નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટી બેડવાણ ગામના સફળ ખેડૂત સામસિંગભાઇ ખાલપાભાઇ વસાવાએ રાજ્ય સરકારની રૂા. ૨૮,૮૦૦ ની સહાય થકી ચાલુ વર્ષે પોતાના ૩ એકરના વિસ્તારમાં કાચા મંડપ પધ્ધતિ દ્વારા શાકભાજી પાકમાં ટામેટાની ખેતિ અપનાવવાના અને સપ્ટેમ્બર ૨૦૧૬ થી ફેબ્રુ-માર્ચ ૨૦૧૭ સુધી ચાલુ રહેલા ટામેટાના ઉત્પાદનને લીધે ટામેટાનો ૧ કિ.ગ્રામનો રૂા. ૧૫ થી ૨૦ સુધીનો બજાર ભાવ મેળવતા થયા છે.
શામસિંગભાઇ વસાવા જણાવે છે કે, તેઓએ ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કર્યો છે. ગત જુલાઇ માસમાં ટામેટાના ૧૨ હજાર નંગ ધરૂ નાખીને તેનું વાવેતર કર્યું હતું. ૩ એકર વિસ્તારમાં કાચો મંડપ ટેકા પધ્ધતિ ઉભી કરવા તેઓને એક માસ જેવો સમય લાગ્યો હતો. જેમાં અંદાજે રૂા. ૩૦ હજાર જેવો મજૂરી ખર્ચ તેમજ ખેતી પેટે રૂા. ૪૦ થી ૪૫ હજારનો અન્ય પ્રાથમિક ખર્ચ થવા પામેલ છે. ટામેટાની ગુણવત્તા જળવાઇ રહે તે માટે શામસિંગભાઇ ૮૦ નંગ પ્લાસ્ટીક કિટ્સ લઇ આવ્યા છે. જેનો ભવિષ્યમાં પણ તેઓ સારી રીતે ઉપયોગ કરી શકશે. પોતાની કોઠાસુઝ અને વિવેક બુધ્ધિને લીધે આધુનિક વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી આગામી ટૂંકા સમયગાળામાં તેઓ વધુ સારી આવક મેળવી શકશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે શામસિંગભાઇ ભણી શક્યા ન હતા અને પોતાના ઘરની જવાબદારી તેમના શીરે લઇને ખેત-વ્યવસાય કરવાનું મનોમન નક્કી કરીને વર્ષોથી પોતાની ૬ એકર જમીનમાં શેરડી, મગફળી, તુવેરની ખેતી કરતા હતા. જેમાં તેઓ એક કુવો અને બે બોરવેલના પિયતનો સાધન તરીકે તેઓ ઉપયોગ કરતા હતા. ૩ એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર કરતા અંદાજે ૮૦ હજાર રૂપિયાના ખર્ચ સામે ૧૬ મહિને ઉત્પાદન મેળવતા હતા. જેમાં ખર્ચ બાદ કરતા તેઓને લાંબા ગાળે અંદાજે માત્ર રૂા. ૧.૨૦ લાખ જેવો નફો મળતો હતો. લાંબા ગાળાની નજીવી આવકથી તેમના કુટુંબનું ભરણપોષણ સારી રીતે થતુ ન હોવાના લીધે તેઓ સતત ચિંતામાં રહેતા હતા. અંતે આ પરિસ્થિતિમાંથી બહાર નિકળવા પોતાની ખેતીને આધુનિક દિશામાં વાળવાનું મનોમન નક્કી કર્યુ અને તે દિશામાં તેમણે મંડાણ કર્યું.
બરાબર આ જ અરસામાં શામસિંગભાઇ જિલ્લાના બાગાયત ખાતાના સંપર્કમાં આવ્યા અને બાગાયત અધિકારીશ્રી દ્વારા હાઇબ્રીડ વેલાવાળા શાકભાજી પાકની બાગાયતી ખેતી જેવી કે ટામેટા, દુધી, કારેલા, પરવળ, ગલકા, તુરીયા, કાકડી, ટીંડોળા, કંકોડા વગેરે જેવા વેલાવાળા શાકભાજી પાકની ખેતી મંડપ અને ટેકા પધ્ધતિથી કરવાની અને તેના ફાયદાઓ, વધુ આવક વિશેની જાણકારી અને માર્ગદર્શન મેળવી શામસિંગભાઇએ ટપક સિંચાઇ પધ્ધતિથી ટામેટાની ખેતીના પ્રારંભ માટે પ્રેરાયા છે અને અન્યો માટે પ્રેરણારૂપ બન્યાં છે.