Aapnu Gujarat
બ્લોગ

ઇવીએમ મશીનની એક ઓર મુશ્કેલી

ઇવીએમ મશીનની એક એવી મુશ્કેલી પણ છે, જેના તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું છે. હકીકતમાં રાજકીય પક્ષોનું પૂરેપૂરે ધ્યાન ગયું છે, પણ જાહેરમાં તેની ચર્ચા થતી નથી. કદાચ થવા દેવાતી નથી. એ મુશ્કેલ કે જોખમ એ છે કે તમે કયા પક્ષને મત આપ્યો તે રાજકીય પક્ષ જાણી શકે છે. માત્ર સત્તાધારી નહિ, પણ વિપક્ષ પણ ધારે તો જાણી શકે કે તમારો મત કોને પડ્યો હશે. ઇવીએમ મશીનનું આ એક ભયસ્થાન એવું છે, જેની ચિંતા નાગરિકોએ વધારે કરવી પડે. રાજકીય પક્ષો નહિ કરે, કેમ કે પક્ષોને આ વ્યવસ્થા ફાવે તેવી છે. હારી ગયેલા પક્ષને પણ ફાવે.જૂની પદ્ધતિમાં મતગણતરી અલગ રીતે થતી હતી. બૂથમાં લોખંડની સીલબંધ પેટીઓ રાખવામાં આવી હોય. આ પેટીઓને રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં એક પછી એક ખોલવામાં આવે. પણ પછી તરત જ એક મોટા ટીપમાં તેને ઠલવી દેવામાં આવે. એ રીતે બૂથ પ્રમાણે થયેલું મતદાન મિક્સ થઈ જતું હતું. બધા જ મતપત્રકો એકબીજામાં સારી રીતે ભળી જાય તે રીતે તેને હલાવવામાં આવતા હતા અને બાદમાં તેની ગણતરી કરવામાં આવતી હતી. તેના કારણે બૂથ પ્રમાણે કયા પક્ષને કેટલા મતો મળ્યા તે જાણી શકાતું નથી.
ઇવીએમના કારણે હવે દરેકેદરેક બૂથના મતોનો હિસાબ થાય છે. દરેક મશીનનો હિસાબ થાય છે. એક સાથે સાત સાત ઇવીએમ મશીનોને ટેબલ પર ગોઠવામાં આવે છે અને એક પછી એક ઉમેદવારોના પ્રતિનિધિઓને બતાવીને બટન દબાવીને કુલ કેટલા મતો પડ્યો, કોને કેટલા પડ્યા તેનો હિસાબ સ્ક્રીન પર દેખાડાય છે. દરેક પ્રતિનિધિ પોતાની નોટબૂકમાં તેની નોંધ કરતો જાય. ચૂંટણી પંચના કર્મચારીઓ પણ તેની નોંધ રાખતા જાય છે. એ રીતે દરેક મશીનમાં કોને કેટલા મત મળ્યા તેની યાદી તૈયાર કરીને ઉપરી અધિકારીને મોકલવામાં આવે. રાઉન્ડ પ્રમાણે ગણતરી આગળ વધે અને સરવાળો થતો જાય. પક્ષના પ્રતિનિધિ પાસે પણ યાદી તૈયાર થઈ ગઈ હોય. ના થઈ હોય અને ટેલી કરવી હોય તો બાદમાં ચૂંટણી પંચ પાસેથી મળી પણ શકે. ચૂંટણીપંચ હવે વિગતવાર ગણતરી ઓનલાઇન મૂકે છે, એટલે કોઈ પણ તેને જાણી શકે છે. તો તેનાથી શું ફરક પડે? આવો સવાલ થશે. જવાબ એ છે કે કયા ઇવીએમમાં કેટલા મતો પડ્યા, કેટલા નોટા થયા, અને ઉમેદવારોમાંથી કોને કેટલા મળ્યા તેની સંપૂર્ણ યાદ કાર્યકર પાસે હોય તો કાર્યકરને અંદાજ લગાવી શકે છે કે કોના મત મળ્યા, કોના ના મળ્યા.
