Aapnu Gujarat
બ્લોગ

મે તો તને અવિરત પ્રેમ જ કર્યો ને તે કર્યો વિશ્વાસઘાત… વિશ્વાસઘાત… વિશ્વાસઘાત…

ફુલગુલાબી શિયાળાની ઠંડી વિદાય લઈ રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ગરમી ધીમે ધીમે વધી રહી છે અને અનેક લોકો શીતળતાની શોધ કરી રહ્યા છે. નિલય નામનો યુવાન ગરમીથી કંટાળીને આપણા પાટનગર જેવા હરિયાળા સ્થાનની શોધ કરી રહ્યો છે. પરંતુ નિલયને સોશિયલ મીડિયા દ્વારા શીતળતાનો અનુભવ થાય છે. નિલય અને ચૈતાલીની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થાય છે અને બંને એકબીજા સાથે મિત્ર તરીકે વાતચીત કરવાનું શરૂ કરે છે. થોડા દિવસોની વાતચીત બાદ નિલય ચૈતાલી પાસે મોબાઈલ નંબર માગે છે પરંતુ ચૈતાલી હું કોઈને મારો મોબાઇલ નંબર આપતી નથી તેમ કહી નંબર આપવાનું ટાળે છે. હસમુખી અને સુંદર દેખાતી ચૈતાલી નિલયને નંબર આપવાની સ્પષ્ટ ના પાડી રહી હોય છે ત્યારે નિલય ચૈતાલીને મેસેજ કરીને પોતાનો નંબર આપે છે અને ચૈતાલીને તેનો નંબર પણ મેસેજ કરે છે. પોતાનો નંબર જોઈ આશ્ચર્ય સાથે ચૈતાલી પૂછે છે કે મારો નંબર તમે ક્યાંથી લાવ્યા ત્યારે નિલય સહજતાથી કહે છે તે જાતે જ તારો નંબર સોશિયલ મીડિયા પર બધા જોઈ શકે તે રીતે મૂક્યો છે. નિલયના કહેવાથી ચૈતાલી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મોબાઈલ નંબર ડીલીટ કરે છે અને અહીંથી નિલય તથા ચૈતાલીની મિત્રતાની શરૂઆત થાય છે. નિલય અને ચૈતાલી સમય કાઢીને એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્તમ સમય પસાર કરી રહ્યા છે અને સતત સંવાદ કરી રહ્યા છે. પોતાના વ્યક્તિગત જીવન થી લઇ પોતાના શોખ અને વ્યવસાય સહિતની બધી જ બાબતોની વાત બંને સાથે મળીને કરી રહ્યા છે અને સતત સંવાદના કારણે નિલય અને ચૈતાલી એક બીજાને વધુ નજીક આવી રહ્યા છે. ચૈતાલીને હવે નિલયનો અવાજ સાંભળવાની ટેવ પડી રહી છે અને નિલયને પણ ચૈતાલી સાથે સમય પસાર કરવાની આદત બની ગઈ છે. સવારમાં જેવી પથારીમાં આંખ ખૂલે કે તરત જ નિલય ચૈતાલીને અને ચૈતાલી ઉઠવાની સાથે જ નિલયને મેસેજ કરવાનું નથી ભૂલતી. એમ કહી શકાય કે ભગવાનની પણ પહેલા એકબીજાને યાદ કરી રહ્યા છે.
