Aapnu Gujarat
બ્લોગ

બાય બાય ૨૦૧૮ : ગુજરાત આ વર્ષે ચર્ચામાં રહ્યું

સરદાર ૫ટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભવ્ય સર્જન
અખંડ ભારતનું સર્જન કરવામાં સિંહફાળો આપનારા અને આઝાદ ભારતની પહેલી સરકારમાં નાયબ વડા પ્રધાનનું પદ સંભાળનારા લોખંડી રાજનેતા સરદાર વલ્લભભાઈ પટેલને ચીર-વિસ્મરણીય શ્રદ્ધાંજલિ રૂપે કેવડિયામાં નર્મદા ડેમથી દોઢેક કિલોમીટર દૂર સાધુ ટેકરી ખાતે વિશ્વની ૧૮૨ મીટર ઊંચામાં ઊંચી પ્રતિમાના નામે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સર્જન થયું એ ૨૦૧૮ના વર્ષની વિશિષ્ઠ યાદગાર ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વપ્નસમો આ પ્રોજેક્ટ ગત ૩૧મી ઓક્ટોબરે એમના જ હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાયો હતો.દેશમાં ને ગુજરાતમાં અને એથીયે વિશેષ રાજ્યના સૌથી વગદાર પાટીદાર સમાજમાં સદાય આદરણીય સન્માનીય રહેલા સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે એમના મિત્ર એવા નર્મદા નિગમના પૂર્વ ચેરમેન ડી.રાજગોપાલનએ ૨૦૧૦ના અરસામાં એમને સુઝાડયો હતો. ત્યાર બાદ દેશના નામાંકિત શિલ્પકાર રામ સુથારને સરદાર પટેલનું હૂબહૂ શિલ્પ તૈયાર કરવાનું કામ સોંપી, દેશની જાણીતી એન્જિનિયરિંગ કંપની-લાર્સન એન્ડ ટૂર્બાને ૨૭મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર અપાયો હતો, જેણે ચીનની ખાનગી કંપની પાસે શિલ્પ ઉપરનું બ્રોન્ઝ ક્લેડિંગ તૈયાર કરાવી ૪ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો.રિસ્ટ ડેસ્ટિનેશન રૂપિયા પાંચ હજાર કરોડમાં પડશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં રૂ.૩ હજાર કરોડમાં ખર્ચાયા છે, જેમાં રૂ.૨૩૦૦ કરોડ કન્સ્ટ્રક્શન પેટે તથા રૂ.૭૦૦ કરોડ ૧૫ વર્ષના મેન્ટેનન્સ પેટે ચૂકવાયા છે. અલબત્ત, આ પ્રોજેક્ટ થકી સમગ્ર સ્પોટને રાજ્યના સૌથી મહત્ત્વના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાના ભાગરૂપે કેવડિયા સુધી પહોંચતા ૯૫ કિ.મી.ના ફોર-લેન ચાર રસ્તા પાછળ રૂ.૫૦૫ કરોડ ખર્ચાયા છે. દુબાઈની બુર્જ ખલીફા ઈમારતની માફક આ પ્રતિમા ઉપર પ્રોજેક્ટશન મેપિંગ ફિલ્મ પાછળ રૂ.૭૦ કરોડ ખર્ચાયા છે, પ્રથમ તબક્કે રૂ.૧૫ કરોડના ખર્ચે ૨૫૦ હેક્ટર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે ૧૭ કિલોમીટર લંબાઈમાં ૧૦૦થી વધુ ફૂલોની જાતના છોડ તથા વૃક્ષો ઉછેરવા ‘વેલી ઓફ ફ્લાવર્સક્ર વિકસાવાઈ રહી છે, આદિજાતિઓની સંસ્કૃતિ તાદ્દશ કરતું મ્યુઝિયમ બની રહ્યું છે. નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન રૂ.૫ હજાર કરોડમાં પડશે.અમેરિકાના દક્ષિણ ડાકોટાની ગિરિમાળાઓ પર સર્જાઈ રહેલા ક્રેઝી હોર્સ મેમોરિયલની ઊંચાઈ કરતા ૧૦ મીટર ઊંચી, ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં બમણી સાઈઝની તેમ જ ચીનમાં ભગવાન બુદ્ધના સ્પ્રિંગ ટેમ્પલ કરતાં ૨૯ મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉર્ફે સ્ટેચ્યૂ ઓફ યુનિટી.
