Aapnu Gujarat
ગુજરાત

હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આવતીકાલે તા.૧૨મી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ વિધિવત્‌ રીતે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત્‌ રીતે જોડાઇ જવાનો છે ત્યારે પાટીદારોમાં પણ મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. બીજીબાજુ, હાર્દિક પટેલે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયામાં ફરતી ખબર પ્રમાણે ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે હાર્દિક પટેલ અમરેલી કે જામનગરમાંથી ચૂંટણી લડશે. કોંગ્રેસની જાહેરાત પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે જાહેરાત કરી દેતા કોંગ્રેસનાં નેતાઓમાં પણ આંતરિક ડખો અને ગજગ્રાહની પરિસ્થિતિ વણસી છે, જેના કારણે ગુજરાતના સ્થાનિક નેતાઓએ નારાજગી દૂર કરવા બેઠકોનો દોર યોજયો હતો. કારણ કે, આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠક અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જાહેરસભા-રોડ શો યોજાવાઇ જઇ રહ્યા છે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ આવીને ઉભી છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવાને લઇ ડખો થયો હતો. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. મોડી રાત્રી સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી ખાસ કરીને તેની ચૂંટણી લડવાની અને તેને જે બેઠક માટે ટિકિટ ફાળવવાની સંભાવના છે તેને લઈને કેટલાક કોંગી નેતાઓ નારાજ છે. કોંગ્રેસમાં હાર્દિક પટેલ જોડાય તે પહેલા વિરોધનો સૂર ઉઠ્‌યો છે. કોંગ્રેસનાં જ મોટા નેતાઓ વિરોધનો સુર રેલાવી રહ્યાં છે. કોંગ્રેસનાં નેતાઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસનાં જે સ્થાનિક નેતાઓ છે એમને જ ટિકિટ આપવામાં આવે. નહીં કે બહારથી કોંગ્રેસમાં જોડાઇ રહ્યાં છે તેમને ટિકિટ ફાળવાય. આ નિર્ણયને કારણે સ્થાનિક આગેવાનો નારાજ થયા છે. ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઈ ચૂકયું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે તડજોડની રાજનીતિ પણ થવા માંડી છે. ભાજપ-કોંગ્રેસની આ ખેંચતાણ વચ્ચે પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તા.૧૨મી માર્ચે વિધિવત્‌ રીતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઇ જાય તેવો તખ્તો તૈયાર છે. એકબાજુ, કોંગ્રેસ હાર્દિકને આવકારવા તૈયાર છે તો બીજીબાજુ, ભાજપ પાટીદારોમાં હાર્દિકનું કોઇ વજન ના રહે તે પ્રકારની વ્યૂહાત્મક રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પક્ષ દ્વારા તેને કયાંની લોકસભા બેઠકની ટિકિટ ફાળવાય છે તેની પર પણ સૌની નજર છે. હાર્દિકની આવતીકાલે કોંગ્રેસમાં એન્ટ્રીને લઇ પાટીદારો પણ ઉમટે તેવી પૂરી શકયતા છે.

Related posts

ચૂંટણીમાં ૧.૧૧ લાખથી વધુ અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે

aapnugujarat

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્‌

editor

વણવપરાયેલ ગ્રાન્ટ રકમને પરત જમા કરાવવા આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1