Aapnu Gujarat
બ્લોગ

બાલ્ટીક સમુદ્રના તળિયે ઉડતી રકાબી “યુએફઓ”ના અવશેષો

વાત ગયા વર્ષના મે મહિનાની છે. બનાવનું બેકગ્રાઉન્ડ, યુરોપના ઉપર ભાગમાં આવેલ સ્વીડન અને ફિનલેન્ડ વચ્ચેનો પ્રદેશ જે ’બોથનીયા ગલ્ફ’ તરીકે ઓળખાય છે તે વિસ્તાર છે. જેને ગુજરાતીમાં બોથનીયાનો અખાત કહી શકાય. અખાતની સીમારેખા ફરતે વિશ્વવિખ્યાત દેશો જેવા કે, સ્વીડન, ફિનલેન્ડ, ઇસ્ટોનીયા, લાતુવીયા, લિથુઆનીયા, પોલેન્ડ, જર્મની, નેધરલેન્ડ વગેરે આવેલા છે. અખાના મુખ પાસે બોટલને બુચ માર્યું હોય તેવો ડેન્માર્કનો પ્રદેશ આવેલો છે. બોથનીઆ અખાત એ બાલ્ટીક સમુદ્રનો એક ભાગ છે. બાલ્ટીક સમુદ્રનો કિનારો ઉપર દર્શાવેલ બધા જ દેશોને સ્પર્શે છે. સહેલાણીઓ માટે આ વિસ્તાર સ્વર્ગ જેવો છે ખાસ કરીને જહાજોનો ડૂબેલો ભંગાર અહીં પુષ્કળ પડયો છે.
પ્રથમ વિશ્વયુદ્ધથી માંડીને બીજા વિશ્વયુદ્ધ સુધીના સમયગાળામાં અહીં સેંકડો જહાજો, સ્ટીમર, નૌકાઓ અને સબમરીન ડૂબી ચૂકી છે. જહાજના ભંગારમાં રહેલ ખજાનો શોધવા અનેક સાહસિકો અહીં આવે છે. સમુદ્રના તળિયે જઈ શકાય અને શોધખોળ કરી શકાય તેવી સબમરીન અને સબમર્સીબલ વાહન અહીં ભાડે પણ મળે છે. પ્રવાસીઓની જરૃરિયાત પૂરી કરવા અનેક કંપનીઓ તૈયાર છે. કેટલીક કંપનીઓ પ્રવાસીઓને સબમરીનમાં બેસાડી સમુદ્રમાં ડુબેલો જહાજનો ભંગાર બતાવી રોકડા કમાઈ લે છે.
એક વાર બન્યું એવું કે, ઓસેન એક્સ કંપનીના દરિયાઈ ગોતાખોર પોતાના જહાજ સાથે બાલ્ટીક સમુદ્ર મધ્યમાંથી પસાર થઈ રહ્યા હતા સંશોધકો દરિયાના તળિયાની ’સોનાર’નો રચાતી તસ્વીરો મોનીટર સ્ક્રીન ઉપર જોતા જોતા સમય પસાર કરી રહ્યા હતા. અચાનક તેમની નજરે દરિયાના તળિયે પડેલ વર્તુળાકારની આકૃતિએ ધ્યાન ખેંચ્યું સંશોધકોએ જહાજને રોકવાનો આદેશ આપ્યો. સંશોધકોએ સોનાર વડે રચાયેલી આકૃતિને ધ્યાન દઈને ચકાસી. છેવટે સ્ક્રીનને ઝૂમ કરીને જોયું. તેમના આશ્ચર્ય વચ્ચે દરિયાના તળિયે પડેલી ચીજનો આકાર ’ઉડતી રકાબી’ને મળતો આવતો હતો. સંશોધકોએ સોનાર વડે રચાયેલ આકૃતિના ફોટા પાડી લીધા અને વિડિયો ઉતારી લીધી. કંઈક નવું શોધ્યાના આનંદમાં તેમણે ઉજવણી કરી. દરિયાના પેટાળમાં પડેલ ચીજનું ચોક્કસ સ્થાન અક્ષાંશ અને રેખાંશ સહિત નોંધી લીધું. પોતાની જીજ્ઞાસા સંતોષવા તેમણે સાઇડ સોનાર વડે વસ્તુની જાડાઈ, ઉંચાઈ અને આકાર મેળવવાની કોશિષ કરી. જ્યારે લાગ્યું કે નવી શોધેલ ’વસ્તુ’ને ફરી લોકેટ કરી શકાય તેટલો ડેટા ભેગો થઈ ચૂક્યો છે ત્યારે તેઓ પાછા ફર્યા. ઓએન એક્સના સંશોધકો, દરિયામાં શેમ્પેઇનની બોટલો લઈને ડૂબેલ જહાજની શોધમાં નીકળ્યા હતા અને કિસ્મતે તેમને અજબ આકારની ચીજ દરિયાના તળિયે ડૂબેલી બતાવી.
