ચીનના સરકારી અખબારે ભારતને રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા અને તેને આધુનિક બનાવવા માટે ચીન સાથે સહયોગ કરવાની સલાહ આપી છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે,ભારત જો દુનિયાના સૌથી સઘન રેલવે નેટવર્ક અને એડવાન્સ્ડ ટેક્નોલોજીવાળા દેશ ચીનની સાથે સહયોગ કરે છે, તો તે પોતાની રેલવેની અપગ્રેડેશન પ્રોસેસ ઝડપી બનાવી શકે છે.
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતની જીવનરેખા ગણાતી ભારતીય રેલવે સંદર્ભે ભારત સરકારને સલાહ આપી છે. ભારતીય રેલવેની દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા હોવાનું ગ્લોબલ ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે. ચીનના અખબારના અહેવાલ મુજબ, દરરોજ ૧૯ હજાર ટ્રેનો દ્વારા ૨.૩ કરોડ પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાનો પર આવન-જાવન કરે છે અને ત્રીસ લાખ ટન માલસામાનનું પરિવહન પણ કરે છે.
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની એડવાન્સ્ડ ટેક્નોલોજી અને માળખાગત સુવિધાના નિર્માણના અનુભવને જોતા ચીન સાથે સહયોગથી ભારત જેવા દેશોને આગળ વધવાનો નાનો માર્ગ મળશે. જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં ટ્રેનોના પાટા પરથી ઉથલી પડવાથી ઓછામાં ઓછા ૩૬ લોકોના જીવ ગયા હતા. તેના બે માસ પહેલા ઉત્તર ભારતમાં ટ્રેન પાટા પરથી ઉથલી જવાની એક દુર્ઘટનામાં દોઢસો લોકોના જીવ ગયા હતા.ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, જીર્ણ-શીર્ણ માળખાગત ઢાંચો અને ખરાબ પ્રબંધન આવી દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. તેનું કહેવું છે કે આ દુર્ઘટનાઓને કારણે ભારત સરકારે આગામી પાંચ વર્ષોમાં રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા માટે ૧૩૭ અબજ ડોલરના રોકાણનો સંકલ્પ લીધો છે. ભારતે કહ્યું છે કે તેને ચીનની બરાબરી કરવા માટે આગામી ત્રીસ વર્ષોમાં રેલવે ક્ષેત્રમાં મોટું રોકાણ કરવાની જરૂરત છે. ચીનના અખબારનું સૂચન છે કે વધી રહેલા કર્જના કારણે કોઈ ચિંતા હોવી જોઈએ નહીં.. કારણ કે માળખાગત રિનોવેશનનો અભિન્ન હિસ્સો છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ગત દશકમાં ટેક્નોલોજી અને સ્ટાન્ડર્ડમાં પશ્ચિમી દેશોને પાછળ રાખીને ચીને નવું હાઈસ્પીડ રેલવે નેટવર્ક વિકસિત કર્યું છે.
આગળની પોસ્ટ