Aapnu Gujarat
શિક્ષણ

આરટીઇ હેઠળના પ્રવેશની ખરાઇ માટે ઘેર ઘેર તપાસ

રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટ હેઠળ ધોરણ-૧માં હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં કેટલાક કિસ્સામાં વાલીઓએ ખોટા પુરાવા અને પ્રમાણપત્રોના આધારે તેમના સંતાનોને શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ અપાવ્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેને પગલે રાજય સરકાર દ્વારા રાજયના તમામ ડીઇઓ અને ડીપીઇઓને એક પરિપત્ર મારફતે આરટીઇ હેઠળ પ્રવેશ પામનાર તમામ વિદ્યાર્થીઓની વિગતો અને પુરાવાઓની ચકાસણી કરવા આદેશ કરાયો છે. સરકારના આ આકરા હુકમને પગલે ખોટી રીતે પ્રવેશ મેળવનાર વાલીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, ડીઇઓ અને ડીપીઇઓ સત્તાવાળાઓએ આ અંગે સઘન તપાસની કાર્યવાહી આરંભી છે. રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજયના તમામ ડીઇઓ અને ડીપીઇઓને ઉદ્દેશીને કરાયેલા તપાસના હુકમોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ચકાસણી માટેના દસ જેટલા મુદ્દાઓ અપાયા છે. જેમાં મકાનની વિગતથી લઇ, ઘરમાં એ.સી, ફ્રીઝ સહિતની હાઇફાઇ સુવિધા છે કે કેમ અને ઘરનું લાઇટ બીલ કેટલું આવે છે તે સહિતની તમામ બાબતોની ચકાસણી કરવા અને તેની નોંધ કરવાની તાકીદ કરાઇ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકોને શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે આરટીઇની પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન હાથ ધરાઇ હતી અને રાજયભરમાંથી કુલ ૬૪ હજાર વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ કાયમી પ્રવેશ ફાળવાયો હતો. પ્રવેશ ફાળવણીની પ્રક્રિયા બાદ વાલીઓએ તેમના સંતાનોના પ્રવેશ જે તે સ્કૂલમાં કન્ફર્મ કરાવ્યા હતા. બીજીબાજુ, પ્રવેશ કન્ફર્મ થયા બાદ રાજયના શિક્ષણવિભાગને એવી ગંભીર ફરિયાદો મળી હતી કે, ઘણા કિસ્સામાં વાલીઓએ ખોટા પુરાવા અને વિગતોના આધારે ગરીબ બાળકોના હક્કની ૨૫ ટકા અનામત બેઠકો પર આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી લીધો છે. જેને પગલે ખરેખર જે જેન્યુઇન વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ મેળવવાને હકદાર હતા, તેઓ પ્રવેશથી વંચિત રહી ગયા અને જેઓને ફી કે અન્ય ખાનગી સ્કૂલોમાં પ્રવેશ પોષાય તેમ છે છતાં તેવા વાલીઓએ વધુ ફી ભરવી ના પડે તેની લાલચમાં ખોટી રીતે પ્રવેશ મેળવી લીધા છે. જેથી રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે તાબાના તમામ અધિકારીઓને આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ અને ચકાસણી હાથ ધરવાના આદેશો આપ્યા હતા. સરકાર તરફથી આ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ આપી દેવાઇ છે. જે મુજબ, આરટીઇ હેઠળના પ્રવેશની તપાસ અને ચકાસણી માટે, કેળવણી નીરીક્ષક, હેડ ટીચર, માધ્યમિક શાળાના આચાર્ય, કારકુન સહિતના કર્મચારીની એક ટીમ બનાવવાની રહેશે. દરેક ટીમમાં બે સભ્યો રહેશે અને તેમણે તા.૩૧મી જૂલાઇ સુધીમાં જિલ્લાના તમામ બાળકોની ચકાસણી પૂર્ણ થાય તે પ્રકારે પૂરતી સંખ્યામાં જિલ્લાવાર ટીમની રચના કરી વિદ્યાર્થીઓ-વાલીઓના ઘેર-ઘેર જઇ અને જરૂર જણાય તો સ્કૂલમાં જઇને પણ આધાર-પુરાવાની તપાસ-ચકાસણી કરવાની રહેશે અને આખરી અહેવાલ સરકારમાં સુપ્રત કરવાનો રહેશે.

Related posts

વિવિધ શિક્ષણમાં ૬૬૬ કરોડના કામોની ભેટ

aapnugujarat

ધો. ૧૦નું પરિણામ ૨૪ જૂન સુધી જાહેર થવાની સંભાવના

editor

आरटीई को लागू नहीं स्कूलों के विरूद्ध कार्यवाही : हाईकोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1