Aapnu Gujarat
બ્લોગ

દર વર્ષે હવાનાં પ્રદૂષણને કારણે ભારતમાં લાખ્ખોના મોત

દુનિયાના ૨૦ સર્વાધિક પ્રદૂષિત શહેરો પૈકી ૧૫ ભારતના છે અને ગુરુગ્રામ, ગાઝીયાબાદ, ફરીદાબાદ, નોએડા અને ભીવાડી ટોપ ૬ પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ છે. આ વાત એ નવા અધ્યયનમાં કહેવામાં આવી છે. નવા રીપોર્ટના આંકડાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆર ગત વર્ષે વિશ્વમાં સર્વાધિક પ્રદૂષિત ક્ષેત્રના રુપમાં ઉભર્યું.નવીનતમ ડેટા આઈક્યૂએએર એરવિઝુઅલ ૨૦૧૮ વર્લ્ડ એર ક્વાલિટી રિપોર્ટમાં સંકલિત છે. રિપોર્ટ ગ્રીનપીસ સાઉથઈસ્ટ એશિયાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના સર્વાધિક પ્રદૂષિત શહેરોમાંથી ૧૮ ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં છે. દુનિયાના આ ૨૦ શહેરો પૈકી ૧૫ શહેરો ભારતના છે. ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સર્વાધિક પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ ફરીદાબાદ, ભિવાડી અને નોએડા પણ શીર્ષ છ પ્રદૂષિત શહેરોમાં શામિલ છે.રાજધાની દિલ્હી ૧૧મા નંબર પર આવે છે. ક્યારેક દુનિયાના સર્વાધિક પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ ચીનની રાજધાની પેઈચિંગ ગત વર્ષે સર્વાધિક પ્રદૂષિત શહેરોની યાદીમાં ૧૨૨મા નંબર પર હતી પરંતુ આ અત્યારે પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વાર્ષિક સુરક્ષિત સીમાથી ઓછામાં ઓછા પાંચ ગણા વધારે પ્રદુષિત શહેર છે. ત્રણ હજારથી વધારે શહેરોમાં પ્રદૂષક કણ ૨.૫ના સ્તરને પણ દર્શાવવા વાળો ડેટાબેઝ એકવાર ફરીથી વાયુ પ્રદૂષણથી વિશ્વના ખતરાની યાદ અપાવે છે.આ પહેલા ગત વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વાયુ ગુણવત્તા ડેટાબેઝે પણ સ્થિતીને લઈને આગાહી કરી હતી. રિપોર્ટમાં પરિવેશી વાયુ પ્રદૂષણના કેટલાક મોટા સ્ત્રોતો અને કારણોની ઓળખ કરવામાં આવી છે. આમાં કહેવાયું છે કે ઉદ્યોગો, ઘરો, ગાડીઓ અને ટ્રકોથી વાયુ પ્રદૂષકોના જટીલ મીશ્રણ નીકળે છે જેમાંથી અનેક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આ તમામ પ્રદૂષકોમાંથી સુક્ષ્મ પ્રદૂષક કણ માનવ સ્વાસ્થ્ય પર સર્વાધીક અસર પહોંચાડે છે.એનસીઆરમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યાં જ પ્રદૂષણ મામલે હવે દિલ્હી વધુ અગ્રતાક્રમે આવવા લાગ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે (સીપીસીબી) એ હમણાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. કે જેમાં ગાજિયાબાદને પ્રદૂષણ મામલે દેશભરમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.ગાજિયાબાદની સ્થિતિ જોઇને તો એવું જ લાગે છે કે અહીં શ્વાસોચ્છવાસની કટોકટી લાગેલી છે. ગાજિયાબાદ પોતે જ સૌથી મોટું કારણ છે એનસીઆરમાં વધી રહેલ સૌથી વધુ પ્રદૂષણનું. ગાજિયાબાદમાં સૌથી વધુ પ્રદૂષણ ટ્રાફિક જામનાં કારણે થઇ રહ્યો છે. અહીંથી ત્રણ અલગ-અલગ નેશનલ હાઇ-વે નીકળે છે કે જેનાં લીધે અહીં દરરોજ ઘણો લાંબો ટ્રાફિક જામ લાગેલો હોય છે.