Aapnu Gujarat
બ્લોગ

લોહિયાળ ઇતિહાસ ધરાવતો કોહિનૂર આમ પહોંચ્યો ઇંગ્લેન્ડ

એંગ્લો શીખ વોર કહેવાતા બીજા યુધ્ધમાં ચિલિયાંવાલામાં પંજાબનું શીખ લશ્કર અંગ્રેજો સામે હાર્યુ. આ હાર બાદ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ૧૧ વર્ષના મહારાજા દુલિપસિંહ પાસે શરણાગતિનો પત્ર લખાવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તાબા હેઠળના પ્રદેશોમાં તેણે પંજાબને સામેલ કરી દીધું. શીખ રાજ્યના પાટનગર લાહોરમાં જહોન લોગિન નામના ગોરા લશ્કરી અફસરને સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણૂક આપી. તેને સૂચના આપવામાં આવી હતી કે તે દુલિપસિંહના તોશાખાનાની કિંમતી ચીજોનું લિસ્ટ તાત્કાલિક બનાવે. ઇસ્ટિ ઇન્ડિયા કંપનીએ યુધ્ધનો જે ખર્ચ વેઠવો પડ્યો તે ડેલહાઉસી પેનલ્ટી તરીકે વસૂલ કરવા માગતો હતો. પંજાબની શાહી તિજોરીમાં ખંડણીની વાજબી રકમ કરતાં અનેકગણો વધુ મૂલ્યવાન ખજાનો હતો.
સૂચના પ્રમાણે જહોન લોગિને મોજણીમાં દિવસો વીતાવ્યા પછી એપ્રિલ ૬, ૧૮૪૯ના દિવસે બહુ મોટું લિસ્ટ તૈયાર કર્યું. તોશાખાનામાં હીરાજડિત તલવારો, દુલિપસિંહના પિતા રણજિતસિંહનું નગદ સોનાનું બનેલું સિંહાસન, પટારા ભરાય એટલા પોખરાજ, માણેક , યાકૂત , ગોમેદ, નીલમ વગેરે કિંમતી રત્નો, સોના ચાંદીના થાળ અને ઘડા, હીરાના તથા મોતીના હાર, આભૂષણોથી મઢેલા વસ્ત્રો, સુવર્ણમુદ્રાઓ વગેરે મળીને ટનના હિસાબે ખજાનો હતો. ઉપરાંત લાહોરના મોતી મંદિરમાં અને ગોવિંદઘરમાં સંત્રીઓના પહેરા વચ્ચે સુરક્ષિત રખાયેલા બીજા સમૃદ્ધ ધનભંડારોની ચાવીઓ પણ દુલિપસિંહના શાહી તોશાખાનામાં હતી. સૌથી આકર્ષક તથા અમૂલ્ય કહી શકાય એવી ચીજ હોય તો એ કોહિનૂર હીરો, જેનું નામ એ વખતે પણ દેશવિદેશમાં ગાજતું હતું. કોહિનૂર માત્ર હીરો નહિ, પરંતુ પોતાનામાં એક ઇતિહાસ હતો- અને તે ઇતિહાસ અનેક અદભુત બનાવોથી રચાયો હતો. ડેલહાઉસીએ કોહિનૂર હીરો રાણી વિક્ટોરિયાને ભેટ આપવાનું નક્કી કર્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારી લાયસન્ય અથવા તો જે ચાર્ટર મળ્યુ હતુ તે બ્રિટિશ તાજ દ્વારા મળ્યું હતુ. તેથી ડેલહાઉસીએ આ મુજબ નક્કી કર્યું. થોડા દિવસ પછી તે લાહોર પહોંચ્યો. તોશાખાનાની મુલાકાત દરમ્યાન તેણે કોહિનૂર જોયો અને જોતાવેંત મંત્રમુગ્ધ બન્યો. કોહિનૂરનું વજન ૨૭૯ કેરેટ (૫૫.૮ ગ્રામ) હતું, તેથી કદમાં તે મોટો લાગતો હતો. અભિભૂત થયેલા ડેલહાઉસીએ તેને મખમલના કાપડની ટચૂકલી પોટલીમાં મૂક્યો અને જહોન લોગિને એ પોટલી ડેલહાઉસીને રેશમી કાપડના જાડા કમરપટ્ટામાં અંદરના ભાગે સીવી આપી. હીરો પહેલા પોતાના માલિકો પાસે હેમખેમ રહ્યો ન હતો, તેથી તેને કાળજીપુર્વક પહોંચાડવા માટે પૂરતી તકેદારીઓ લેવામાં આવી.
