Aapnu Gujarat
બ્લોગ

શું ખરેખર ફડણવીસ સરકાર મરાઠાઓને અનામત આપી શકશે કે પછી….!!?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે આખરે મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષિણક સંસ્થાઓમાં અનામત આપવાની જાહેરાત કરી નાંખી. આ અનામતનું પ્રમાણ કેટલું હશે તેનો ફોડ ફડણવીસે પાડ્યો નથી પણ મહારાષ્ટ્રના પછાત વર્ગ આયોગે ૧૬ ટકા અનામતની ભલામણ કરેલી એટલે અનમાતનું પ્રમાણ તેની આસપાસ હશે, એક-બે ટકો આમતેમ હશે પણ તેની આસપાસ જ હશે. આ અનામત અત્યારે જે અનામત અપાય છે તેના કરતાં અલગ હશે એવું એલાન પણ કરાયું છે. અત્યારે આપણે ત્યાં અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) એમ ત્રણ પ્રકારની અનામત છે. ફડણવીસે કરેલી જાહેરાત પ્રમાણે મરાઠા સમુદાયને અનામત આપવા માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (એસઈબીસી) એવી નવી કેટેગરી ઊભી કરશે ને તેના હેઠળ મરાઠા સમુદાયને અનામત અપાશે. ફડણવીસને ખબર હશે કે પછી એ લોકોને ઉલ્લુ બનાવે છે એ ખબર નથી પણ ફડણવીસ જે નવી કેટેગરીની વાત કરે છે એવી કેટેગરી આપણે ત્યાં પહેલેથી જ છે. આપણે જેને અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી કહીએ છીએ એ લોકો વાસ્તવમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (એસઈબીસી) જ છે. જો કે તેનાથી ઝાઝો ફરક પડતો નથી કેમ કે નામરૂપ જૂજવાં, અંતે હેમનું હેમ જેવી સ્થિતી છે. ફડણવીસે બીજી પણ એક વાત કરી કે, તમિલનાડુમાં અત્યારે ૬૯ ટકા અનામત છે ને મહારાષ્ટ્ર સરકાર તમિલનાડુ મોડલને અનુસરીને મરાઠાઓને અનામત આપશે.
ફડણવીસે તો સોમવારથી શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં મરાઠાઓને અનામતનો ખરડો લાવવાનું એલાન પણ કરી દીધું છે. ફડણવીસે આ જાહેરાત કરી તેના પગલે ગુજરાતમાં પાટીદારોએ પાછો ઉપાડો લીધો છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળી શકતી હોય તો પાટીદારોને કેમ ના મળે એવું કોરસ પાછું શરૂ થઈ ગયું છે. તેના કારણે ગુજરાતમાં ભાજપના નેતાઓ પાછા ચોખવટો કરતા થઈ ગયા છે. પાટીદારોને અનામતની સીધી ના તો પાડી શકાય એમ નથી એટલે તેમણે હમણાં એવો ડબકો મૂકી દીધો છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને અપાયેલી અનામત યોગ્ય ઠરશે તો એ જ રીતે પાટીદારોને પણ અનામત આપીશું.
ગુજરાતની ભાજપ સરકારના મોવડીઓએ જે વાત કરી છે એ શાણપણભરી છે કેમ કે તેમને ખબર છે કે ફડણવીસે અત્યારે ભલે ગાજર લટકાવી દીધું પણ આ અનામત કોર્ટમાં ટકવાની નથી. મરાઠાઓ લાંબા સમયથી અનામતની માગણી કરે છે ને તેમણે આ મામલે આખા મહારાષ્ટ્રને માથે લીધું પછી ફડણવીસની સરકારે તેમની માગણીનો નિવેડો લાવવાનું વચન આપવું પડેલું. ફડણવીસની સરકાર પહેલાં તો અક્કડ હતી જ પણ મરાઠા મજબૂત સાબિત થયા એટલે ફડણવીસ સરકારને તેમને મનાવવા કશું કર્યા વિના છૂટકો નહોતો.
