Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચૂંટણી : આ પાંચ રાજ્યો નક્કી કરશે લોકસભા ચૂંટણીનું પરિણામ

લોકસભાની બેઠકોની સંખ્યાના આધારે ભારતનાં આ પાંચ રાજ્યો બહુ મહત્ત્વનાં છે. દેખીતી રીતે જ દિલ્હીમાં સરકાર બનાવવા માટે આ રાજ્યોની ભૂમિકા મહત્ત્વની રહેશે. ગયા વખતે આ રાજ્યોમાં શું સ્થિતિ હતી તેના પર નજર નાખીએ. શાસક પક્ષ ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૭૧ બેઠકો મળી હતી, મહારાષ્ટ્રમાં ૨૩, પશ્ચિમ બંગાળમાં ૨, બિહારમાં ૨૨ અને તામિલનાડુમાં પણ એક બેઠક મળી હતી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઘણો ફરક છે. જાણકારો કહે છે કે આ વખતે ગયા વખતની સરખામણીએ આંકડામાં ઊથલપાથલ થઈ જવાની છે. તેનાં ઘણાં બધાં કારણો પણ છે. જોકે, એક વાત નહીં બદલાય અને તે છે કેન્દ્રમાં સરકાર બનાવવામાં આ પાંચ રાજ્યોનું યોગદાન. પાંચેય રાજ્યોની રાજકીય સ્થિતિ કેવી છે તે હવે તપાસીએ.સૌથી વધારે બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશથી શરૂઆત કરીએ.દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે તે વાત ભલે જૂની થઈ ગઈ હોય, પણ હજીય સાચી છે.અયોધ્યામાં રામમંદિરના મુદ્દાથી લઈને કુંભ સુધીના મુદ્દા અને અમેઠી, રાયબરેલીથી માંડીને લખનૌ સુધીની હાઈપ્રોફાઇલ બેઠકો સતત ચર્ચામાં રહ્યાં છે.પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યુવા દલિત નેતા તરીકે ચંદ્રશેખરનું નામ ઊપસ્યું. તેમણે વારાણસીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી અને પછી ફેરવી તોળ્યું, પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઈ, એસપી-બીએસપીએ કૉંગ્રેસ પર આક્ષેપ મૂક્યો કે તે મતદારોને ભરમાવે છે ત્યાંથી શરૂ કરીને બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજબહાદુર યાદવે વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉમેદવારીપત્ર ભર્યું ત્યાં સુધીની ચર્ચાઓ રહી. એસપી પણ તેજબહાદુરને ટિકિટ આપવાનું નક્કી કર્યું, બાદમાં તેમનું ઉમેદવારીપત્ર રદ થઈ ગયું.શત્રુઘ્ન સિંહાનાં પત્ની પૂનમ સિંહાને એસપીએ રાજનાથ સામે લખનૌમાં મેદાનમાં ઉતાર્યાં – આ પ્રકારના ચોંકાવનારા ઘટનાક્રમની યાદી બહુ લાંબી છે. જોકે, આ બધા વચ્ચે સૌથી અગત્યની બાબત એ છે કે સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન થયું. વરિષ્ઠ પત્રકાર અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ઝીણી નજર રાખનારા મહેન્દ્ર પ્રતાપનું માનવું છે કે સત્તાધારી ભાજપ સામે એસપી-બીએસપી-આરએલડી જોડાણનો પડકાર ઊભો થયો છે. અત્યાર સુધીની સ્થિતિ જોઈને મને લાગે છે કે ભાજપની બેઠકો અડધી થઈ જશે.
પૂર્વ ઉત્તર પ્રદેશનું રાજકારણ મોટા ભાગે જ્ઞાતિના ગણિત પર ચાલે છે. તે વિસ્તારમાં ગઠબંધનની સ્થિતિ ઘણી મજબૂત બની છે.નાના પક્ષો વિશે વાત કરતાં મહેન્દ્ર પ્રતાપ કહે છે કે તેમની ભૂમિકા પણ અગત્યની રહેશે.પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અપના દલ, સુહેલદેવ ભારતીય સમાજ પક્ષ અને નિષાદ પક્ષ જેવા નાના નાના પક્ષો કદાચ જીતે નહીં, પણ મતોને વહેંચી નાખવામાં તેમની ભૂમિકા રહેશે.મુદ્દા અંગેના સવાલના જવાબમાં મહેન્દ્ર પ્રતાપ કહે છે, ચૂંટણી આગળ વધતી ગઈ, તેમ ઉત્તર પ્રદેશમાં મુદ્દાઓ ગૌણ બનતા ગયા.પ્રથમ અને બીજા તબક્કામાં શેરડી ઉગાડતા ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત થઈ ખરી, પણ ત્યાર પછી સ્થાનિક મુદ્દાઓ ગાયબ થઈ ગયા.