૧૮૫૦માં એટલેકે આ ઘટનાના બીજા વર્ષે કોહિનૂરે વહાણ મારફતે હંમેશ માટે ભારતની જમીન છોડી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઇંગ્લેન્ડ ખાતે વહીવટ સંભાળતા ડિરેક્ટરોએ એ હીરો રાણી વિક્ટોરિયાને સુપરત કર્યો. કોહિનૂરને જોવા માટે લાખો અંગ્રેજો તત્પર હતા, એટલે લંડનમાં આગામી વર્ષે (૧૮૫૧માં) ધ ગ્રેટ એક્ઝિબિશન નામનો વિશ્વમેળો ભરાયો ત્યારે કોહિનૂરને તેના મુખ્ય આકર્ષણ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો. ઘણા વખત પછી તેને કાપી પહેલદાર બનાવાયો, બ્રિટિશ તાજમાં જડી લેવાયો અને ટાવર ઓફ લંડનમાં બીજા શાહી ઝવેરાત સાથે મૂકી દેવામાં આવ્યો. આ સુરક્ષિત સ્થળમાં ત્યારબાદ તે હંમેશ માટે પડ્યો રહ્યો.
કોહિનૂર મૂળ ગોલકોન્ડાની પેદાશ હતો- દક્ષિણ ભારતનું એ ગોલકોન્ડા કે જ્યાં દરિયા-એ-નૂર, ગ્રેટ મોગલ, હોપ ડાયમન્ડ, નિઝામ, રીજેન્ટ, શાહ, ઓર્લોફ વગેરે જેવા લગભગ ૩૦ જગમશહૂર હીરા મળી આવ્યા હતા. કોહિનૂર ચોક્કસ કયા અરસામાં હાથ લાગ્યો તેની માહિતી નથી, પણ તેનો આરંભ ૧૬૫૦ પછી થયો હોવાનું નોંધાયુ છે.. ફ્રાન્સથી ભારતના પ્રવાસે આવેલા જિયાં બાપિતસ્ત તાવર્નિયે નામના ઝવેરીએ નોંધ્યા મૂજબ કોહિનૂર અસલમાં ૯૦૦ રતીનો એટલે કે ૭૮૭.૫ કેરેટનો હતો અને તેનો માલિક એ વખતે ગોલકોન્ડાનો સેનાપતિ મીર જુમલા હતો. આ હીરો ઘણી વખત આઘોપાછો થયો હતો અને તેને મેળવવા માટે હિંસાનો સહારો પણ લેવાયો હતો. આથી મીર જુમલાએ હીરાને ગુપ્ત સ્થળે છૂપાવીને રાખ્યો હતો. કોહિનૂર તેની પાસે હોવાનું અહમદ નગરના શાહી ખાનદાને જાણ્યું, એટલે મીર જુમલાને હિરાસતમાં લેવાના અને હીરાનું સ્થાન ન કહી બતાવે તો આંખો ફોડી નાખવાના હુકમો છૂટ્યા.
