Aapnu Gujarat
બ્લોગ

ભાજપમાં અમિત શાહ નંબર-૨

નરેન્દ્ર મોદીએ શુક્રવારે બીજી વખત ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. મોદીના કેબિનેટમાં આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. અમિત શાહ મંત્રીમંડળમાં સામેલ થાય તે વાત નવાઈ પમાડે તેવી નથી. છેલ્લા થોડા દિવસોથી જે પ્રકારના સમીકરણો બની રહ્યા હતા તેના પરથી અમિત શાહનો કેબિનેટમાં પ્રવેશ નક્કી જ માનવામાં આવતો હતો.અમિત શાહ ૧૯૮૦ના દશકાથી મોદીના સૌથી વિશ્વાસપાત્ર સાથી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેએ ગુજરાતમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગુજરાતમાંથી શરૂ થયેલી સફળતા દિલ્હી સુધી પહોંચી છે. અમિત શાહના પ્લાનિંગને કારણે જ ભારતીય જનતા પાર્ટી ઝડપથી આગળ વધી છે. શાહને કેબિનેટમાં સ્થાન મળશે તેવી અટકળો પહેલાથી જ લગાવવામાં આવતી હતી. તાજેતરમાં બનેલી અમુક ઘટનાઓએ એ સાબિત કરી દીધું હતું કે અમિત શાહ હવે બીજા કોઈ રોલમાં પણ જોવા મળશે.અમિત શાહે જ્યારથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારથી જ સરકારમાં તેમની ભૂમિકા હશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. પોતાની રાજ્યસભાની બેઠક છોડીને લોકસભામાંથી પ્રતિનિધિત્વ કરવાના નિર્ણય પરથી જ અંદાજ લગાવી શકાતો હતો કે તેઓ સક્રિય અને વહીવટી તંત્રમાં આવી રહ્યા છે. તેમણે પોતાના દમ પર ગુજરાતની ગાંધીનગર બેઠક પર રેકોર્ડબ્રેક જીત મેળવી હતી.બીજો સંકેત ત્યારે જોવામાં આવ્યો જ્યારે બીજેપીની જીત બાદ અમિત શાહ અને પીએમ મોદી સતત સાથે જોવા મળ્યાં હતાં. ૨૩મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મોદી-શાહની જોડી કાર્યકરોનું અભિવાદન કરવા અને તેમને સંબોધીત કરવા એક સાથે બીજેપીના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. બંને નેતાઓએ પોત પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી અને ગાંધીનગરની પણ સાથે જ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીમંડળ તૈયાર કરવામાં પણ બંનેની ખાસ ભૂમિકા રહી છે.ત્રીજો સંકેત હકીકતમાં ઇતિહાસની એક શીખ છે. જ્યારે ૨૦૦૨માં અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી માટે રસ્તો તૈયાર કર્યો હતો ત્યારે તેમને ૧૦ ખાતાઓની જવાબદારી આપીને ઇનામ આપવામાં આવ્યું હતું. આ વિભાગમાં ગૃહ, કાયદો અને ન્યાય, જેલ, સીમા સુરક્ષા વગેરે સામેલ હતા. હવે ચૂંટણીમાં બીજેપીની મોટી જીત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમના માટે કેબિનેટમાં સ્થાન પાક્કું થઈ ગયું છે.આ ઉપરાંત મોદી અને અમિત શાહ એકબીજા પર ખૂબ વિશ્વાસ ધરાવે છે. ૨૦૧૪માં બીજેપીની જીત બાદ ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં મોદીએ કહ્યું હતું, અમિત સાહ મેન ઓફ ધ મેચ છે. જો અમિત શાહને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં ન આવતી તો દેશને તેમના કૌશલ્યની જાણ ન થતી. હું શાહને ઘણા લાંબા સમયથી વ્યક્તિગત રીતે જાણું છું. તેઓ પોતાની નવી જવાબદારીમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે અને મને તેમાં કોઈ શંકા નથી.નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ૨૦૧૪ ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો હતો.ત્યારબાદ આ બંન્ને નેતાઓની પકડ દેશનાં રાજકારણ પર મજબૂત થઈ ગઈ છે. જેની અનુભૂતિ દિનપ્રતિદિન થતી રહે છે. જો તમે નરેન્દ્ર મોદીને મગજ ગણતા હોવ, તો અમિત શાહની ભૂમિકા તે સ્નાયુઓની છે. જે સપાટી પરના તેમના વિચારોને જમીની હકીકતમાં બદલી નાખે છે.