અત્યારે આપણે ત્યાં જે સ્થિતિ છે તેમાં કોઈને પણ સીધેસીધી અનામતની ખૈરાત કરવી શક્ય નથી. કોઈ પણ જ્ઞાતિ કે સમુદાયને અનામત આપવી હોય તો એ જ્ઞાતિ કે સમુદાય પછાત છે કે નહીં તેનો સર્વે કરાવવો પડે. પછાતપણું નક્કી કરવાના પાછા અલગ માપદંડ છે. એ માપદંડ હેઠળ પછાત વર્ગ પંચ ભલામણ કરે પછી તેને અનામત આપવાની પ્રક્રિયા આગળ ધપે. આ પ્રક્રિયામાં પણ મહત્ત્વની વાત એ છે કે, રાજ્યનું પછાત વર્ગ આયોગ કેન્દ્રીય પછાત વર્ગ આયોગને ભલામણ કરે. આપણે ત્યાં એસ.સી. અને એસ.ટી. બંને માટેની અનામતમાં કોઈ ફેરફાર થાય તેમ નથી તેથી જેમને પણ અનામત આપવી હોય તેમને ઓબીસીમાં સમાવવા પડે ને આ પ્રક્રિયા ઓબીસીમાં સમાવેશ માટે જ છે. હવે ઓબીસીમાં કોઈને સમાવવા જાઓ તો નવો બખેડો થઈ જાય ને સામે લોકસભાની ચૂંટણીઓ છે ને મરાઠા પાછા વિફરે તો ભાજપનો વરઘોડો ઘરે આવે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના છ મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી છે એટલે ફડણવીસ પણ ઘરભેગા થઈ જાય. આ સ્થિતિ ના સર્જાય એટલે ફડણવિસ સરકારે ચાલાકી કરી. તેમણે અત્યારે સર્વે કરાવી દીધો ને તેના આધારે અનામત આપવાની ભલામણ પણ કરાવી દીધી. મહારાષ્ટ્રમાં પોતાની સરકાર છે એટલે ઘરનાં ભૂવાં ને ઘરનાં ડાકલાં જેવા હાલ છે. ફડણવીસ ધારે તેવો રિપોર્ટ એ પછાત વર્ગ પંચ પાસે લખાવી લે ને એ જ તેમણે કર્યું છે. હવે બધી પ્રક્રિયા શરૂ થશે ને તેમાં આરામથી છ-બાર મહિના નિકળી જશે. એ દરમિયાન બંને ચૂંટણી પણ પતી જશે ને ઘાત ટળી જશે એવી તેમની ગણતરી છે.
ફડણવીસ રાજકારણી છે એટલે એ ચૂંટણી જીતવાથી આગળ બુદ્ધિ ના ચલાવે એ સમજી શકાય પણ લોકોએ સમજવાની જરૂર છે કે, આ રીતે અનામત આપવી શક્ય નથી. ફડણવીસ સરકારે મરાઠાઓને અનામત આપવા માટે બે મુદ્દા આગળ કર્યા છે. સૌથી પહેલો મુદ્દો પછાત વર્ગ પંચની ભલામણ છે. આ પંચે જે ભલામણ કરી છે તેમાં પહેલી ભલામણ મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ જાહેર કરવાની છે. સરકારી અને અર્ધ સરકારી નોકરીઓમાં મરાઠાઓને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું એ આધાર પર તેમને પછાત ગણવાની ભલામણ કરાઈ છે. બીજી ભલામણ એ છે કે, મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરાય તો મરાઠાઓ બંધારણની કલમ ૧૫(૪) અને ૧૬(૪) અનુસાર આ સમાજ અનામતનો લાભ લેવાને પાત્ર ઠરે. ત્રીજી ભલામણ એ છે કે, મરાઠાઓને પછાત જાહેર કરવાથી ઉદ્ભવેલી અપવાદરૂપ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તેમને અનામત આપવાનો નિર્ણય લઈ શકે છે.
આ અહેવાલમાં કેન્દ્રસ્થાને બંધારણની કલમ ૧૫(૪) અને ૧૬(૪) છે. આ બંને કલમ શું કહે છે ? બંધારણની કલમ ૧૫ અને ૧૬ પ્રમાણે, દેશમાં નોકરી અને રોજગાર આપવા માટે ધર્મ, જ્ઞાતિ, વંશ કે બીજા કોઈ પણ આધારે ભેદભાવ ના રાખી શકાય. કલમ ૧૫ (૪)માં એવું કહેવાયું છે કે, કોઈ પણ સામાજિક કે શૈક્ષણિક પછાત વર્ગનાં લોકોના વિકાસ માટે સરકારને ખાસ જોગવાઈ કરતાં આ કલમ કે બંધારણની કલમ ૨૯ રોકી ના શકે. બંધારણની કલમ ૨૮ પ્રમાણે, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોવો જોઈએ. કલમ ૧૬(૪) પ્રમાણે સામાજિક કે શૈક્ષણિક પછાત વર્ગનાં લોકોને સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ ના મળ્યું હોય એવું સરકારને લાગે એ સંજોગોમાં તેમના માટે નિમણૂકોમાં કે હોદ્દામાં અનામત રાખતાં સરકારને કોઈ રોકી ના શકે.