સ્વીડન આવીને ઓસેન એક્સના સંશોધકોએ વિડિયોને ઇન્ટરનેટ ઉપર ફરતી મૂકી અને વિગતો સ્થાનિક છાપાવાળાને વેચી દીધી. સ્વીડનના અખબારે હેડલાઇન સાથે સમાચાર છપ્યા ’દરિયાના પેટાળમાં ઉડતી રકાબી- અનઆઇડેન્ટીફફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ- યુએફઓનો ભંગાર મળી આવ્યો છે.’ અને ફરીવાર પરગ્રહવાસીઓ અને યુએફઓની થિયરીમાં માનતા લોકોને નવો ગરમાગરમ મસાલો મળી ગયો રખે ને કોઈ ’ઉડતી રકાબી’નો ભંગાર શોધ્યાનો યશ અન્ય કોઈ ખાટી ન જાય તે માટે ઓસેન એક્સ દ્વારા દરિયાના તળિયે ઉડતી રકાબી જેવા લાગતા ભંગારનું ’ચોક્કસ સ્થાન’ છુપાવીને રાખ્યું છે. હવે મિડિયા અને ટી.વી.વાળાઓને પણ સનસનીખેજ સમાચાર મળી ગયા. ’ડેઇલી મેઇલ’ અખબારમાં વિગતવાર લેખ છપાયો. આ વાતને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો. ’ઓસેન એક્સ’ની ટીમે સમુદ્રના તળિયે ડૂબેલ ઉડતી રકાબી જેવી ચીજનો ભેદ ખોલવા જાતે જ તડામાર તૈયારી કરવા લાગ્યું સાથે ને સાથે ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળ પણ એકઠું કરવા લાગી.
આ દરમિયાન જે ’ડેટા’ ઇન્ટરનેટ ઉપર રજૂ થયો અને યુએફઓ રસિયાઓએ સોનાર વડે રચાયેલ આકૃતિના ફોટોગ્રાફ જોયા ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. હવે યુએફઓ રસિયાઓ સામે બીજી અજાયબી હતી. દરિયાના તળિયે ડૂબેલ ચીજનો આકાર ખરેખર ઉડતી રકાબીને જ મળતો આવતો હતો. આ ઉડતી રકાબી જ્યોર્જ બુકાસની કલ્પના જગતના સર્જન ’સ્ટારવોર્સ’ના એક સ્પેસશીપની જાણે કે કાર્બન કોપી જેવો હતો અને યુએફઓ રસિયાઓ ઓસેન એક્સ દ્વારા શોધી કાઢવામાં આવેલ ઉડતી રકાબીને નામ આપ્યું, ’મિલેનિયમ ફાલ્કન.’