જોકે આવું બન્યું નહીં. ગોલકોન્ડાનો સેનાપતિ હોવાના નાતે ઘણા બાતમીદારો ધરાવતો મીર જુમલા ચેતી ગયો. જાન બચાવવા તે દિલ્હી નાસ્યો અને શાહજહાં ને ત્યાં આશરો લીધો. શરણાગતિના અને વફાદારીના પ્રતીકરૂપે કોહિનૂર તેણે બાદશાહને ભેટ આપી દીધો. શાહજહાંએ આટલો શાનદાર હીરો લગભગ જોયો ન હતો પરંતુ તેને એ કલ્પના ન હતી કે આ હીરો તેના એકેય માલિકને ફળ્યો ન હતો. હકીકતે માલિકના શિરે તે મુસીબતો નોતરી લાવ્યો હતો. શાહજહાંને પણ કોહિનૂર ફળ્યો નહિ.સત્તાની જંગમાં તેના ત્રણ શાહજાદાઓ પરસ્પર લડીને માર્યા ગયા, જ્યારે શાહજહાંએ પોતે જિંદગીના છેલ્લા નવ વર્ષ પોતાનાજ ઘાતકી દીકરા ઔરંગઝેબના કેદી તરીકે આગ્રાના કિલ્લામાં ગુજારવા પડ્યા. ઔરંગઝેબને કોહિનૂર ખૂબજ પસંદ હતો અને તે પોતાના શાહી દરબારમાં પધારતા દરેક મહેમાનને ગર્વભેર બતાવતો હતો. એક મહેમાન ફ્રાન્સનો પેલો ઝવેરી જિયાં બાપ્તિસ્ત તાવર્નિયે હતો, જે લાંબી વિઝિટના અંતે વિદાય લેતા પહેલાં નવેમ્બર ૧, ૧૬૬૫ના દિવસે ઔરંગઝેબને મળવા ગયો હતો. તાવર્નિયેએ પોતાના સફરનામામાં લખ્યું તેમ ઔરંગઝેબે તેને શાહી ખજાનો દેખાડ્યો હતો. ઔરંગઝેબના રત્નભંડારમાં તાવર્નિયેને એક અત્યંત ચમકતો અને શાહી જણાય તેવો હીરો જોવા મળ્યો કે જેનું વજન ૩૧૯.૫ રતી મતલબ કે ૨૭૯ કેરેટ જેટલું હતું. ઘણું કરીને એ જ હીરો કોહિનૂર હતો. અગાઉ નોંધ્યું તેમ હીરાનું વજન અસલમાં ૭૮૭.૫ કેરેટ હતું.
આ હીરો મોગલ ખાનદાનમાં ૧૭૩૯ સુધી રહ્યો, પરંતુ ઔરંગઝેબની મોજુદગીમાંજ મોગલ સામ્રાજ્યના સ્તંભ તૂટવા માંડ્યા હતા. ૧૭૦૭માં તેના મૃત્યુ પછી વારસદારો એ જ ઔરંગઝેબની રસમ મુજબ ખુનખરાબા પર ઉતર્યા. પહેલાં તેનો મોટો દીકરો અઝીમશાહ ગાદી પર બેઠો, એટલે બીજો દીકરો બહાદુરશાહ સત્તા વગરનો રહી ગયો. આથી તે કાબુલ પહોંચ્યો અને ત્યાં અફઘાન લશ્કર એકઠું કરી દિલ્હી પર ચડી આવ્યો. લડાઇમાં અઝીમશાહ અને તેના પુત્રો માર્યા ગયા. વિજેતા નીવડેલો બહાદુરશાહ મોગલ શહેનશાહ તો બન્યો, પરંતુ તેના પોતાના શાહજાદાએ બળવો કરી તેને મરાવી નાખ્યો. સત્તા માટેની ખૂનામરકીનો ક્રમ એ પછીયે ચાલુ રહ્યો. દરમ્યાન મરાઠા, શીખો તથા અંગ્રેજો મોગલ સામ્રાજ્યમાં પસારો કરતા રહ્યા.