મહારાષ્ટ્ર સરકાર આ કલમનો ઉપયોગ કરીને મરાઠા સમાજ માટે ખાસ અનામત કેટેગરી ઊભી કરવા માગે છે. પહેલી વાત તો એ કે, બંધારણમાં જ્યાં પણ સ્ટેટ એટલે કે સરકાર કહેવાયું છે તેનો અર્થ રાજ્ય નહીં પણ કેન્દ્ર થાય. અનામત એ કેન્દ્રનો મુદ્દો છે તેથી કેન્દ્ર સરકાર જ એ નક્કી કરી શકે ને એ જ નવી કેટેગરી ઊભી કરી શકે. માનો કે એ મુદ્દાને પણ અવગણીએ તો પણ અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી ના વધવું જોઈએ એવો સૌથી મોટો મુદ્દો તો ઊભો જ છે. સુપ્રીમ કોર્ટે બંધારણીય જોગવાઈનું અર્થઘટન કરીને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, અનામતનું પ્રમાણ ૫૦ ટકાથી કોઈ પણ સંજોગોમાં ના વધવું જોઈએ ને આ પ્રમાણ વધારવું હોય તો બંધારણીય સુધારો કરવો પડે. બીજું એ પણ છે કે, માનો કે મહારાષ્ટ્ર સરકારની આ ખાસ કેટેગરી હેઠળની અનામતને મંજૂરી મળે તો પછી બધાં રાજ્યો એ જ ધંધો કરવા બેસી જાય. મતબેંકની લ્હાયમાં એ લોકો ધડાધડ સર્વે કરીને અનામતની ખેરાત જ કરવા માંડે ને દેશમાં સમાનતાના સિદ્ધાંતોની તો બોન પૈણાઈ જાય. સુપ્રીમ કોર્ટ એવું ના જ થવા દે તેમાં મીનમેખ નથી.
ફડણવીસે તમિલનાડુની ફોર્મ્યુલા પર મરાઠાઓને અનામતની વાત કરી છે. તમિલનાડુમાં ૬૯ ટકા અનામત બંધારણના નવમા શિડ્યુલ હેઠળ મળી છે. જવાહરલાલ નહેરૂ સરકારે ૧૯૫૧માં બંધારણમાં નવમા શિડ્યુલનો ઉમેરો કરીને એવી જોગવાઈ કરી કે આ શિડ્યુલમાં જે કાયદાને સમાવાય તેને અદાલતમાં પડકારી ના શકાય. તમિલનાડુમાં ૧૯૮૦માં જ ૬૯ ટકા અનામતની જોગવાઈ થઈ ગયેલી. સુપ્રીમ કોર્ટે વારંવાર તેને ફગાવી દીધેલી પણ ત્યાંની સરકારો એટલી ધીટ કે વારંવાર એ જોગવાઈ કરી નાખતી ને નવમા શિડ્યુલમાં સમાવેશ કરવા દબાણ કરતી. ૧૯૯૧માં કૉંગ્રેસ અને જયલલિતાની પાર્ટી એઆઈડીએમકે સાથે લડ્યાં પછી કેન્દ્રમાં નરસિંહરાવની સરકાર રચાયેલી. રાવ પ્રાદેશિક નેતાઓની દયા પર ટકેલા. જયાએ તેનો લાભ ઊઠાવીને નરસિંહરાવનું નાક દબાવીને ૬૯ ટકા અનામતની જોગવાઈ કરતા કાયદાને નવમા શિડ્યુલમાં ઘુસાડી દીધો હતો. કોઈને અળખામણા થવું નહોતું તેમાં તમિલનાડુમાં ૬૯ ટકા અનામતનું લટ્ઠું ઘૂસી ગયું. સુપ્રીમ કોર્ટે પછીથી ચુકાદો આપ્યો કે નવમા શિડ્યુલના કાયદાને રદ કરી શકાય. તમિલનાડુમાં ૬૯ ટકા અનામતના કાયદાને પણ એ રીતે પડકારી શકાય ને એ રદ પણ થાય, પણ જે કોઈ તેને પડકારે તેનું આવી બને તેથી કોઈ આગળ આવતું નથી. ફડણવીસ માટે એ રીતે તમિલનાડુ ફોર્મ્યુલાથી મરાઠાઓને અનામત આપવી પણ શક્ય નથી.(જી.એન.એસ)

Related posts

રામ મંદિરનો મુદ્દો હાલ પડતો મુકાયો

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

દર વર્ષે હવાનાં પ્રદૂષણને કારણે ભારતમાં લાખ્ખોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1