Gujarat
બ્લોગ

મહાન વ્યક્તિઓની વિચિત્ર માન્યતાઓ

બીગફુટ સાઇટિંગ, યુએફઓનો સામનો, ભૂતિયા અનુભવો વગેરે બાબતોને લોકો ક્યારેક અંધ વિશ્વાસની સાથોસાથ અક્કલ વગરની બાબતો ગણાવતા હોય છે પણ જ્યારે આ જ વાતોને એવા લોકો દ્વારા સમર્થન પ્રાપ્ત થાય છે જેમનાં વિશે લોકોમાં ભારે વિશ્વાસ હોય છે ત્યારે આ અનબિલિવેબલ બાબતો પણ ચર્ચાનો વિષય બની જતી હોય છે.અહી પણ એવી જ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો છે જેને વિશ્વાસપાત્ર લોકોનું સમર્થન પ્રાપ્ત થયું હતું.
ધ ટવીલાઇટ ઝોનનાં ચાહકો ગ્રેમલિનની કથાથી વાકેફ છે જેને પુરાતન પ્રાણી ગણવામાં આવે છે.ગ્રેમલિનની સ્ટોરીને આમ તો પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન વધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ હતી ત્યારે યુદ્ધમાં સામેલ બ્રિટીશ રોયલ એર ફોર્સનાં પાયલોટોએ એવો રિપોર્ટ આપ્યો હતો કે તેમની વિમાનની કોકપિટમાં અને ક્યારેક તો તેમની વિમાનની પાંખો પર તેમણે નાના પ્રાણીઓ જોયા હતા.આ જ પ્રકારનાં અહેવાલો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ મળતાં જ રહ્યાં હતા.કેટલાકે કહ્યું હતું કે ગ્રેમલિન તેમને મદદરૂપ નિવડ્યા હતા.તેમનાં વિમાનોને ક્રેશ થતાં અટકાવવામાં તેમણે મદદ કરી હોવાની વાત આ પાયલોટોએ કરી હતી.જો કે કેટલાકે તેમને વિધ્વંશકારી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તે તેમનાં વિમાનનું ઇંધણ પી જતા હતા અને તેમનાં કેબલોને પણ કાતરી કાઢ્યા હતા.
કેટલાકે આ પ્રાણીઓએ તેમની વિમાનની પાંખોને નુકસાન પહોચાડ્યું હોવાની પણ વાત કરી હતી.વિશ્વનાં જાણીતા એવિયેટર ચાર્લ્સ લિનડબર્ગે પોતાનાં પુસ્તક ધ સ્પીરીટ ઓફ સેન્ટ લુઇમાં ગ્રેમલિન અંગેનાં પોતાના અનુભવો વર્ણવ્યા હતા.જેણે કહ્યું હતું કે આ પ્રાણીઓનો કોઇ ચોક્કસ આકાર ન હતો તે વજનહીન હતા અને મારી સાથે વિમાનમાં ઉડતા રહેતા હતા.
તેણે જણાવ્યું હતું કે તે પ્રાણીઓ માનવીનાં અવાજમાં વાત કરતા હતા અને તેઓ વિમાનની દિવાલોને ભેદીને બહાર નિકળી જતા હતા જાણે કે ત્યાં કોઇ અવરોધ જ ન હોય.તેઓ મને હંમેશા મારી સમસ્યાઓનાં ઉકેલ અંગે જણાવતા રહેતા હતા.આમ ગ્રેમલિનની આ કથાઓને લિન્ડનબર્ગનું સમર્થન પ્રાપ્ત થયા બાદ તે વધારે ચર્ચાસ્પદ બની હતી.