’મિલેનિયમ ફાલ્કન’ એ બીજું કંઈ નહીં પણ સ્ટારવોર્સ નામની સાયન્સ ફીક્સન ફિલ્મ્સમાં દર્શાવેલ ’સ્પેસશીપ’ છે. ૧૯૭૭માં પહેલીવાર સ્ટારવોર્સના ચોથા એપિસોડ ’ધ ન્યુ હોપ’મા તેને દર્શાવ્યું હતું. ફિલ્મનો સ્મગર હાન્સ સોલો (હેરીસન ફોર્ડ) અને તેના જોડીદાર યેબવાકા દ્વારા આ સ્પેસશીપ ઉડતું બતાવાયું હતું. બસ ત્યારથી મિલેનિયમ ફાલ્કન લોકપ્રિય બન્યું અને સ્ટારવોર્સના અન્ય એપિસોડ ’ધ એમ્પાયર સ્ટ્રાઇક બેક’, ’રિટર્ન ઓફ જેડી’ અને ’રિવેન્જ ઓફ શીવ’માં પણ ’મિલેનિયમ ફાલ્કન’ને દર્શાવાયું. દરિયામાં ડૂબેલ ચીજ અને મિલેનિયમ ફાલ્કન વચ્ચેની સામ્યતા માત્ર એક યોગાનુયોગ હતો કે વિચિત્ર ડિઝાઇનની ચાડી ખાતો હતો. હવે બીજું આશ્ચર્ય લોકો સામે આવવાનું હતું.
ગુગલ અર્થના નકશા જોનારાઓએ બીજું કૌતુક દેખ્યું. પેનીસિલ્વેનિયા ખાતે આવેલ એક બિલ્ડિંગનો દેખાવ આબેહુબ ’મિલેનિયમ ફાલ્કન’ને મળતો આવતો હતો. વિગતો તપાસતા ખબર પડી કે, આ બિલ્ડિંગ એનેન્ટટાઉન ખાતે આવેલ પાર્કલેન્ડ હાઇસ્કૂલ છે. પાર્કલેન્ડ હાઇસ્કૂલનો ફોટો હવે નેટ ઉપર ફરતો થઈ ગયો અને યુએફઓ રસિયાઓએ ’સ્ટારવોર્સ’ની નવી ફેન્ટસી માણવાનો મોકો મળ્યો છેવટે સ્કૂલ સત્તાવાળાઓએ ધ સુપ ટી.વી. ઉપર જાહેરાત કરવી પડી કે સ્કૂલની ડિઝાઇન મિલેનિયમ ફાલ્કન આધારિત નથી. બિલ્ડીંગમાં હવે કોઈ ફેરફાર પણ કરવાના નથી. બિલ્ડીંગનો પ્લાન મિલેનિયમ ફાલ્કનને મળતો આવે છ તે એક યોગાનુયોગ છે. સવાલ હવે એ થાય કે બિલ્ડીંગના આર્કિટેક્ટના દિમાગમાં સ્ટારવોર્સનું સાયન્સ ફીક્સન ફરતું હતું કે જાણે અજાણ્યે તેણે મિલેનિયમ ફાલ્કન જેવી રચના આપી હતી. સવાલ બીજી રીતે પણ પૂછી શકાય ? મિલેનિયમ ફાલ્કનની ડિઝાઇન સર્વસામાન્ય ચીજ છે જેનો આકાર સામાન્ય માનવી પણ પોતાની કલ્પનામાં લાવી શકે ? જો એમ જ હોય તો માનવી જ નહીં પરંતુ પરગ્રહવાસી પણ પોતાની કલ્પનામાં આવો આકાર લાવી શકે અને ઉડતી રકાબી કે સ્પેસશીપની બનાવટ મિલેનિયમ ફાલ્કન જેવી બનાવી શકે. આ યોગાનુયોગ નહી, સામાન્ય રીતે બનતી ઘટના હોઈ શકે ?