મગજ અને શક્તિની આ જોડીએ આરએસએસના કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને મહદઅંશે પૂર્ણ કરી બતાવ્યું છે. દેશને ભગવા રંગમાં રંગી નાખ્યો છે. બાવન વર્ષના અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ મહિને ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ સફરમાં તેમની પાસે થવા માટે ઘણાં કારણો છે.૧૩ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જ્યારે પાંચ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોની સરકાર સત્તામાં છે. આ દ્રષ્ટિએ અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના સૌથી સફળ પ્રમુખ છે. ઉપરાંત પક્ષે ઉત્તરપૂર્વ રાજ્યોમાં તેના મૂળિયાં મજબૂત બનાવ્યાં છે.શાહની રાજકીય વ્યૂહરચનાને કારણે ભારતીય જનતા પાર્ટીએ આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં જીત હાંસલ કરી. જ્યારે ગોવામાં સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસને પછાડી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળતા મળી. તદુપરાંત પક્ષ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ ભાજપે શિવસેના સાથે ગઠબંધન સરકારની રચના કરી હતી.એટલું જ નહીં, જમ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધનમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાં આવી. ત્યાર બાદ અમિત શાહે ઉત્તરપ્રદેશમાં પક્ષને ભવ્ય વિજય અપાવ્યો. જો કે દિલ્હી અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામોન કરવો પડ્યો. પરંતુ પાછળથી નીતીશ કુમારને પોતાના પક્ષે લઈને અમિત શાહે બિહારના પરાજય ને વિજયમાં બદલી નાખ્યો.દેખીતી રીતે જોવા જઈએ તો, અમિત શાહે નરેન્દ્ર મોદી પાસેથી જે તાકાત મેળવી છે, તે પણ મોદીના ભરોસા પર ખરી ઉતારી છે. જે કંઈ મોદી પોતાના મનમાં વિચારે છે, અમિત શાહ તેને અમલમાં લાવે છે. ધ્યેયને હાંસલ કરવા માટે, બંન્ને નેતાઓ કોઈપણ પ્રકારની પદ્ધતિને અપનાવવામાં અચકાતાં નથી. બંન્ને નેતાઓનો હેતુ માત્ર ધ્યેય હાંસલ કરવાનો છે.ઉદાહરણ તરીકે, અરુણાચલ પ્રદેશમાં ૪૩ ધારાસભ્યોમાંથી ૩૩ ધારાસભ્યોને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી. અગાઉ ઉત્તરાખંડમાં, કોંગ્રેસના મુખ્યમંત્રી હરીશ રાવતની સરકારને અસ્થિર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. બિહાર રાજ્યની વિધાનસભામાં જેડીયુ-ભાજપ સરકારને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પક્ષમાં ભંગાણ પાડવાી યોજના પર પણ કાર્યરત છે.કોઈપણ રાજકીય સર્વેમાં જો સરકાર અને ભાજપમાં નરેન્દ્ર મોદીને સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે, તો અમિત શાહ આ ક્રમમાં બીજા સૌથી શક્તિશાળી રાજકારણી છે. આ વાતનું એક તાજું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. જ્યારે એક કેન્દ્રીય મંત્રી અમિત શાહના એક ફોન કોલ પર રાજીનામું સોંપવા દોડીને ચાલી આવ્યા હતા.આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અને ભારતીય જનતા પાર્ટી માટે એક બહુ મોટા ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. ભારતીય જનતા પક્ષ મોદીની આગેવાનીમાં પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર રચવામાં સફળ રહ્યો હતો.દશકા પહેલાં, નરેન્દ્ર મોદી એક સામાન્ય આરએસએસ કાર્યકર તરીકે જોડાયા અને એલ. કે. અડવાણીના શિષ્ય બન્યા હતા. ૨૦૦૧માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧૩ વર્ષ માટે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આ બ્રાન્ડિંગનું પરિણામ મોદીને વડાપ્રધાન સ્વરૂપે મળ્યું. આ એ જ હોદ્દો હતો જેના પર તેમના તેમના માર્ગદર્શક અને ગુરુ અડવાણી વર્ષોથી નજર માંડી બેઠા હતા અને રાહ જોઈ રહ્યા હતા.