Aapnu Gujarat
બ્લોગ

સંગીતની શક્તિ

જપ કરતાં આઠગણું વધારે શક્તિશાળી ધ્યાન છે, ધ્યાન કરતા આઠ ગણું શક્તિશાળી તપ છે, તપ કરતા પણ આઠગણું વધારે સંગીતનું ગાન છે. અને ગાનથી વધારે શક્તિશાળી પરાત્પર પરમ તત્ત્વ છે.’ગાંધર્વ વેદમાં આવતો આ શ્લોક સંગીતની શક્તિનો મહિમા ગાય છે. સંગીત ધ્વનિવિજ્ઞાન સાથે જોડાયેલું શાસ્ત્ર છે. ધ્વનિ બ્રહ્માંડની મુખ્ય ત્રણ શક્તિઓમાંની એક શક્તિ છે. આ ત્રણ શક્તિઓ છે – ધ્વનિ, તાપ અને પ્રકાશ. એ ત્રણેય શક્તિઓના સૂક્ષ્મ તરંગો આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે. એક્સ-રે, રેડિયો કિરણો, લેસર કિરણો, ગામા કિરણો વગેરેના રૃપે આ તરંગોનો ઉપયોગ થાય છે.પદાર્થ વિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન ધરાવનારા પણ એ જાણે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેક્સ પર ધ્વનિ (સાઉન્ડ)ને સુપર ઇમ્પોઝ કરી રેકર્ડ કરી લેવામાં આવે છે એના પરિણામરૃપે એ એટલા શક્તિશાળી બની જાય છે કે આંખનો પલકારો મારો એનાથી ય ઓછા સમયમાં એ આખી દુનિયાનું ચક્કર મારી લે છે. આ શક્તિશાળી તરંગોની મદદથી જ અંતરિક્ષમાં મોકલેલા રોકેટના ઉડ્ડયનને પૃથ્વી પરથી નિયંત્રિત કરવાં, એમને અમુક દિશામાં વાળવાં, એમની યાંત્રિક ખરાબી દૂર કરવા જેવાં કાર્યો પૂરા કરી શકાય છે.શિવજીની ત્રીજી આંખમાંથી નીકળતાં શક્તિ કિરણો જેવા લેસર કિરણોની તાકાત તો અપાર છે. લેસર કિરણો એક ફૂટ જાડાઈ ધરાવતા લોખંડના વિશાળ ટુકડામાં છેદ પાડી શકે છે. સુપરસોનિક પ્રકારના તરંગો પળભરમાં આખી પૃથ્વી પર પ્રભાવ છોડી શકે છે. ધ્વનિ, તાપ અને પ્રકાશના સૂક્ષ્મ તરંગોથી રેડિયો ટેલિવિઝન, મેડિકલ સર્જિકલ સાધનો જેવાં અન્ય ઉપકરણો પણ કામ કરે છે.આ ત્રણ પ્રકારના તરંગો સજીવ- નિર્જીવ બધાને અસર પહોંચાડે છે. ધ્વનિતરંગો સ્થૂળ શરીરને પ્રભાવિત કરે છે. તાપતરંગો સૂક્ષ્મ શરીરને પ્રભાવિત કરે છે અને પ્રકાશ તરંગો કારણ શરીરને પ્રભાવિત કરે છે. સ્થૂળ શરીરને પ્રભાવિત કરવા મંત્ર- યોગ-, સૂક્ષ્મ શરીરને પ્રભાવિત કવરા પ્રાણ- યોગ અને કારણ શરીરને પ્રભાવિત કરવા ધ્યાન- યોગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણેયના સમન્વયથી સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.આપણાં શાસ્ત્રોમાં મંત્ર શક્તિ- સંગીત શક્તિનો મહિમા વર્ણન કરવામાં આવ્યો છે. ઋગ્વેદ તથા સામવેદની સાથે આયુર્વેદ અને ગાંધર્વવેદમાં ધ્વનિ અને સંગીતની રોગોપચારક શક્તિની વાત સમજાવવામાં આવી છે. આયુર્વેદ ઋગ્વેદનો ઉપવેદ છે અને ગાંધર્વવેદ સામવેદનો ઉપવેદ છે.