Aapnu Gujarat
બ્લોગ

બેંકિંગ સેક્ટર અને મોદી સરકાર

કેન્દ્રની એનડીએ સરકાર કોઈ પણ રીતે બેંકોને સીધી આર્થિક મદદ કરવા ચાહે છે અને એમાંથી પ્રાપ્ત અપયશનો વિષકુંભ ગટગટાવી જવા તૈયાર છે એવું દેખાય છે.
રિઝર્વ બેંક સાથે અરૂણ જેટલીની અથડામણના મૂળમાં પણ આ જ કારણ છે. બેંકોના પુનઃ મૂડીકરણની યોજના અંતર્ગત નાણાં પ્રધાન જેટલી વધારાના ૨૦ હજાર કરોડ રૂપિયા બેંકોને તરતના ભવિષ્યમાં આપવા ચાહે છે એનો અર્થ એ છે કે રાષ્ટ્રીયકૃત બેંકોએ કરેલી ભૂલોની સજા સરકારી નાણાં ભંડોળને એટલે કે દેશના આમજને હવે ભોગવવાની આવી છે. બેંકોના આ છબરડાઓ એના ટોચના મેનેજરોએ એકલે હાથે કર્યા નથી, એની સાથે પાછલી યુપીએ સરકાર અને અગાઉના રિઝર્વ બેંકના નિયામકો – સંચાલકો પણ જોડાયેલા છે.રિઝર્વ બેંકની ગંભીર ભૂલ એટલી જ કે એની નજર સામે જ બધું બનતું રહ્યું છતાં એણે સમયસર નીતિ-નિયમોનું ઘડતર કર્યું નહિ જેને કારણે બેંકોના બાકી લ્હેણાં આસમાનને આંબી ગયા અને નવા નવા ઉદ્યોગપતિઓ બેંકોને લૂંટતા જ રહ્યા.એનડીએ સરકારે સત્તા ગ્રહણ કર્યા પછી એટલે કે અંદાજે પાંચેક વરસ પહેલા બેંકોની હાલત સુધારવા માટે હસ્તક્ષેપ કર્યો પરંતુ ત્યારેય મોડું તો થઈ જ ગયું હતું. વળી અરૂણ જેટલી બેંકોના જે લોનધારકો હતા એના પર પગલા લેવામાં બહુ જ ઠંડા રહ્યા તે એટલી હદ સુધી કે હજુ આજે પણ બેંકોના નાણાં ડૂબાડનારાઓ પર ફોજદારી ફરિયાદની શરૂઆત થઈ નથી. દેશની પ્રજાને એ જ સમજાતું નથી કે પ્રજાના નાણાંની ઊઘાડી લૂંટ ચલાવનારાઓ પર કેન્દ્ર સરકાર કેમ હજુ પણ કુણુ વલણ દાખવે છે.
ગયા વરસે અરૂણ જેટલીએ એવી જાહેરાત કરી હતી કે બેંકોની હાલત સુધારવા માટે બે લાખ અગિયાર હજાર કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે, ત્યારે જ દેશ આખો સ્તબ્ધ થઈ ગયો હતો કે સરકારી કોષમાંથી આટલા અધધ નાણાં બેંકોને આપીને સરકાર કોને છાવરવા ચાહે છે ? ઉદ્યોગપતિઓ સાથેની મિત્રતા ભાજપને બહુ મીઠી લાગે છે પરંતુ દેશને અને સરકારી તિજોરીને હવે એ ભારે પડી રહી છે.
અત્યારે પણ એ કહેવું તો કઠિન છે કે સરકારે ક્યાં સુધી બેંકોને સહાયતા કરતી રહેવી પડશે ! બેંકોની આજ સુધી કાયમ માટે ’ગયા ખાતેની’ રકમ એટલે કે પરમેનન્ટ લોસ તો આઠ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. બેંકોની આર્થિક તંદુરસ્તી સાવ ખાડે ગઈ છે. એ વાત અલબત્ત, હવે નક્કી છે કે ફરી વાર બેંકો પોતાના આટલા જંગી નાણાં ડૂબવા નહિ દઈ શકે કારણ કે રિઝર્વ બેંકે અંકુશાત્મક નવા પગલાઓ લીધા છે એમાંય ભાજપને તો તકલીફ જ પડી છે કારણ કે ઉદ્યોગપતિમિત્ર એવી આ સરકારને ઉદ્યોગપતિઓની મિત્રતા નિભાવવામાં તકલીફ પડી રહી છે. રિઝર્વ બેંકના ગવર્નર હવે ભાજપને આંખમાં કાચના કણાની જેમ ખટકવા લાગ્યા છે. જેઓ ખરેખર તટસ્થ, સિદ્ધાન્તવાદી અને ખરા દિલથી રાષ્ટ્રપ્રેમી છે એની સાથે ભાજપને શત્રુતા થતાં વાર લાગતી નથી.
