Aapnu Gujarat
બ્લોગ

વિદેશી કલાકારો અને ટેકનિશ્યોનો સહકાર

જર્મનીનાં ડેનિયલ બુઅરે ૨૦૧૬માં ફિતુરમાં કેટરીના કૈફનો મેકઅપ કરીને બોલિવુડમાં પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો.તે બોલિવુડની તમામ લોકપ્રિય અભિનેત્રીઓનો મેકઅપ કરી ચુક્યા છે અને તેમની હેરસ્ટાઇલે આ અભિનેત્રીઓને અલગ જ રૂપ આપ્યું છે.ગ્રીક હેરસ્ટાઇલિસ્ટ ગેબ્રિયલ જોર્જિઓએ અત્યાર સુધી ફિલ્મ બાજીરાવ મસ્તાની, તમાશા, બોમ્બે વેલ્વેટ અને જબ તક હૈ જાનમાં હેરસ્ટાઇલિસ્ટની ભૂમિકા ભજવી હતી.હાલમાં તે અનુષ્કા અને દીપિકા માટે કામ કરે છે.બોલિવુડ હવે માત્ર હિન્દી બેલ્ટ કે દેશ પુરતુ સીમિત રહ્યું નથી તે સાત સમુંદરની પાર પહોચ્યું છે.વિદેશોમાં ભારતીય ફિલ્મોને પસંદ કરાય છે તેવું નથી પણ વિદેશી ફિલ્મકારોને પણ બોલિવુડ આકર્ષી રહ્યું છે.વિદેશી મોડલ, કલાકાર, સંગીતકાર, ગાયક અને ટેકનીશ્યનો હવે હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે.
આમ તો જોકે હિન્દી ફિલ્મોમાં વિદેશી કલાકારોને હંમેશા આવકાર મળ્યો છે અને તેમને તક આપવામાં આવતી જ રહે છે.કેટરીના કૈફ, નરગીસ ફખરી અને જેકલીન ફર્નાન્ડીઝ તેના ઉદાહરણ છે.કેટરીના હોંગકોંગમાં જન્મી છે અને તે બ્રિટીશ નાગરિકતા ધરાવે છે.નરગીસ ન્યુયોર્કમાં જન્મી છે અને અમેરિકન નાગરિક છે જ્યારે જેકલીન શ્રીલંકામાં જન્મી છે.પાડોશી દેશ પાકિસ્તાન સાથે આપણા સંબંધો સંઘર્ષનાં જ રહ્યાં છે પણ તેમ છતાં પાકિસ્તાની કલાકારોને ભારતમાં હંમેશા તક આપવામાં આવે છે.અલી જફર, ઇમરાન અબ્બાસ, માહિરા ખાન, ફવાદ ખાન, મીરા જેવા નામો ઉલ્લેખનીય છે.ગત વર્ષે સ્ત્રીમાં પોતાના માદક ડાન્સ દ્વારા દર્શકોને મદહોશ કરનાર નોરા ફતેહી મોરક્કોની છે.ફ્રોડ સૈયામાં છમ્મા છમ્મા પર ડાન્સ કરનાર એલી એવરામ પણ સ્વીડનમાં જન્મેલી છે.કલ્કિ કોચલીન અને સની લિયોન પણ વિદેશમાંથી જ આવીને બોલિવુડમાં પ્રસ્થાપિત થઇ છે.
હોલિવુડનાં ફોકસ સ્ટુડિયોએ ભારતમાં ખાસ કરીને હિન્દી ફિલ્મોનાં નિર્માણમાં ખાસ્સી રૂચિ દર્શાવી છે.સ્ટુડિયોએ અક્ષયનાં બેનર કેપ ઓફ ગુડ ફિલ્મ્સ સાથે મળીને ત્રણ ફિલ્મોનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે.જેમાં પહેલી ફિલ્મ જગન શક્તિ નિર્દેશિત મિશન મંગલ હશે.આ જ કંપની સાથે મળીને કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપડા ફિલ્મો બનાવી રહ્યાં છે.