મોગલોના પતન જેવી પરિસ્થિતિ માટે કોહિનૂરને અપશૂકનિયાળ એ રીતે કે તે તેના મૂલ્યના લીધે આફત નોતરી લાવતો હતો. સૌની નજર તેના પર બગડતી હતી, એટલે તેના માલિકે સરવાળે દુઃખી થવું પડતું હતું. વળી આવો મૂલ્યવાન નંગ એકાદ સત્તાધીશ પાસે હોય, એટલે તેની સામે હિંસક કાવતરાં રચાય એ પણ સ્વાભાવિક બાબત હતી.આ હીરાનું નામ હજી કોહિનૂર પડ્યું ન હતું. ઇરાન (પર્શિયા)ના નાદિરશાહે તે હીરાને નામ આપ્યું. વર્ષ ૧૭૩૯નું હતું, જ્યારે કોહિનૂરની માલિકી ધરાવનારો છેલ્લો મોગલ સમ્રાટ મહમ્મદશાહ દિલ્હીની ગાદીએ હતો. જો કે તે મોટા સામ્રાજ્યનો નહિ, પણ દિલ્હી ફરતેના સીમિત રાજ્યનો જ તે સમ્રાટ રહ્યો હતો. મોગલ હકૂમત કમજોર પડી હતી. ઇરાનનો નાદિરશાહ ત્યારે ૮૦૦૦૦ સૈનિકોની પ્રચંડ ફોજ સાથે દિલ્હી પર હુમલો લાવ્યો અને લાગલગાટ ૫૮ દિવસ સુધી દિલ્હીને ઘમરોળી નાખ્યું. ઇતિહાસની સૌથી મોટી લૂંટ પણ તેણે ચલાવી. નિસહાય મહમ્મદશાહ કત્લેઆમ બંધ કરાવવા નાદિરશાહને હાથેપગે પડ્યો. ઇરાની બાદશાહે ત્યાર પછી માત્ર કતલ રોકી, લૂંટ નહિ. દિલ્હીના લાલ કિલ્લામાં, વજીરોના આવાસોમાં અને સામાન્ય પ્રજાનાં મકાનોમાં પણ જેટલુ સોનું-રૂપું તથા ઝવેરાત મળ્યું તે દિવસો સુધી એકત્રિત કરાતુ રહ્યું. અમુક ઐતિહાસિક પુસ્તકમાં નોંધાયા પ્રમાણે નાદિરશાહ કેટલો બોજો લઇ જઇ શકે તેના આધારે લૂંટની ક્ષમતા નક્કી કરવામાં આવી હતી. તેથી છેવટે નાદિરશાહે વધુ મૂલ્યવાન ચીજો પર ધ્યાન આપ્યું. એક તો મયૂરાસન હતું, જેની કિંમત આંકી શકાય તેમ ન હતી. નાદિરશાહ ત્રાટક્યો એ વખતે કોહિનૂર મયૂરાસનમાં જડેલો હતો. પર્શિયન આક્રમણના વાવડ મળ્યા પછી મહમ્મદશાહે તે વેળાસર કાઢી પોતાના ફેંટામાં સંતાડી દીધો હતો અને મયૂરાસનમાં તેને ઠેકાણે બીજો સસ્તો હીરો જડાવ્યો હતો. નાદિરશાહે ત્યાંથી હાથીઓ, ઘોડા, રાચરચિલુ, રેશમી કાપડ અને કલાકૃતિઓ સહિત અંદાજીત રૂ. ૭૦ કરોડનો ખજાનો એકઠો કર્યો હતો. એક દાસીએ તેને માહિતી આપી કે કોહિનૂર હીરો મહમ્મદશાહના ફેંટામાં હતો. પરાજિત મોગલ બાદશાહ તેનો વિરોધ કરી શક્યો નહીં. નાદિરશાહે એ હીરો દીઠો એ વખતે તેને કોહ-ઇ-નૂર મતલબ કે પ્રકાશનો પર્વત કહીને સંબોધિત કર્યો હતો. આ નામ તેની સાથે ત્યારબાદ જોડાયેલું રહ્યું.કોહિનૂર તેના માલિકોને કદી માફક આવ્યો ન હતો અને નાદિરશાહના કેસમાં પણ એ સિલસિલો યથાવત રહ્યો. ઇરાન પાછા ફર્યા બાદ તેણે પોતાના સૈનિકોને છૂટા હાથે નણાં આપ્યાં. પ્રજાજનોનું મહેસૂલ ત્રણ વર્ષ સુધી માફ કર્યું. રાજ્યની તિજોરી ચોથા વર્ષે તળિયે ગઇ ત્યારે વેરો નાખવામાં આવ્યો. આ મુદ્દે ચોમેર એટલી નારાજગી પ્રસરી કે સેનાપતિઓ બગાવતે ચડ્યા અને જૂન ૭, ૧૭૪૭ ની રાત્રે નાદિરશાહનો ફેંસલો લાવી દીધો. ઇરાનના ખાલી તખ્ત પર બેસવા માટેની સ્પર્ધામાં તે પછી ચાર વારસદારોનાં ખૂન થયાં.