ભાજપે એમ માન્યું હતું કે ઉર્જિત પટેલના ગળામાં પટ્ટો બાંધીને રિઝર્વ બેંકને ઉદ્યોગપતિઓની ઈચ્છાનુસાર નચાવી શકાશે પરંતુ ઉર્જિત પટેલે એવી ભ્રષ્ટાચારી હદની આજ્ઞાંકિતતા સ્વીકારી નથી એને કારણે એમની ટર્મ પૂરી થાય એ પહેલા જ નાણાં મંત્રાલયે ડૉ. પટેલની વિજાયના વાજા વગાડવાની જાતે જ શરૂઆત કરી દીધી છે.અરૂણ જેટલી હવે રિઝર્વ બેંકનો વાંક દર્શાવવા લાગ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને સમગ્ર દેશની પ્રજાના મનમાં વર્તમાન કેન્દ્ર સરકારે કરેલા આર્થિક છબરડાઓને કારણે સખત ખિન્નતા પ્રવર્તે છે. હકીકત એ છે કે ભારતીય રિઝર્વ બેંક પાસેની સત્તાની અનેક મર્યાદાઓ છે.દેશ અત્યારે સમયના પહાડની એક એવી ધાર પર ઊભો છે કે જ્યાં અત્યન્ત સાવધાનીની જરૂર છે. આ એવો સમય છે જ્યારે રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારે સંપીને દેશને પ્રગતિનો નવો વળાંક આપવાનો હોય છે, પરંતુ આવા તંગ સમયમાં જ નાણાં મંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચે ખુલ્લંખુલ્લા સંઘર્ષની શરૂઆત થઇ ગઇ છે. અરૂણ જેટલીએ તો પરદા પાછળથી રિઝર્વ બેંકના નવા ગવર્નર અંગેની વિચારણા પણ શરૂ કરી દીધી છે.વડાપ્રધાન મોદીની એ જૂની ઉક્તિ કે ખાતો નથી અને ખાવા દેતો નથી હવે સાવ હાસ્યાસ્પદ સાબિત થઇ છે. કારણ કે મોદીના સત્તાકાળમાં દેશમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને લુચ્ચા દુષ્ટ અધિકારીઓની એક એવી નવી જમાત પેદા થઇ ગઇ છે જે દેશને બેંકોના માધ્યમથી ફોલી ખાવા માટે સતત પ્રવૃત્તિમય રહે છે.મોદી સરકારના શાસનકાળમાં જ બેંકોએ સવા ત્રણ લાખ કરોડ રૂપિયાનું લ્હેણું ઉડાડીને એ એકાઉન્ટ ક્લોઝ કરીને રકમ માંડવાળ કરી દીધી છે. આજે તો જે નાણાં હવે બેંકોને પાછા મળવાના જ નથી એ આઠ લાખ કરોડ સુધી પહોંચી ગયા છે. દેશમાં લોન આપી આપીને તગડા થયેલા બેંક મેનેજરોની પણ એક ફોજ છે જેને જેલમાં ધકેલવા માટેના પેપર્સ નાણાં પ્રધાનના ટેબલ પર રહસ્યમય કારણોસર ધૂળ ખાઇ રહ્યા છે.