કેલિફોર્નિયાની સૌથી જાણીતી ઇમારત હોટેલ આઝટેકનાં આર્કિટેક રોબર્ટ સ્ટેકી જુડનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો અને તેમણે ત્યાં જ પ્રશિક્ષણ પણ પ્રાપ્ત કર્યુ હતું.તેમણે માયા શૈલીમાં ઘણી ઇમારતોની રચના કરી છે જો કે તેઓ પોતાની રચનાઓને આઝટેકની શૈલીની ગણાવે છે.જો કે અહી તેમની આ ઇમારતોની નહી પણ તેમણે જે ધ હર્મિટ ઓફ લોલટુનની વાત કરી છે તે માટે યાદ કરાયા છે.જ્યારે રોબર્ટ અને તેમનાં સાથીઓ યુકેટનમાં લોલટુનની ગુફાઓમાં ખોદકામ કરતા હતા ત્યારે તેઓ એક સમયે હતાશ થઇ ગયા હતા અને તેની ભૂલભૂલામણીમાં ગુમ થઇ ગયા હતા ત્યારે તેમનો ભેટો એક વૃદ્ધ વ્યક્તિ સાથે થયો હતો જેને તેઓ સો વર્ષ કરતા વધારેની વયનો હોવાનું માને છે.
તેમને ત્યારે નવાઇ લાગી હતી કે આ વ્યક્તિ પૃથ્વીની સપાટીથી આટલી નીચે જીવતો હતો.જો કે તેમણે જણાવ્યું હતું કે આ એ જ સ્થળ હતું જેના વિશે કહેવાતું હતું કે અહી જ હર્મિટનાં વામન લોકો રહે છે જે માયાનાં ખજાનાની રક્ષા કરે છે.રોબર્ટનાં દાવા અનુસાર તે દયાળુ હર્મિટસે જ તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું અને તેમને એ ગુફાઓમાંથી બહાર કાઢ્યા હતા.તેમને ગુફાઓમાંથી બહાર કાઢ્યા બાદ તેઓ પાછા એ ગુફાઓમાં અદૃશ્ય થઇ ગયાનું રોબર્ટ તેનાં પુસ્તકમાં જણાવે છે.
અમેરિકાનાં ૨૬માં રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ તેમનાં સમયનાં જાણીતા શિકારી હતા અને તેમને બહાર રહીને શોધખોળ કરવાનું પસંદ હતું.તેમનાં પુસ્તક ધ વાઇલ્ડરનેશ હન્ટરમાં તેમણે કેટલીક રસપ્રદ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.જેમાં તેમણે એક રહસ્યમય શિકારીનો ઉલ્લેખ કર્યો છે જેને તેમણે બોઉમેન નામ આપ્યું હતું.તેમણે જણાવ્યું છે કે બોઉમેને તેમને કેટલીક વાતો જણાવી છે જે રસપ્રદ છે પણ તે સાચી છે કે નહી તે અંગે કોઇ કહી શકે તેમ નથી.
રૂઝવેલ્ટે તેની વાતોને પોતાના પુસ્તકમાં સ્થાન આપ્યું છે જે અનુસાર બોઉમેન અને તેનો સાથીદાર એવા વિકટ સ્થળે ફસાઇ ગયા હતા જ્યાં એકલા વ્યક્તિઓ માટે ભારે જોખમ હતું.જો કે બોઉમેન અને તેનો સાથીદાર થોડી મહેનત કર્યા બાદ પોતાના કેમ્પમાં પાછા ફર્યા હતા જેની મુલાકાત એક રીંછે લીધી હોવાની તેમને શંકા હતી.