ગુજરાતમાં પરપ્રાંતીઓ પર હુમલા રહ્યા ચર્ચામાં
ઓક્ટોબર મહિનામાં હિંમતનગરના ઢુંઢર ગામે બાળકી પર પરપ્રાંતીય દ્વારા બળાત્કારની ઘટના બાદ રાજ્યભરમાં પરપ્રાંતીય નાગરિકો પર હુમલા થયા હતા. ઠેરઠેર મકાન ખાલી કરી ચાલ્યા જવાની ધમકીઓને પગલે હજ્જારોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો પરીવાર સાથે ગુજરાત છોડીને ઉત્તરપ્રદેશ, બિહારની વાટ પકડી લીધી હતી. જેના કારણે દુધમાં સાકરની જેમ સૌને પોતાનામાં સમાવી લેતા ગુજરાતની શાખ વૈશ્વિક સ્તરે જોખમાઈ હતી. હિંમતનગરના ઢુંઢર ગામે બાળકી પર બળાત્કારની ઘટના વચ્ચે ઠાકોર સેનાના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્થાનિકને રોજગારીનો મુદ્દો ઉછાળી પરપ્રાંતિયોને ગુજરાત બહાર હાંકી કાઢવા નિવેદનો કરતા ઓક્ટોબરમાં પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ડર અને ભયનો માહોલ છવાયો હતો. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર રાજ્ય બહાર પોતાના વતનમાં જવા સેંકડો પરપ્રાંતિય નાગરિકો ઊમટી પડતા દિવાળી પહેલા જ ૧૫-૨૦ દિવસ વેપાર- ધંધા રોજગાર ઠપ થયા હતા. એટલું જ નહીં, ઉદ્યોગોને પણ બંધ પાડવો પડયો હતો. જેના કારણે રાજ્યના અર્થતંત્રને વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ.ગુજરાતમાં પરપ્રાંતીઓ પર હુમલાની ઘટનાઓને પગલે ભયનો માહોલ ઊભો થયો છે તો બીજી તરફ સરકાર સલામતીના દાવા ઠોકી રહી છે. આ સ્થિતિમાં નારાજ થયેલી યુપી-બિહારના પરપ્રાંતીઓેએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યા છે, જેમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે.પરપ્રાંતીયોને ગુજરાત બહાર કાઢી મૂકવા સમર્થકોને દુષ્પ્રેરણા આપવાનો સીધો આરોપ અલ્પેશ ઠાકોર ઉપર લાગ્યો હતો. ઉત્તરપ્રદેશ અને બિહારમાં કોંગ્રેસના આ ધારાસભ્ય સામે પોસ્ટર લાગ્યા હતા. એટલું જ નહી, ગુજરાતમાં પણ કોંગ્રેસમાં જ તેનો વિરોધ થયો હતો. એટલું ઓછું હોય તેમ બિહારના સહપ્રભારી એવા અલ્પેશને બિહારમાં પ્રવેશવા પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આવી તમામ સ્થિતિઓ વચ્ચે જાણે કંઈ કર્યુ જ ન હોય એમ તેણે મગરના રોદણાં રોઈ પોતાના હાથ સાફ કરવા પ્રયત્નો કરતા આ નેતાને કારણે ગુજરાતની અસ્મિતા ઝંખવાઈ હતી.ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી પરપ્રાંતીય કામદારોની સંખ્યા ૫૦ લાખ આસપાસ થવા જાય છે. ઓક્ટોબરમાં હુમલાને કારણે ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે ૧૫ લાખ કામદારોને અસર થતા વાઈબ્રન્ટ ગુજરાત ઠપ થઈ ગયં હતં.ઘમકીઓથી પરપ્રાંતીઓમાં એ હદે ડર વ્યાપી ગયો હતો કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર લોકોના ઘાડેઘાડા વતન જવા ઉતરી પડયા હતા. તેમને રોકવા અને સલામતીની વ્યવસ્થાનો પરીચય કરાવવા ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે, પોલીસના ઉચ્ચ ઓફિસરો રેલ્વે સ્ટેશને પહોંચી ગયા હતા. અને પરપ્રાંતીઓને ગુજરાત ન છોડવા વિનંતી કરતા જોવા મળ્યા હતા.
