Aapnu Gujarat
બ્લોગ

આઠવલેએ ભાજપ પર દબાણ ઉભુ કરવા માટે ૧૫ લાખ રૂપિયાની વાત કરી..!!?

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ એ પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં થયેલા ધબડકાના કારણે ભાજપ ચિંતામાં છે જ ત્યાં ભાજપના નેતાઓ ને તેના સાથીઓ મોંમાથા વિનાની વાતો કરીને તેની ચિંતા વધારી રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન રામદાસ આઠવલેએ કાળાં નાણાં મુદ્દે કરેલો લવારો તેનો પુરાવો છે. આઠવલેએ જાહેર કર્યું છે કે, દેશની દરેક વ્યક્તિના ખાતામાં રૂપિયા ૧૫ લાખ પહોંચશે પણ આ રૂપિયા એકસામટા નહીં પહોંચે પણ ધીરે ધીરે પહોંચશે. આઠવલેએ એવો લવારો પણ કર્યો કે, અમે તો રિઝર્વ બૅંકને દરેક નાગરિકના ખાતામાં જમા કરાવવા રૂપિયા આપવા કહેલું પણ રિઝર્વ બૅંકે રૂપિયા ના આપ્યા તેમાં મેળ ના પડ્યો. અમે વચન આપેલું પણ કેટલાક ટેક્નિકલ પ્રશ્ર્‌નો હતા ને એ ઉકેલાઈ ગયા છે તેથી હવે નાણાં આવશે.
આઠવલેએ શેના આધારે આ વાત કરી તેની આપણને ખબર નથી પણ આ મુદ્દો ઉખેળીને આઠવલેએ ભાજપની દુઃખતી રગ દબાવી દીધી છે. નરેન્દ્ર મોદી લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતર્યા એ વખતે તેમણે કાળાં નાણાંનો મુદ્દો બહુ ગજવેલો. મોદી સતત એ વાત પર ભાર મૂકતા કે, વિદેશી બૅંકોમાં ભારતીયોનાં એટલાં કાળાં નાણાં ધરબાઈને પડ્યાં છે કે એ બધાં નાણાં અહીં લઈ અવાય તો દરેક ભારતીયના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થાય. મોદીએ એ વખતે ખોંખારીને કહેલું કે, અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો ૧૦૦ દિવસમાં વિદેશી બૅંકોમાં જમા ભારતીયોનાં કાળાં નાણાં અહીં લઈ આવીશું.
મોદીએ એ વખતે બીજા પણ ઘણા મોટા ફડાકા મારેલા ને લોકો મોદીની આ વાતો પર વારી વારી ગયેલા. મોદીએ ગુજરાતમાં ૧૩ વર્ષ લગી રાજ કરેલું તેના કારણે તેમની લોકોમાં સારી છાપ હતી પણ એ સિવાય લોકોને મોદીનો ઝાઝો અનુભવ નહોતો. લોકોને લાગ્યું કે, મોદી દમદાર માણસ છે ને એ કાળાં નાણાં ભારતમાં પાછાં લાવીને કરચોરોને પાંસરા કરી નાખશે એટલે તેમને એક તક આપવી જોઈએ. લોકોએ મોદીને ભરપૂર મત આપ્યા ને સત્તા પણ સોંપી દીધી. મોદીએ સત્તા મળી એ પહેલાં શું વિચારેલું એ આપણને ખબર નથી પણ સત્તા મળી પછી એ કાળાં નાણાંના મુદ્દે ઝાઝું કશું ઉકાળી શક્યા નથી એ હકીકત છે. તેમણે શરૂઆત શાનદાર કરેલી ને કાળાં નાણાં મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) બનાવી નાખેલી.
જો કે મોદી આ મામલે આરંભે શૂરા સાબિત થયા ને એ પછી કશું થયું નહીં. લોકો એવી અપેક્ષા રાખતા જ નહોતા કે, પોતાનાં ખાતાંમાં પંદર-પંદર લાખ રૂપિયા જમા થાય પણ કમ સે કમ વિદેશોની બૅંકોમાંથી કાળાં નાણાં પાછાં લાવવા કશુંક થાય એવી અપેક્ષા લોકોને હતી જ. મોદીએ સો દાડાની વાત કરેલી પણ સોના બસ્સો દાડા ગયા ને પછી વરસ થયું તોય કાંઈ થયું નહીં. બીજી બાજુ મોદી કે ભાજપના નેતાઓ આ મામલે મોંમાં મગ ઓરીને બેઠા હતા એટલે વિપક્ષોનાં ટોણાં શરૂ થયા ને ધીરે ધીરે એ ટોણાં મશ્કરીમાં ફેરવાઈ ગયાં. વિપક્ષો છાસવારે આ પંદર લાખ રૂપિયાની વાત માંડીને બેસી જવા માંડ્યા ને ભાજપ પાસે તેનો જવાબ જ ના હોય એવી હાલત થઈ ગઈ. ભાજપ આ મુદ્દે ખરેખર હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું ને એ સ્થિતિ હજુ બદલાઈ નથી. આ મહેણાં-ટોણાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તો એટલા થાક્યા કે તેમણે રીતસર હાથ ખંખેરી નાખીને આ પંદર લાખની વાતને ચુનાવી જુમલામાં ખપાવી દીધેલી. વિપક્ષોને તેના કારણે એક નવો મુદ્દો મળી ગયો એ અલગ વાત છે. એ બહાને હજુય ભાજપની મેથી મરાય જ છે ને ભાજપના નેતાઓ તો આ વાત ઉખેળવા જ તૈયાર નથી થતા.
ભાજપના નેતાઓ લોકોને ગમે તે ભોગે આ વાત ભૂલાડવા મથે છે ત્યાં આઠવલેએ આ પલિતો ચાંપી દીધો ને તેના કારણે ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વખતે જે વાત કરેલી તેમાં ચોક્કસ અતિશયોક્તિ હતી ને રીતસરની ઠોકાઠોક હતી જ. વિદેશોની બૅંકોમાં ખરેખર કેટલાં કાળાં નાણાં ધરબાઈને પડ્યાં છે તેનો ચોક્કસ આંકડો જ કોઈની પાસે નથી. ભાજપ છેક ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીથી આ મુદ્દો ચગાવતો હતો ને જે જીભે ચડે એ આંકડાની ફેંકાફેંક કરતો હતો. આ આંકડા સાચા છે કે ખોટા તે ચકાસવાનું શક્ય નહોતું તેથી આ ઠોકાઠોક ચાલી જતી હતી. સામે કોઈ પડકારનારું નહોતું તેથી ભાજપના નેતા પણ વધારે પડતા તાનમાં આવી ગયેલા ને તેમણે મનફાવે તેવા આંકડા રમતા મૂકી દીધેલા.
મોદીએ પણ એવું જ કરેલું ને પંદર લાખ રૂપિયા જમા કરાવવાની વાત કરી નાખેલી. મોદી આવી ઠોકાઠોક કરનારા પહેલા નેતા નહોતા. આ પહેલાં જે સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય એવાં વચનોની લહાણી થઈ જ હતી. મોદીએ પણ પોતે લોકોના ખાતામાં રૂપિયા જમા કરાવશે તેવું નહોતું કહ્યું પણ એક શક્યતા દર્શાવી હતી પણ એ શક્યતાની વાત બાજુ પર મુકાઈ ગઈ કેમ કે કાળાં નાણાંના મુદ્દે કશું જ ના થયું તેથી ભાજપના નેતાઓ કશું બોલવાની સ્થિતિમાં જ ના રહ્યા.
મોદીના સદનસીબે છેલ્લા કેટલાક સમયથી કૉંગ્રેસના નેતાઓ આ મુદ્દો ભૂલી ગયેલા કેમ કે તેમને ખેડૂતોની સમસ્યાઓના રૂપમાં નવો મુદ્દો મળી ગયો છે. ત્રણ રાજ્યોમાં સત્તા કબજે કર્યા પછી તો કૉંગ્રેસને એવું જ લાગે છે કે, ખેડૂતોનો મુદ્દો તેમને લોકસભાની ચૂંટણીમાં તારી દેશે તેથી એ લોકો ખેડૂતો પર જ મચેલા છે. પંદર લાખ રૂપિયાની ઉઘરાણી તેમણે બંધ કરેલી ત્યાં આઠવલેએ આ ડૂગું ચાંપી દીધું તેમાં હવે ભાજપના નેતાઓએ ફરી આ બધાના જવાબો આપવા પડશે.