એ રાત્રે બાઉમેને કોઇ અવાજ સાંભળ્યો અને તેણે એક વિશાળકાય જાનવરને ત્યાં જોયું હતું જો કે તે જાનવર પર તેણે ગોળીબાર કર્યો હતો અને તે ત્યાંથી ભાગી ગયું હતું બીજા દિવસે તેઓ ફરી જ્યારે પોતાના કેમ્પ પર પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે તેમનાં કેમ્પ પર ફરી કોઇ આવ્યું હતું.એ રાત્રે તેમણે એક વિશાળ તાપણું પેટાવ્યું હતું અને રાત્રે તેમને લાગ્યું કે તેમનાં પર કોઇ નજર રાખી રહ્યું છે.તે સવારે તેઓ અલગ થયા હતા અને એક કલાક બાદ જ્યારે બાઉમેન પાછો ફર્યો ત્યારે તેનો સાથીદાર ત્યાં પડ્યો હતો જેની ગરદન તુટી ગઇ હતી અને તેના ગળા પર દાંતનાં નિશાન હતા.આ જોઇને બાઉમેન ત્યાંથી ભાગી છુટ્યો હતો.રૂઝવેલ્ટનાં જણાવ્યાનુસાર તે વિશાળકાય જાનવર બિગફુટ હોવાની શકયતા હતી.જો કે તે જાનવર અંગે અત્યાર સુધી કોઇને પુરાવા મળ્યા નથી પણ તેની ચર્ચાઓ થતી જ રહે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડોનાલ્ડ કેન્ટ સ્લેટને યુરોપ પર ૫૬ અને જાપાન પર સાત જેટલી ઉડાનો ભરી હતી.જો કે તે ૧૯૭૫માં એપોલો ડોકિંગમાં જોડાયા હતા જે પોતાના અવકાશી અભિયાનો માટે પ્રસિદ્ધ છે.તેમની સેવાઓ માટે સ્લેટનને અનેક માનચાંદ અને ઇનામ અકરામ મળ્યા હતા.નાસાએ તેમને એકસેપ્શનલ સર્વિસ, આઉટસ્ટેન્ડિંગ લિડરશીપ મેડલ આપ્યો છે તો તેમને રાઇટ બ્રધર્સ ઇન્ટરનેશનલ મેન્ડ સ્પેસ ફલાઇટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.સ્લેટન પાસે એવી ફુટેજ છે જે તેઓ ૧૯૫૧માં જ્યારે ટેસ્ટ ફલાઇટમાં હતા ત્યારે લીધી હતી જેમાં દેખાતી વસ્તુ વેધર બલુન જેવી લાગે છે જો કે સ્લેટનનાં જણાવ્યાનુસાર તે વેધર બલુન ન હતું પણ તે એક ઉડતી રકાબી જેવી વસ્તુ હતી.તેમનાં જણાવ્યાનુસાર તે વસ્તુ એકદમ ઉઠી અને ૪૫ ડિગ્રી એંગલ પર પહોંચીને એકાએક જ ગતિમાં આવી ગઇ હતી અને ત્યાંથી અદૃશ્ય થઇ ગઇ હતી અને હું મારા ઓલ્ડ પિસ્ટનવાળા ફાઇટરથી તેનો પીછો કરી શકું તેમ ન હતું આથી હું ત્યાંથી પાછો ઘેર આવી ગયો હતો.આ અનુભવ તેમણે પોતાના પુસ્તક ડેકમાં જણાવ્યો હતો.
૧૫૯૬માં જન્મેલા રેને દેકાર્ત જાણીતા ફ્રેન્ચ ગણિતજ્ઞ, ફિલોસોફર અને વૈજ્ઞાનિક હતા.મેથોડોલોજિકલ સ્કેપ્ટિઝમ અને એનાલિટીક જિયોમેટ્રીની શોધ પણ તેમણે જ કરી હતી.તેમને આધુનિક તત્વજ્ઞાનનાં પિતા પણ કહેવામાં આવે છે.જો કે ડેકાર્ટ તેમનાં આ જ્ઞાન માટે ત્રણ સ્વપ્નને કારણભૂત માને છે.૧૬૧૯માં જ્યારે તેઓ જર્મનીનાં ન્યુબર્ગમાં ગયા ત્યારે તેમને આ શોધોનો આઇડિયા આવ્યો હતો.તેમનાં જણાવ્યાનુસાર કોઇ દિવ્યાત્મા તેમની પાસે આવી હતી અને તેમને આ જ્ઞાન આપ્યું હતું.