આદિમ કાળના આયુર્વેદના પુરસ્કર્તા અશ્વિનીકુમારોએ રચેલા ’ભૈષજ તંત્ર’માં રાગ અને રોગના સહસંબંધ પર મૂલ્યવાન જ્ઞાાન પ્રકટ કરવામાં આવ્યું છે. ’ભૈષજ તંત્ર’માં ચાર પ્રકારના ભૈષજ (ઔષધ) દર્શાવવામાં આવ્યા છે. : પવનૌક્ષ, જલૌક્ષ, વનૌક્ષ અને શબ્દૌક્ષ. આમાં છેલ્લા શાબ્દિક ભૌષજમાં ’દ્વિદેવો’નો ઉલ્લેખ છે. એમાંનો એક છે મંત્રોચ્ચારણ અને બીજો છે લયબદ્ધ ગાયન.આયુર્વેદના અનેક ગ્રંથો જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં સંનિપાત, જવર, દમ, મધુપ્રમેહ, હૃદય રોગ, ક્ષય,એનીમિયા, મંદબુદ્ધિપણું જેવા રોગોમાં મંત્રોથી સચોટ ઉપચાર કરી શકાય એવો ઉલ્લેખ છે. એ જ રીતે સામવેદમાં ઋચાઓના ગાયન દ્વારા રોગ નિવારણ થઈ શકે છે એની સમજૂતી આપવામાં આવી છે.મંત્રોચ્ચાર થકી ઉત્પન્ન થયેલો ધ્વનિનો પ્રવાહ વ્યકતિની સમગ્ર ચેતનાને પ્રભાવિત કરે છે. મંત્ર ધ્વનિનાં કંપનો અંતરિક્ષમાં ફેલાઈને સ્થૂળ અને સૂક્ષ્મ બધી સત્તાઓ પર અસર ઉપજાવે છે. કંઠ, જીભ અને તાળવા જેવા અવયવોથી ઉત્પન્ન કરાયેલ ધ્વનિ સ્થૂળ શરીર પર પ્રભાવ પેદા કરી સૂક્ષ્મ શરીરમાં આવેલી ઉપત્યિકાઓ, નાડી ગુચ્છકો અને વિદ્યુત પ્રવાહો પર પણ જબરદસ્ત અસર ઉપજાવે છે.મંત્ર- ઉચ્ચારણથી ઉત્પન્ન થયેલી ઊર્જા સાધકના સમગ્ર અસ્તિત્વને પ્રભાવિત કરે છે. એમ છતાં એ શબ્દવેધી બાણની જેમ શરીરના અમુક ભાગ કે અવયવને ટકરાઈને ખાસ તે જ જગ્યાએ વિશેષ અસર ઉપજાવી શકે છે. એટલા માટે જ મંત્રમાં ખાસ બીજાક્ષરો અને શબ્દોનો પ્રયોગ થાય છે. જુદા જુદા બીજમંત્રો આ માટે જ બનાવાયા છે.વૈજ્ઞાનિક પ્રયોગોમાં એવું જોવામાં આવ્યું છે કે સમવેત સ્વરમાં ઉચ્ચારિત મંત્ર પૃથ્વી આયનમંડળને ઘેરીને રહેલા વિશાળ ભૂચુંબકીય પ્રવાહ શૂમન રેઝોનન્સ સાથે અથડાઈને ત્યાંથી પાછો ફરીને આખી પૃથ્વીના વાયુમંડળને પ્રભાવિત કરે છે.આ બાબતમાં એક અદ્ભુત વાત એ જોવામાં આવી છે કે, શુમન રેઝોનન્સની અંતર્ગત તરંગોની જે ગતિ હોય છે તે જ ગતિ મંત્રોચ્ચાર કરનારા સાધકોના મસ્તિષ્કમાંથી નીકળતા આલ્ફા તરંગોની હોય છે ! આ બન્નેની ગતિ પ્રતિ સેકંડ ૭થી ૧૩ સાઇકલ્સની નોંધાઈ છે. વ્યક્તિચેતના અને સમષ્ટિચેતના વચ્ચે આવું અદ્ભુત તાદાત્મ્ય સર્જાય છે.આયુર્વેદ દર્શાવે છે કે, વાત, પિત્ત અને કફના પ્રમાણમાં અસંતુલન ખોરવાઈ જવાથી રોગ આવે છે.