વાયકોમ ૧૮ તો ઘણાં લાંબા સમયથી બોલિવુડમાં સક્રિય છે જેણે ઘણાં નિર્માતા નિર્દેશકો સાથે મળીને ફિલ્મો બનાવી છે.સોની પહેલો હોલિવુડ સ્ટુડિયો હતો જેણે હિન્દી ફિલ્મોનાં નિર્માણમાં રસ દાખવ્યો હતો.સોનીએ સાંવરિયા દ્વારા બોલિવુડ સાથે સહકારનો આરંભ કર્યો હતો ત્યારબાદ વોર્નર બ્રધર્સે ચાંદની ચોક ટુ ચાઇનાનું નિર્માણ કર્યુ હતું.ફોકસ સ્ટાર સ્ટુડિયોએ પણ માય નેમ ઇઝ ખાન વડે ફિલ્મ નિર્માણનો આરંભ કર્યો હતો.ડિઝનીએ પણ સમય ગુમાવ્યા વિના ભારતમાં ટેલિવિઝન પ્રસારણ, ફિલ્મ નિર્માણ અને અન્ય મીડિયા કારોબાર સાથે સંકળાયેલ યુટીવીને ખરીદી લીધી હતી.૨૦૦૮માં વાયકોમે પોતાની ફિલ્મ યુનિટની સ્થાપના કરી હતી અને ગેંગ્ઝ ઓફ વાસેપુર અને સિંઘ ઇઝ કિંગ જેવી ફિલ્મો બનાવી હતી.અજુરે એન્ટરટેઇનમેન્ટ, લાયંસ ગેટ અને ગ્લાસગેટે એકબીજાનાં સહકારમાં ઘણી ફિલ્મો બનાવવાની યોજના ઘડી છે.લાયન્સ ગેટે તો વિશ્વની અન્ય દસ કંપનીઓ સાથે સહકાર સ્થાપીને ફિલ્મો બનાવવાનું નક્કી કર્યુ છે.અજુરે એન્ટરટેઇનમેન્ટનાં સહકારમાં બનેલી તમામ ફિલ્મો ભારતીય બજાર માટે હશે.આ સહકારમાં બનેલી બે ફિલ્મો મેકસિકન ફિલ્મ ઇંસ્ટ્રકશન નોટ ઇન્કલુડેડ અને સાઉથ કોરિયાની થ્રિલર ફિલ્મ ધ ટેરર લાઇવની રીમેક હશે.આ બે ફિલ્મોનાં લેખક અને દિગ્દર્શક ફાઇનલ થયા બાદ તે અંગે જાહેરાત કરાશે.
વોર્નર બ્રધર્સ અજુરે સાથે મળીને હોંગકોંગની કલાસિક ફિલ્મ ઇન્ફર્નોલ અફેર્સની હિન્દી રીમેક બનાવશે.ફોકસ સ્ટારે થોડા સમય પહેલા મ્યુઝીકલ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની રીમેક કીઝી એન્ડ મૈનીનાં નિર્માણની જાહેરાત કરી હતી.લાયન્સ ગેટ તો પહેલા જ ટોમ હાર્ડની ફિલ્મ વોરિયરની હિન્દી રીમેક બ્રધર્સ બનાવી ચુકયું છે.બોલિવુડની ફિલ્મોને વિદેશમાં પણ ઘણાં દર્શક સાંપડ્યા છે.
હાલનાં સમયમાં વિદેશી કંપનીઓનાં સહકાર વડે ફિલ્મ નિર્માણમાં તેજી આવી છે.પહેલા ભારત અને રશિયા મળીને ફિલ્મો બનાવતા હતા કારણકે ત્યારે રાજકપુરની ફિલ્મો રશિયામાં ખાસ્સી લોકપ્રિય રહી હતી.
આમ તો હોલિવુડની ફિલ્મોમાં બોલિવુડની જેમ ડાન્સ અને ગીતોને અવકાશ મળતો નથી પણ હવે તેઓ આ ફોર્મ્યુલાની અસરને સમજી ગયા છે તેનું એક કારણ એ પણ છે કે વિદેશમાં ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જે બોલિવુડની ફિલ્મોને પસંદ કરતા હોય છે.પરિણામે જેમ હિન્દી ફિલ્મો વિદેશનાં થિયેટરોમાં રિલીઝ થાય છે તે રીતે ત્યાંની ફિલ્મો ડબ કરીને ભારતમાં પણ રિલીઝ કરાય છે અને ક્યારેક તો આ ફિલ્મો હિન્દી કરતા પણ વધારે કમાણી કરવામાં સફળ રહે છે.