Aapnu Gujarat
ગુજરાત

વી.એસ. હોસ્પિટલનું ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર

શહેરની વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સૂચવેલા રૂ.૧૭૨.૭૦ કરોડના બજેટમાં વી.એસ. હોસ્પિટલના અધ્યક્ષ એવા મેયર શ્રીમતી બીજલબહેન પટેલે આજે ૨૦૧૯-૨૦ના વર્ષ માટે વ્યવસ્થાપમંડળે સૂચવેલા રૂ.૫૮.૬૬ કરોડના વધારા સાથે કુલ રૂ.૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સાથે સાથે મેયરે વી.એસ.હોસ્પિટલમાં નવા સાધનોની ખરીદી અને અન્ય જોગવાઇઓ અંગેની રૂપરેખા પણ આપી હતી. પરંતુ વી.એસ.હોસ્પિટલના વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષના આ બજેટમાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત તો એ હતી કે, વી.એસ.હોસ્પિટલનું આ બજેટ ૫૦૦ પથારીઓ માટેનું રજૂ કરાયું હતું કે, જયારે વી.એસ.હોસ્પિટલમાં કુલ ૧૧૫૫ પથારીઓની સેવા ઉપલબ્ધ હતી પરંતુ કોંગ્રેસના વિરોધ અને સત્તાવાળાઓના પથારીઓ નહી ઘટાડવાના તમામ દાવાઓ વચ્ચે આખરે વી.એસ.હોસ્પિટલની પથારીઓ ઘટાડી કઢાઇ છે તે વાસ્તવિકતા છે અને એટલે જ ૫૦૦ પથારીઓનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેનાથી પણ આશ્ચર્યજનક વાત તો એ છે કે, ખુદ વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ૧૧૫૫ પથારીઓ માટે વી.એસ.નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું તો, પછી હવે કેવી રીતે ૫૦૦ પથારીઓનું બજેટ મંજૂર કરી શકાય તે સૌથી મોટો વિવાદીત પ્રશ્ન સામે આવીને ઉભો થયો હતો. કુલ બજેટમાં એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ માટે રૂ.૬૮.૦૭ ટકા એટલે કે, રૂ.૧૫૭.૪૯ કરોડ ખર્ચની જોગવાઇ કરાઇ છે, જયારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની દવા, સર્જીકલ માટે માત્ર ૧૧.૨૪ ટકા એટલે કે, રૂ.૨૬.૦૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. આમ, વીએસ હોસ્પિટલનું બજેટને એકંદરે એસ્ટાબ્લીશમેન્ટ બજેટ તરીકે પ્રાધાન્યતા અપાઇ છે, જયારે ગરીબ દર્દીઓની દવા અને સારવારની વાતને કયાંક ઓછુ મહત્વ અપાયુ હોય તેવું જણાઇ રહ્યું છે. શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળના ચેરમેન શ્રીમતી બીજલબહેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦ નું બજેટ મંજૂર કરાયું હતું. વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા કુલ રૂ.૧૭૨.૭૦ કરોડનું બજેટ અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું, જો કે, વી.એસ.ના અધ્યક્ષ એવા મેયરે તેમાં રૂ.૫૮.૬૬ કરોડનો વધારો સૂચવ્યો હતો અને પરિણામે કુલ રૂ.૨૩૧.૩૬ કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. આ અંગે મેયર બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, વી.એસ.હોસ્પિટલમાં નવા વર્ષે દર્દીઓના આરોગ્ય અને સારવારને ધ્યાનમાં રાખી નવા સાધનો, મશીનો, હોસ્પિટલના કલરકામ સહિતના કામો અંગે પ્રાધાન્યતા આપવામાં આવી છે. તો, વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિગૃહમાં એકસ-રે મશીનો જૂના થઇ ગયા હોઇ વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં બે નવા ડિજીટલ એકસ-રે મશીન ખરીદવા માટે રૂ.૨.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય પિકચર આર્ચીવીંગ એન્ડ કોમ્યુનિકેશન સીસ્ટમનું આયોજન અને મેડિકલ ગ્રેડ મોનીટર માટે રૂ.દોઢ કરોડન જોગવાઇ કરાઇ છે. તો, સેન્ટ્રલ લેબોરેટરી મશીનોને લેબ ઇન્ટીગ્રેટેડ સીસ્ટમ(એલઆઇએસ) થી જોડવા મટે ૫૦ લાખની જોગવાઇ કરાઇ છે. વી.એસ.હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિગૃહમાં રૂ.પાંચ કરોડના ખર્ચે અદ્યતન મેડિકલ સાધનો વસાવવામાં આવશે. જયારે રૂ.૫૦ લાખના ખર્ચે નવું અપગ્રેડેડ ઇકો મશીન વસાવાશે. બંને હોસ્પિટલના રેકર્ડ ડિજિટલાઇઝેશન માટે આ બજેટમાં રૂ.એક કરોડની જોગવાઇ કરાઇ છે.વધુમાં મેયરે ઉમેર્યું કે, શેઠ ચિનાઇ પ્રસૂતિગૃહમાં ગાયનેક ઓપીડીમાં આવતા અને ઇન્ડોર કેસ માટે આવતી ગર્ભવતી મહિલાઓને વર્ષ દરમ્યાન ઉનાળા, ચોમાસા દરમ્યાન તાપ-વરસાદથી રાહત મળે અને આરામથી બેસી શકે તે મટે પ્રિ-કોડેટશીટ્‌સનું રૂ.૯ લાખના ખર્ચે વેધરશેડ્‌સ બનાવાયું છે. તો, હોસ્પિટલ કેમ્પસમાં ઇન્ટર્નલ રોડ રીસરફેસીંગ રૂ.૩૦ લાખના ખર્ચે કરવામાં આવશે. બજેટમાં સીકયોરીટી, હાઉસકીપીંગ અને આઉટસોર્સીંગ માટે રૂ.૭.૬૫ કરોડની જોગવાઇ કરાઇ છે, જે ઘણી વધારે છે. જયારે મરામત અને નિભાવ ખર્ચ માટે માત્ર રૂ.૧૧ લાખની જોગવાઇ કરાઇ છે.

Related posts

મેટ્રો રેલ નજીકના બધાં રસ્તા ૧૫ દિવસમાં રિપેર કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

પાલનપુર ખાતે શ્રી લિમ્બાચિયા કર્મચારી મિત્ર મંડળ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમો યોજાયો

aapnugujarat

સચિવાલયમાં કોરોનાનો ફફડાટ

editor

Leave a Comment

UA-96247877-1