છેલ્લે ચૂંટણીઓ જ્ઞાતિના મુદ્દા પર આવીને અટકી ગઈ.ઉત્તર પ્રદેશમાં આ વખતે સૌથી વધુ ફાયદો કોને થશે? જવાબમાં મહેન્દ્ર પ્રતાપ કહે છેઃગત ચૂંટણી વખતે બીએસપીને એક પણ બેઠક મળી નહોતી. આ વખતે તેને બે બેઠકો મળી જાય તો પણ તેના માટે બહુ મોટી વાત છે.પ્રિંયકા ગાંધીનું આગમન અને રાહુલ ગાંધીની સક્રિયતાને કારણે કૉંગ્રેસની પણ કેટલીક બેઠકો વધવાનું અનુમાન છે. એસપીની બેઠકો વધશે તેવી પણ આશા છે.
મહેન્દ્ર પ્રતાપના જણાવ્યા અનુસાર આ વખતે અગાઉની ચૂંટણીઓની જેમ મુસ્લિમ મતદારોને મનાવવા માટે કોઈ પક્ષ તરફથી વિશેષ પ્રયાસો થઈ રહ્યા નથી.ઉત્તર પ્રદેશમાં ૧૯ ટકા જેટલા મુસ્લિમ મતદારો હોવા છતાં આ વખતે તેના માટે હોડ નથી જામી એમ તેઓ કહે છે. ચુસ્ત બંદોબસ્ત છતાં ચૂંટણીના દરેક તબક્કે પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો બનતા રહ્યા.અંગ્રેજી અખબાર ’ધ ટેલિગ્રાફ’ના વરિષ્ઠ પત્રકાર તપસ ચક્રવતી માને છે કે આ વખતે બંગાળમાં લડાઈ ’મોદી વિરુદ્ધ મમતા’ની રહી. મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને ૨૦૧૧માં સત્તા મળી હતી. શરૂઆતમાં ડાબેરી પક્ષો અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણો થતી રહેતી હતી. જોકે, છેલ્લાં બે વર્ષથી ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થવા લાગી છે. તેના પરથી જ અણસાર મળે છે કે સત્તાની લડાઈ હવે ટીએમસી અને ભાજપ વચ્ચે છે. તપસ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર મમતા બેનરજી પર મુસ્લિમ તુષ્ટિકરણના આરોપો લાગવા લાગ્યા તે પછી પશ્ચિમ બંગાળના રાજકારણમાં જમણેરી એટલે કે ભાજપની વિચારધારાની અસર દેખાવા લાગી છે. તેના કારણે બંગાળના બહુમતી સમાજનો એક વર્ગ મમતાથી દૂર થવા લાગ્યો. તેનો ફાયદો ઉઠાવીને ભાજપના કાર્યકરોએ પક્ષનું સંગઠન ઊભું કરવાની શરૂઆત કરી દીધી. એટલું જ નહીં, સરહદની નજીકના વિસ્તારોમાં વસેલા, બાંગલાદેશથી આવેલા હિંદુઓનો ટેકો મેળવવાનું શરૂ કરી દીધું હતું. તેની સ્પષ્ટ અસર દેખાઈ હતી ૨૦૧૬માં થયેલી પંચાયતોની ચૂંટણીઓમાં. પંચાયતોની ચૂંટણીમાં ભાજપને મળેલા મતોની ટકાવારી ઘણી વધી ગઈ હતી.જોકે, પંચાયતોની ચૂંટણીમાં સાર્વત્રિક વિજય મેળવવામાં ટીએમસીને સફળતા મળી હતી, પરંતુ ભાજપ સીપીઆઈ(એમ)ને પાછળ રાખીને બીજા નંબરના સ્થાને બેસી ગયો હતો. તપસ ચક્રવર્તી કહે છે કે પંચાયત ચૂંટણીઓની સાથે જ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા થવા લાગી હતી. પંચાયતની ચૂંટણીઓ વખતે શરૂ થયેલી હિંસા લોકસભાની ચૂંટણી સુધી ચાલતી રહી છે. ભાજપના કાર્યકરો પર હુમલા અને કેટલાકની હત્યાને કારણે પણ એક વર્ગમાં ભાજપ માટે સહાનુભૂતિ ઊભી થઈ છે. ચક્રવર્તી કહે છે કે પશ્ચિમ બંગાળના રાજકારણના જાણકારોનાં અનુમાન અનુસાર આ વખતે ભાજપને ૮થી ૧૦ બેઠકો મળી શકે છે. ગત વખતની ચૂંટણી કરતાં વધુ બેઠકો મળશે તે વાત તો નક્કી જ છે. જોકે, ભાજપનો દાવો તો ૨૩ બેઠકો મેળવવાનો છે. ચક્રવર્તી કહે છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પશ્ચિમ બંગાળ મહત્ત્વનું રાજ્ય બન્યું છે. ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડીને ગઠબંધનના કારણે થનારું નુકસાન ભાજપ પશ્ચિમ બંગાળમાંથી સરભર કરવા ધારે છે.
