Aapnu Gujarat
બ્લોગ

આજની યુવાપેઢી એકાકી છે કે પછી…

છેલ્લાં કેટલાંય સમયથી મહિલાઓમાં એકલા રહેવાની ફૅશન વધી છે. ખાસ કરીને મહાનગરોમાં તો હવે યુવતીઓ એકલી જ રહેવા ટેવાવા લાગી છે. જોકે તે માટે એક કરતા વધુ કારણો જવાબદાર છે. સામાન્ય રીતે જ્યારે પણ એકલા રહેવાની વાત આવે ત્યારે આ હક માત્ર પુરુષોનો ગણાતો હતો પરંતુ હવે સમય બદલાયો છે અને મહિલાઓ પણ એકલી રહેવા લાગી છે જાણે એકલા રહેવાની ફેશન જ લોકપ્રિય બની હોય.
જ્યારે પણ એકલા રહેવાની વાત આવે ત્યારે માતાપિતા માટે આ બાબત માથાના દુખાવા સમાન બની રહે તે નક્કી છે. કેમ કે દરેક માતાપિતા પોતાના બાળકો માટે રક્ષણાત્મક અભિગમ અપનાવતા હોય છે અને તેઓ પોતાના બાળકો માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે પ્રયત્ન કરતા હોય છે. બાળકના જન્મથી માંડી તેના લગ્ન સુધી માતાપિતા બાળકમાં પોતાના સ્વપ્ન જોતા હોય છે. જો દિકરો હોય તો માતાપિતા તેના લગ્ન માટે અને તેના કેરિયર માટે ચિતિંત હોય છે અને સાથે સાથે તેના ઉજ્વળ ભવિષ્ય માટે પણ પ્રયત્ન કરતા હોય છે પરંતુ જ્યારે પુત્ર કે પુત્રી આ રીતે સ્વતંત્ર રહેવાની વાત કરે ત્યારે તે બાબત માતા પિતા માટે અસહ્ય થઇ પડતી હોય છે. અત્યારની યુવાપેઢી લગ્ન તરફ મ્હોં મચકોડી રહી છે તે પણ માતા પિતા માટે તકલીફ દાયક હોય છે.આજના જમાનામાં સક્સેસફુલ, એમ્બિશિયસ, હાઇલી પેઇડ,વેલ સેટલ્ડ અને મોસ્ટ એલીજીબલ કહી શકાય તેવા યુવાનો એકલા રહેવા ઇચ્છે છે. અને પોતાના માતાપિતાના સ્વપ્ન સાકાર કરવા રાજી નથી. હા આજના જમાનાની એ કડવી વાસ્તવિકતા છે કે આજના યુવાનો લગ્ન કરવા તૈયાર જ હોતા નથી. અઢળક પૈસો, મિત્રોની જમાવટ, સ્ટેટસ,ક્લબ અને ડિસ્કોથેક તેઓને ઘોડે ચડતા અટકાવે છે. લગ્નના મધુર સ્વપ્ન તેઓને લલચાવતા નથી પરંતુ બીવડાવે છે. યુવાનો જણાવે છે કે તેઓ આ માટે માનસિક રીતે તૈયાર નથી. તેઓએ નવાઇફ માટે નવું નામ પણ પાડી દીધુ છે કે વરીઝ ઇન્વાઇટેડ ફોર એવર.આજના યુવાનો કેમ લગ્ન કરવા માંગતા નથી. એવું તો નથી ને કે જીમમાં જઇને કસરત કરતાં આ યુવાનો સ્ટ્રોંગ દેખાય છે, બોડી બિલ્ડર દેખાય છે પરંતુ માનસિક રીતે એટલા મજબુત નથી કે પરિવાર ચલાવી શકે કે પોતાના બળે એક પરિવારનો પાયો નાખી શકે. કે પછી પોતાની કેરિયરમાં કોઇ પણ સમસ્યાનો સામનો કરતાં યુવાનો લગ્નમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર નથી. અને લગ્ન કરતાં ગભરાય છે. તેના ઘણાં કારણો હોઇ શકે છે.