ભાજપના નેતાઓ તો આવી પડશે એટલે જવાબ આપશે જ ને તેમનું ફોડશે પણ આઠવલેના આ લવારાએ સાબિત કર્યું છે કે, ભાજપે તેના દુશ્મનોથી જ નહીં પણ તેના દોસ્તોથી પણ ચેતતા રહેવું પડે એમ છે. પહેલી વાત તો એ કે, આ રીતે લોકોને નાણાં આપવાં શક્ય નથી એ બહુ સીધી વાત છે. લોકો આ વાત નહોતા સમજતા એવું નથી છતાં લોકોએ મોદીની એ વાતને વધાવી તેમાં લોકોને પોતાને આર્થિક ફાયદો થવાની બહુ આશા નહોતી પણ દેશનું હિત થાય તેમાં રસ હતો. મોદીએ એ વખતે વાત કરી ત્યારે તેમણે બીજી પણ વાતો કરેલી. મોદી પર લોકો વારી ગયા તેમાં બીજા પણ ઘણા મુદ્દા કામ કરી ગયેલા. પછીથી આ મુદ્દો વધારે ચગ્યો ને ભાજપ તેના કારણે હાસ્યાસ્પદ ઠર્યો તેનું કારણ એ કે, આ મામલે ભાજપે કશું જ ના કર્યું. ભાજપે થોડું ઘણું પણ કર્યું હોત તો તેની રેવડી દાણાદાણ ના થઈ હોત. ભાજપ આ કારણે જ આ વાત નથી કરતો ને આઠવલે પણ આ વાત ના સમજે એટલા નાદાન તો નથી જ પણ એ છતાં એ છોકરાં ફોસલાવવા માગતા હોય એ રીતે લોકોને ફોસલાવવા નીકળ્યા છે તેનું કારણ શું છે ? એ ભાજપના નેતાઓને ઊંચા જીવે રાખવા માંગે છે. એ ભાજપને યાદ કરાવવા માગે છે કે, લોકો ભલે એ વાત યાદ ના કરતા હોય પણ અમને તો એ વાત યાદ છે જ ને લોકોને તમે કેવા મૂરખ બનાવ્યા એ પણ અમને યાદ છે જ. જરૂર પડે અમે આ પારાયણ માંડીશું જ એવી આડકતરી દાટી તેમાં છે. આવા સાથી હોય પછી ભાજપને દુશ્મનોની જરૂર ખરી?
આઠવલેએ આ પલિતો ચાંપ્યો તે પાછળનું કારણ પણ સમજવા જેવું છે. લોકસભાની ચૂંટણી માથે છે ને થોડા સમય પછી ભાજપ સોદાબાજી શરૂ કરશે. એ વખતે ભાજપનું નાક દબાવી શકાય એ માટે આઠવલેએ તખ્તો તૈયાર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં શિવસેના તો પહેલાંથી ભાજપની મેથી મારી જ રહ્યું છે ને ભાજપ તેનાં પગોમાં આળોટી જ ગયો છે. ત્રણ રાજ્યોનાં પરિણામો પછી દોડતા થયેલા ભાજપે કહી જ દીધું છે કે, અમે શિવસેના પાસે સામેથી જઈશું. સ્વાભાવિક રીતે જ શિવસેના પાસે ભાજપે નાકલીટી તાણીને જવું પડે એટલે તેને વધારે બેઠકો આપવી પડે. એ વખતે પોતાના ગરાસમાં કાપ ના મૂકાય એટલે આઠવલે દબાણ ઊભું કરવા માગે છે ને એટલે જ તેમણે કાલા થઈને કાળાં નાણાંની વાત કરી નાખી.

Related posts

’ભાઇજાન’ માટે લકી છે ઇદ

aapnugujarat

કેરળમાં આઈએસઆઈએસનો પ્રભાવ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ચૂંટણી એટલે રાજકારણ : કલમ-૩૫૬નો ઉપયોગ પક્ષીય રાજકારણ : શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનના કાર્યકર્તાની સભાને સંબોધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1