નાદિરશાહની હત્યા પછી બે વર્ષે ૧૭૪૯માં અફઘાનિસ્તાનના
શાસક અહમદશાહે ઇરાન પર હુમલો કર્યો. વિજય મેળવ્યો અને કોહિનૂર પણ કબજે લીધો. ૧૭૭૩માં અહમદશાના મૃત્યુ પછી હીરો (કેટલીક હત્યાઓ બાદ) તેના પૌત્ર શાહશુજાના હાથમાં આવ્યો. અફઘાનિસ્તાનનો તે સત્તાધીશ બન્યો પણ સગા ભાઇના ફૌજી ષડયંત્ર સામે હારીને શાહ શુજા કાબુલ છોડીને ભાગ્યો. નાસીને તેણે લાહોરમાં શીખ મહારાજા રણજિતસિંહના દરબારમાં શરણ માગ્યુ. આસરાની સાથે કાબુલની ગાદી પાછી મેળવવા લશ્કરી સહાય પણ માગી. વળતરમાં તેણે મહારાજા સમક્ષ કોહિનૂર હાજર કર્યો. રણજિતસિંહે શરત મંજૂર રાખી પણ છેવટે તેનું પાલન ન થયું અને થોડા સમય બાદ શાહ સુજા કારાવાસના સળિયા પાછળ હતો. જ્યારે કોહિનૂર રણજિતસિંહના બ્રેસલેટમાં હતો. પોણોસો વર્ષ બાદ એમ કહી શકાય કે કોહિનૂર સ્વદેશ પાછો આવ્યો હતો.ત્યારબાદ શાહ શુજા જેલ તોડીને ભાગ્યો અને લુધિયાણા પહોંચ્યો. અહીં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને રક્ષણ આપ્યું. અંગ્રેજો પણ શીખ સામ્રાજ્યના ફેલાવાથી ચિંતિત હતા.કોહિનૂર વાળો બ્રેસલેટ મહારાજ માત્ર ખાસ પ્રસંગે જ પહેરતા. તે સિવાય તે તોશાખાનામાં પડી રહેતો હતો. ૧૮૩૯માં માંદગીના તાબે પટકાયા ત્યારે તેમણે હાજર રહેલા આપ્તજનોને, વજીરને તથા દરબારીઓને હીરો જગન્નાથજી મંદિરે ભેટ ચડાવી દેવાની સૂચના આપી. રણજિતસિંહની તે અંતિમ ઇચ્છા હતી, કેમ કે તેઓ મરણપથારીએ હતા. પરંતુ હાજર રહેલી એકેય વ્યક્તિ પંજાબની રોનક જેવા કોહિનૂરને જતો કરવા તૈયાર ન હતી. એક પછી એક બહાનું રજૂ કરાતું રહ્યું. રણજિતસિંહ આખરે જૂન ૨૭, ૧૮૩૯ ના દિવસે એ જ લાહોરમાં મૃત્યુ પામ્યા મહારાજાની ચાર પત્નીઓ મેહતાબ કૌર, રાજ કૌર, દયા કૌર અને રતન કૌર પાલખીઓમાં હતી. અગ્નિદાહ દેવાયો ત્યારે સતી થવા માટે તેમણે પણ આત્મવિલોપન કરી નાખ્યું. એકમાત્ર જિન્દન નામની પાંચમા નંબરની પત્નીએ એવું પગલું ન ભર્યું. જિન્દન હિન્દુ કુટુમ્બમાં જન્મી ન હતી. ઉપરાંત તેના પુત્ર દુલિપસિંહની વય માત્ર ૧૦ મહિના હતી અને બાળકના શિરે માતાની ઓથ રહે એ જરૂરી હતું.
મહારાજાના અવસાન બાદ પંજાબનું શાસન સંભાળવા માટે અને શાન સાચવવા માટે વારસદારોની કમી ન હતી. રણજિતસિંહને પુખ્ત વયના છ પુત્રો હતા. હારાજા બનેલો મોટો પુત્ર ખડગસિંહ નવેમ્બર ૫, ૧૮૪૦ ના અફીણના વ્યસનને લીધે ફક્ત સાડત્રીસમે વર્ષે મૃત્યુ પામ્યો. ખડગસિંહનો દીકરો નૌનિહાલસિંહ પંજાબનો નવો મહારાજા બ્નયો, પરંતુ એ જ દિવસે પિતાની અંતિમયાત્રા દરમ્યાન નગરચોકની કમાન તૂટીને બધો કાટમાળ માથે આવી પડતા તેનું પણ અવસાન નીપજ્યું. નૌનિહાલસિંહના કાકા શેરસિંહને ત્યાર બાદ પંજાબની ગાદી મળી. આ મહારાજાનો અંજામ પણ બૂરો આવ્યો. સપ્ટેમ્બર ૧૫, ૧૮૪૩ના દિવસે શેરસિંહનું ખૂન કરી નાખવામાં આવ્યું.
