Aapnu Gujarat
બ્લોગ

હરિયાણાની એક પેટા ચૂંટણીથી દિલ્હીમાં રાજકીય ગરમી

ગુજરાતમાં પાંચ રાજ્યોની ચૂંટણી પછી તરત જ જસદણની પેટાચૂંટણી યોજાઈ હતી. જસદણની ચૂંટણી હાઇ પ્રોફાઇલ બની ગઈ હતી અને દિલ્હીમાં બેસતા રાષ્ટ્રીય નેતાઓ માટે ધ્યાનાકર્ષક બની હતી. એવી જ એક પેટાચૂંટણી હરિયાણામાં યોજાઈ રહી છે, જેની હલચલ દિલ્હી સુધી અનુભવાઈ રહી છે. જિન્દ વિધાનસભાની પેટાચૂંટણીમાં શું થશે તેના પર ભાજપ, કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય લોક દળ (આઇએનએલડી), જનનાયક જનતા દળ અને આમ આદમી પાર્ટી એમ પાંચ પક્ષોની નજર છે.
હરિયાણામાં ભાજપની સરકાર છે અને આ અઠવાડિયે યોજાયેલી આ પેટાચૂંટણી તેના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર માટે કસોટીરૂપ બની છે. એવી વાતો થવા લાગી છે કે જો ભાજપ હારશે તો વિધાનસભાને વહેલી બરખાસ્ત કરીને લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજી દેવામાં આવશે, કેમ કે ભાજપ આ રાજ્ય ગુમાવાનું જોખમ લેવા માગતો નથી. બીજી બાજુ કોંગ્રેસ અને બીજા પક્ષોને તક દેખાઈ રહી છે.મુખ્યસ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવા ઉપરાંત લોક દળ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ છે. લોક દળના સર્વસર્વા પરિવાર ચૌટાલા પરિવારમાં આંતરિક સ્પર્ધા પણ જિન્દની બેઠક પર છે. ઓમ પ્રકાશ ચૌટાલાનો પૌત્ર દાદા સામે પડ્યો છે. ચૌટાલાના બે પુત્રો વચ્ચે ઝઘડા પછી હવે જનનાયક જનતા દળ નામે અલગ પક્ષ ઊભો થયો છે. તે પક્ષમાંથી દુષ્યંત ચૌટાલાએ ઉમેદવારી કરી છે. તેમને ટેકો આપ્યો છે આમ આદમી પાર્ટીએ, કેમ કે પંજાબ પછી આપને હવે હરિયાણામાં પણ રસ પડ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ સાથે આપનું ગોઠવાશે કે કેમ તે નક્કી થઈ રહ્યું નથી. દિલ્હીમાં ગોઠવણ થાય તો પંજાબ અને હરિયાણામાં પણ કરવી પડે, પણ પંજાબ કોંગ્રેસમાં આપનો ભારે વિરોધ છે. તેથી કેજરીવાલે હરિયાણામાં કોંગ્રેસની રાહ જોવાના બદલે લોક દળમાં ફાડિયા પડ્યા છે તેનો લાભ લેવાની કોશિશ કરી છે.ભાજપ પણ લોક દળમાં પડેલા ફાડિયાનો લાભ જિન્દની પેટા ચૂંટણીમાં લેવા માગે છે. મજાની વાત એ છે કે જિન્દમાંથી લોક દળના નેતા હરિ ચંદ મિઢા જીત્યા હતા. ગત ઑગસ્ટમાં તેમનું અવસાન થયું અને બેઠક ખાલી પડી. દરમિયાન ચૌટાલા પરિવારમાં ચાલતા ઝઘડાથી પેટાચૂંટણીમાં મિઢાના પુત્રને ટિકિટ મળશે કે કેમ તે નક્કી થતું નહોતું. તેથી મોકો જોઈને ભાજપે મિઢાના પુત્ર ક્રિશન મિઢાને આવકારીને તેમને ટિકિટ આપી દીધી છે. લોક દળે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે, પણ તેની સામે પૌત્ર દુષ્યંત પણ ખડો થઈ ગયો છે. જોકે લોક દળની મુખ્ય ટેકેદાર વૉટબેન્ક જાટ અહીં બહુ કામમાં આવતી નથી. આ બેઠક પર બિનજાટ જીતતો આવે છે અને તેથી જ ભાજપે મિઢાને પસંદ કર્યા છે. બીજી બાજુ દુષ્યંત ચૌટાલા પોતે જાટ, કોંગ્રેસે મૂકેલા ઉમેદવાર સુરજેવાલા પણ જાટ છે અને આ વખતે લોક દળે પણ જાટને ટિકિટ આપી છે, તેથી ભાજપ બિનજાટ મતોને એકઠા કરીને જીતી જવાની આશા રાખે છે. ખટ્ટરને મુખ્ય પ્રધાન બનાવીને ભાજપે બિનજાટ મતોને એકઠા કર્યા છે અને તેનો લાભ લોકસભામાં પણ લેવાની ગણતરી છે. જાટ મતો બાકીના પક્ષો વચ્ચે વહેંચાઇ જશે તેનો પણ ભાજપને ફાયદો થશે.રણદીપ સૂરજેવાલા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે અને તેને કારણે હાઇ પ્રોફાઇલ છે. તેઓ ઑલરેડી અન્ય બેઠક પરથી ધારાસભ્ય છે, પણ તેમને જ અહીં ઉતારીને લોકસભા પહેલા નાની પણ એક મહત્ત્વની જીત મેળવવાની કોંગ્રેસની ગણતરી છે. સૂરજેવાલા દિલ્હીમાં મોવડીમંડળ સાથે સીધા સંપર્કમાં હોવાથી હરિયાણા કોંગ્રેસના બધા જૂથોએ કામે લાગી જવું પડ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપિન્દર હુડા અને કુમારી સૈલજાએ પણ જિન્દમાં કોંગ્રેસને જીતાડવા સક્રીય થવું પડ્યું છે. કૈથાલના ધારાસભ્ય સૂરજેવાલા હુડા સરકારમાં જ પ્રધાન હતા, પણ અહીં જીતી જાય તો તેમનું કદ વધે અને ભવિષ્યમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાર પણ બને તેવી શક્યતા છે. તેથી બાકીના જૂથો તેમને ખરેખર કેટલી મદદ કરે તે જોવાનું રહે છે. બીજી બાજુ દિલ્હીના કોંગ્રેસી મોવડીઓની ગણતરી હરિયાણામાં પોતે ગંભીર છે તેવું દેખાડવાની છે. તેથી જ સૂરજેવાલા જેવા જાણીતા ચહેરાને પેટાચૂંટણીમાં ઉતાર્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. પંજાબમાં સરકાર બની પછી કોંગ્રેસ હવે પડોશી રાજ્ય હરિયાણામાં પણ રિવાઇવ થવા માગે છે.લોક દળમાં દેવીલાલ પછી ચૌટાલાની ચોથી પેઢી સક્રીય બની છે, પણ હવે તેમાં ફાંટા પડ્યા હોવાથી નબળું પણ પડ્યું છે. તેથી લોક દળની ખાલી પડેલી જગ્યા લેવા માટે બાકીના પક્ષો મથી રહ્યા છે. પરંપરાથી લોક દળ ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધ કરતું રહ્યું છે, તેથી આમ આદમી પાર્ટીને આશા છે કે દુષ્યંત ચૌટાલાને ટેકો આપીને ખાલી જગ્યા પોતે ભરી શકે છે.
ઓમ પ્રકાશ ચૌટાલા માટે પડકાર એ છે કે પોતે જ દેવી લાલના અને લોક દળના સાચા વારસદાર છે અને હજીય પોતાનો હુક્કો ચાલે છે તેવું દેખાડવાનું છે. તે માટે પણ તેમણે જિન્દની બેઠક, જે પોતાના પક્ષ પાસે હતી તે જાળવી રાખવી જરૂરી બની છે.આ બધા વચ્ચે ખરી કસોટી ભાજપ સરકારના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરની છે. ભાજપના બધા મુખ્ય પ્રધાનોમાં સૌથી નબળા ખટ્ટર મનાય છે.