એક વાત નક્કી છે કે ’જો’ મિડિયાવાળા સનસનીખેજ સમાચાર ના ભૂખ્યા ન હોય અને સત્યનો તાગ મેળવવા માંગતા હોય અથવા ’ઓસેન એક્સ’ કંપનીવાળા પબ્લીસીટી દ્વારા ધંધો મેળવવા ન માગતા હોય પરંતુ દરિયાના તળિયે જે ’ચીજ’ પડી છે તેનું રહસ્ય શોધવા માંગતા હોય તો આ કહાનીમાં અનેક આશ્ચર્ય અને રહસ્ય છૂપાયેલા છે. પ્રથમ મુલાકાતમાં જ આશ્ચર્ય અને કૌતુકનો અનુભવ કરનાર ઓસેન એક્સના સંશોધકોના શબ્દોમાં તેમની વાત સાંભળીએ તો…
ઓસેન એક્સ ટીમના લીડર અને સંશોધક પિટર લિન્સબર્ગ કહે છે કે અમારી ટીમે કરેલ ડીસ્કવરી અમને લાગે છે કે નવું સ્ટોન હોન્જ સાબિત થશે. અમે નિહાળેલ ચીજનો વ્યાસ લગભગ ૬૦ મીટર જેટલો છે. મારી ૧૮ વર્ષની ધંધાદારી જિંદગીમાં મેં આવી કોઈ ચીજ દરિયાના તળિયે ધરબાયેલી જોઈ નથી. તેનો આકાર સંપૂર્ણ ગોળ છે. દરિયાના તળિયે લેન્ડીંગ કરીને તે, લાબા અંતર સુધી અથડાયું હોય અથવા ખેંચાયું હોય તેવો પટ્ટો પણ રચાયો છે. આ વસ્તુથી ૨૦૦ મીટર દૂર વળી એક નાની અન્ય ગોળાકાર ચીજ પણ છે. અમારી પાસે આ આકારની ચકાસણી માટે સંશોધનો અને નાણાં પૂરતા નથીં’’ આ શબ્દો પિટર લિન્ડબર્ગે મે- ૨૦૧૧માં ઉચ્ચાર્યા હતા. આજે પરિસ્થિતિ અને ચિત્ર બદલાઈ ગયું છે. ઓસન એક્સના સંશોધકોએ દરિયામાં ડૂબેલ યુએફઓનું રહસ્ય ખોલવા તાજેતરમાં ફરીવાર દરિયાના તળિયા સુધી ડુબકીઓ લગાવી છે અનેક સવાલોના જવાબ મેળવવા માગતા ’ઓસન એક્સ’ના સંશોધકો માટે જવાબ આપવાના બહાને નવા સવલતો પેદા કરીને ’મિલેનિયમ ફાલ્કન’ ઓબ્જેક્ટનું રહસ્ય વળી પાછું વધારે ઘેરું બનાવી દીધુ છે.
જુન- જુલાઈ મહિનામાં ઓસન એક્સની સંગ્રાહકોની ટીમે બાલ્ટીક સમુદ્રના તળિયે ડુબેલી ’ચીજ’નું રહસ્ય ઉકેલવા પ્રયત્નો કર્યા છે. ટીમ દ્વારા રિમોટ કંટ્રોલ કેમેરા, અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે ટીમે દરિયામાં ઝંપલાવ્યું હતું. સોનાર અને ૩ ઘ ઇમેજીંગનો ઉપયોગ કરીને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અહીં પહોંચતા પહેલા ટીમે અહીંનું પાણી ઝેરી નથી અથવા રેડિયેશનયુક્ત નથી ? તેની ચકાસણી પણ કરી હતી. ગોતાખોરોની સાથે સાથે રોબોટ કેમેરા પણ ઉતારવામાં આવ્યા પરંતુ પરિણામ શું આવ્યું ? રહસ્ય ઉકેલાવાના બદલે ઘેરું બની ગયું છે.