હવે મહારાજા બનવામાં વારો પાંચેક વર્ષના દુલિપસિંહનો આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ ત્યારે પંજાબ સામ્રાજ્ય પર ડોળો માંડ્યો.મહારાજા તરીકે દુલિપસિંહનું પદ ફક્ત પ્રતીકાત્મક હતું અને માતા જિન્દન પોતાની મર્યાદિત સમજશક્તિ મુજબ રાજ્યનો વહીવટ ચલાવતી હતી. મહેલમાં વાતાવરણ જો કે ખટપટોનું અને ગજાગ્રહનું હતું. કોઇ મુદ્દે એકસૂત્રતા ન હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે મહારાજા રણજિતસિંહે ૧૮૦૯માં કરેલી સમજૂતી મુજબ સતલજ નદીની પશ્વિમ તરફના પંજાબમાં અંગ્રેજોએ પ્રવેશવાનું ન હતું. કોઇ જાતનો હસ્તક્ષેપ પણ કરવાનો ન હતો. સતલજની પૂર્વે એકમાત્ર લુધિયાણામાં કંપનીને લશ્કરી મથક રાખવાની છૂટ હતી. રણજિતસિંહના અવસાન બાદ પંજાબને કમજોર પડેલું જોતાં અંગ્રેજ ગવર્નર-જનરલ એડવર્ડ એલનબરોએ સતલજના પૂર્વ કાંઠે ફૌજી જમાવટ વધારી અને સૈનિકસંખ્યા ૧૭૬૦૦ જેટલી કરી નાખી. નવ ગવર્નર-જનરલ હેન્રી હાર્ડિંજે સૈનિકોનો જુમલો ૪૦૫૦૦ કરી નાખ્યો.આ તરફ લાહોર દરબારને આક્રમણના ભણકારા સંભળાયા, એટલે તેણે નવેમ્બર, ૧૮૪૫માં પંજાબ સરહદે ૭ ડિવિઝનો વડે સામો મોરચો ગોઠવ્યો. લાહોર દરબારના સૈન્યે ડિસેમ્બર ૨૧,૧૮૪૫ના રોજ સતલજ નદી ઓળંગી નાખી, પૂર્વ કિનારા પર અંગ્રેજ લશ્કરને પડકાર્યું અને સશસ્ત્ર યુધ્ધ આરંભી દીધું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતમાં પુષ્કળ ખુવારી વેઠ્યા બાદ નવો હુમલો અત્યંત મોટા પાયે કરી શીખોને હરાવી દીધા. લશ્કર ફેબ્રુઆરી ૨૦, ૧૮૪૬ના દિવસે શીખ રાજધાની લાહોરમાં પ્રવેશ્યું. વિજય મેળવ્યા પછી તેણે લાહોર દરબારને રૂપિયા દોઢ કરોડની પેનલ્ટી ફટકારી, જેમાંથી પચાસ લાખ રૂપિયા રોકડા મળ્યા અને બાકીની રકમ માટે જીતેલું કાશ્મીર આંચકી લીધું. શરણાગતિની બીજી કલમોના અન્વયે પંજાબના શીખ લશ્કરનું સંખ્યાબળ ઘટાડી નાખવામાં આવ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પંજાબને રીતસર કબજે ન લીધું પણ તોયે તે અંગ્રેજો હસ્તક આવ્યું. સગીર મહારાજા દુલિપસિંહને માર્ગદર્શન આપવા માટે અંગ્રેજોએ પોતાનો રેસિડન્ટ કહેવાતો એજન્ટ લાહોર ખાતે નીમ્યો. દુલિપસિંહની માતા જિન્દન રાજ્યવહીવટમાં સક્રિય રસ લેતી હતી અને શીખ સૈન્ય તેને વફાદાર હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીને જિન્દનનો પ્રભાવ ખટકતો હતો, માટે અંગ્રેજ રેસિડન્ટે કંપની સામે ષડયંત્ર ઘડવાનો આરોપ મૂકી તેને સીમાપાર છેક વારાણસી મોકલી આપી. સાલિયાણાની રકમ પણ ઘટાડીને રૂ. ૧૨૦૦૦ જેટલી કરી નાખી. વારાણસીમાં તેને નજરકેદ કરી દેવામાં આવી. આ મુદ્દે શીખ સમુદાયમાં તથા સૈન્યમાં ભારે અસંતોષ ફેલાવ્યો અને તે સાથે બીજા કેટલાંક કારણો ભળ્યાં, એટલે ૧૮૪૯માં શીખો વિરુધ્ધ અંગ્રેજોનું બીજું યુધ્ધ ફાટી નીકળ્યું. સૌથી ભીષણ સંગ્રામ ગુજરાત નગરની વાયવ્યે ચિલિયાંવાલામાં ખેલાયો,જે અંગે શરુઆતમાં નોંધ્યું છે. માર્ચ ૩૦, ૧૮૪૯ના દિવસે જાહેરનામું બહાર પાડી સમગ્ર પંજાબને લોર્ડ ડેલહાઉસીએ પંજાબને અંગ્રેજ હૂકમતના પ્રદેશમાં ભેળવી દીધું.