વિનય શાહનું ૩૦૦ કરોડનં કૌભાંડ
રાજ્યના જુદાં-જુદાં સ્થળોએ લોભામણી લાલચ આપીને ૩૦ જેટલી કંપનીઓ ઊઠી ગઈ હતી. જેમાં આર્ચર કેરના વિનય શાહ અને ભાર્ગવી શાહે ૩૦૦ કરોડનં કૌભાંડ આચરીને પોલીસ,રાજકારણીઓ અને મીડિયા ઉપર આક્ષેપો લગાવી બધાની ઊંઘ હરામ કરી દીધી હતી. શગુન ગ્રૂપના સંચાલક મનિષ શાહ અને તેની પત્નિએ પણ ૫૦૦ કરોડથી પણ વધારે રૂપિયાનુ ફુલેકુ ફેરવીને રોકાણકારોને ઊંઘમાંથી ઉઠાડયા હતા.આ ઉપરાંત એક ના ડબલ કરવાની લાલચ આપી ૧૨૦૦ કરોડના કૌભાંડ આચરનાર અશોક જાડેજા જય માડી ફરીથી એકવાર એકના ડબલ કરવાની લાલચ આપતાં ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી. સાબરમતી જેલના સળિયામાં જાડેજા અને તેના સાગરીત અશોક કટારાને પોલીસે ધકેલી દીધો હતો. જો કે નવાઈની વાત તો એ છે કે કાયદાકીય છટકબારીના સહારે મોટા ભાગના ગુનેગારો છટકી જાય છે. જો કે વિનય શાહની નેપાલમાં ધરપકડ થતાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા.લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તે કહેવતને સાચી પડી હોય તેમ શોર્ટકટમાં એક ના ડબલ કમાવવાની લાલચ રાખનારા રોકાણકારો સાચી સાબિત કરી છે. એજન્ટોને બેંગકોક, પતાયા, રશિયા, દુબઇ, મોરિશિયસ, થાઇલેન્ડ જેવા વિદેશોની તેમજ ગોવા, દીવ તેમજ અનેક ટાપુઓ પર ટૂર લઈ જવાની તેમજ લકઝુરીયસ કારો અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયા લાખ્ખો રોકાણકારો પાસે ખંખેરીને રસ્તા લાવી દીધા હતા. તેમ છતાં લાલચુ લોકો અમદાવાદમાં દર છ મહિને આવા કૌભાંડીઓના હાથે ભોગ બને જ છે. જો કે અત્યાર સુધી એક પણ કૌભાંડમાં રોકાણકારોને પૈસા મળ્યા નથી. પરંતુ સીઆડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયાએ જીપીઆઇડી એકટ હેઠળ ગુનાઓ નોંધવાની કાર્યવાહી સૌપ્રથમવાર ચાલુ કરી હોવાથી હવે રોકાણકારોને પોતે રોકેલા નાણાંમાંથી અમુક અંશે તો પૈસા પરત મળશે. ડિસેમ્બર ૨૦૧૮થી જ આ કાયદો સરકાર દ્વારા અમલમાં લેતા હવે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
કુંવરજી બાવળિયાએ જસદણ સર કર્યું
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને રાતોરાત કેબિનેટ મંત્રી બનેલા કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા આખરે જસદણની પેટાચૂંટણીનો જંગ જીતી ગયા છે. આ હાઈવોલ્ટેજ જંગમાં કુંવરજીની સાથે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી, ભાજપમાં મંત્રી બનેલા બાવળિયાએ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ભૂંડી રીતે હરાવ્યા છે. નાકિયા એટલા માટે ભૂંડી રીતે હાર્યા કહેવાય કે આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસ હસ્તક રહેતી હતી છતાં બાવળિયા ૧૯૯૮૫ મતોની સરસાઈથી જીત્યા છે. આ સાથે ગુજરાત વિધાનસભામાં ભાજપની ૯૯ બેઠકો વધીને હવે ૧૦૦ થઈ છે. જ્યારે કોંગ્રેસ ૭૭થી ૭૬ પર પહોંચી છે.