પશ્ચિમ બંગાળના લોકો માટે કયા મુદ્દા મહત્ત્વના તે વિશે વાત કરતાં ચક્રવર્તી કહે છે કે શિક્ષિત બંગાળી યુવાનોને ઇચ્છિત રોજગારી મળી રહી નથી. આ માટે તેમણે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરો તરફ નજર માંડવી પડે છે. રોજગારીના અભાવે જ ડાબેરી પક્ષોનું શાસન ગયું હતું અને તેની જગ્યાએ ટીએમસીને સત્તા મળી હતી. સામ્યવાદી શાસનમાં થોડો સમય માટે ખેતીમાં સારી સ્થિતિ હતી, પણ બાદમાં તેમાં પણ સ્થગિતતા આવી ગઈ હતી. રોજગારી અને વિદેશી રોકાણની બાબતમાં રાજ્યની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. જોકે, મમતા બેનરજી પણ રોજગાર અને વિદેશી મૂડીરોકાણની બાબતમાં ખાસ કશું કરી શક્યા નથી.
તેમણે કેટલાક વિદેશપ્રવાસો કર્યા હતા, પણ ત્યાંથી રોકાણ લાવવામાં ખાસ સફળતા મળી નહોતી. લોકોમાં આજે પણ તેના કારણે નિરાશા છે. જોકે, લોકોમાં આવી ફરિયાદો છતાં મમતા બેનરજીની હજી પણ પકડ છે, કેમ કે તેમના પક્ષના કાર્યકરો અને સંગઠનનું માળખું મજબૂત છે. તપસ ચક્રવર્તી કહે છે, યુનિવર્સિટી અને કૉલેજોમાં વિદ્યાર્થી સંગઠનો પર પણ પકડ મેળવી લેવાઈ છે, તેના પરથી જ ખ્યાલ આવશે કે ટીએમસીની કૅડર કેટલી મજબૂત થઈ ગઈ છે.
ડાબેરી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાનું જાણે કોઈ અસ્તિત્વ ના રહ્યું હોય તેવી સ્થિતિ છે.રાજકીય જાણકારો કહે છે કે ભાજપે પણ ધીમેધીમે પોતાની કૅડર મજબૂત કરી છે. જોકે, હજી સુધી ભાજપ હિંદીભાષીઓ સુધી જ વધારે પહોંચી શક્યો છે. જાણકારો એવું પણ કહે છે કે ભાજપના આ પ્રયાસોનું ફળ લોકસભા કરતાંય વિધાનસભા ચૂંટણી વખતે વધારે મળશે.મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે છેક સુધી ખેંચતાણ ચાલતી હતી, પણ આખરે બંનેએ ગઠબંધન કરીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું. બીજી બાજુ રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ ચૂંટણીમાં ભાગ નથી લીધો, પરંતુ તેમણે ઘણી સભાઓ કરીને જોરદાર પ્રચાર કર્યો છે. ’એ લાવા તો રે વીડિયો’ એમ કહીને સ્ટેજ પરથી મોદીના જૂના વીડિયો દેખાડીને તેમના દાવાની ફજેતી કરવાનું કામ કર્યું હતું. મરાઠી અખબાર ’લોકસત્તા’ના તંત્રી ગિરીશ કુબેરનું માનવું છે કે ૨૦૧૯માં સૌથી વધુ ખરાબ હાલત શિવસેનાની થવાની છે. ગિરીશ કુબેર કહે છે, ગયા વખતે સેના-ભાજપના ગઠબંધનને ૪૧ બેઠકો મળી હતી. આ વખતે તે આંકડો ઘટીને ૩૦-૩૨નો થઈ જવાનો છે.શિવસેનાએ ભાજપ તરફ સતત કટુતા દાખવી અને છેલ્લી ઘડીએ હાથ મેળવી લીધા તે વાત મતદારોને ગળે ઊતરી નથી.