મહારાજાએ જાહેરનામાનું વાંચન પૂરૂં થતાવેંત સિંહાસનનો ત્યાગ કર્યો અને ત્યાર બાદ આગોતરી સૂચના મુજબ કોહિનૂર હીરો સચિવના હાથમાં મુકી દીધો. કોહિનૂર જતો કરી તેમણે ઔપચારિક રીતે એમ સ્વીકાર્યું કે તેઓ પંજાબના મહારાજા રહ્યા ન હતા. ઇતિહાસમાં ખૂબ ચમકેલો અને ખુદ પણ ઇતિહાસ બનેલો હીરો અંતે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના શાહી ખજાનાનો અમૂલ્ય નંગ બનવાનો હતો. ત્યારબાદ ડૉ. જ્હોન લોગિને બ્રેઇનવોશનો એવો જાદૂ લડાવ્યો કે થોડા જ મહિના પછી દુલિપસિંહે શીખ ધર્મ તજી ખ્રિસ્તી બનવાની ઇચ્છા દર્શાવી. એટલું જ નહિ, પણ ઇંગ્લેન્ડ જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને ડેલહાઉસીએ આવકાર્યો. ડેલહાઉસીએ લાંબા શુભેચ્છાપત્ર સાથે દુલિપસિંહને બાઇબલ ભેટ મોકલ્યું.
ધર્મપરિવર્તનના સંસ્કારો ખ્રિસ્તી દેવળમાં માર્ચ ૮, ૧૮૫૩ના રોજ કરાયા ત્યારે દુલિપસિંહની ઉંમર ૧૫ વર્ષની હતી. બીજા વર્ષે તેમણે બારોબાર ભારત છોડ્યું. ઇંગ્લેન્ડ ગયા, જ્યાં ગોરી સરકારે તેમને ઠરીઠામ રાખવા માટે વાર્ષિક ૪૦૦૦૦ પાઉન્ડનું સાલિયાણું બાંધી આપ્યું. ઉપરાંત સફોક પરગણામાં વિશાળ એસ્ટેટ ફાળવી દીધી. જ્હોન લોગિન અને પત્ની લીના લોગિન પણ દુલિપસિંહ સાથે સ્વદેશ પાછા ફર્યા હતા. કોહિનૂર તો ક્યારનો અંગ્રેજોએ અહીં પહોંચાડી દીધો હતો. તેનું ઓરિજિનલ સ્વરૂપ પણ બદલી નાખવામાં આવ્યું હતુ.
ત્યારબાદ ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાએ હીરો જોયો ત્યારે તેના મન હેઠે ન આવ્યો. કોહિનૂરને ૧૮૫૧ના ધ ગ્રેટ એક્ઝિબિશનમાં મુલાકાતીઓના લાભાર્થે પ્રદર્શિત કરાયા પછી વિક્ટોરિયાએ તેને પહેલદાર તેમજ પ્રકાશમય બનાવવા માટે આમ્સ્ટરડેમના સર્વશ્રેષ્ઠ ગણાતા વૂરસેન્ગર નામના ડચ કારીગરને બોલાવ્યો. આ મુશ્કેલ કાર્ય માટે તેને ૯૦૦૦ પાઉન્ડ આપવાનું કબૂલ્યું અને કટિંગના આયોજનની જવાબદારી બ્રિટિશ રાજકુટુમ્બના શાહી જ્વેલર સેબાસ્ટિન જેરાર્ડને સોંપી. પાટનગર લંડનમાં જ કટિંગ માટે તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો. જેમ્સ ટેનેન્ટ નામનો ખનિજશાસ્ત્રી પણ એ વખતે હાજર રહ્યો. હીરાનું ત્યારે અંકાયેલું લગભગ ૭૦૦૦૦૦ ડૉલરનું મુલ્ય જોતાં કામ એટલુ ધીમે અને ધીરજપૂર્વક કરવું પડ્યું કે તેમાં ૩૮ દિવસ લાગી ગયા. કટિંગ બાદ ૧૮૬ કેરેટનો હીરો ૧૦૮.૯૩ કરેટનો બન્યો. ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા દુલિપસિંહ અવારનવાર રાણી વિક્ટોરિયાને મળવા બકિંગહામ પેલેસ જતા હતા. ત્યારબાદ એક વખત કોહિનૂર હીરો મખમલના કાપડમાં સામે લાવીને દુલિપસિહને તે વિધિવત રીતે પોતાને સોંપવાનું કહ્યું, જેથી હસ્તાંતર યથાર્થ બને.