ઇવીએમ જે બૂથમાં હતું તેના મતદારોની યાદી અગાઉથી જ તૈયાર હોય છે. મતદાર યાદીમાં નામ લખેલા હોય છે. મતદાનના દિવસે કોણે કોણે મતદાન કર્યું તેની યાદી પણ કાર્યકરો તૈયાર કરીને રાખી શકે છે. હવે સરખામણી અને અંદાજ લગાવવાના છે. બૂથ એકમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ એવા નામે શેરી, ગલી, સોસાયટી, એપાર્ટમેન્ટ, ફ્લેટ, બંગલા આવેલા છે. વીવીપેટનો ઉપયોગ કરવાનું નક્કી થયું તે પછી ચૂંટણી પંચે એવો પણ નિર્ણય કર્યો હતો કે એક મશીનમાં વધુમાં વધુ ૧૪૦૦ મતદારો હોય તે રીતે મતદાન મથકો બનાવવા.
૨૦૧૭માં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં બધા જ ઇવીએમ સાથે વીવીપેટ હતા. ત્યાર બાદ ગોવામાં પણ વીવીપેટનો ૧૦૦ ટકા ઉપયોગ કરાયો હતો.વીવીપેટ એક જાતનું પ્રિન્ટર છે. મતદાર મત આપે તે સાથે જ તેને છપાયેલી નાનકડી ચીઠ્ઠી દેખાય. સાત સેકન્ડમાં તે પેટીમાં અંદર જતી રહે. વીવીપેટમાં થર્મલ પેપર રોલ હોય છે. તેની ક્ષમતા ૧૫૦૦ પ્રિન્ટ કરવાની છે. ઇવીએમની ચકાસણી વગેરેમાં ૧૦૦ પ્રિન્ટ જશે તેવા અંદાજ પછી ૧૪૦૦ બાકી રહે. તેથી મતદાન મથક દીઠ વધુમાં વધુ ૧૪૦૦ મતદારો રહે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચે વિચારી હતી. અર્થાત પક્ષના કાર્યકરે પોતાની જવાબદારી હેઠળના બૂથના ૧૪૦૦ મતદારો કોણ છે તેના પર જ વિચાર કરવાનો હોય છે. વર્ષોના અનુભવ પછી ૨૦ ટકા મતદારો ચુસ્ત ટેકેદાર હોય છે તેનો ખ્યાલ આવી ગયો હોય છે. ૨૦ ટકા મતદારો ચુસ્ત વિરોધી છે તેનો પણ અંદાજ હોય છે. ચુસ્ત ટેકેદાર અને ચુસ્ત વિરોધીઓ લગભગ મતદાન કરતા હોય છે. અર્થાત ૨૮૦ વત્તા ૨૮૦ મતોનું (૫૬૦ મતોનું) ગણિત બેસી ગયું સમજો. બાકી રહ્યા ૬૦ ટકા મતો – ૮૪૦ મતો. ૭૦ ટકા જેટલું સારું મતદાન થશે, તેવું ધારી લઈએ તો બીજા ૬૦૦ મતો પડશે. કુલ મતદાન ૧૧૦૦નું થયું એમ સમજોને.ચુસ્ત ટેકેદારની ગણતરી પ્રમાણે આ બૂથમાંથી ૨૫૦ મતો મળી જાય એટલે તેમના નામો પર લીટી મારી દો. વિરોધી ૨૫૦ મતો પર પણ લીટી મારી દો.
બાકી રહેલા ૬૦૦ મતોમાં અનુમાન કરવાનું રહે. અહીં પણ ફિફ્ટિ ફિફ્ટિ પ્રમાણે ૩૦૦ મતદારોએ કોને ટેકો આપ્યો હશે તેનો અંદાજ આવી શકે. આ ૩૦૦ મતદારે મત આપ્યા જ હશે એમ માનીને ચાલો તો બૂથમાંથી ૫૫૦ મતો નીકળવા જોઈએ. હવે બાકી રહ્યા ૩૦૦. પરિવારની સભ્ય સંખ્યાની સરેરાશ પ્રમાણે ૬૦ પરિવારો જ વિચારવાના છે આમ તો. તો શું બાકીના ૬૦ પરિવારોએ મત નથી આપ્યા તેનો અંદાજ ના આવે?
