Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેશન દ્વારા ચૂંટણીલક્ષી બજેટની તૈયારી શરૂ

અમદાવાદ મ્યુુનિસિપલ કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓએ ચાલુ વર્ષ ર૦૧૮-૧૯નું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કર્યું હતું. હવે આગામી તા.૧ એપ્રિલ, ર૦૧૯થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના ડ્રાફટ બજેટ માટે તંત્રમાં બેઠકોનો દોર આરંભાયો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી હોઇ આ વખતનું મ્યુુનિસિપલ કોર્પોરેશનનું આગામી બજેટ પૂરેપૂરું ચૂંટણીલક્ષી રંગ ધરાવશે એટલે કે કરવેરાવિહોણું એવું ફુલગુલાબી બજેટ નાગરિકો સમક્ષ રજૂ કરાય તેવી પૂરી શકયતા છે. આ વખતનું બજેટ અંદાજે રૂ.૭,૦૦૦ કરોડથી વધારે તેમજ કરવેરાવિહોણું હોવાની પણ શકયતા છે. અગાઉના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રૂ.૩૩૦૦ કરોડના વિકાસકામો અને રૂ.૩ર૦૦ કરોડનું રેવન્યુ ખર્ચ ધરાવતું રૂ.૬પ૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. મુકેશકુમારના ડ્રાફટ બજેટમાં નાગરિકો પર એક પણ રૂપિયાનો વેરો નખાયો નહોતો તેમજ હેરિટેજ સિટીના દરજ્જાને મોખરાનું સ્થાન અપાયું હતું. જ્યારે એક રૂપિયાની જાવકમાં ૩૦ ટકા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ દર્શાવાયો હતો. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષના હવે ગણતરીના ચાર મહિના શેષ રહ્યા હોવા છતાં આજે પણ એસ્ટાલ્બિશમેન્ટ ખર્ચ ઘટ્યો નથી તો અનેક નવા પ્રોજેકટ કાગળ પર જ રહ્યા છે. હાલના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા માટેનું આ પ્રથમ ડ્રાફટ બજેટ છે. શહેરીજનોમાં ઓપરેશન દબાણ હટાવોથી વિજય નહેરાએ ખાસ્સી એવી લોકપ્રિયતા મેળવી છે. તેમના સ્વચ્છતા અભિયાન અને સ્માર્ટસિટી પ્રોજેકટ પ્રત્યેની ગંભીરતાએ પણ લોકપ્રશંસા મેળવી છે. એટલે વિજય નહેરાનું પ્રથમ ડ્રાફટ બજેટ તેમની કામ કરવાની આગવી શૈલીના કારણે નોંધનીય અને વધારાના આર્થિક બોજ વિનાનું રહે તેવી મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચા ઊઠી હોઇ તેમના ડ્રાફટ બજેટ તરફ સ્વાભાવિકપણે સૌની મીટ મંડાઇ છે. તંત્ર દ્વારા આગામી ડ્રાફટ બજેટમાં લોકસભાની ચૂંટણીના કારણે લોકોને આકર્ષવા મોટા પ્રોજેકટ દર્શાવાશે. આ ઉપરાંત નળ, ગટર, પાણી જેવા નગરના કામોને પણ મહત્ત્વ અપાશે. તંત્રના ડ્રાફટ બજેટ બાદ પંદરેક દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ પણ પોતાનું પ્રથમ સુધારિત બજેટ રજૂ કરશે. અગાઉના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા તંત્રના રૂ.૬પ૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં રૂ.૪૯૦ કરોડના કામોના વધારા સાથે રૂ.૬૯૯૦ કરોડના સુધારિત બજેટને મંજૂર કરાયું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ માટે સુધારિત બજેટ એક પ્રકારનો પડકાર બનશે. તેમ છતાં અમૂલ ભટ્ટ શહેરીજનો સમક્ષ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરીને અગાઉના શાસકોની જેમ લોકોને હથેળીમાં ચાંદ બતાવશે કે પછી અત્યાર સુધીની તેમની જે તે કામ પ્રત્યેની ધગશને જોતાં વાસ્તવિક બજેટ બનાવશે તેવી પણ લોકોમાં ચર્ચા ઊઠી છે. દરમિયાન લોકસભાની ચૂંટણીના કારણેે શાસક પક્ષે ફટાફટ સુધારિત બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં લીલી ઝંડી અપાવ્યા બાદ નિયમ અનુસાર મોડામાં મોડું દર વર્ષની તા.ર૧ ફેબ્રુઆરી પહેલાં મ્યુનિસિપલ બજેટ બેઠમાં મંજૂર કરાવીને રાજ્ય સરકારમાં મોકલવું પડશે. બીજા અર્થમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં મુકાય તેની પહેલાં ડ્રાફટ બજેટ અને સુધારિત બજેટને કાયદાકીય બહાલી અપાવવી પડશે, તેથી અમ્યુકો તંત્ર તેની કવાયતમાં લાગી ગયું છે.

Related posts

પાણી માટે મળશે મહાપંચાયત : સાણંદ, બાવળા, ધોળકાના ખેડૂતોનો રણટંકાર

aapnugujarat

કડી ના નાયક ભોજક સમાજ તરફથી 51 હજાર નો ચેક રાહતફંડમાં અર્પણ કરવામાં આવ્યો.

editor

अहमदाबादः सप्ताह में जलजनित बिमारियों के ५३० केस दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1