ચૈતાલી થોડી નિરાશ જણાતા નિલયે પૂછ્યું કે શું તું આજે ખુશ નથી? ચૈતાલીએ ચતુરાઈથી જવાબ આપ્યો કે હું તો ખુશ જ છું અને મારા કારણે બધા ખુશ છે. ચૈતાલીના ભાવાર્થને નિલય સમજી ના શક્યો અને તે ચૈતાલી ને ખુશ રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યો. નિલય પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સતત ચૈતાલી સાથે વાત કરવા લાગે છે અને તેની ચિંતા પણ કર્યા કરે છે. ચૈતાલી અને નિલય સોશિયલ મીડિયા ઉપરાંત મોબાઈલ પર પણ કલાકો સુધી વાતચીત કરી રહ્યા છે અને હવે બંને વિડીયો કોલ કરીને સાથે હોવાનો અહેસાસ પણ મેળવી રહ્યા છે. વિડીયોકોલના કારણે બંને એકબીજાથી વધુ નજીક આવી રહ્યા છે અને નિલયે ચૈતાલીને કહ્યું કે તું મને ગમે છે. ચૈતાલીએ કહ્યું કે તમે પણ મને ગમો છો પણ હું તમને પ્રેમ કરતી નથી. એક મિત્ર તરીકે તમે શ્રેષ્ઠ વ્યક્તિ છો પરંતુ મારા મનમાં આપના પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રેમ નથી. ચૈતાલીને પ્રત્યુત્તર આપતા નિલયે કહ્યું કે હું તો તને અનહદ પ્રેમ કરી રહ્યો છું, તું મને પ્રેમ કરે કે ન કરે એનો કોઈ ફરક પડતો નથી. આ સાંભળીને ચૈતાલી હસી પડે છે અને કહે છે કે તમે પ્રેમ કરતા રહેજો હું તમને પ્રેમ નથી કરતી. પરંતુ નિલય ચૈતાલીના ગર્ભિત અર્થને સમજી શકતો નથી અને પ્રેમના દરિયામાં વધુને વધુ તણાઈ રહ્યો છે. હવે નિલય ચૈતાલીને મળવાનું કહે છે ત્યારે વ્યસ્તતાના કારણે ચૈતાલી મળવાની ના પાડે છે અને સમય આવશે ત્યારે મળીશું એમ જણાવે છે. ચૈતાલી ને એક વખત રૂબરૂ મળીને જોવાની નિલયને તીવ્ર ઈચ્છા છે અને જ્યારે અમદાવાદ આવે છે ત્યારે ચૈતાલીને ફોન કરે છે કે હું આજે અમદાવાદ આવ્યો છું અને તને મળવા માગું છું. ચૈતાલી પણ લઈને મળવાની હા પાડે છે અને કહે છે કે તમે આવી જાઓ પરંતુ થોડી રાહ જોવી પડશે. નિલય અમદાવાદથી પાટનગરની બસ પકડી ચૈતાલીને મળવા માટે નીકળી પડે છે. નક્કી કરવામાં આવેલા સમય કરતાં એક કલાક વહેલો નિલય પહોંચી જાય છે અને પોતાની પ્રીયતમા ચૈતાલીની રાહ જોઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા સતત સંપર્કમાં રહે છે અને ચૈતાલીને જોવાની આતુરતા વધી રહી છે. તમે થોડીવાર બેસો મારે અડધો એક કલાકનું મોડું થશે એમ ચૈતાલી કહે છે ત્યારે નિલય હસીને કહે છે કે તું કહે એટલો સમય રાહ જોવા માટે તૈયાર છું. બાકડા પર હાથમાં મોબાઈલ લઈ નિલય બેઠો હોય છે ત્યારે અચાનક જ તેની પાછળ આવીને એક યુવતી ઊભી રહી જાય છે. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ નિલયની પ્રેમિકા ચૈતાલી છે. એકદમ સરળ સ્વભાવ, ચહેરા પર મંદ મંદ હાસ્ય અને જાણે લાગણીનો દરીયો વરસાવી રહી હોય તેવી ચૈતાલીને પ્રથમ વખત નિહાળીને નિલય ખુબ જ આનંદિત થઇ જાય છે. ચૈતાલી પાસે સમય ઓછો હોવાના કારણે અને સમયસર ઘરે પહોંચવાનું હોવાથી એકાદ પળની મુલાકાત બાદ બંને રિક્ષામાં બેસે છે. રિક્ષામાં પ્રથમ વખત નિલય ચૈતાલીનો હાથ પકડે છે અને પ્રથમ સ્પર્શને યાદ રાખે છે. 