આ કલ્પના એવા બૂથની છે જ્યાં પક્ષો વચ્ચે સ્પર્ધા છે. સ્પર્ધા ના હોય ત્યાં સ્થિતિ વધારે સ્પષ્ટ છે. ૧૪૦૦ના બૂથમાં ૧૦૫૦નું મતદાન થયું અને માત્ર ૧૫૦ મતો મળ્યા ત્યારે સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય કે કયા ૧૫૦ મતો મળ્યા છે. બાકીના ૯૦૦ મતો વિપક્ષના છે તે સ્પષ્ટ થઈ જાય. અર્થાત ૯૦ ટકા મતો વિપક્ષના ખાતામાં જતા હોય તે બૂથમાં કામ કરવાની જરૂર નથી. મેનકા ગાંધીએ આવી જ ગણતરી કરીને એ, બી, સી અને ડી પ્રમાણે બૂથોને વહેંચ્યા હતા. ડી એટલે મતો ના મળ્યા હોય તેવા બૂથો અને ત્યાં કામ કરાવી જરૂર નથી. હિસાબ ચોખ્ખો. જસદણનો પણ એક વિડિયો વાયરલ થયો હતો. પક્ષપલટું પ્રધાન કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે તમારા ગામમાંથી ક્યાં મત મળ્યા છેપ કહેવાનો ભાવ એ હતો કે મત ના આપો તો પાણી ક્યાંથી મળે.માત્ર પાણી ના મળે ત્યાં સુધી ઠીક છે, પણ કયા વિસ્તારના લોકોએ મત નથી આપ્યો, કોણે કોણે નથી આપ્યા તેની ખબર હોય અને લાંબો સમય એક જ પક્ષનું શાસન રહેવાનું હોય ત્યારે વ્યક્તિગત ધોરણે પણ મતદારો દુશ્મનીનો ભોગ બની શકે છે. મતદારોના મનમાં ડરની લાગણી પેદા થઈ શકે છે. લોકતંત્રને તંદુરસ્ત રાખવા, મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ ખાનગી, સ્વચ્છ, પારદર્શી અને તટસ્થ રાખવા કોણે કોને મત આપ્યો તેનો બિલકુલ અંદાજ આવવો જોઈએ નહિ.
અગાઉની પદ્ધતિમાં બધા બૂથોના મતો ભેગા કરી દેવાતા હતા તેના કારણે આટલો સ્પષ્ટ ખ્યાલ નહોતો આવતો. તે વખતે પણ આછો અંદાજ રહેતો હતો ખરો, પણ ખાતરીથી ના કહી શકાય. ઇવીએમના કારણે દરેક બૂથનો અલગ હિસાબ થતો હોવાના કારણે જોખમ વધી ગયું છે. આ જોખમ વિશે વિચાર પણ થયો છે.નિષ્ણાતો સાથે ચર્ચા બાદ ચૂંટણી પંચે ટોટલાઇઝર નામના ઉપકરણનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. કોને મત મળ્યો તેની ખાતરી માટે વીવીપેટ આવ્યા છે. બૂથ પ્રમાણે મતદાનની પેટર્ન જાણવા ના મળે તે માટે ટોટલાઇઝરનો વિચાર કરાયો હતો. એક સાથે ૧૪ ઇવીએમને એક ટોટલાઇઝર મશીન સાથે જોડવાના. બધા જ મતો ભેગા થઈ અને કુલ પરિણામ સામે આવે. આ વિશેની દરખાસ્ત તૈયાર કરીને નવેમ્બર ૨૦૦૮માં કાનૂન મંત્રાલયને મોકલી આપવામાં આવી હતી. કાયદામાં ફેરફાર કરીને ટોટલાઇઝરનો ઉપયોગ કરવાની દરખાસ્ત હતી. કાનૂન મંત્રાલયે આ દરખાસ્તને સંસદીય સમિતિને મોકલી હતી. ૨૦૧૦માં મંત્રાલયે પોતાની રીતે પણ દરખાસ્ત કરીને ટોટલાઇઝરના ઉપયોગ માટે સહમતી બતાવી હતી. તે વાતને એક દાયદો થઈ ગયો છે, પણ કશો નિર્ણય લેવાયો નથી. તે વખતની સરકારને તેમાં રસ પડ્યો નહોતો, વર્તમાન સરકારે પણ આગળ કશું કર્યું નહોતું. કરશે પણ નહિ, કેમ કે હારેલા અને જીતેલા બંને પક્ષને જાણવામાં રસ છે કોણે મત આપ્યો, કોણે ના આપ્યો. નાગરિકો તરીકે આપણી ચિંતા એ હોવી જોઈએ કે કોઈને કશી જાણકારી મળવી જોઈએ નહિ.