વિદેશી સ્ટુડિયો એટલે જ ભારતમાં આવીને ફિલ્મ નિર્માણની સંભાવનાઓને ચકાસી રહ્યાં છે.આ સહકાર ફિલ્મનાં દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે.ગ્રીક કેમેરામેન નિકોસ આત્સાકિસે શાંઘાઇ અને ડિટેકટીવ વ્યોમકેશ બક્ષી માટે કેમેરા સંભાળ્યો હતો.આ પહેલા તેઓ દિબાકર બેનર્જીની ફિલ્મ લવ સેકસ ઔર ધોખા માટે ડિઝીટલ ફોટોગ્રાફી કરી ચુક્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મ મેળાઓમાં ભારતીય ફિલ્મો રજુ થાય છે અને એ કારણે તે વિદેશમાં પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે.આ કારણે જ બ્રિટનનાં કંપોઝર બેનેડિકટ ટેલરે અનુરાગ કશ્યપની ફિલ્મ ધ ગર્લ ઇન યલો બુટસ અને આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઓફ થેસિયસનું સંગીત તૈયાર કરવામાં રસ દાખવ્યો હતો.આ પહેલા અનિલ કપુરની ફિલ્મ ગાંધી માય ફાધરનું સંગીત ડેવિડ મેકડોનાલ્ડનાં નિર્દેશનમાં તૈયાર કરાયું હતું.
સ્પેનિસ છાયાકાર કાર્લોસ કેટલને દિલ ધડકને દો પહેલા જોયા અખ્તરની ફિલ્મ લક બાય ચાંસમાં પણ કેમેરાનું સંચાલન કર્યુ હતું.લંડનનાં જેસન વેસ્ટે પણ ફિલ્મ રોક ઓન, દિલ્હી બેલી અને ડોન ટુનું ફિલ્માંકન કર્યુ હતું.પોલિશ છાયાકાર પાવેલ ડેલસે રાકેશ ઓમપ્રકાશની ફિલ્મ મિર્જિયાને શુટ કરી હતી.
સંગીત અને ગીતનાં ક્ષેત્રમાં પ્રકાશ ઝાની ફિલ્મ ગંગાજલનું સંગીત ન્યુયોર્ક કંપોઝર વેન શાર્પે કંપોઝ કરીને સહકાર મજબૂત કર્યો હતો.હેરી મેટ સેજલનું ગીત ફુર્ર બોલિવુડ અને વિદેશી આર્ટિસ્ટનાં સહકારનું ઉદાહરણ છે.શાહરૂખખાન પર ફિલ્મવાયેલ આ ગીતને મોહિત ચૌહાણ અને તુષાર જોશીએ ગાયુ હતું પણ આ ગીતની ધુન પ્રીતમ સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડીઝે ડિપ્લોએ તૈયાર કરી હતી.ડિપ્લો ડર્ટી વાઇબ, બેંગ બેંગ જેવા ગીતો વડે વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત છે.
અક્ષયકુમારે પોતાની ફિલ્મ સ્પીડી સિંહની સફળતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર માટે કોઇ કસર છોડી ન હતી.આ ફિલ્મમાં શેરા દી કોમ ગીતને અમેરિકન રેપર ક્રિસ લુદાકિસ બ્રિસે ગાયું હતું.