તેઓ માને છે કે આ વખતે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ભૂમિકા સૌથી ધ્યાનાકર્ષક બની છે. રાજ ઠાકરે કહે છે, દરેક ચૂંટણીમાં કોઈ એક પક્ષ એવો હોય છે, જેના વિશે અંદાજ લગાવવો મુશ્કેલ હોય. આ વખતે તેવી સ્થિતિ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના મનસેની છે.તેમણે ૧૧-૧૨ સભાઓ કરી અને દરેક સભાઓમાં મોદી સરકારના દાવાઓને ખુલ્લા પાડ્યા. તેઓ સભાઓમાં વીડિયો દેખાડતા હતા અને દાવાઓને ખોટા સાબિત કરતા હતા. તેના કારણે ભાજપના મતો થોડા ઓછા થયા હશે.મહારાષ્ટ્રમાં શિવસેનાની સ્થિતિ બગડી અને રાજ ઠાકરે ચર્ચામાં રહ્યા, તેની અસર આગળ જોવા મળશે.ચૂંટણીના થોડા વખત પહેલાંથી જ એનસીપીના પ્રમુખે સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું, તેની અસર પણ પરિણામો પર દેખાશે તેમ ગિરીશ કુબેર માને છે.મહારાષ્ટ્રને આપણે બે ભાગમાં વહેંચીને જોવું જોઈએ. રાજ્યમાં ૩૦ બેઠકો ગ્રામીણ વિસ્તારની છે, જ્યારે ૧૮ બેઠકો સંપૂર્ણપણે શહેરી છે.મને લાગે છે કે ગ્રામીણ વિસ્તારોમાં એનસીપીને વધારે મતો મળશે, કેમ કે કૃષિ ક્ષેત્રે ગંભીર સમસ્યા હોવા છતાં કેન્દ્ર સરકારે આ વિસ્તારોની અવગણના કરી હતી. તેના કારણે ખાસ કરીને ખેડૂતોમાં નારાજગી છે.
એનસીપી ૧૦-૧૨ બેઠકો મેળવી જાય તો મને નવાઈ નહીં લાગે.ચૂંટણીનાં પરિણામો પછી રાજ્યમાં એનસીપીની ભૂમિકા અગત્યની બનશે જ, ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહારાષ્ટ્રની ભૂમિકા અગત્યની રહેશે.ભાજપના ’રાષ્ટ્રવાદ’ અને ’હિંદુત્વ’ના મુદ્દા મહારાષ્ટ્રમાં કેટલા સફળ રહેશે? ગિરીશ કુબેર માને છે કે શહેરી વિસ્તારોમાં આ મુદ્દોઓ ઘણા અંશે સ્વીકાર્ય બની શકે છે.તેઓ કહે છે, શહેરનો મધ્યમ વર્ગ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ જેવા મુદ્દાથી અળગો રહી શકતો નથી.આ વર્ગમાં ’પુલવામા’, ’બાલાકોટ ઍરસ્ટ્રાઇક’ અને ’પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત’ની ઘણી ચર્ચાઓ રહી છે. જોકે, ગામડાંમાં ખેતી, વળતરે, દેવાંમાફી, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ છવાયેલા રહ્યા.ચૂંટણી પહેલાં મેં મહારાષ્ટ્રના ઘણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન મને લાગ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મુદ્દાઓમાં બહુ ફરક છે.મહારાષ્ટ્ર એવું રાજ્ય છે, જ્યાં શહેરીકરણ ઘણું થયેલું છે. ગામડાં પણ શહેરોની અડોઅડ જ આવેલાં છે. તેથી ગામડાંની અવગણના કરીને ચૂંટણી જીતવી મુશ્કેલ છે.છેલ્લાં ૪૦ વર્ષ દરમિયાન ચૂંટણીનું કવરેજ કરતાં આવેલા ગિરીશ કુબેર કહે છે કે ૨૦૧૯ની ચૂંટણી એ રીતે અલગ પડે છે કે તેમાં મુદ્દાઓની વિભિન્નતા વધારે છે. તેઓ કહે છે, અગાઉ ક્યારેય મેં ગ્રામીણ અને શહેરી મતદારોમાં મુદ્દાઓનું આટલું વિભાજન જોયું નહોતું.