શાહના મોદી સાથેના સુદ્રઢ સંબંધોનું કારણ લાંબા સમયથી એકબીજા સાથે લાંબા કામથી કામ કરવું છે. શાહ જાણે છે કે મોદી શું ઇચ્છે છે અને બાકીનું કામ તેમનાચૂંટણી દરમિયાનના અથાગ પરિશ્રમ અને ચૂંટણીલક્ષી જબરદસ્ત વ્યૂહરચનાઓ કરી આપે છે.શાહ એક મહાન વ્યૂહરચનાકાર અને કાર્યક્ષમ આયોજક છે. કાબેલિયતના દમ પર તેઓ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવતા દરેક લક્ષ્યાંકને સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે. વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહ આરએસએસમાં બાળપણમાં જ જોડાયા હતા. મોદી સાથેનો તેમનો પરિચય એંસીના દશકમાં થયો હતો. જ્યારે બન્ને આરએસએસમાંથી ભાજપમાં જોડાયા હતા. ૧૯૯૫માં મોદીએ તે સમયના પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભલામણ કરી શાહને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પેરેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવા મનાવ્યા હતા.જે સમયે ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થયેલા સમાધાન રૂપે નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલવામાં આવ્યા હતા. એ સમયે નરેન્દ્ર મોદીને શાહનું આ પદ ગુજરાત પર નજર રાખવામાં મદદરૂપ થયું હતું.જ્યારે ૨૦૦૧ માં મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શાહનો સુવર્ણકાળ શરૂ થયો. ખાસ કરીને ૨૦૦૨માં ગોધરા ટ્રેન હત્યાકાંડ, ત્યારબાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસા પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત થઇ, ત્યારબાદ શાહનો સુવર્ણકાળ શરૂ થયો હતો.૨૦૦૨ની ભારતીય જનતા પાર્ટીની જીત બાદ જ્યારે મોદી સરકારની રચના થઈ ત્યારે શાહને ૧૦ જેટલા પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા હતા. જેમાં હોમ, લો એન્ડ જસ્ટિસ, જેલ, બોર્ડર સિક્યુરિટી, હાઉસિંગ અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે. શાહે તરત જ ભારતીય જનતા પક્ષને વિશાળ સહકારી ક્ષેત્રે અને રાજ્યની રમત-ગમત સંસ્થાઓ સુધી પહોંચાડ્યો. આ ક્ષેત્રે થતી તમામ સંસ્થાકીય ચૂંટણીઓ એક પછી એક જીતતા રહ્યા. પોતે પણ જંગી માર્જિનથી ચૂંટણીઓ જીતતા રહ્યા.તેમણે કોંગ્રેસ નેતા નરહરિ અમીનના ઇજારા સમાન ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પર નિયંત્રણ મેળવ્યું અને મોદીને આ સંસ્થાના પ્રમુખ તરીકે પસંદ કરાવ્યા. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં, તેમણે નરહરિ અમીનને ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લીધા.શાહની ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટેની રાજકીય વિસ્તરણ યોજના માત્ર સહકારી બૅંકો સુધી જ સીમિત ન હતી. પરંતુ તેમણે જિલ્લાઓની દૂધ ડેરીઓને પણ પક્ષની નજીક લાવવામાં સિંહફાળો નોંધાવ્યો હતો. શાહની આવી જડબેસલાક રાજકીય રણનીતિને કારણે ભાજપ (વાસ્તવમાં મોદી)ને શાહ એવા વિસ્તારો સુધી લઈ જઈ શક્યા જ્યાં ગુજરાતના એક તૃતીયાંશ મતદારો વસે છે.શાહની અત્યંત નજીકના પક્ષના એક નેતા, જે તેમનું નામ આપવા માંગતા નથી તે સમજાવે છે કે, શાહ ખૂબજ ઊંડાણપૂર્વક કામ કરે છે, જ્યાં તેમને ઘુસવાનું હોય ત્યાં તેઓ પૂરો અભ્યાસ કરે છે. કોઈ એક તિરાડ શોધે છે અને પછી હથોડાની જેમ વાર કરીને એ દરારને પહોળી કરે છે, અને આ રીતે તેઓ વિરોધીઓને પછાડી દે છે અથવા તો તેમને તરફેણમાં કરી લ્યે છે.