ગોતાખોરોની ટીમે જોયું કે, જે વસ્તુને મિલેનિયમ ફાલ્કન નામ અપાયુ છે તે અસામાન્ય ગોળાકાર ધરાવે છે દરિયાની બોટમ લાઇનથી ૧૦થી ૧૩ ફૂટ જેટલી ઉંચી ઉપસેલી છે તેની કિનારો ગોળ વળેલી છે અને આકાર બિલાડીના ટોપની ઉપર રહેલ વર્તુળાકાર છત્રી ’મશરૃમ’ જેવો છે. દરિયાના તળિયે ૩૦૦ મીટર એટલે કે ૯૮૫ ફૂટ જેટલી લીસોટો પડેલો છે તેનો વ્યાસ ૬૦ મીટર/ ૧૮૦ ફૂટ જેટલો છે. ગોતાખોરોને લાગ્યું કે આ કોઈ પત્થરની આકૃતિ છે પરંતુ પછી સમજાયું કે તે પથ્થરની બનેલી નથી. મધ્ય ભાગમાં ઇંડા આકારનો છેદ એટલે બાકોરૃં છે બાકોરાની આજુબાજુ પત્થરો વિચિત્ર આકારમાં ગોઠવાયેલા પડયા છે. પત્થરો એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે તાપણું કરવા માટે બનાવાયેલ ફાયર પ્લેસ ના હોય. પત્થર ઉપર કાળો કાર્બન જામ્યો હોય તેવી જમાવટ થયેલ છે અહીં કોઈ જ્વાળામુખી ફાટયો નથી. વૈજ્ઞાાનિકો પણ કબૂલી ચૂક્યા છે કે બાલ્ટીક સમુદ્રમાં જ્વાળામુખી સક્રિયતા ક્યારેય જોવા મળી નથી. સામાન્ય માણસ માટે કદાચ આ કુદરતી રચના લાગે પરંતુ વિશેષજ્ઞાો માટે આ વિચિત્રતા અભ્યાસનો વિષય છે.
ગોતાખોરોની ટીમે ડુબકી મારીને વૈજ્ઞાનિક ઉપકરણો સાથે દરિયાના તળિયે પહોંચ્યા ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી. સ્થળના ૨૦૦ મીટરના ઘેરાવામા પહોંચતાની સાથે જ ટીમના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી નાંખ્યું હતું. સેટેલાઇટ ફોનથી માંડીને કેમેરા સુધ્ધા બંધ પડી ગયા. મિલેનિયમ ફાલ્કન ઉપર પહોંચ્યા પછી પણ ઉપકરણોની એ જ હાલત થઈ હતી. મિલેનિયમ ફાલ્કનથી સાઇડમાં ૨૦૦ મીટર દૂર ગયા બાદ જ ફરીવાર ઉપકરણો કામ કરતા થયા હતા. બે-ચાર વાર પ્રયત્ન કરવા છતાં ઉપકરણો કાર્યરત ન બનતા ટીમ ફરી પાછી સપાટી ઉપર આવી ગઈ હતી અને… ઉડતી રકાબીનું રહસ્ય વળી પાછું જ્યાંનું ત્યાં આવી ગયું હતું. સવાલ ખરેખર એ થાય કે દરિયાના તળિયે એવી કઈ ચીજ છુપાયેલી છે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કામ કરતા રોકી રહી છે. શું અહીં ખરેખર કોઈ પરગ્રહવાસીનું યાન દફન થયેલું છે કે પછી કોઈ અન્ય રહસ્યમય પદાર્થ છુપાયેલો છે ? આ સવાલનો સંભવિત જવાબ એક વ્યક્તિ આપી રહી છે આ ખુલાસો કેટલો સાચો છે કે ગળે ઉતરે એવો છે તે તમારે ખુદ નક્કી કરવાનું છે.
