Aapnu Gujarat
ગુજરાત

ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણવા હવે ધાબા પણ મળે છે ભાડે

ઉત્તરાયણનો તહેવાર ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ત્યારે પતંગરસિયાઓ અત્યારથી જ તમામ તૈયારીમાં લાગી ગયા છે. પતંગરસિકો આ તહેવાર એક જ ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉજવવા માગતા હોય છે. એવામાં સૌ કોઈ એક જ ધાબામાં આ તહેવારની ઉજવણી કરી શકે તે મુશ્કેલ બને છે. આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માંગતા હોય છે તેવા રસિકો માટે ખાડીયામાં રહેતા આશિષ મહેતા આ વર્ષે પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં પરંતુ મુંબઈમાંથી પણ ઇન્કવાયરીઓ આવી રહી છે.ઉતરાયણની મજા માણવા પરિવારના તમામ સભ્યો એક સાથે ભેગા થઈ શકે તે માટે અનેક રસિકો મોટું ધાબુ શોધતા હોય છે. ઉત્તરાયણનો તહેવાર હેરિટેજ સીટી અમદાવાદમાં પતંગરસિકો મન મુકીને માણી શકે અને હેરિટેજ સીટી અંગેની માહિતી પણ મેળવી શકે તે માટે ખાડીયામાં રહેતા આશિષ મહેતાએ અમદાવાદની પોળોમાં ઊંચાઈ પર આવેલા મકાનના ધાબા રેન્ટ પર આપવાની શરૂઆત કરી છે. આ ધાબા રેન્ટ પર લેનાર પતંગરસિકોને તમામ પ્રકારની સુવિધા જે તે ધાબા પર જ પૂરી પાડવામાં આવશે. ધાબા રેન્ટ પર મેળવવા માટે પતંગરસિકો વોટ્‌સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી આશિષ મહેતા સુધી પહોંચી શકે છે.ગ્રાહકોને મળનારી સુવિધા વિશે વાત કરતા આશિષ મહેતા જણાવે છે કે ૧૨ વર્ષથી નીચેના બાળકોને રૂપિયા ૪૦૦, ૧૨થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ૧૫૦૦ અને એનઆરઆઇ વ્યક્તિ માટે ૨૨૫૦ રૂપિયા વ્યક્તિદીઠ લેવામાં આવશે. જેમાં પતંગરસિકોને ખાલી પહોંચવાનું રહેશે અને તેઓ સવારે ૯ વાગેથી સાંજે ૭ વાગ્યા સુધી તમામ સુવિધાઓ જે તે ધાબે જ મેળવશે. જેમાં પતંગ, ફીરકી, તેમજ જમવામાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરાશે. અમદાવાદના હેરિટેજ સિટીમાં ૧૪મી અને ૧૫મીજાન્યુઆરીએ ઉત્તરાયણના સમયે એક ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. હેરિટેજ સિટીની પોળમાં એક દિવસ માટે તમામ સુવિધાઓ સાથે આ તહેવાર ઉજવવાનો અને પોળ વિશે જાણકારી મેળવવાનો બેવડો મોકો જ્યારે મળી રહ્યો હોય એવામાં પતંગ રસિયાઓમાં માટે આ ઉતરાયણ ખાસ બની રહેશે તે નક્કી છે.

Related posts

ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ વચ્ચે રહી શકે છે : હવામાન વિભાગ

aapnugujarat

પોલીસે ફરજિયાત ખાખી ગણવેશ પહેરવો પડશે

aapnugujarat

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વ્યાજખોર નીકળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1