સામાજિક અને આર્થિક રીતે આટલી ભિન્નતા આવી ગઈ છે તે બહુ ચોંકાવનારી વાત છે.”ભાજપના પ્રમુખ અમિત શાહે બિહારના સિવાન અને ગોપાલગંજની ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે, અમે જીતીએ કે હારીએ, પણ દેશની સુરક્ષાના મામલે ક્યારેય સમાધાન નહીં કરીએ.આ સભાઓ પહેલાં અમિત શાહ દરેક ભાષણમાં કહેતા હતા કે, “અબકી બાર, ૩૦૦ પાર.શું અમિત શાહનું બદલાયેલું વલણ ભાજપની ડગમગી રહેલી સ્થિતિને દર્શાવે છે? બિહારની સામાજિક અને રાજકીય સ્થિતિ પર નજર રાખતા પ્રોફેસર ડી. એમ. દિવાકર આ સવાલનો જવાબ હકારમાં આપે છે ભાજપ માટે ગયા વખત જેટલી સ્થિતિ આસાન નથી.બીજું મુખ્ય મંત્રી નીતીશકુમાર ’વિકાસ’ અને ’સુશાસન’ના મુદ્દા પર મતો માગવા માટે જાણીતા છે, પરંતુ બીજા અને ત્રીજા તબક્કા બાદ તેઓ પણ સીધી કે આડકતરી રીતે રાષ્ટ્રવાદ અને વડા પ્રધાન મોદીના નામે મતો માગવા લાગ્યા હતા.એવું કહેવાતું હતું કે દેશના બીજા ભાગોમાં ભલે મોદીના નામે મતો માગવામાં આવે, બિહારમાં લોકો નીતીશકુમારના નામે જ મતો આપે છે, પરંતુ તે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે.આ ઉપરાંત ભાજપના ચાર સાંસદોની ટિકિટ્‌સ કપાઈ ગઈ હતી. ડી. એમ. દિવાકરના જણાવ્યા અનુસાર આ નેતાઓ ’વોટકટવા’ની ભૂમિકા ભજવી શકે છે.દિવાકર માને છે કે બિહારમાં પણ સત્તાવિરોધી લહેરની અશર છે. તેનો પુરાવો એવી રીતે મળે છે કે ભાજપના નેતાઓ પોતાનાં ભાષણોમાં ’નોટબંધી’ અને ’જીએસટી’ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા નથી. તેના બદલે ’રાષ્ટ્રવાદ’ અને ’પાકિસ્તાન પર ઍરસ્ટ્રાઇક’ના નામે મતો માગવામાં આવ્યા હતા.લાલુ યાદવ આ ચૂંટણીમાં સક્રિય નથી તેની વાત કરતાં દિવાકર કહે છે કે તેનું નુકસાન આરજેડીને થઈ શકે છે.બીજી બાજુ એવી વાત પણ છે કે આરજેડીની ’સહાનુભૂતિના મતો’નો લાભ મળી શકે છે.દિવાકર કહે છે, પિતાની હાજરી નહોતી, કદાચ તેના કારણે જ તેજસ્વીને બિહારમાં પોતાનું સ્થાન જમાવવાની તક મળી ગઈ છે.લાલુ યાદવ સક્રિય હોત તો તેજસ્વી એટલા જલદી પરિપક્વ બન્યા ના હોત કે લોકોનો આટલો સાથ ના મળ્યો હતો.નિષાદ સમાજના નેતા મુકેશ સહાનીએ સ્થાપેલો વિકાસશીલ ઇન્સાન પક્ષ, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝીનો પક્ષ હિન્દુસ્તાની આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાનો પક્ષ રાષ્ટ્રીય લોકસમતા પક્ષ અન્ય નાના પક્ષો છે, પણ તેમનો બહુ પ્રભાવ નહીં રહે તેમ દિવાકર માને છે. હા, આ પક્ષોના કારણે એવો સંદેશ જરૂર ગયો છે કે બિહારમાં માત્ર મુસ્લિમ અને યાદવ મતદારો જ નિર્ણાયક નથી, પરંતુ અન્ય પછાત વર્ગો અને દલિતો પણ એટલી જ મહત્ત્વની ભૂમિકામાં છે.
