Aapnu Gujarat
ગુજરાત

પશુધન માટે ૭ કરોડ કિલો ઘાસચારાનું આયોજન કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યની પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવી જાહેર રજાના દિવસે પણ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવી અછત રાહતના મહત્વપૂર્ણ આયોજન કર્યા છે. વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કેબિનેટ બેઠકના કરાયેલા આયોજન-નિર્ણયોની વિગતો મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આપી હતી. મહેસૂલ મંત્રીએ કહ્યું કે સમગ્ર સરકાર અછતની સ્થિતી પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય મંત્રીમંડળે મૂંગા અબોલ પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે. કૌશિકભાઇએ જણાવ્યું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલો ગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, પંજાબ રાજ્યમાંથી લાવીને ઘઉંની પરાળનો અછતગ્રસ્ત વિસ્તારના પશુધન માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ-સર્વેક્ષણ માટે આવતીકાલે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના નેતૃત્વમાં એક ટીમ પંજાબ જશે. મહેસૂલ મંત્રીએ રાજ્ય સરકારના અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે. કૌશિકભાઇએ કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલા છે. તાજેતરમાં ઓછા વરસાદ ધરાવતા અને પાક નિષ્ફળ જવાની રજુઆતોને પગલે ૪પ તાલુકાઓ માટે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ છે. હવે, ૧ ડિસેમ્બરથી આ સમગ્ર ૯૬ તાલુકાઓમાં સહાયની શરૂઆત કરાશે. તેમણે ઉમેર્યુ કે, અછતના સમયમાં ૧૦૦ દિવસની રોજગારી નરેગા યોજના અન્વયે અપાય છે પરંતુ આ વર્ષે અછતની આ વિશેષ સ્થિતીને ધ્યાને લઇને ૧પ૦ દિવસ રોજગારી અપાશે. એટલું જ નહિ, તાલુકાઓમાં જેટલા પ્રમાણમાં રોજગારીની માંગ થાય તેને પણ પહોચી વળવા અન્ય કામોમાંથી પણ ઉપલબ્ધતા આયોજન કરાશે. મહેસૂલ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, આવનારા દિવસોમાં પીવાનું, સિંચાઇ માટેનું અને પશુધનને પાણી પૂરતું મળી રહે તેવું સઘન આયોજન રાજ્ય સરકાર કરશે. મોટર મૂકીને કે અન્ય રીતે પાણીના ગેરકાયદે વપરાશ કરનારાઓ સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી સરકાર સ્તરેથી કરવા પણ મુખ્યમંત્રીએ આદેશો આપ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Related posts

Panihati Chida – Dahi Mahotsav at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

અમદાવાદમા સતત બીજા દિવસે અતિક્રમણ દૂર કરાયા

aapnugujarat

૧૨ જૂન, ૨૦૨૩ : વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : રાજ્ય સરકારે ગત વર્ષે ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1