Aapnu Gujarat
ગુજરાત

મહિસાગરના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની બાબતને સમર્થન

મહીસાગર જિલ્લાના વન્ય વિસ્તારમાં વાઘ હોવાની આખરે રાજય સરકાર અને વનવિભાગે પુષ્ટિ કરી છે. ગુજરાતમાં વાઘ મળી આવતાં ખુદ રાજય સરકાર, વન વિભાગના અધિકારીઓ સહિત વન્ય પ્રેમીઓમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ છે. જો કે, હવે આ વાઘના રક્ષણ અને તેની સલામતીની સૌથી મોટી અને મહત્વની જવાબદારી સરકાર અને વનવિભાગના શિરે આવી પડી છે. સરકાર અને વનવિભાગ દ્વારા અત્યારથી જ વાઘની સુરક્ષાને લઇ અગત્યના પગલા લેવાની શરૂઆત કરાઇ દેવાઇ છે. ખાસ કરીને તેના ખોરાક, હવા, પાણી અને વાતાવરણની અનુકૂળતા સહિતના બાબતોની ખાસ કાળજી લેવાઇ રહી છે. મહિસાગરના વન્ય વિસ્તારમાં વાઘ મળતાં હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા એમ ત્રણેય મોટા પ્રાણી ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની નાઇટ વિઝન કેમેરાના વીડિયો સાથે આજે ગોધરા વન વિભાગે પુષ્ટિ કરી હતી, ત્યારબાદ વન વિભાગના ૨૦૦ જેટલા કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે જોવા મળેલો આ વાઘ સંતરામપુર-કડાણા વચ્ચે ૨૫ કિલો મીટરના સમગ્ર વિસ્તારમાં આંટા ફેરા મારી રહ્યો હોવાની વાત પણ સામે આવી છે. આજે રાત્રે ફરીથી કેમેરા લગાવીને વન વિભાગ વાઘનું લોકેશન જાણવા પ્રયાસ કરશે. જે ગુફામાં આ વાઘ રહેતો હોવાનું મનાય છે ત્યાં સુધી પણ વનવિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના બાદ વન વિભાગ ફરીથી હરકતમાં આવ્યુ છે. ખાસ કરીને રાજયના વનમંત્રી ગણપત વસાવાએ ખુશી વ્યક્ત કરતા તાબડતોડ બેઠક બોલાવી હતી અને વાઘના અસ્તિત્વ, હવે તેના રક્ષણ અને સલામતી, તેના રહેવાની વ્યવસ્થા અને તેને જરૂરી વાતાવરણ અને હવા, ખોરાક, પાણી સહિતની સવલતો મળી રહે તે પ્રકારનું માળખુ ગોઠવવા સહિતના મુદ્દાઓ પરત્વે વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. ચર્ચાતો એવી પણ છે કે આખા વાઘ પરિવારે ડાંગમાં ધામા નાખ્યાં છે. તાજેતરમાં બોરિયા ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકે મહેશ મહેરાએ પોતાના કેમેરામાં વાઘનો ફોટો ક્લિક કર્યો હતો, જેના આધારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગઢ ગામ પાસેના જંગલ વિસ્તારમાં આ વાઘ હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ગોધરા વન વિભાગની ટીમના ૨૦૦ જેટલા કર્મચારીઓએ જંગલમાં વાઘ છે કે, નહીં તે જાણવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે દરમિયાન નાઇટ વિઝન કેમેરામાં આખરે વાઘ કેદ થયા બાદ આ વાઘ સંતરામપુર અને કડાણાના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે વનમંત્રી ગણપત વસાવા અને વનવિભાગે જણાવ્યુ હતું કે, વાઘ મળ્યો એ ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે આશરે ૭થી ૮ વર્ષનો વાઘ મહિસાગરમાં જોવા મળ્યો છે. ગુજરાતની આસપાસ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વાઘ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનની આસપાસથી વાઘ ગુમ થયાના મેસેજ હતા. વન વિભાગ ત્રણેય રાજ્યો સાથે ગુજરાત વન વિભાગ સંપર્ક કરશે, તો સાથે સાથે વાઘ માટે કામ કરતી સંસ્થાને અમે જાણ કરીશું. વાઘની સલામતી, રક્ષણ અને સાવચેતી માટે સ્થાનિકોને જાગૃત કરીશું. તેમણે ઉમેર્યું કે, આ વાઘને લઈને સમગ્ર જંગલ વિસ્તારમાં સર્વે કર્યા બાદ તેને કયાં રાખવો તે બાબતે નિર્ણય લેવાશે. ખાસ કરીને તેને અનુકૂળ વાતાવરણ અને મુકત જીવન મળી રહે તેની ખાસ કાળજી લેવાશે.

Related posts

તળાવમાં શોધખોળ:ગરબાડાના અભલોડના લીલવા તળાવમાં ડૂબેલા યુવકનો 24 કલાક બાદ પણ પત્તો નહીં

aapnugujarat

બાઇકર્સ સોનાની ચેઇન લૂંટી પલાયન

aapnugujarat

પાવીજેતપુર ગ્રામ પંચાયત વતી કબ્રસ્તાનમાં પેવરબ્લોકની કામગીરીની શરૂઆત

editor

Leave a Comment

UA-96247877-1