ભારતીય બેંકોને સરેઆમ લૂંટવા માટે કરોડો અને અબજો રૂપિયાના લોનચક્રનો જે પર્દાફાશ થતા થઈ ગયો ત્યાર પછીના કેન્દ્રના નાણાં મંત્રાલયે અને રિઝર્વ બેંકે જાહેર કરેલા આક્રમક પગલાઓનો અમલ કોઈ રહસ્યમય કારણસર વિલંબમાં પડી રહ્યો છે. ચાલાક ઉદ્યોગપતિઓ હવે નવી કંપની બનાવીને તેના નામે લોન લે છે, પછી તે કંપનીમાં ખોટ બતાવે છે, આખરે એ કંપનીને લેણા-દેવા સહિત પોતાના મિત્રને વેચી દે છે.પછી એ મિત્ર સંબંધિત બેંક સાથે લોન ભરપાઈ કરવા અંગે ’સેટલમેન્ટ’ કરે છે. ખરેખર ચૂકવવાની થતી રકમ અને ’સેટલમેન્ટ’ની રકમ વચ્ચે ૧૫૦ થી ૪૦૦ કરોડ જેટલું અંતર હોય છે. આ ચક્રવ્યૂહમાં બેંક મેનેજરો સેટલમેન્ટથી લોન એકાઉન્ટ એવી રીતે ક્લોઝ કરે છે કે પછી તે સપાટી પર દેખાતું જ નથી. પાછી લેવાની થતી લોનની રકમ ઓછી ભરપાઈ થતા જે ઘટ આવે તે બેંકની કુલ ખોટમાં ઉમેરાઈ જાય છે અને નફો કરતી બેંકોમાં તો એ રકમ દેખાતી પણ નથી.
કેન્દ્ર સરકાર પાસે હવે બેંકોને લૂંટવાની અનેક પ્રકારની કલાકારીગરીના તમામ પ્રકારના નમૂનાઓ ઓન ટેબલ મોજૂદ છે. પરંતુ કેન્દ્રની એનડીએ સરકારનો ક્યાંક-ક્યાંક પક્ષપાત હોવાથી આક્રમક પોલિસી ઘડી શકાતી નથી. કેન્દ્રના નાણાં પ્રધાન અરૂણ જેટલી લાંબી રજાઓ પરથી સ્વાસ્થ્ય સુધારીને પાછા આવી ગયા છે અને તેમણે પણ બેન્કિંગ સેક્ટરમાં તાકીદે લેવાના પગલાંઓ પર હાલ અલ્પવિરામ મૂકી દીધું છે, જે આગળ જતાં ચૂંટણીઓના ઘોંઘાટમાં પૂર્ણવિરામ બની જશે.આમ તો નીરવ ચોક્સી અને મેહુલ ચોક્સીના કેસમાં કેન્દ્ર સરકારે મિસ્ટર ચોક્સી તરફ જે પક્ષપાત દાખવ્યો છે તે તો તેને વિદેશી નાગરિકતા સરળતાથી મળે તે માટેના ભારત સરકારે આપેલા દસ્તાવેજો પરથી જ પુરવાર થઈ ગયું છે. મોટા બેંક કૌભાંડકારીઓ જે ખુલ્લા પડી ગયા છે અને અન્ય જેઓ હજુ પરદા પાછળ છે તેઓ પરત્વે ઠંડુ વલણ અખત્યાર કરીને એનડીએ સરકાર તેના પોતાના કેટલાક અંગત હિતોને સાચવી લેવાની મથામણમાં હોય એવું દેખાય છે. થોડા સમય પહેલાં સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતી વેળાએ વડાપ્રધાન મોદીએ એમ કહ્યું હતું કે બેંકોની અન્ડર ગ્રાઉન્ડ લૂંટ તો છેક ઈ.સ. ૨૦૦૮થી ઈ.સ. ૨૦૧૪ સુધી ચાલતી રહી છે. પરંતુ ઈ.સ. ૨૦૧૪ પછી જ બેંકોના એનપીએમાં સતત વધારો થયો છે તેની સ્પષ્ટતા તેઓ કરી શક્યા નહિ. આજે ભારતીય બેંકો કુલ દસ લાખ કરોડ રૂપિયાના એનપીએ (ભરપાઈ ન થયેલી લોન)નો બોજ વહન કરી રહી છે.