Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાક યુદ્ધ વિમાનોએ સિયાચીન પાસે ઉડાણ ભરી

ભારતીય સેના દ્વારા કાશ્મીરના નવસેરા સેકટરની પાસે પાકિસ્તાની બંકરોને ફૂંકી મારવામાં આવ્યાના એક દિવસ બાદ હચમચી ઉઠેલા પાકિસ્તાને પણ સિયાચીનમાં ભારત સમક્ષ લાલ આંખ કરવાના પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને સિયાચીનની પાસે સ્થિત પોતાના એરપોર્ટના ફોરવર્ડ બેઝને એકટીવ કરી દીધા હોવાના અહેવાલ મળ્યા છે. આ પ્રકારની કાર્યવાહી સામાન્ય રીતે યુદ્ધની સ્થિતિમાં કરવામાં આવે છે. પાકિસ્તાની હવાઈ દળના યુદ્ધ વિમાનોએ આજે સિયાચીન ગ્લેસીયરની નજીક ઉડાણ ભરી હતી. એટલું જ નહીં પાકિસ્તાની હવાઈ દળના વડાએ પોતે મિરાજ સાથે ઉડાણ ભરી હતી. પાકિસ્તાન તરફથી સિયાચીનની ઉપર ભારતીય સરહદની અંદર ઉડાણ ભરવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ દાવાને ભારતીય હવાઈદળે ફગાવી દઈને તેની ટીકા કરી હતી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનનું કોઈ વિમાન ભારતીય સરહદમાં ઘુસ્યું ન હતું. ભારતે સ્પષ્ટતા કરી છે કે તેની પોતાની સરહદમાં કોઈ વિમાન ઘુસ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે સિયાચીન ગ્લેસીયર હિમાલયમાં કાળાકોરમ પહાડી શ્રેણીમાં સ્થિત છે. પાકિસ્તાની મીડિયાના કહેવા મુજબ પાકિસ્તાની હવાઈ દળના વડા સોહેલ અમને સિયાચીન નજીક ફોરવર્ડ એરબેઝની મુલાકાત લીધી હતી અને હવાઈ સેવાના અભ્યાસમાં ભાગ લીધો હતો. અમને ભારતને ધમકી આપતા કહ્યું છે કે પાકિસ્તાન ભારતની કોઈપણ હરકતનો જવાબ આપશે. તેમણે ઉમેર્યું હતું કે જો ભારત તરફથી કોઈ કાર્યવાહી કરાશે તો તેનો જવાબ આપવામાં આવશે. અમને ફોરવર્ડ એરબેઝ પર પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં પાકિસ્તાની હવાઈ દળના અધિકારીઓ હતા. સિયાચીન નજીક કરવામાં આવેલી લશ્કરી કવાયતમાં અમન પોતે પણ સામેલ થયા હતા અને મિરાઝ જેટ વિમાન ઓપરેટ કર્યું હતું. બીજી બાજુ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સ્કર્દુ ખીણની બિલકુલ નજીક પાકિસ્તાની હવાઈદળના યુદ્ધ વિમાનો નજરે પડ્યા હતા. પાકિસ્તાની એરચીફે પોતાની સેનાને સાવધાન રહેવા માટે પણ કહ્યું છે. ફોરવર્ડ બેઝને ઓપરેશન બનાવી દેવાની તૈયારી કરી લીધી છે. સાથે સાથે શોર્ટ નોટિસ ઉપર તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. આ અગાઉ પાકિસ્તાને એવો ખોટો દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરના નવસેરા સેકટરમાં ૧૩મી મેના દિવસે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય સેનાની ઘણી ચોકીઓને ફૂંકી મારવામાં આવી હતી. મંગળવારના દિવસે ભારતીય સેનાએ વીડિયો જારી કરીને કહ્યું હતું કે કઈ રીતે પાકિસ્તાની ઘુસણખોરોને જવાબ આપીને કાર્યવાહી કરવામાં આવી છે. સેનાએ નવસેરા સેકટરમાં એલઓસી નજીક સ્થિત પાકિસ્તાની સેનાની ચોકીઓ અને બંકરોને ફૂંકી માર્યા હતા. એરબેઝ ઉપર પત્રકારો સાથે વાતચીત કરતા પાકિસ્તાની એરચીફે કહ્યું છે કે તેમની સેના માટે કોઈપણ મુશ્કેલ સ્થિતિ નથી. અમારા નાગરિકોને ભારતીય સેના તરફથી કરવામાં આવેલા નિવેદનને લઈને ભયભીત થવાની જરૂર નથી. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી યુદ્ધ વિરામના ભંગની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સરહદ પારથી કરવામાં આવી રહેલા ગોળીબારના પરિણામ સ્વરૂપે અંકુશરેખા પર સ્થિત ભારતીય ગામોને ભારે નુકસાન થઈ રહ્યું છે. પોતાની આ તમામ હરકતના પરિણામે પાકિસ્તાનની છાપ વિશ્વભરમાં વણસી છે.

Related posts

કાશ્મીરમાં ૨૧૦ ત્રાસવાદીઓ સક્રિય છે : ૬૫ ટકા સ્થાનિક

aapnugujarat

છઠ્ઠા તબક્કાનાં મતદાન પહેલા પૂર્વાંચલમાં વોટ ટ્રાન્સફરની રાજનીતિ સપા-બસપાનો એક્શન પ્લાન

aapnugujarat

મંદિર પ્રણાલી મામલે હસ્તક્ષેપ અયોગ્ય : રજનીકાંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1