પરિવર્તન સમયનો નિયમ છે. આ પહેલા એવું હતું કે યુવાન કમાતો થાય કે તરત જ તેના લગ્નની વાતો થતી અને તેના લગ્ન પણ કરી નાખવામાં આવતા હતાં પરંતુ હવેના યુવાનો તો પોતાની કેરિયરને વધુ મહત્વ આપે છે. તેઓ જણાવે છે કે પપ્પા થોડી રાહ જુઓ હજુ હુ વધુ સારી નોકરી કરવા માંગુ છું અને વધુ ૃરૂપિયા કમાવવા માંગુ છું. જો યુવાન ભણતો હોય તો તે પહેલા તો કોલેજ બાદમાં માસ્ટર ડીગ્રી અને ત્યારે બાદ ઉચ્ચ હોદ્દાની નોકરી. પરંતુ અત્યારે તો યુવાનો લગ્ન કરવા માટે તૈયાર જ નથી. તેતો હંમેશાથી એક જ વાત જણાવતો હોય છે કે મારા માટે કેરિયરથી મહત્વનું કાંઇ નથી. તે જણાવશે કે મારે તો હજુ ખુબ પ્રગતિ કરવાની બાકી છે. મારે હજુ ઘણા નાણાં કમાવવાનાં છે. કામ્પિટિશન વધુ છે તેમાં મારે પણ ટકી રહેવાનું છે. આ બધા પરથી લાગી રહ્યું છે કે આજની યુવા પેઢી લગ્ન માટે તૈયાર નથી તેટલું જ નહીં પરંતુ તેઓ આ લાઇફ ગુમાવવા જ માંગતા નથી. તેઓ કેરીયરની ટોચ પર પહોંચવા માટે પોતાની યુવાનીના ઘણા વર્ષો આપે છે અને જ્યારે તેઓ લગ્ન વિશે વિચારે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે અને તેઓ પણ પોતાની બેચલર લાઇફ ગુમાવવા માંગતા નથી.આજના યુવાનોને શ્રેષ્ઠતાથી ઉતરતું ખપતું નથી તેઓ પોતાને માટે બેસ્ટ શોધે છે અને તેથી જ તેઓને એમ્બિશિયસ કહી શકાય. મહાત્વાકાંક્ષી બનવું ખોટું નથી પરંતુ તેઓની મહત્વકાંક્ષામાં અન્યના સ્વપ્ન રોળાઇ જતાં હોય છે. આજના યુવાનો સહેજ પણ જતુ કરવા તૈયાર નથી તેઓ સહેજ પણ ઉતરતું ઇચ્છતા નથી તેઓને તો કોઇ પણ બાબતે કોમ્પ્રાઇઝ કરવા માંગતા નથી. મન પસંદ કેરિયર મેળવ્યા બાદ હવે યુવાનો પોતાની પસંદગીની ગૌરી મેળવવ પ્રયત્ન કરશે. કોઇને સ્વરૂપવાન કન્યા જોઇશે તો કોઇને બુદ્ધિશાળી. કોઇ વળી કહેશે કે મારે સફળ હોય તેવી કન્યા જોઇએ તો કોઇ કહેશે મારે મારી ભાવનાઓને સમજે તેવી કન્યા જોઇશે. જો યુવતીઓની વાત કરીએ તો કોઇ યુવતી દેખાવડા યુવકની રાહ જોતી હોય છે તો અન્ય યુવતી પોતાના વ્યયસાયનો હોય તેનો યુવાન શોધતી હોય છે. પોતાનો કક્કો ખરો કરનાર આવી યુવાપેઢી જ્યારે વાસ્તવિકતામાં આવે છે ત્યારે ઘણુ મોડું થઇ ચુક્યું હોય છે. પોતાની શોધ પુરી કરવા માટે તેઓ ધમપછાડા કરતા હોય છે પરંતુ તેઓની શોધ પુરી થતી નથી એટલું જ નહી આ શોધ પુરી કરવાની લ્હાયમાં તેઓ માટે ન ઘરના ન ઘાટના તેનો દિદાર થાય છે.
જોકે એક બાબત તે પણ છે કે યુવાપેઢી અત્યારે આઝાદ પંખીની જેમ રહેવા માંગતા હોય છે અને જો લગ્ન કરે તો તેઓને બીક હોય છે કે તેઓની પાંખ કપાઇ જશે,સ્વતંત્ર રીતે જીવતા આવા યુવાનો અને યુવતીઓ માટે મિત્રો જ સર્વસ્વ હોય છે.તેઓ માટે સ્વછંદી જીવન પણ નવાઈની બાબત નથી. પત્ની આવશે તો અસંખ્ય પ્રશ્નો ઉદ્‌ભવશે જેમ કે ભીનો ટુવાલ પથારી પર કેમ છે, તમારો પેલો મિત્ર મને ગમતો નથી,તમે ક્રિકેટ ખુબ જુઓ છે મારી સાથે ફિલ્મ જોવા આવતા નથી.