Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતાને ફટકો : રાજીવ કુમારને હાજર થવાનો હુકમ

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને આજે સુપ્રીમ કોર્ટે મરણતોળ ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શારદા ચીટ ફંડ કૌભાંડમાં પુછપરછ કરવા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈની સામે ઉપસ્થિત થવા માટે સ્પષ્ટ આદેશ કરી દીધો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને વાંધો ઉઠાવી રહ્યા હતા પરંતુ આજે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સ્પષ્ટ સૂચના આપી હતી. કોર્ટે રાજીવને બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશથી મમતા બેનર્જીને ચોંકાવી દીધા છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, કોલકાતાના પોલીસ કમિશનરને સીબીઆઈની માનહાનિ અરજી પર નોટિસ ફટકારી છે. મામલાની સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આજે દલીલબાજી દરમિયાન સીબીઆઈ તરફથી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, એસઆઈટીએ પુરાવા સાથે ચેડા કર્યા છે. મામલાની તપાસ યોગ્યરીતે કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં બંધારણીય સંસ્થાઓ ભાંગી પડી છે. વેણુગોપાલે કહ્યું હતું કે, એસઆઈટી ડેટા અને લેપટોપને સુરક્ષિત રાખી શકી નથી. એસઆઈટી દ્વારા સીબીઆઈને ખોટા કોલ ડેટા આપ્યા છે. બંગાળ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સિંઘવીએ કહ્યું હતુ ંકે, સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશનરને હેરાન કરવા માંગે છે. જો કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રાજીવ કુમારની પુછપરછ કરવામાં આવે તેમાં વાંધો શું છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આખરે કમિશનર સીબીઆઈની સામે ઉપસ્થિત કેમ થઇ રહ્યા નથી. ચીફ જસ્ટિસે પ્રશ્ન કર્યો હતો કે, પશ્ચિમ બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશને લઇને વાંધો શું છે. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેંચે કહ્યું હતું કે, કોલકાતા પોલીસ કમિશનરને તપાસમાં સામેલ થવાનો આદેશ આપવામાં કોઇપણ વાંધો નથી. સોમવારના દિવસે સીબીઆઈ દ્વારા અરજી કરવામાં આવી હતી. બીજી બાજુ કોલકાતા હાઈકોર્ટમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સાથે જોડાયેલી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાના લીધે તેમાં સુનાવણી ગુરુવાર સુધી ટાળી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલે કહ્યુ હતુ કે પુરાવા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સીટ દ્વારા ટીએમસી સાથે જોડાયેલા લોકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી નથી. આ સમગ્ર મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો થઇ હતી. બીજી તરફ બંગાળ સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વકીલ અને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુહતુ કે સીબીઆઇ તપાસના નામ પર પોલીસ જવાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે ડીજીપી દ્વારા તપાસમાં સહકારની ખાતરી આપવામાં આવી હતી. સીબીઆઇ અને મમતા સરકારની વચ્ચે ખેંચતાણમાં સીબીઆઇની ટીમે ૧૪ પાનાની એફિડેવિટ રજૂ કરી હતી.શારદા અને રોઝવેલી કૌભાંડના મામલામાં તપાસને લઇને સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને આવી ચુકી છે. આ મામલો ગઇકાલે લોકસભામાં પણ ગુંજ્યો હતો. કોલકાતા પોલીસ કમિશનર અને સીબીઆઈની ટીમ વચ્ચે ખેંચતાણનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા બાદ આજે મહત્વપૂર્ણ દલીલબાજી કરવામાં આવી હતી. સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરીને વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી છે કે, સીબીઆઈના અધિકારીઓની સામે પ્રથમ વખત આ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. સીબીઆઈના અધિકારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી છે. તેમને બળજબરીપૂર્વક અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. શારદા કૌભાંડનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લાખો લોકોની કમાણીને આંચકી લેનાર કંપનીની સામે તપાસ કરવા સીબીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મંજુરી મળેલી છે. આ મામલામાં પુછપરછ માટે સીબીઆઈની ટીમ રવિવારના દિવસે રાજીવ કુમારના આવાસ ઉપર પહોંચી હતી. સીબીઆઈને રાજીવના આવાસ ઉપર પહોંચવાની જરૂર કેમ પડી તે અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, રાજીવ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા. સતત સમન્સ છતાં પુછપરછમાં હિસ્સો લેવાના બદલે બહાનાબાજી કરી રહ્યા હતા.

Related posts

अब ट्रेनों में लगाई जाएगी एटीएम जैसी फूड वेडिंग मशीनें

aapnugujarat

પીપીએફ ખાતાને વહેલી તકે બંધ કરવા ટુંકમાં મંજુર મળે તેવા સંકેત

aapnugujarat

રોહતક ગેંગરેપ કેસમાં ૭ આરોપીઓને મોતની સજા બહાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1