યોગી આદિત્યનાથ બુધવારે અયોધ્યાની મુલાકાતે છે. અહીં મહંત નૃત્ય ગોપાલદાસ જન્મોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે, લખનઉમાં અનેક મુસ્લિમ સંગઠનોએ રામ જન્મભૂમિ હિન્દુઓને સોંપવાની પહેલી કરી છે. આ પહેલા તેઓ હનુમાનગઢી, રામલલા, રામ કી પૈડી અને માતા સરયુના દર્શન કર્યા હતા. યોગી ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવામાં આવ્યા બાદ ત્યાં જનારા બીજા સીએમ છે. આ પહેલા ૨૦૦૨માં તત્કાલિન સીએમ રાજનાથ સિંહ રામલલાના દર્શન માટે ગયા હતા. યોગી અયોધ્યા-ફૈઝાબાદમાં ૮ કલાકથી વધારે સમય રોકાણ કરશે. સરયુ નદીની પૂજા અર્ચના કર્યા બાદ યોગીએ ગંગા આરતીની જેમ સરયુ આરતી કરાવવાની પણ જાહેરાત કરી હતી.મહંત નૃત્ય ગોપાલદાસ જન્મોત્સવમાં બોલતાં યોગીએ જણાવ્યું કે, ભારત આસ્થાનો દેશ છે. ધર્મને એક ક્ષેત્ર પૂરતો મર્યાદીત ન રાખવો જોઈએ. ધર્મનો હેતુ લોક કલ્યાણનો છે. અયોધ્યા સાથે શ્રીરામનું નામ જોડાયેલું છે. અયોધ્યા આવીએ ત્યારે બધા જયશ્રી રામ કહે છે. અયોધ્યાની હંમેશા ઉપેક્ષા થઇ છે. ગત સરકારે તેના પર ધ્યાન આપ્યું નથી. અયોધ્યામાં રામ લીલા થવી જ જોઈએ. કાશીમાં ગંગા આરતીની જેમ સરયુની પણ આરતી થવી જોઈએ. તેમણે દાવો કર્યો કે, લખનઉમાં અનેક મુસ્લિમ સંગઠનોએ રામ જન્મભૂમિ હિન્દુઓને સોંપવાની પહેલ કરી છે. યોગીએ કહ્યું કે, હું દરેકની ભાવના જાણું છું કે તમે શું જાણવા માંગો છો. અયોધ્યા વિવાદનું વાતચીતથી નિરાકરણ આવે તો યુપી સરકાર લોકો સાથે છે. લખનઉમાં અનેક મુસ્લિમ સંગઠનોએ રામ જન્મભૂમિ હિન્દુઓને સોંપી દેવાની વાત કરી તે મને ખૂબ ગમી. જે લોકો દેશનો વિકાસ નથી ઈચ્છતા તેઓ કોમી એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માર્ચ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ યોગી આદિત્યનાથ પ્રથમ વખત અયોધ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપે યુપી ચૂંટણી ઢંઢેરામાં પણ રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ૧૯૯૨માં વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં અડવાણી, જોશી, ઉમા ભારતી, ઋતંભરા, વિનય કટિયાર સહિત ૧૨ આરોપીઓ સામે ગુનાહિત કાવતરાં અંતર્ગત કેસ ચલાવવાના મંગળવારે કરેલા આદેશ બાદ તેમની આ મુલાકાત વધારે મહત્વની છે.