તે રીતે ગાધર્વવેદ દર્શાવે છે કે સ્વરોની તારતા, તીવ્રતા અને મધુરતાનું પ્રમાણ વધારે કે ઓછું થઈ જાય ત્યારે રોગ ઉદ્ભવે છે. સ્વરોની તારતા વાયુ તત્ત્વ સાથે જોડાયેલી છે. સ્વરોની તીવ્રતા પિત્ત તત્ત્વો સાથે જોડાયેલી છે અને સ્વરોની મધુરતા કફ ગુણ સાથે સંબંધિત છે. ગાંધર્વવેદ એટલે સંગીતનું ઉત્પત્તિશાસ્ત્ર. આયુર્વેદ અને ગાંધર્વવેદનો યોગ્ય સમન્વય કરી રોગીને વનૌષધિ સેવન અને સંગીતના સમ્યક્‌ રોગોનું શ્રવણ કરાવવામાં આવે તો અસાધ્ય રોગોને દૂર કરી શકાય છે.સંગીતક્ષેત્રે સંશોધન કરનારા જણાવે છે કે, કફના પ્રકોપથી થયેલા રોગોવાળા દરદીને ભૈરવી રાગ સંભળાવવો જોઈએ. માનસિક અસ્થિરતા, ક્રોધ જેવી સ્થિતિમાં મલ્હાર અને જૈજેવંતી સંભળાવવો જોઈએ. રક્તની અશુદ્ધિ હોય ત્યારે આશાવરી રાગનો પ્રયોગ કરવો જોઈએ. ખાંસી, ઉધરસ, અસ્થમામાં ભૈરવી રાગનો ઉપયોગ કરવાથી લાભ મળે છે.મેદવૃદ્ધિ, યકૃત, પ્લીહા સંબંધિત રોગોમાં હિંડોળ રાગ સંભળાવવો જોઈએ. જઠર, આંતરડા સંબંધિત ગેસ્ટ્રાટિસ જેવા રોગોમાં પંચમ રાગ સંભળાવવાથી ઘણો ફાયદો થાય છે. કફ પ્રકૃતિવાળાને રૌદ્રી, ક્રોધી વજ્રિકા શ્રુતિ અને રુષભ સ્વર વિશેષ આવતા હોય એવા રાગ સંભળાવા જોઈએ. એ રીતે પિત્ત અને વાયુ પ્રકૃતિવાળારોગીઓને સામ્ય અવસ્થામાં લાવવા માટે કફ પ્રકૃતિના સ્વર પર આધારિત રાગો ખમાજ, તિલંગ અને દેશ રાગ સંભળાવા જોઈએ.હવે વિજ્ઞાનીઓ સ્વીકારે છે કે મંત્ર ઉચ્ચારણનો ધ્વનિ અને શાસ્ત્રીય રાગોનું ગાયન કલીલ દ્રાવણ સંરચના પર અસર કરે છે. અણુ અને પરમાણુના સૂક્ષ્મ સ્તરથી પણ આગળ વધી તે ’કોલોઇડ’ના સ્તરમાં પ્રવેશે છે. ત્યાં પરમાણુઓ પર નહી પણ ઊર્જા સ્વરૃપો પર કામગીરી થાય છે.આ ઊર્જા સ્વરૃપો સ્વરોના સ્પંદનોથી અત્યંત ઝડપથી પ્રભાવિત થાય છે. મંત્રધ્વનિ અને શાસ્ત્રીય રાગો શરીરની શ્લેષ્મ સપાટી માટે જરૃરિયાત પ્રમાણેનો ’પોઝિટીવ ચાર્જ’ ઉત્પન્ન કરે છે.
અમેરિકાના ન્યૂયોર્કના ડો. એડવર્ડ પોડોલ્સ્કી ચિકિત્સાના શ્રેષ્ઠ સાધન તરીકે સંગીતનો ઉપયોગ કરે છે.અમેરિકાના પિટ્‌સબર્ગના રાસ્ફ લોરેન્સે પણ સંગીતની રોગનિવારક અસરો જોયા બાદ ’આર ફોર આર’ નામની સંસ્થા ખોલી છે. એનું આખું નામ છે – ’રેકોર્ડિંગ ફોર રિલેક્સેસન, રિફ્લેકશન, રિસ્પોન્સ એન્ડ રિકવરી’ રાલ્ફ લોરેન્સ કહે છે- ’માનવીનો રોગ બધી રીતે અસાધ્ય થઈ ગયો હોય ત્યારે તેની ચેતનાના અંતિમ સ્ત્રોત સુધી અદ્રશ્ય સ્વરલહેરીઓ પહોંચાડી એના પ્રભાવથી એને સારો કરી શકાય છે !’

Related posts

સરકારની રૂ. ૨૮,૮૦૦ ની સહાયથી મંડપ અને ટેકા પધ્ધતિથી ટામેટાની બાગાયતી ખેતી થકી ટૂંકા ગાળામાં વધુ આવક મેળવવાનો મોટી બેડવાણના ખેડૂત શામસિંગભાઇ વસાવાનો સફળ પ્રયાસ

aapnugujarat

ખેડૂતોની દેવા માફી

aapnugujarat

કપરા સમયે કોઈએ સાથ નહોતો આપ્યો ત્યારે ભારતે કરી હતી મદદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1