Aapnu Gujarat
ગુજરાત

પેપર લીક : વિનીત માથુર અને અશોક સાહુ રિમાન્ડ ઉપર

દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં આખરે આંતરરાજય ગેંગની સંડોવણીનો પોલીસે ગઇકાલે પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે આ સમગ્ર કૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુર અને મધ્યપ્રદેશના રતમલામના અશોક સાહુની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને આજે પોલીસે ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગણી કરતી કરાયેલી અરજીના કારણોમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે આંતરરાજય ગેંગની સંડોવણીનો પર્દાફાશ થયો છે. તેથી આ આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યોને પકડવાના બાકી છે અને ગુજરાત સિવાયિ અન્ય રાજયોમાં પણ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવાના પ્રકરણમાં પણ આરોપીઓની સંડોવણીની શકયતા હોઇ તેની તપાસ કરવી ખૂબ જરૂરી છે. પકડાયેલા આરોપીઓ ગુજરાતના ઉમેદવારોને દિલ્હીમાં કયા કયા સ્થળોએ અને કઇ કઇ જગ્યાએ લઇ ગયા હતા અને ત્યાં તેમને કોણે લોકરક્ષક દળનું પેપર અને આન્સરશીટ બતાવી તે સહિતની વિગતો જાણવાની છે. આ સમગ્ર કૌભાંડમાં કુલ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને આરોપીઓને અત્યારસુધી નાસતા ફરતા રહ્યા તો, તેમને કોણે કોણે મદદગારી કરી અને આશરો આપ્યો તે પણ જાણવાનું છે. પકડાયેલા આ આરોપીઓ સહિતના કેટલાક આરોપીઓ ગુજરાતના ઉમેદવારો સાથે એલઆરડી પેપર લીક કરવાનું ષડયંત્ર ઘડવા માટે અમદાવાદની આશ્રમરોડ ખાતેની એક હોટલમાં આવ્યા હતા, જેને લઇ તે સમગ્ર ષડયંત્ર સંબંધી અને તેમાં સામેલ આરોપીઓની તપાસ કરવાની છે.
આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જે માસ્ટમાઇન્ડ હતો, તેના પૂરા નામ અને વિગતોનો ગઇકાલે પર્દાફાશ થયો હતો. તેનું આખુ નામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિન રૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો છે, તેથી આ આરોપીઓની ભૂમિકા અને ગુનાહિત કૃત્ય વિશે પણ આરોપીઓ પાસેથી માહિતી કઢાવવાની છે. આ સંજોગોમાં આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Related posts

પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

editor

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

aapnugujarat

અમદાવાદ એરપોર્ટ પરથી 107 કિલો સોનું પકડાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1