Aapnu Gujarat
ગુજરાત

શ્રદ્ધાળુઓને નર્મદામાં ડુબકી મારવા જેટલું પણ પાણી નથી

ગંગા નદીમાં તો સ્નાન કરવાથી ભકતોના પાપ ધોવાઇ જાય છે પરંતુ નર્મદા નદીના પવિત્ર નીરના તો દર્શન માત્રથી માણસ મુકિતને પામે છે તેવી ગુજરાતની જીવાદોરી સમાન તેમ જ શાસ્ત્રોક્ત, આધ્યાત્મિક અને ભૌગોલિક રીતે અનન્ય મહાત્મ ધરાવતી નર્મદા નદીનું અસ્તિત્વ હાલ ખતરામાં છે. ખાસ કરીને ભરૂચ બાજુના પટ્ટામાં નર્મદા નદી સૂકાઇ ગઇ છે, દરિયાના ખારા પાણીને લીધે નદીમાં જ જાણે મીઠાના થર જામતા જાય છે, અને ખારુ રણ ઉભુ થતુ જાય છે તેવી ગંભીર અને ચિંતાજનક સ્થિત હોવાછતાં રાજય સરકાર અને વહીવટીત તંત્રના પેટનું પાણી સુધ્ધાં હાલતું નથી. ખાસ કરીને નર્મદા ડેમથી માત્ર ૮ કિ.મી. દૂર આવેલા ગોરા ખાતે શૂલપાણેશ્વરના મેળામાં નર્મદા મૈયામાં પુણ્યની ડૂબકી લગાવવાની આશા સાથે દૂરદૂરના સ્થળોએથી આવેલા હજારો શ્રદ્ધાળુઓને નિરાશા સાંપડી હતી. નર્મદા નદીમાં હજારો શ્રધ્ધાળુઓને ધાર્મિક આસ્થા સમી ડુબકી મારવા જેટલું પાણી પણ મળ્યુ ન હતુ, જેને લઇ શ્રધ્ધાળુઓએ ભારે નિઃસાસા નાંખ્યા હતા. નર્મદા નદી સૂકાતી જતી હોઇ અને તેની આવી ગંભીર અને ખતરાજનક સ્થિતિ હોવાછતાં સરકાર તાત્કાલિક ધોરણે કોઇ અસરકારક પગલાં કે પ્લાનીંગ કેમ હાથ ધરી રહી નથી તેને લઇ હવે નર્મદાચાહકો અને શ્રધ્ધાળુઓમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. નર્મદા ડેમથી માત્ર ૮ કિ.મી. દૂર આવેલા ગોરા ખાતે શૂલપાણેશ્વરના મેળામાં નદીના કિનારાથી ૫૦૦ મીટરથી વધુનું અંતર આકારા તાપમાં ચાલ્યા બાદ પાણીમાં ડૂબકી મારવાની ભકતોને તક મળી હતી. મેળા પહેલા નદીમાં પાણી નહીં છોડાતા નર્મદા નદી સૂકી ભઠ્ઠ જ રહી ગઇ હતી, તંત્રને એટલું પણ સૂઝયુ નહોતું કે, આ હજારો શ્રધ્ધાળુઓની ધાર્મિક આસ્થાનો સવાલ છે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે. શૂલપાણેશ્વર મહાદેવનું અસલ મંદિર સરદાર સરોવરમાં ડૂબાણમાં જતાં ગોરા ખાતે નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરે ચૈત્રી અમાસનો મેળો ભરાય છે. શૂલપાણેશ્વર મહાદેવને દાળિયાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. ત્રણ રાજ્યોમાંથી હજારો શિવભકતો મેળામાં ઉમટી પડ્‌યાં હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલ્લું હોવાના કારણે વાઘોડિયા ગામ તરફથી બે ડાઇવર્ઝન આપવામાં આવ્યાં હતાં. શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર મેળાના કારણે સતત ૪૮ કલાક માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ચૈત્રી અમાસે મહાદેવના દર્શનની સાથે લોકોએ નર્મદા નદીમાં ડુબકી લગાવવા હજારોની સંખ્યામાં ઉમટયા હતા. મંદિરમાં દર્શન બાદ શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન માટે ગયાં હતાં. જો કે, નર્મદા નદીમાં ડુબકી મારવા જેટલુ પણ પાણી કિનારે મળ્યું હતું, નદીમાં પાણી છોડાયુ નહીં હોવાથી નદીના કાંઠાથી ૫૦૦ મીટરથી વધારે દુર સુધી છૂટાછવાયા ખાબોચીયા જેવા પાણીમાં નર્મદાનું પવિત્ર જળ માથે ચઢાવી ડુબકી માન્યાનો સંતોષ શ્રધ્ધાળુઓએ લીધો હતો. આકારા તાપમાં ભકતો ખડકાળ રસ્તો કાપીને માંડ માંડ પાણી સુધી પહોંચી શક્યા હતાં. ભારે વિધ્નો વેઠીને તેમણે નર્મદા નદીમાં આ પ્રકારે કહેવાતી ડુબકી લગાવવાની ધાર્મિક આસ્થા પૂર્ણ કરી હતી. નર્મદાના નામે વાહવાહી લૂંટનારી અને મતો મેળવનારી ભાજપ સરકાર શા માટે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન એવી આટલી પવિત્ર અને મહામૂલી નર્મદા નદીના રક્ષણ અને તેના અસ્તિત્વને અમર બનાવવા યુધ્ધના ધોરણે કોઇ પગલાં નથી લેતી કે કોઇ પ્રોજેકટ હાથ નથી ધરતી તેને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

aapnugujarat

D-G Police submits Draft of Gujarat Police Manual-2020 to Chief Minister, prepared in English and Gujarati after a gap of 45 years since 1975

editor

आज से शुरू हुई 40 से ज्यादा एसटी प्रीमियम बसें

editor

Leave a Comment

UA-96247877-1