યુરોપથી અમેરિકા જતી ફલાઇટ પર હાલ તુરત લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા અમેરિકાના હોમલેન્ડ સિકયોરિટી પ્રેસ સેક્રેટરીએ કરી છે.
દુનિયાના કેટલાક એવા વિસ્તારો છે, જેમ કે મિડલ ઇસ્ટ અને આફ્રિકાના કેટલાક ભાગોમાંથી અમેરિકા જતી ફલાઇટમાં લેપટોપ અને ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પહેલાંથી જ પ્રતિબંધ છે.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે આતંકી સંગઠન અલ-કાયદા વિસ્ફોટકોને લેપટોપની બેટરીમાં છુપાવવાની નવી ટેકનિક વિકસાવી રહેલ છે.
અમેરિકાના હોમ સિકયોરિટી પ્રેસ સેક્રેટરી દેવ લેપને જાણકારી આપતાં જણાવ્યું હતું કે હાલ અમેરિકાથી યુરોપ જતી ફલાઇટમાં લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, પરંતુ આ વિકલ્પ ખુલ્લો છે અને જરૂર પડે પ્રતિબંધ મૂકી શકાશે.
એક નિવેદન દ્વારા લેપને જણાવ્યું હતું કે યુુરોપથી યુએસએ આવતી ફલાઇટમાં કેબિનમાં મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવાની હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ખતરાની ચેતવણી આપવામાં આવશે તો અમેરિકા કન્ફર્મેશનલ વિમાની ઉડાનને સુરક્ષિત કરવા તમામ પગલાં લેશે.