Aapnu Gujarat
બ્લોગ

કોંગ્રેસે ગડકરીના વખાણ કર્યા,યહ સબ ક્યા હો રહા હૈ…!!

થોડા વર્ષો પહેલાં ટેલિવિઝન પરની એક અતિ લોકપ્રિય કોમેડી સિરિયલમાં એક એકટર અવારનવાર આ ડાયલોગ બોલે છેઃ ‘યહ સબ ક્યા હો રહા હૈ!’ જ્યારે જ્યારે મામલો ગૂંચવાય ત્યારે આ ડાયલોગ અચુક આવે. એ એટલો લોકપ્રિય થયો કે આમઆદમી પણ બોલતા થઈ ગયેલા.
આજકાલ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને એમનાં માતુશ્રી સોનિયા ગાંધી કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીની જે રીતે તારિફ- ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યાં છે એ સાંભળીને ‘યહ સબ કયા હો રહા હૈ!’ એવું મોંમાંથી સરી પડે છે.
નીતિન ગડકરી મોદીજીના પ્રધાન મંડળનો એક ભોળો- માસૂમ ચહેરો છે એ સાચું. એમની છાપ સારી છે એ પણ માન્યું, પરંતુ એમાં એમના પર આટલા બધા ફૂલ વરસાવાની કૉંગ્રેસને અત્યારે- જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જરૂર કેમ લાગી? યહ એક સોચી સમજી સાજિશ હૈ? ખબર નહીં. રાજકારણમાં કંઈ કહેવાય નહીં એક જ વાતના સો અર્થઘટન થઈ શકે, અને કોથળામાંથી નીકળે કોઈ બીજું જ બિલાડું!
ભરી લોકસભામાં સોનિયાજીએ પાટલી પર હાથ થપથપાવીને નીતિન ગડકરીના વખાણ કર્યા. એમને ગડકરીનું અભિવાદન કરતા જોઈને કૉંગ્રેસના અન્ય સભ્યો પણ બૅન્ચ પર હાથ થપથપાવા માંડ્યા. નીતિન ગડકરી પ્રશ્ર્‌નોત્તરી દરમિયાન એટલું બોલ્યા કે શાસક- વિપક્ષના ભેદ વિના દરેક સાંસદ મારા કામની પ્રશંસા કરે છે. બસ, આટલું સાંભળીને સોનિયાજી ખુશ થઈ ગયા.
અગાઉ રાહુલ ગાંધીએ પણ થોડો વખત પહેલાં જ, નીતિન ગડકરી વિશે બિનધાસ્ત કહ્યું હતું કે ‘ગડકરીજી, ભાજપમાં તમે એક જ એવા નેતા છો જે હિંમતવાન છો.’ રાહુલ ગાંધીએ મોદી વિશે ત્યાં સુધી કહી દીધું હતું કે જેઓ પોતાનું ઘર નથી સંભાળી શક્યા, એ દેશ શું સંભાળશે?’
કૉંગ્રેસને નીતિન ગડકરી પર આટલો બધો પ્રેમ કેમ ઊમટયો છે? એક અનુમાન એવું છે કે દરેકનું- અને ખાસ કરીને કૉંગ્રેસનું નિશાન મોદી છે. જે મોદીનો વિરોધ કરે એનો માનીતો થઈ જાય. આ કેસમાં નીતિન ગડકરી છે કેમ કે તેઓ પણ મોદીના પ્રધાનમંડળમાં રહીને ખુલ્લેઆમ મોદી વિશે જાહેર ટીકાટિપ્પણી કરે છે. કોઈની પણ સેહશરમ રાખ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકાસ્રો છોડે છે. ખરેખર ગટ્‌સ છે એમનામાં? બાકી મોદી સામે બોલવું તો બાજુ પર રહ્યું એમની સામે આંખ પણ ઊંચી કરવાની એમના પ્રધાનમંડળમાંથી કોઈની તાકાત નથી. હાંસિયામાં ધકેલાઈ જતા વાર ન લાગે અને હાંસિયો પણ જગ્યા ન આપે એવી હાલત કરી શકે છે. અડવાણીજી જેવા અડવાણી ચૂપ છે!
બીજી ધારણા એવી થઈ શકે કે આ સંઘનો જ ગેમપ્લાન હોઈ શકે- અને આ ટ્રેપમાં કૉંગ્રેસ આવી ગઈ છે. નરેન્દ્ર મોદી એકહથ્થું સત્તામાં માને છે. પાછલી ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતની ટકાવારી આમજનતાના ધ્યાનમાં કદાચ નહીં હોય પણ સંઘને પાક્કી જાણ છે.
૨૦૧૪માં ભાજપને ૩૧.૩ ટકા મત મળ્યા હતા અને ૨૮૨ સીટ મળી હતી. ૧૯૯૮માં ૨૫.૬ ટકા અને ૨૦૦૯માં ૧૮.૬ ટકા મત મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં આ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળે અને અન્ય પક્ષો સાથે સહકાર રચવાની નોબત આવે તો મોદીની જગ્યાએ એક ચહેરો હોવો જોઈએ જે સાથી પક્ષોને મંજૂર હોય.
મોદી પક્ષમાં કે પક્ષ બહાર કોઈ પ્રતિસ્પર્ધીને ટકવા નહીં દે કે આગળ નહીં આવવા દે. એ સૌ કોઈ જાણે છે. સંઘ એકહથ્થું સત્તાની કટ્ટરવિરોધી છે. આ સંજોગોમાં સંઘ પાસે પણ ભલાભોળા ચહેરા નીતિન ગડકરી છે.
વાજપેયીના યુગમાં પણ કંઈક આવી જ સ્થિતિ હતી. એટલે જ સંઘ હંમેશાં લાલકૃષ્ણ અડવાણીની પડખે ઊભો હતો. યાદ રહે મોદીજી એક નખશિખ રાજકારણી છે. જે વાતની સંઘને ચિંતા છે એની જાણ એને પણ છે જ. વાહનવ્યવહાર ખાતું સંભાળતા નીતિન ગડકરીનો રાજકીય વ્યવહાર ખોરવાઈ ન જાય, ચૂંટણી પછી, એનું ધ્યાન ખુદ ગડકરીજીએ રાખવું રહ્યું. કૉંગ્રેસ તો ફાટફુટ પડાવવાના ચક્કરમાં છે જ. ‘યહ સબ કયા હો રહા હૈ!’

Related posts

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા

aapnugujarat

ટાટા ગ્રૂપે રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવી

aapnugujarat

કુંજ બન્યા ભાવનગરના મહેમાન

editor

Leave a Comment

UA-96247877-1