ફિલ્મોનાં ઇતિહાસમાં ચાર્લી ચેપ્લીન એક મહત્વપુર્ણ નામ છે. જે તેમનાં સમયનાં જાણીતા નિર્માતા, નિર્દેશક, લેખક, કમ્પોઝર અને ઉત્તમ હાસ્ય અભિનેતા હતા.પોતાની આત્મકથામાં ચેપ્લિને તેમને થયેલા કેટલાક વિચિત્ર અનુભવોનો ઉલ્લેખ કર્યો છે એ સમયે તેઓ તરૂણ વયનાં હતા.તે સમયનો ઉલ્લેખ કરતા ચાર્લીએ જણાવ્યું હતું કે તેઓ વેલ્સમાં એબ્બો વેલનાં મકાનમાં ગયા હતા જ્યાંનાં યજમાને તેમને હ્યુમન ફ્રોગ એટલે કે દેડકા જેવા માનવીને જોવાની ઓફર કરી હતી જેનું નામ ગિલ્બર્ટ હતું.ચાર્લીએ તેનું વર્ણન કરતા જણાવ્યું હતું કે ગિલ્બર્ટ અરધો મનુષ્ય જેવો હતો જેના પગ ન હતા તેનું માથુ સપાટ હતું મોઢુ વિશાળ હતું અને તેના હાથ અને ખભા સ્નાયુબદ્ધ હતા.ચાર્લીએ જણાવ્યું હતું કે તે જ્યારે તેની સામે આવ્યો ત્યારે તે ડરી ગયા હતા.જો કે ચાર્લીની આ વાત જો કોઇ બીજાએ કરી હોત તો તે ગપગોળો જ ગણાત પણ ચાર્લીએ જે ગિલ્બર્ટનું વર્ણન કર્યુ તે હ્યુમન ફ્રોગ તરીકે જાણીતું બન્યું હતું અને જાણીતી સિરિયલ એકસ ફાઇલ્સે તેના પરથી જ હોમ નામનો એપિસોડ બનાવ્યો હતો.
યુનાઇટેડ કિંગડમનાં કિંગ જર્યોર્જ પાંચમાને તેમની સેવાઓ બદલ યાદ કરાય છે.૧૮૮૧માં કિંગ જર્યોજ અને તેમનો ભાઇ પ્રિન્સ આલ્બર્ટ ઓસ્ટ્રેલિયામાં હતા અને તેમનાં આ પ્રવાસની યાદો ત્યારબાદ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઇ હતી.આ પુસ્તકમાં અગિયારમી જુલાઇની એક ઘટનાનું વર્ણન છે જેમાં જણાવાયું હતું કે સવારે ચાર વાગે ફલાઇંગ ડચમેન અમારી પાસેથી પસાર થયું હતું.આ વહાણનું વર્ણન કરતા તેમણે લખ્યું છે કે આખા જહાજને કોઇ વિચિત્ર લાલ રોશની પ્રકાશિત કરતી હતી.જ્યારે તેમણે આ જહાજની પાસે જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે જહાજ અદૃશ્ય થઇ ગયું હતું.તે જહાજ જ્યાં જોવા મળ્યું હતું તેની પાસે તેઓ જ્યારે ગયા ત્યારે ત્યાં કોઇ જહાજ હોવાની નિશાની જ ન હતી.ત્યાંથી દુર દુર પણ કોઇ જહાજ હોવાનું જણાયું ન હતું ત્યારે સમુદ્ર શાંત હતો અને રાત્રિ પણ સ્વચ્છ હતી.તેમનાં જણાવ્યાનુસાર એક કલાક બાદ એ જહાજ જોનાર એક ખલાસી નીચે પટકાયો હતો અને સમુદ્રમાં ગરકાવ થઇ ગયો હતો.
અબ્રાહમ લિંકને પોતાનાં પુસ્તક રીકલેકશન ઓફ અબ્રાહમ લિંકનમાં પોતાના કેટલાક અનુભવો વિશે વાત કરી છે જે તેમનાં વિશ્વાસપાત્ર અંગરક્ષક વાર્ડ હિલ લેમને લખી હતી.લેમનનાં જણાવ્યાનુસાર લિંકને તેમને તે જ્યારે અમેરિકાનાં સોળમા રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા તે રાત્રિએ થયેલા એક વિચિત્ર અનુભવની વાત કરી હતી.તે ત્યારે રૂમમાં એકલા હતા અને તેમણે ત્યારે રૂમમાં રહેલા અરીસા પર નજર નાંખી ત્યારે તેમને તેમનાં જ ચહેરાનાં બે રૂપ નજરે પડ્યા હતા.જેમાં એક ચહેરો અત્યંત પ્રકાશિત અને તાજગીસભર હતો જ્યારે બીજો ચહેરો એકદમ પીળો પડી ગયેલો હતો.