ઇમ્તિયાઝ અલીની રણવીર કપુરની ફિલ્મ રોક સ્ટારમાં એ.રહેમાને સંગીત આપ્યુ હતું.આ ફિલ્મનાં સાડા હક્ક ગીતમાં ઓસ્ટ્રેલિયન સંગીતકાર ઓરિંથી પનાગારિસે કેટલીક ધુન આપી હતી.જાણીતી પોપસ્ટાર સેલેના ગોમેઝે રહેમાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે.અક્ષયકુમારની ભારતની પ્રથમ અંડરવોટર ફિલ્મ બ્લુને આંતરરાષ્ટ્રીય સહકાર માટે યાદ કરાય છે.આ ફિલ્મનાં ચિગી વિગી ગીતને જાણીતી ઓસ્ટ્રેલિયન ગાયિકા કાયલી મિનોગે સોનુ નિગમ સાથે ગાયું પણ હતું અને પરદા પર તેણે અક્ષય કુમાર સાથે ડાન્સ પણ કર્યો હતો.અક્ષયની જ બીજી ફિલ્મ સિંઘ ઇઝ કિંગમાં ટાઇટલ સોંગ મશહુર રેપર સ્નુપ ડોગે ગાયું હતું જે ૨૦૦૮માં સૌથી લોકપ્રિય ગીતોની યાદીમાં સામેલ હતું.આ ગીતમાં પણ તે અક્ષય સાથે પરદા પર ચમક્યો પણ હતો.યશરાજ બેનરની ધુમ ફ્રેન્ચાઇઝીનાં ટાઇટલ ગીત ધુમ ધુમને ધુમ ત્રણ સુધી રખાયું હતું.
૨૦૦૪માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મમાં પ્રીતમની ધુન પર ધુમ ધુમ ગીતને અમેરિકન ગાયિકા ટાટા યંગે ગાયું હતું અને તે ફિલ્મમાં ટાઇટલ સોંગમાં પરદા પર પણ નજરે પડી હતી.ફિલ્મ રા.વનનું છમ્મક છલ્લો ગીત તે સમયે બ્લોકબસ્ટર સાબિત થયું હતું.આ ગીતમાં શાહરૂખ અને કરિના હતા.આ ગીત એકોને ગાયું હતું.
અભિષેક અને રિતેશની ફિલ્મ બ્લફ માસ્ટરનું ગીત બોરોબોરો આંતરરાષ્ટ્રીય સહકારનું ઉદાહરણ છે આ ગીતને ઇરાની સ્વીડિશ ગાયક અરશે ગાયું હતું અને તે પરદા પર પણ બંને કલાકારો સાથે નજરે ચડ્યો હતો.
ફિલ્મ સ્લમડોગ મિલિયોનરનું સંગીત એ.આર.રહેમાને તૈયાર કર્યુ હતું.આ ફિલ્મનાં ગીત જય હોમાં અમેરિકન બેન્ડ ધ પુસી કેટ ડોલ્સે સહકાર આપ્યો હતો આ ગીતમાં આ બેન્ડે પરફોર્મ કર્યુ હતું.અજય દેવગણની ફિલ્મ શિવાયનાં બોલો હર હર ગીતનું સંગીત બ્રિટીશ પોપ રોક બેન્ડ ધ વંપ્સની મદદથી તૈયાર કરાયું હતું જેમાં તેમનો અવાજ હતો.બોલિવુડની ફિલ્મોમાં જાપાનનો સહકાર પણ ઉલ્લેખનીય છે.થોડા સમય પહેલા ભારત જાપાનનાં સહયોગ વડે રોમેન્ટિક ફિલ્મ લવ ઇન ટોક્યો બનાવવાની વાત થઇ હતી.આ વાતચીત ફિલ્મકાર ઇમ્તિયાઝ અલી અને જાપાની સ્ટુડિયો શોચિકુ વચ્ચે થઇ હતી.આ ફિલ્મ ૧૯૬૬ની લવ ઇન ટોક્યોની રિબુટ હોવાનું કહેવાઇ રહ્યું છે.નાઇજિરિયા અને નોર્વે પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા તૈયાર છે.આદિલ હુસેનની ફિલ્મ વ્હોટ વિલ પીપલ તેનો જ હિસ્સો છે.

Related posts

કોરોનાના આવા પ્રારંભિક લક્ષણોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે

editor

શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ

aapnugujarat

મિત્રોની દિલદારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1