મુદ્દાઓ અંગે પૂછવામાં આવ્યું ત્યારે દિવાકરે જણાવ્યું કે અન્ય સ્થળોની જેમ બેરોજગારીનો મુદ્દો સાર્વત્રિક છે જ, સાથેસાથે અન્ય બે કે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે.પ્રોફેસર દિવાકર કહે છે, બિહારમાં ખેતીની તથા પશુપાલનની સમસ્યાઓ વકરી છે. ખેતી અને પશુપાલન ઉપરાંત અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.દાખલા તરીકે બિહારમાં તળાવો અને જળસ્રોતોની અછત નથી, આમ છતાં માછલીઓની આયાત આંધ્ર પ્રદેશથી કરવી પડે છે.નીતીશકુમારના કાર્યકાળમાં માળખાગત સુવિધાઓ વધી છે, પરંતુ રોજગાર, ખેતી અને અન્ય મુદ્દાઓ પર ઘણું બધું કામ કરવાનું હજી બાકી છે. મતદારો પણ આ બાબતો સારી રીતે જાણે છે.
દક્ષિણ ભારતના તામિલનાડુમાં લોકસભાની ૩૯ બેઠકો છે. આ વખતે જોકે અહીં ૩૮ બેઠકો પર જ ચૂંટણી થઈ રહી છે, કેમ કે વેલ્લોરની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. અહીં ભાજપ સાથે એઆઇએડીએમકે, ડીએમડીકે અને પીએમકેનું ગઠબંધન થયેલું છે. સામી બાજુએ કૉંગ્રેસની સાથે ડીએમકે, એમડીએમકે, વીએસકે તથા ડાબેરી પક્ષો સીપીઆઈ અને સીપીએમ પણ જોડાયા છે અને ગઠબંધન કર્યું છે. આ બે ગઠબંધન ઉપરાંત તામિલનાડુમાં બે નવા પક્ષો પણ ઊભા થયા છે. તેમાંથી એક છે ફિલ્મસ્ટાર કમલ હાસનનો પક્ષ મક્કલ નિધિ મય્યમ (એમએનએન) અને બીજો છે શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણનો પક્ષ અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (એએમએમકે). એઆઇએડીએમકેમાંથી છુટ્ટા પડીને દિનાકરણે અલગ પક્ષ બનાવ્યો છે. આ બે નવા પક્ષો પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યા છે. દિનાકરણે બધી જ બેઠકો પર ઉમેદવારો રાખ્યા છે, પણ તેમનો દરજ્જો અપક્ષ ઉમેદવાર જેવો જ છે, કેમ કે તેમના પક્ષનું રજિસ્ટ્રેશન હજી થયું નથી. અંગ્રેજી અખબાર ’ધ હિન્દુ’ના પત્રકાર અને તામિલનાડુના રાજકારણ પર નજર રાખતા ડી. સુરેશકુમાર કહે છે કે તામિલનાડુમાં ભાજપ અને કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની ભૂમિકા બહુ મર્યાદિત છે. તેના કારણે જ તેમણે પ્રાદેશિક દ્રવિડ પક્ષો (એઆઇએડીએમકે અને ડીએમકે)નો સાથે લેવો પડે છે. તામિલનાડુમાં ભાજપવિરોધી લહેર છે જ, ઉપરાંત જયલલિતાના નિધન પછી પલાનીસામી સરકારની સામે પણ સત્તાવિરોધી લહેર છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે તામિલનાડુમાં આ વખતે કૉંગ્રેસ અને ડીએમકેનું ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે.ગઠબંધન ૨૫-૩૦ બેઠકો જીતી શકે છે. સામી બાજુએ એઆઇએડીએમકે-ભાજપના ગઠબંધનને ૧૦થી ૧૨ બેઠકો મળી શકે છે.પંરપરા પ્રમાણે કન્યાકુમારી અને કોઈમ્બતૂર બેઠકો પર ભાજપની સ્થિતિ પ્રમાણમાં સારી છે.

Related posts

જાણવા જેવું…

aapnugujarat

રાહુલનું આલિંગન મોદીને ભારે પડશે

aapnugujarat

વાજપેયી-અડવાણી યુગના મોટા ભાગના નેતાઓની ભાજપમાંથી વિદાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1