સંઘમાંથી આવતા ખટ્ટરને મુખ્ય પ્રધાન બનાવી દેવાયા તેની નારાજી ભાજપના મૂળ નેતાઓમાં છે. બિન જાટ હોવાથી જાટની નારાજી પણ ખરી અને સરકારી વહીવટ ખાટે ગયો હોવાથી પ્રજામાં પણ નારાજી છે. જિન્દની બેઠક હારી જવામાં આવે તો ખટ્ટર સામેની નારાજગી જાહેરમાં આવશે. ભાજપમાંથી જ તેમને બદલવા માટેની માગણી થશે તેવી શક્યતા છે. જોકે ખટ્ટરે અવસાન પામેલા ધારાસભ્યના પુત્રને જ ટિકિટ આપીને સહાનુભૂતિનો લાભ લેવાની ગણતરી રાખી છે. બીજું જાટ સામે બિનજાટ મતોનું ધ્રુવીકરણ તેમને ફળતું આવ્યું છે. લઘુમતીના નામે ધ્રુવીકરણનો આ મિનિ પ્રયોગ છે. તે ભાજપને અને ખટ્ટરને ફળતો આવ્યો છે. જિન્દના પરિણામના આધારે બે કે ત્રણ શક્યતાઓ જોવાઈ રહી છે. ભાજપ આસાનીથી જીતી જશે તો પક્ષને શાંતિ થશે અને લોકસભામાં ગત વખતની સ્થિતિ જાળવી રાખવાની કોશિશ કરાશે. સાથે જ ખટ્ટરને હટાવવાની વાત શમી જશે તેથી જૂથબંધીને ઓછી કરીને લોકસભાના કામે સૌને લગાડી શકાશે.બીજી બાજુ ભાજપ હારશે તો આંતરિક અસંતોષ વધશે. કદાચ લોકસભા સાથે જ વિધાનસભાની ચૂંટણી કરી લેવાની ગણતરી મંડાશે. સાથે જ વિપક્ષમાંથી કોણ જીતે છે તેના પ્રમાણે ગણતરી માંડવી પડશે. કોંગ્રેસ જીતશે તો વધુ એક રાજ્યમાં કોંગ્રેસને બેઠા થવાની આશા જાગશે. કોંગ્રેસી કાર્યકરોમાં લોકસભામાં મહેનત કરવાનો ઉત્સાહ આવશે. સાથે જ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત મોળી પડી જશે. દુષ્યંત ચૌટાલા જીત્યો તો આમ આદમી પાર્ટીની બાર્ગેઇનિંગ ક્ષમતા વધશે. આપ હરિયાણા ઉપરાંત પંજાબ, દિલ્હી અને ગોવામાં પણ કોંગ્રેસ સાથે સમજૂતિ માટેની કોશિશ કરશે. કદાચ સત્તાવાર સમજૂતિ ના થાય, પરંતુ ખાનગી રાહે એકબીજાને મદદરૂપ થવાય તેવી રીતે ઉમેદવારો પસંદગી કરવાની વાત પણ ચાલી શકે છે.
જોકે જિન્દની પેટાચૂંટણીમાં ઓમ પ્રકાશ ચૌટાલાનો પક્ષ મૂળ લોક દળ જ જીતી જાય તો આ બધી ગણતરીઓનો અર્થ રહેશે નહિ. તે સંજોગોમાં જૂની ગણતરી પ્રમાાણે હરિયાણામાં હજીય પ્રાદેશિક પક્ષ તરીકે લોક દળનું મહત્ત્વ છે તે સાબિત થશે અને જે રીતે દેશભરમાં પ્રાદેશિક પક્ષો પોતપોતાની રીતે લોકસભાની ગોઠવણ કરી રહ્યા છે તે દિશામાં લોક દળ પણ વિચારશે. લોક દળ પાસે કોઈ એક મોરચામાં જોડાવાના વિકલ્પ રહેશે.
કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપ સાથે લોક દળ જોડાયું હતું, પણ ૨૦૦૯ની ચૂંટણી પહેલાં ભાજપે ગઠબંધન તોડી નાખ્યું હતું. ૨૦૧૮ના વર્ષના મધ્યમાં લોક દળ અને બીએસપી વચ્ચે ગઠબંધન થયું પણ તેના કારણે ચૌટાલા પરિવારમાં જ ઝઘડો વધ્યો હતો. ટૂંકમાં એક નાનકડી પેટાચૂંટણી પર સૌની નજર મંડાઇ છે, કેમ કે તેના આધારે જ નવી ગણતરીઓ થવાની છે.

Related posts

વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતું દારૂનું પ્રમાણ

aapnugujarat

સ્થાનિક મુદ્દા તેમજ કેટલાક સમીકરણની અવગણના બંને પાર્ટી માટે જોખમી બની શકે

aapnugujarat

અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1