શાહની રાજકીય સફળતા જે રીતે શાનદાર છે તો એમનું પડવું અને પડયા પછી બેઠું થવું પણ એટલુંજ રસપ્રદ છે. સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં તેમનું નામ આવ્યું હતું અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ૨૦૧૦માં તેમની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ તેમને ત્રણ મહિના જેલમાં વિતાવવા પડયા હતા.ઓક્ટોબર ૨૦૧૦માં તેમને જામીન મળ્યા. કોર્ટે તેમને ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા પછી, તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શાહની વિરુદ્ધના કેટલાય કાયદાકીય કેસ દાખલ થયા. પરંતુ આ કેસો રાજકીય કારકિર્દી ના ચડતા ગ્રાફના આડે આવ્યા નહીં.૨૦૧૪ માટેની વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત થયા પછી, મોદીએ પાર્ટીના વડા તત્કાલીન રાજનાથસિંહને કહીને અમિત શાહને ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવા રાજી કર્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને ૮૦ લોકસભાની બેઠકોમાંથી ૭૧ બેઠકો અપાવી શાહે પોતાની પ્રભારી તરીકેની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.મોદીના વડા પ્રધાન બન્યા બાદ, રાજનાથસિંહ કેબિનેટમાં જોડાયા અને શાહે પાર્ટી પ્રમુખનું પદ સંભાળ્યું અને ત્યારબાદ તેઓએ પાછું વળીને નથી જોયું.મોદીના કટ્ટર વફાદાર શાહ અને તેમના સંરક્ષક મોદી પોત-પોતાના સ્વભાવ અને શખ્સિયતની દ્રષ્ટિએ એકદમ જુદા જુદા છે. એક તરફ મોદીની વાક્પટુતા અને એમની રાજકીય તડાક-ભડક મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરવામાં સક્ષમ છે. બીજી બાજુ શાહ ચાર-દિવાલોની વચ્ચે રાજકીય ચક્રવ્યૂહ રચવામાં મહારત ધરાવે છે.શાહ રાજકીય ભીડથી દૂર રહેવાનું પસંદ કરે છે, બોસને સારી રીતે સમજે છે. પ્રધાનમંત્રીના સૌથી વિશ્વસનીય અને મજબૂત હાથ બનવા માટે અથાક પ્રયાસ કરે છે. એમની જમીની હકીકતલક્ષી યોજનાઓ અને કોઈ પણ વિષયને વિસ્તારપૂર્વક રીતે જાણવાની તેમની જિજ્ઞાસાને કારણે સારા પરિણામો સામે આવવા લાગ્યા છે. શાહ પાર્ટીના અધ્યક્ષ રહે કે નહીં, આવનારા લાંબા સમય સુધી તેઓ નરેન્દ્ર મોદીની યોજનાઓનો એક અનિવાર્ય હિસ્સો બનીને રહેશે.નવી મોદી સરકારમાં અમિત શાહ, એસ. જયશંકર ઉપરાંત અનુરાગ ઠાકુર, રાવસાહેબ દાનવે, રમેશ પોખરિયાલ, પ્રતાપચંદ્ર સારંગી જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન પર્ફૉર્મન્સ તથા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને મંત્રીઓ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.રાજ્યવર્ધનસિંહ રાઠોડ, મેનકા ગાંધી, ઉમા ભારતી, જયંત સિંહા, સુરેશ પ્રભુ, રાધા મોહન સિંહ, જગત પ્રકાશ નડ્ડા અને અનુપ્રિયા પટેલને પડતા મૂકવામાં આવ્યા છે.ભાજપના અધ્યક્ષ અમિત શાહ લગભગ બે દાયકાથી વડા પ્રધાન મોદીના વિશ્વાસુ રહ્યા છે.
કેન્દ્ર પહેલાં ગુજરાતમાં મોદી સરકારમાં તેઓ પ્રધાનપદે રહી ચૂક્યા છે. રાજ્યમાં એક તબક્કે તેઓ પંદરથી વધુ ખાતાં સંભાળતા.શાહ વર્ષ ૨૦૧૪માં ભાજપના અધ્યક્ષ બન્યા, તે પછી પાર્ટીએ ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ તથા ત્રિપુરા જેવા રાજ્યોમાં વિસ્તાર કર્યો છે.શાહના નેતૃત્વમાં જ ભાજપને ૩૦૩ બેઠક મળી છે અને એકલાહાથે ૨૭૩નો બહુમતનો આંકડો પાર્ટીએ પાર કર્યો છે.

Related posts

આજની યુવાપેઢી એકાકી છે કે પછી…

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

તેણે ફક્ત મોબાઇલ નંબર માગ્યોને મે પ્રેમમાં આખુ જીવન સમર્પિત કરી દિધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1