તેમ આ રીતે ફ્રેન્ચ કટ દાઢીમાં કેમ જાવ છો તેમ ક્લીન શેવમાં જાવ. આવા પ્રશ્નોથી બચવા માટે યુવાનો લગ્નથી ગભરાય છે અને કરતા હોતા નથી. સામે પક્ષે યુવતીઓની વાત કરીએ તો તેઓ પણ અત્યારે સાસુ સસરાની કચકચમાં પડવા માંગતી નથી તેને પણ એવો પતિ જોઇએ છે કે જે તેને ઇચ્છે તે કરવા દે અને પોતાને પુરતી સ્વતંત્રતા આપે. યુવાનો પણ કોઇ પણ સુંદરી માટે પોતાની આઝાદી છોડવા તૈયાર હોતા નથી. લગ્નનો અર્થ છે અનુંકુલન. જવાબદારીને નિભાવવી સૌ કોઇની વાત હોતી નથી. આત્મકેન્દ્રીત અને સ્વાર્થી યુવકો યુવતીઓ આવી કોઇ પણ જવાબદારી નિભાવવા માંગતા નથી. તેઓને તો આ બધી કચકચ લાગતી હોય છે. ઘરસંસારની જંજાળમાંથી મુક્ત રહેવા ઇચ્છતા આ યુવાનો વાસ્તવમાં પલાયનવાદી હોય છે તેઓને કોઇની પરિવારની જવાબદારી લેવી હોતી નથી, યુવતીઓ પણ કોઇ ઘરની જવાબદારી ઉપાડવા માંગતી હોતી નથી તેથી આ યુવાધન લગ્નથી દુર ભાગતી હોય છે. અપરિણિત યુવાનોની પીઠ પાછળ તેઓ અપરિણિત હોવાની વાતને લઇને કોઇ ગોસીપ કરતું નથી.તેમને જોઇને કોઇના મનમાં એવો સવાલ નથી ઉઠતો કે તે કેમ લગ્ન કર્યા નથી એટલે સુધી કે તેમના અપરિણિત રહેવાની બાબતને કોઇ ચારિત્ર્ય સાથે નથી જોડતું. જ્યારે એક અપરિણિત યુવતી સાથે આ બધુ થતું હોય છે તેને જાતજાતના વિરોધો સહન કરવા પડે છે. જાતજાતની દ્રષ્ટિ તેને ચુથી નાખે છે. ખોદી ખોદી તેને પ્રશ્ન પુછવામાં આવે છે. યુવાનો પ્રત્યેનો સમાજનો ઉદાર દૃષ્ટિકોણ તેમને અપરિણિત રહેવાનો નિર્ણય લેવામાં સહાયક સાબીત થાય છે.જોકે અત્યારે લીવ ઇન રિલેશનશીપની ફેશન ચાલી નીકળી છે. તમને તમારી બધી જરૂરિયાતો લગ્ન વિનાજ પુરી થતી હોય તો લગ્ન કરવાની શી જરૂર ? તમને ગમે અને તમારુ મન ભરાય ત્યાં સુધી તમે રહો બાકી તો બિસ્તરા પોટલા બાધી ચાલવા માંડો. મહાનગરોમાં તો આવી ફેશન ચાલી નીકળી છે. વળી કેટલાક ફિલ્મીસિતારાઓ પણ આ રીતે રહેતા હોવાથી લોકોને પ્રોત્સાહન મળતું હોય છે.વાસ્તવિકતા તો તે છે કે યુવાપેઢી લગ્નમાંથી વિશ્વાસ ગુમાવી રહી છે. આવી લીવ ઇન રિલેશનશીપના રવાડે ચડવાથી લગ્ન સંસ્થાને ઘણુ નુકસાન થતુ હોય છે તે સમજવું રહ્યું. તેથી આ બાબતે વિચાર કરવાનો સમય પાકી ગયો છે કેમ કે એકલા રહેવા યુવક યુવતીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે.

Related posts

વ્રુધ્ધ થતા આવડે છે તમને? કે માત્ર ઘરડા થયા છો?

aapnugujarat

MORNINT TWEET

aapnugujarat

ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે શું તકેદારી રાખશો…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1