બ્રિટનના પાટનગર લંડનમાં શનિવારની રાત્રે થયેલા બે જુદા જુદા ત્રાસવાદી હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બ્રિટનમાં બીજી વખત આતંકવાદી હુમલા કરવામાં આવ્યા છે. બીજી બાજુ સેન્ટ્રલ લંડનના લેન્ડમાર્ક વિસ્તારમાં કરવામાં આવેલા બે ત્રાસવાદી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે ત્રણ શકમંદોને ઠાર મારી દીધા છે. ૮મી જૂનના દિવસે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે હુમલાઓનો દોર જારી રહ્યો છે. લંડનબ્રિજ અને બરો માર્કેટમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ૨૨મી મેના દિવસે જ માન્ચેસ્ટર એરેનામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૨૫ લોકોના મોત થયા હતા અને ૧૧૬ લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરની ઓળખ એ વખતે સલમાન અબેદી તરીકે થઇ હતી. ૨૨મી માર્ચના દિવસે પણ અફડાતફડી મચી ગઈ હતી. પોલીસે હુમલાને અંજામ આપનાર ત્રણેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. વિકેન્ડ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરની બહાર નિકળ્યા હતા. જે જગ્યા ઉપર આ બનાવ બન્યો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો હતા. આતંકવાદીઓ સૌથી પહેલા ઝડપથી ગાડી લઇને નિકળ્યા હતા અને લંડન બ્રિજ પર લોકોને ટક્કર મારી દીધી હતી અને આ લોકોેને કચડી માર્યા હતા. ત્યારબાદ ત્રાસવાદીઓ ગાડી લઇને નજીકના બરો માર્કેટ પહોંચી ગયા હતા. ગાડીથી બહાર આવીને આ લોકોએ છુરાબાજીથી કેટલાક ઉપર હુમલા કર્યા હતા. બરો માર્કેટમાં અનેક બાર અને રેસ્ટોરન્ટ છે. પોલીસ હુમલો ન કરે તે માટે ત્રાસવાદીઓએ પોતાના શરીર ઉપર બનાવટી આત્મઘાતી બેલ્ટ પણ બાંધેલા હતા. બે સપ્તાહ પહેલા જ બ્રિટનના માન્ચેસ્ટરમાં મોટો આત્મઘાતી હુમલો કરાયો હતો. ત્યારબાદથી જ સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ હુમલા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હુમલાની સંભાવનાને ધ્યાનમાં લઇને તમામ મોટા અને નાના શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મજબૂત સુરક્ષા અને તૈયારી છતાં લંડનને ટાર્ગેટ બનાવવામાં ત્રાસવાદીઓને સફળતા મળી છે. બ્રિટન તાજેતરના સમયમાં ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે. બ્રિટનમાં એક પછી એક હુમલાઓ થતાં રહ્યા છે. ૨૩મી મેના દિવસે જ માન્ચેસ્ટર અરેનામાં અમેરિકી પોપ સિંગર આરિયાના ગ્રાન્ડેના કાર્યક્રમ દરમિયાન આત્મઘાતી હુમલો કરાયો હતો જેમાં ૨૫ના મોત થયા હતા અને ૫૯ લોકો ઘાયલ થયા હતા. સલમાન અબેદી નામના આત્મઘાતી બોંબરે આ હુમલો કર્યો હતો. સલમાન અને તેના પરિવારના સભ્યો મૂળરીતે લિબિયાના નિવાસી છે અને બે દશક પહેલા બ્રિટનમાં આવીને વસી ગયા હતા.