કોંગ્રેસની યુવા નેતાગીરી પોતાની અવગણના કરતી હોવા ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડે બાવળિયાને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ના બનાવતાં આખરે જુલાઈ ૨૦૧૮માં તેમણે કોંગ્રેસ પક્ષથી છેડો ફાડયો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા, ભાજપમાં જોડાતાં જ બાવળિયાને રાતોરાત મંત્રી પદ મળ્યું હતું. ૨૦મી ડિસેમ્બરે જસદણમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૭૧.૨૭ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ૨૩મી ડિસેમ્બરે પરિણામો જાહેર થયા હતા, તેમાં ભાજપના બાવળિયાને ૯૦,૨૬૮ મતો જ્યારે કોંગ્રેસના નાકિયાને ૭૦૨૮૩ મતો મળ્યા હતા. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ માટે સારાં પરિણામો આવ્યા ત્યારે જસદણની પેટા ચૂંટણીમાં ત્રણ રાજ્યોની અસર કોંગ્રેસને ફાયદો કરાવશે તેવી આશા સેવાતી હતી, પરંતુ ત્રણ રાજ્યોના પરિણામની જસદણ પર કોઈ અસર વર્તાઈ નહોતી.
ગુજરાતમાં આ વર્ષે આ મહાકાય કૌભાંડે ભારે ઊહાપોહ મચાવ્યો
ગુજરાતમાં ૨૦૧૮ના વર્ષમાં રૂ.૪ હજાર કરોડનું મગફળી કૌભાંડ ભારે ઊહાપોહ સાથે ગાજ્યું, જેમાં રાજ્ય સરકારને આખરે નમતું જોખી નિવૃત્ત ન્યાયમૂર્તિ હેઠળ તપાસ પંચની જાહેરાત કરવી પડી, એ આ વર્ષની મોટી યાદગાર ઘટના બની રહી.સૌરાષ્ટ્રમાં અડધો ડઝનથી વધુ મગફળીના સરકારી ગોદામોમાં લગભગ એકસરખી રીતે આગ લાગવાના શંકાસ્પદ બનાવો બન્યા હતાં, જેમાં ગોદામનો દરવાજો વેલ્ડિંગ કરતી વખતે આગ લાગવાની ઘટના બની હોવાના લગભગ એકસરખા કારણો પેશ થયાં. ખરીદીમાં ઘાલમેલ કરવા માટે બારદાનોમાં મગફળીના ભારોભાર માટીના ઢેફાં ભરાયા હોવાની વિગતોના વીડિયો પણ વાઇરલ થયા. રાજ્યના કૃષિમંત્રી રણછોડ ફળદુ અને કેન્દ્રીય એજન્સી નાફેડના ચેરમેન વાઘજી બોડા વચ્ચે આમનેસામને એલફેલ રાજકીય આક્ષેપબાજી થતી રહી હતી.વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અચોક્કસ મુદ્દતનું ઉપવાસ આંદોલન શરૂ કરતાં, અંતે મુખ્યમંત્રી વિજય રૂપાણી નરમ પડયા અને એમણે ઓગસ્ટ-૧૮ના ત્રીજા સપ્તાહમાં કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ, ૧૯૫૨ની કલમ ૩ હેઠળ જાહેરનામું બહાર પાડી ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એચ.કે.રાઠોડને આગના બનાવોની તપાસ સોંપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે જે તપાસ પંચ નીમ્યું છે, તે સંઘવી ઇન્ડસ્ટ્રિયલ ગોડાઉન, કીડાના, ગાંધીધામ-કચ્છ, રામરાજ્ય કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ-ગોંડલ-રાજકોટ, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન-હાપા-જામનગર, નેશનલ કોટન ઈન્ક.ગોડાઉન-શાપર-રાજકોટ ખાતે બનેલા બનાવો સમાવિષ્ટ છે.

Related posts

इस कानून से हिंदू क्यों नाराज हैं

aapnugujarat

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

પુત્રીઓને લઈ ભારતીય સમાજની માનસિકતામાં પરિવર્તન : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1