ત્યારબાદ રાણી વિક્ટોરિયા માટે કોહિનર વ્યક્તિગત આભૂષણ બન્યો. વિક્ટોરિયાએ એકધારૂ ૬૩ વર્ષ રાજ કર્યું એ જોતા માન્યતા એ બની કે હીરો રાજાને નુકશાન પહોંચાડે, રાણીને નહિ. વિક્ટોરિયાએ પોતાની વસિયત મુજબ હીરો પુત્રવધૂ એલેક્ઝાન્ડ્રાને વારસામાં આપ્યો, જેણે રાજ્યાભિષેક વખતે ૧૯૦૨માં તે વાપર્યો. ૧૯૧૧માં તેને રાણી મેરીના તાજમાં અને ત્યારબાદ ૧૯૩૭માં રાણી એલિઝાબેથના તાજમાં જડી લેવામાં આવ્યો. એલિઝાબેથે કેટલાંક વર્ષ સુધી ઔપચારિક પ્રસંગે તાજ વાપર્યો પણ ત્યાર બાદ ટાવર ઓફ લંડનના રત્નભંડારમાં મોકલી આપ્યો.
આ દરમ્યાન મહારાજા દુલિપસિંહના જીવનનું કશુ વજૂદ રહ્યું ન હતું. સાલિયાણાની બાંધેલી રકમ ઓછી પડવા માંડી ત્યારે વધારા માટે અરજીપત્રો લખ્યા, પરંતુ દાદ ન મળી. ૧૮૬૧માં તેઓ માતા જિન્દનને લેવા માટે ભારત આવ્યા. બે વર્ષ પછી જિન્દનનું અવસાન નીપજ્યું ત્યારે ગંગામાં તેનાં અસ્થિ પધરાવવા માટે ફરી તેઓ ભારત આવવા નીકળ્યા. ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદર ખાતે જહાજ થોડા દિવસ રોકાયું એ દરમ્યાન તેમને બામ્બ મ્યુલર નામની યુવતીનો ભેટો થયો, જેની સાથે તેમણે લગ્ન કર્યા.
ઇંગ્લેન્ડના સજોડે રહેવા માંડેલા દુલિપસિંહે ત્યાર પછીના વર્ષોમાં ખાસ્સું દેવું કરી નાખ્યું. અંગ્રેજ હકૂમત તેમનું સાલિયાણું વધારવા તૈયાર ન હતી. દિવસોદિવસ તેમનો વધુ અનાદર કરવામાં આવતો હતો. આથી દુલિપસિંહે ભારત પાછા ફરવાનું નક્કી કર્યું અને ફરી ખ્રિસ્તી ધર્મ ત્યજી શીખ ધર્મ અપનાવ્યો. જોકે અંગ્રેજોને આ જાણ થતા તેઓ ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે અધવચ્ચે યમનના એડન બંદરે અટકાયતમાં લીધા. હતાશ દુલિપસિંહે ત્યારબાદ ફ્રાન્સમાં પડાવ નાખ્યો અને ઓક્ટોબર ૨૩, ૧૮૯૩ના પેરિસની એક હોટલમાં તેમનું અવસાન થયું. રણજિતસિંહનો છેલ્લો ગાદીવારસ પણ મૃત્યુ પામ્યો અને તેમના યુગની એકમાત્ર યાદગીરી તરીકે કોહિનૂર બાકી રહ્યો હતો. તે પણ દુલિપસિંહની જેમ કદી સ્વદેશ પાછો ફરે એવી શક્યતા ન હતી.

Related posts

✍ ?आज का विचार?

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

ગંગાના પાણીમાં કોરોનાનો કોઇ અંશ નથી મળ્યો : રિસર્ચ

editor

Leave a Comment

UA-96247877-1