અગાઉ એક વખત નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પણ એનપીએ સંબંધિત એવું બચાવનામું રજૂ કર્યું હતું કે દેશમાં સંખ્યાબંધ કંપનીઓ ઔદ્યોગિક સાહસોમાં ચડાવ-ઉતારની સ્થિતિ ભોગવે છે અને બજારની એ આર્થિક અને સ્પર્ધાત્મક ભીષણ સ્થિતિમાં કેટલીક કંપનીઓ લોન ભરપાઈ નથી કરી શકતી. પરંતુ આ ’કેટલીક’નો અર્થ અબજો રૂપિયાનું આંધણ થાય છે એ નાણાંમંત્રી ખુદ તો હોદ્દાની રૂએ સમજી જ શકતા હશે ને! ધારો કે બેંકોના એનપીએ ખરેખર પાછલી યુપીએ સરકારે વારસામાં આપેલી જવાબદારી છે તો પછીથી આ છેલ્લા સાડા ચાર વરસમાં એનડીએ સરકારે દસ લાખ કરોડ રૂપિયાના લ્હેણામાંથી શું પાંચેક લાખ કરોડ વસૂલ લઈ લીધા? બિલકુલ નહિ, ઉલટાના એનપીએના આંકડાઓ વધુ ને વધુ ઊંચે જવા દીધા. એનડીએ સરકાર હજુ એ સ્વીકારવા તૈયાર નથી કે આ વધી ગયેલા હિમાલયન ઊંચાઈ ધરાવતા એનપીએ આંકડાઓ વાસ્તવમાં બેન્કિંગ સેક્ટરમાં ધમધોકાર ચાલી રહેલી આર્થિક ગુનાખોરીના આંકડાઓ છે, કંપનીઓની હાલતના નહિ.બેન્કિંગ સેક્ટરની આ આર્થિક ગુનાખોરી કે અપરાધીકરણ સામે કેન્દ્રના નાણાં મંત્રાલયની શિથિલતા રહસ્યમયી છે. એનડીએ સરકારે કોઈને કોઈ બહાને ગયા બજેટ દ્વારા બેંકોને નવી મૂડી આપી છે, એટલે કે ’યુપીએના માનવંતા’ જે ઉદ્યોગપતિઓ બેંકોમાંથી જે રકમ લૂંટી ગયા હતા એનો એક મોટો હિસ્સો એનડીએ સરકારે દેશના કરદાતાઓના ખિસ્સામાંથી નાણાં લઈને ભરપાઈ કરી આપ્યો! અરૂણ જેટલી કે જેઓ સ્વયં જ પોતાને ઈકોનોમિક્સના વિદ્વાન માને છે તેમણે આવું દુઃસાહસ કરીને ભારતીય આર્થિક નીતિની ઘોર થોડી વધુ ઊંડે સુધી ઉત્ખનન કરી આપી! આજકાલ બેંકોએ જે દેવાળિયા કાનૂનનું શરણ લીધું છે તે કાયદાઓ તો છે જ એવા કે બેંકોએ ઓછામાં ઓછી ૬૦ ટકા રકમ તો ગુમાવવાની આવશે જ.
બેંકોના અબજો રૂપિયા ડૂબાડનારી કંપનીઓની વકીલાત કરવાની એક પણ તક મિસ્ટર જેટલી ચૂકતા નથી. હવે તેઓ સાજા નરવા થઈને ફરીથી મંત્રાલય સંભાળે છે એટલે અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ તેઓ દેવાદાર ઔદ્યોગિક કંપનીઓને રાહત કરી આપતી યોજનાઓ જાહેર કરશે. અંદાજે એક વરસ પહેલા, ગયા ઓગષ્ટમાં રાજ્યસભામાં બેન્કિંગ નિયમન સંશોધન વિધેયક પરની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સરકારી બેંકો વધારે લોન આપે છે, એની સામે ખાનગી બેંકો વ્યક્તિગત ઉપભોક્તાલક્ષી બેન્કિંગ પર વધુ ધ્યાન આપે છે; હું આનું રાજકારણ રમવા ચાહતો નથી – ક્યારે લોન આપી, કેટલી આપી – પરંતુ ગ્લોબલ અર્થકારણ ચડતી કળાનું હતું પરંતુ પછીથી ઉત્પાદનો અને શેર સહિતના તેજીના ઘટકતત્ત્વોની કિંમતો ઘટી ગઈ અને કંપનીઓ ફસાઈ ગઈ!

Related posts

સોશિયલ મીડિયા : બદમાશી, બેવકૂફી બેદરકારી

aapnugujarat

ખાદ્યાન્નના અભાવે ૧૨ કરોડ લોકો ભૂખમરાનો શિકાર

aapnugujarat

અસ્મા જહાંગીર એકલ વીરાંગના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1