10 મિનિટની ટૂંકી પરંતુ યાદગાર મુલાકાત પછી નિલય અને ચૈતાલી છુટા પડે છે અને ફરી મળીશું તેમ કહી રહ્યા છે. પ્રથમ મુલાકાત પછી ચૈતાલી નિલયને પ્રેમ કરતી હોવાનું સ્વીકારે છે અને નિલયને પોતાનો પ્રેમી માને છે. પ્રેમની આગ બંને તરફથી લાગી હોય તેવું લાગી રહ્યું છે. નિલય ચૈતાલી સાથે ભવિષ્યના સપનાઓ જોઇ રહ્યો છે. ચૈતાલી નિલયને ભવિષ્યની બહુ ચિંતા ન કરવા અને સપનાઓ ન જોવાનું રહી છે અને કહે છે કે જ્યારે મળીએ ત્યારે જે થવાનું હશે તે આપોઆપ થઈ જશે. નિલય ગળાડૂબ પ્રેમમાં ડૂબી ગયો છે અને આખો દિવસ ચૈતાલીના વિચારોમાં ખોવાયેલો રહેવા લાગે છે ત્યારે અચાનક જ નિલયના માથે આભ તૂટી પડે તેવી ઘટના સર્જાય છે. નિલય ચૈતાલી સાથે વાત કરી રહ્યો હોય છે ત્યારે ચૈતાલીના મોબાઈલ પર એક અન્ય વ્યક્તિનો ફોન આવે છે અને આ ફોન ચૈતાલીની ભુલના કારણે નિલય પણ સાંભળી જાય છે. ચૈતાલી કોઈ અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા સહિતની બિન્દાસ વાતો કરી રહી છે અને આ બધી વાતો નિલય ચૂપચાપ સાંભળી રહ્યો છે. નિલયના હૃદય પર વજ્રઘાત થયો હોય તેવો આઘાત અનુભવાયો છે. ચૈતાલી જ્યારે નિલય સાથે વાત કરવા જાય છે ત્યારે નિલય સ્પષ્ટ કહી દે છે કે હવે શું વાત કરવાની. મેં તારો આખો કોલ સાંભળી લીધો છે અને એ જે વાતો કરી એ બધી મેં સાંભળી લીધી છે. નિલય ચૈતાલી ને સ્પષ્ટ કહી દીધું મેં તો તને અવિરત પ્રેમ કર્યો ને તે કર્યો વિશ્વાસઘાત… વિશ્વાસઘાત… વિશ્વાસઘાત… ચૈતાલી નિલયને સમજાવતા કહે છે કે તમે સાંભળી શકો તે માટે જ મેં જાણી જોઈને આ બધી વાત કરી હતી. હું બે વર્ષથી તેના પ્રેમમાં છું. નિલય ચૈતાલીને સ્પષ્ટ કહી દીધું કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને તું જેને પ્રેમ કરે છે તેની સાથે રહે, હવે તારી અને મારી વચ્ચે કોઈપણ પ્રકારના પ્રેમના સંબંધો રહ્યા નથી. એક સાથે બે યુવકોના પ્રેમમાં પડેલી ચૈતાલી સાથેના નિલયના પ્રેમાળ સંબંધોનો આખરે કરુણ અંત આવે છે. ચૈતાલીના જીવનમાંથી નિલય દુર થાય છે અને ચૈતાલી તેના પ્રથમ પ્રેમી સાથે સબંધ જાળવી રાખે છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

Related posts

!! कल बीयर पंचमी है !!

aapnugujarat

પુરૂષોને તેમનાં કરતાં ઓછી વયની મહિલા પસંદ પડે છે : સર્વે

aapnugujarat

કોરોનાએ હિંદુ મુસ્લિમના વાડા ભૂલાવી દીધાં

editor

Leave a Comment

UA-96247877-1