લિંકનને આ અનુભવોએ તેમની પાછલી વયમાં ભારે પરેશાન કરી નાંખ્યા હતા.ખાસ કરીને તેમનાં મૃત્યુનાં સમયગાળા દરમિયાનનાં સમયમાં તેઓ આ વાતે ભારે ચિંતિત રહેતા હતા તેવું વાર્ડ લેમને પણ નોંધ્યું હતું જેને તેમણે રીકલેકશન ઓફ અબ્રાહમ લિંકનમાં પણ સ્થાન આપ્યું હતું. ૧૯૫૩માં એડમંડ હિલેરી અને તેનજિંગ નોર્વેએ પહેલીવાર એવરેસ્ટ સર કર્યુ હતું.જો કે હિલેરીએ આ પહેલા પણ ન્યુઝીલેન્ડનાં સૌથી ઉંચા પર્વત પર પોતાનાં પગ માંડ્યા જ હતા.હિલેરીએ એવરેસ્ટ પરનાં પોતાના અનુભવોને પોતાના પુસ્તક હાઇ એડવેન્ચરમાં સ્થાન આપ્યું હતું.તેમણે તેમાં જણાવ્યું હતુ કે અમે ચઢાણ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ શેરપા રોકાઇ ગયો હતો અને તેણે ખડક પરથી કોઇ વસ્તુ ઉઠાવી હતી અને બીજા શેરપાને આપી જે જોઇને તે ડરી ગયો હતો ત્યારે મે તેમને પુછ્યું કે તે શું હતું ત્યારે તેણે મારા હાથમાં લાંબા વાળનો ગુચ્છો મુક્યો હતો જ્યારે તેને એ વિશે પુછ્યું ત્યારે તેણે એ વાળ યેતિનાં હોવાનું જણાવ્યું હતું.જો કે મને તેની વાત સાચી લાગી ન હતી પણ આટલા ઉંચાઇવાળા સ્થળ પરથી વાળ મળવા પણ એક વિચિત્ર વસ્તુ જ હતી.ત્યારે મે મારા સાથીદાર જર્યોર્જ લોવ સાથે વાત કરી પણ શેરપા તેની પાસે આવ્યો અને તે વસ્તુને ત્યાંથી દુર ફેંકી દીધી હતી.આ વાતની અસર હિલેરી પણ થઇ હતી અને તેણે ત્યારબાદ યેતિ અંગે તપાસ કરી હતી પણ તેના અસ્તિત્વનાં કોઇ પુરાવા તેમને હાથ લાગ્યા ન હતા અને તેમણે પોતાનાં આ સંશોધનો અંગે ૧૯૬૧માં લાઇફ મેગેઝીન સાથે વાર્તાલાપ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રાણી માત્ર માયથોલોજીમાં અસ્તિત્વ ધરાવે છે.જો કે એવરેસ્ટની ટોચ પાસે મળેલા એ વાળ અંગે તેઓ પણ આશ્ચર્યચકિત હતા.
બીજા વિશ્વયુદ્ધ અને ગ્રેટ ડિપ્રેશનનાં ગાળામાં કેનેડાનાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે વિલિયમ લિયોન મેકેન્જીએ વીસ વર્ષ શાસન કર્યુ હતું.જો કે મેકેન્જી તેમનાં શાસન કરતા તેમની વિચિત્ર માન્યતાઓને કારણે વિખ્યાત છે તેમને મરેલા લોકો નજરે પડતા હતા.તે પોતાના નિર્ણયો લેવા માટે અંધશ્રદ્ધાનો સહારો લેતા હતા.તે પોતાના અનુભવોને લખી રાખતા હતા અને તેમને રાત્રે સપનામાં મૃત લોકો મળતા હતા અને તેમની સાથે વાતચીત કરતા હોવાનું તેમણે જ નોંધ્યું છે.તેમની આત્મકથા લખનાર એલન લેવિને પણ જણાવ્યું છે કે એક રાજકીય પક્ષનો નેતા કઇ રીતે આ પ્રકારની નોનસેન્સ બાબતોમાં પોતાનો સમય વ્યતિત કરી શકે છે પણ એ હકીકત છે તે આ પ્રકારની બાબતોમાં જ રચ્યા પચ્યા રહેતા હતા.

Related posts

પાણી પરમેશ્વરે સજીવ સૃષ્ટિને આપેલી અણમોલ ભેટ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપતું નિવેદન

aapnugujarat

આગામી ચુંટણી ટ્રમ્પ માટે પડકાર સમાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1