એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે પશુ કારોબાર ઉપર કેન્દ્ર સરકારના નવા નિયમોના અમલીકરણ ઉપર ચાર સપ્તાહ માટે સ્ટે મુકી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. સાથે સાથે ચાર સપ્તાહની અંદર જવાબ આપવા માટે કહ્યું છે. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી વિજયને કતલખાના માટે પશુઓના વેચાણ ઉપર કેન્દ્ર સરકારના પ્રતિબંધ સામે જોરદાર વિરોધ કર્યો હતો. આ મુદ્દો જોરદાર ગરમી જગાવે તેવી શક્યતા છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે વચગાળાનો ચુકાદો આપતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર લોકોની ફુડ હેબિટને નક્કી કરી શકે નહીં. સેલવા, ગોમતી અને આશિકઇલાહીની જનહિતની અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા જસ્ટિસ એમવી મુરલીધરન અને જસ્ટિસ કાર્તિકેયની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કઈ ચીજ ખાવી જોઇએ અને કઈ નહીં તે અંગે વ્યક્તિગતોનો અધિકાર છે. આ બાબત કોઇ સરકાર નક્કી કરી શકે નહીં. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઇને દેશના ઘણા ભાગોમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ હાલમાં જ જોરદાર વિરોધ કર્યો હતો અને આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. રાજ્યોમાં ટેન્શનની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વિરોધ પક્ષો દ્વારા પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણયની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે.