મધ્ય પ્રદેશના મંદસોરમાં ખેડૂત આંદોલને લૂંટફાટ અને હિંસક વળાંક ધારણ કર્યું છે. દેખાવકારોએ એક ટોલ પ્લાઝામાં તોડફોડ મચાવવાની સાથે આઠથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આ અગાઉ દેખાવકારોએ દારુની દુકાનો અને બસોને નિશાન બનાવી હતી.
હિંસક સ્વરૂપ ધારણ કરનાર મંદસોર ખેડૂત આંદોલનને શાંત પાડવામાં સરકારને હજુસુધી સફળતા સાંપડી નથી. સરકારે આ સાથે મંદસોર અને તેના આસપાસના વિસ્તારોમાં આરએએફ સહિત અન્ય દળોની છ કંપનીઓ તૈનાત કરી છે. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ૧,૧૦૦ જેટલા સુરક્ષા કર્મચારીઓ ખડેપગે છે. મધ્ય પ્રદેશ સરકારે મંદસોર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે.
દેખાવકારોએ બુધવારે ટ્રાફિક જામમાં સપડાયેલા વાહનોને નિશાન બનાવ્યા હતાં. દેખાવકારોએ મોટા વાહનોમાં લૂંટ ચલાવવાની સાથે ૧૫ કરતાં વધારે લકઝરી બસોમાં આગ ચાંપી હતી. પોલીસ પણ દેખાવકારોના રોષનો ભોગ બની હતી અને હિંસક હુમલામાં અત્યાર સુધી ૧૨ કરતાં વધારે પોલીસને ઈજા થઈ છે. આટલું જ ઘટનાના કવરેજ માટે આવેલા પત્રકારોને પણ દેખાવકારોએ નિશાન બનાવ્યા હતાં.