સ્વીડનના ભૂતપૂર્વ નૌકા અધિકારી અને બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ અને શસ્ત્ર સરંજામના નિષ્ણાત એન્ડ્રીસ ઓટેલસ કહે છે કે, બાલ્ટીક સમુદ્રના તળિયે ધરબાયેલ પદાર્થ એ નાઝી જર્મનો દ્વારા બનાવાયેલ એન્ટી સબમરીન ડિવાઇસ છે જે બીજા વિશ્વયુદ્ધ બાદ અહીં દફન થયેલ છે. સોનાર સ્કેનમાં જે આકાર દેખાય છે તે એન્ટી સબમરીન વેપન્સનો પાયો એટલ કે ફાઉન્ડેશન હોવો જોઈએ. જે અંદાજે ૨૦૦ ફૂટ બાય ૨૮ ફૂટ ઉંચાઈ જેટલો હોવો જોઈએ તેના ઉપર વાયરોની જાળી બાંધેલી હોવી જોઈએ જે સબમરીનના રડારને છેતરતી હશે અને છેવટે દુશ્મનોના વાહન સાથે ટકરાઈને સબમરીન તૂટી પડતી હશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાલ્ટીક સમુદ્રમાં બ્રિટિસ અને રશિયન સબમરીનોની અવરજવરને રોકવા માટે આવું એન્ટી-સબમરીન ડિવાઇસ જર્મનોએ બનાવ્યું હોવું જોઈએ તેના બાંધકામમાં બે લેયરમાં કોન્ક્રીટ અને લોખંડના સળિયા ગોઠવેલા હોવા જોઈએ. જે સબમરીનના રડાર ઉપરાંત ગોતાખોરોના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને કામ કરતું અટકાવતું હોય. ખુલાસો ગળે ઉતરે એવો એટલા માટે નથી કે જે આપણા શહેરોના કોંક્રીટના જંગલો જેવા બહુમાળી બિલ્ડીગોમાં જો સામાન્ય મોબાઇલો અને કેમેરા કાર્યરત રહેતા હોય તો, ડુબેલા એન્ટી સબમરીન બેઝ ઉપર આવા ઉપકરણો શા માટે કામ ન કરે ? એની વે ! ઓટેલસ આગળ ઉમેરે છે કે….
બોથાનીયા ગલ્ફ વિસ્તાર યુદ્ધ સમયે, જર્મનીના વોર મશીનો માટે ખૂબ જ અગત્યનો હતો. ટેન્કો અને ટ્રકો માટે વાપરવામાં આવતી બોલબેરીંગો અહીંથી આવતી હતી જો તેનો જથ્થો નાઝી જર્મનોને ન મળે તો, યુદ્ધમાં તેમની ટેન્કો અને ટ્રકો નકકામા સાબિત થાય. જો ખરેખર જ એવું હોય તો આ ટચુકડા ડિવાઇસ શસ્ત્રોની દુનિયા માટે નવી ડિસ્કવરી બનશે. કોંક્રીટના બાંધકામના કારણે સોવિયેત સબમરીનોની અવરજવર ઉપર અવરોધ પેદા કર્યા હશે. ભૂતકાળમાં બ્રિટને બીજા વિશ્વયુદ્ધમાં આ પ્રકારના બાંધકામ બનાવ્યા હતા જે રડારના સિગ્નલને અને સબમરીનોના અન્ય સિગ્નલ્સને ખોરવી નાખતા હતા. સંભવ છે કે બીજા વિશ્વયુદ્ધના દાયકાઓ બાદ જાળી જેવી રચના ખવાઈ ચૂકી હોય અને તેની જગ્યાએ માત્ર છિદ્રો જ બચ્યા હોય.
ઓસેન એક્સની ટીમ કહે છે કે, જ્યાં સુધી બાલ્ટીક સમુદ્રના તળિયે ડૂબેલા પદાર્થ મિલેનિયમ ફાલ્કનનો ભેદ ન ઉકેલાય ત્યાં સુધી આ ખુલાસો જરૃર સ્વીકારવા લાયક છે. પરંતુ ખરેખર અહીં શું ધરબાયેલું છે એ શોધવું ખૂબ જરૃરી છે. ઉડતી રકાબી અને પરગ્રહવાસીના અસ્તિત્વનો સવાલ જેની સાથે જોડાયેલો હોય તેવા સવાલોના ઉત્તર સાયન્ટીસ્ટોએ અચૂક મેળવવા જ જોઈએ.

Related posts

વર્ષ ૨૦૧૮માં પગાર વધારો ૨૦૧૭ જેવો રહેશે : સર્વેક્ષણ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

પોર્નના લીધે જાપાની પુરૂષ સેક્સથી સતત દુર થયા છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1