ચૂંટણી પંચે પોતાની ફરજ બજાવીને ફરી એકવાર ૨૦૧૪માં પણ કાનૂન મંત્રાલયને યાદ અપાવી હતી કે ટોટલાઇઝર વિશે વિચાર કરો. પંચે એવું પણ કહ્યું હતું કે પ્રારંભમાં સેન્સિટિવ કહી શકાય તેવા મતવિસ્તારમાં ટોટલાઇઝર લગાવવા જોઈએ. મતદારોએ મત આપ્યો છે કે નહિ તેની ઓળખ થઈ જાય અને તેના કારણે દુશ્મનાવટ રાખવામાં આવે તેવો ભય જ્યાં વધુ હોય ત્યાં પ્રયોગ કરવો જોઈએ એવું સૂચન હતું. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે પણ પૂછ્યું હતું કે કાનૂન મંત્રાલય આ દિશામાં નિર્ણય કેમ કરી રહ્યું નથી. મંત્રાલયે જવાબમાં જણાવ્યું હતું કે દરખાસ્ત કાયદા પંચને મોકલી અપાઈ છે. હવે સરકાર બદલાઈ ગઈ અને માર્ચ ૨૦૧૫માં કાયદા પંચે પોતાનો અહેવાલ આપ્યો તેમાં વધુ એકવાર ટોટલાઇઝરની વાત કરી હતી. ચૂંટણી સુધારાઓ માટેની જુદી જુદી દરખાસ્તોમાં એક દરખાસ્ત ટોટલાઇઝરનો ઉપયોગ કરવાની પણ હતી.૨૦૧૯ની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે સમજોને. છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. આ વખતની ચૂંટણીમાં રસાકસી જામી છે, ત્યારે કયા બૂથમાં કેટલા મત કયા પક્ષને પડ્યા તેનો પાકો હિસાબ બધા રાજકીય પક્ષો રાખવાના છે. હવે તમે વિચારો તમારી હાલત શું થશે. સરકાર એક આવી અને તમારા વિસ્તારના બૂથમાં ૯૦ ટકા મતો પડ્યા તે બીજા પક્ષના, વિપક્ષના હતા. નવી સરકાર તમારી સાથે ભેદભાવ નહિ કરે? ભેદભાવ તો વર્ષોથી થતો આવ્યો છે, પણ દુશ્મનાવટનું નવું સ્વરૂપ આવશે તો શું થશે? આ ચિંતા કરવા જેવી છે. આમ પણ ભેદભાવ ના થાય કે દુશ્મનાવટ રાખવાનું શક્ય ના બનવાનો હોય તો પણ આદર્શ વ્યવસ્થા પ્રમાણે મત ખાનગી રહેવો જોઈએ. દરેકેદરેક મત ખાનગી રહે તો જ લોકશાહીની તંદુરસ્તી સારી રહેવાની છે.જોકે ટોટલાઇઝરે એક માત્ર ઉપાય નથી. કેમ કે એ પણ એક મશીન જ છે. વીવીપેટ લગાવ્યા પછી બધા વીવીપેટ ગણવાના પણ નથી. વળી ઇવીએમમાં ગરબડની શંકા ઘણાના મનમાંથી જતી નથી, ત્યારે ટોટલાઇઝરમાં વળી મોટી શંકા ઊભી થવાની. ૨૦૧૯ના પરિણામો પછી ઇવીએમની શું ચર્ચા થાય છે તે જોવાનું રહેશે અને ચર્ચા કરવા જેવા પરિણામો ના આવે તો પણ ફરી એકવાર ઇવીએમ, વીવીપેટ, ટોટલાઇઝર અને ટોટલી ચૂંટણી પ્રક્રિયા વિશે અને પ્રચારની પદ્ધતિ વિશે પણ નવેસરથી વિચાર કરવો જરૂરી બન્યો છે.

Related posts

સની લિયોન : આઇટમ સોંગ ક્વીન

aapnugujarat

आपका जीवन साथी कौन है?

aapnugujarat

આજે વિશ્વ પર્યાવરણ દિન : દેશમાં વધતું પ્લાસ્ટિકનું પ્રદુષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1