ત્યાં જ બીજી બાજુ ગાજિયાબાદને એક ઔદ્યોગિક ક્ષેત્ર પણ માનવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં ફેક્ટરીઓ આવેલી છે. આનાં દ્વારા નીકળતો ધુમાડો હવામાં એક ઝહેર તરીકેનું કામ કરે છે. આનાં સિવાય પણ કચરામાં લગાવવામાં આવતી આગને લીધે પણ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક રિપોર્ટ જે તૈયાર કર્યો છે તેમાં આ રિપોર્ટ અનુસાર ૯૪ શહેરોમાં પીએમ ૧૦ ઘણી ઝડપથી વધી રહ્યો છે. પરંતુ આમાં હેરાન કરી નાખનાર ઉત્તરપ્રદેશનું ગાજિયાબાદ શહેર નંબર વન પર છે, ત્યાં જ દેશની રાજધાની દિલ્હી પણ ચોથા નંબર પર આવે છે. એમાંય ખાસ ચોંકાવનાર વાત તો એ છે કે આ રિપોર્ટ અનુસાર ટોપ ૧૦ પ્રદૂષિત શહેરોમાં સાત શહેર તો ઉત્તરપ્રદેશનાં જ છે.આ સિવાય ગાજિયાબાદ પ્રદૂષિત થવા પાછળનું મુખ્ય કારણ છે ત્યાંથી પસાર થનાર નેશનલ હાઇવે છે.પીએમ ૧૦ અનુસાર સર્વાધિક પ્રદૂષિત ૧૦ શહેરોમાં ગાજિયાબાદ, અલ્હાબાદ, બરેલી, દિલ્હી, કાનપુર, ફિરોઝાબાદ, આગરા, અલવર, ગજરૌલા જયપુર શામિલ છે.ઘરનું પાણી ઢાળ તરફ ઢળીને નાળામાં જતું હોય છે. પહાડનું જળ ઢોળાવ બાાજુ ગબડી નદીમાં વહે છે. એવી જ રીતે સમગ્ર ઉત્તર ભારતનું પ્રદૂષણ દિલ્હીમાં જમા થઈ રહ્યું છે.ઝરણું શિખર પરથી સીધું જમીન પર ખાબકે ત્યારે જે ધોધ જોવા મળે છે બિલકુલ એવી જ અસર દિલ્હીમાં વાયુ પ્રદૂષણની બાબતમાં જોવા મળી રહી છે. આખા પ્રાન્તના મુખ પર ધુમાડાનો ડૂચો લાગી ગયો હોવાથી બચવા માટે લોકોને માસ્ક પહેરીને ફરવું પડે છે અને એ કર્યા પછી પણ મૂંઝારા સિવાય કશું જડતું નથી.બીજા કોઈ શહેરોમાં તમે મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરવા નીકળશો તો તમને આરોગ્ય પ્રત્યે સભાન માનવામાં આવશે, પરંતુ દિલ્હીમાં હશો તો આગરાથી આવેલા મનાશે સવારે અને સાંજે દિલ્હીને વિષાક્ત વાયુઓનો અજગર વીંટળાઈ વળે છે.વાળ કરતા સેંકડો ગણા વધારે ઝીણા અને શ્વાસનળી વાટે ફેફસાંમાં પેસી જતા પાર્ટીક્યુલેટ મેટર ૨.૫નું પ્રમાણ ૫૦ પીપીએમ(પાર્ટીકલ પર મિલિયન) લગી હોય ત્યાં સુધી સલામત માનવામાં આવે છે. ૧૦૦થી ઝાઝું હોય તો ખતરનાક ગણાય છે. હાલ રાષ્ટ્રીય પાટનગરમાં તેનું પ્રમાણ ૧૦૦૦ની આળેગાળે આંટા મારે છે.પીએમ ૧૦નું પ્રમાણ પણ તેની આસપાસ રમી રહ્યું છે. વાહનો, થર્મલ પાવર સ્ટેશન, કારખાના અને ખેતરમાં બળતા ઠૂંઠાંઓમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના વિવિધ ઓકસાઇડ્‌સ, ઓઝોન, અલ્ટ્રાફાઇન પાર્ટિકલ્સ ઇત્યાદિ પ્રદૂષકોનું પ્રમાણ સીમા વળોટીને સેંકડો કિલોમીીટર આગળ નીકળી ગયું છે. આપણે જમીન પર બેસવા રુમાલ પાથરીયે એમ દિલ્હી પ્રદેશમાં સવાર સાંજ જે પથરાઈ જાય છે તેને સ્મોગ કહેવામાં આવે છે. આ શબ્દ સૌપ્રથમ વખત ૧૯મી સદીમાં વપરાયો હતો.સમજાય એવી ભાષામાં તેને હવાઈ કોકટેલ પણ કહી શકાય. ધુમ્મસ વત્તા ધુમાડો. સૂર્યદોય પહેલાના વાતાવરણામાં ખુલ્લા મેદાનોમાં આકાશમાંથી ઓઝોન વાયુ જમીન પર ઊતશબ્રી આવે છે તે આરોગ્ય માટે ખૂબજ સારો છે, પરંતુ સૂર્યપ્રકાશના સંસ્પર્શથી પ્રદૂષિત કણોના ફોટો કેમિકલ રીએક્શનથી ઉત્પન્ન થતો ઓઝોન વાયુ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.દેશના સર્વાધિક શક્તિશાળી અને સૌથી બુદ્ધિમાન લોકો દિલ્હીમાં બેસે છે. સત્તાનું કેન્દ્ર ત્યાં છે. તેમ છતાં આ સમસ્યાનો અંત આવતો નથી એ બાબત દર્શાવે છે કે કુંભકર્ણ હજુ જાગ્યો નથી. રવિશ કુમારે બ્લોગમાં અજબ બાબત પર ધ્યાન દોર્યું કે દિલ્હીમાં એર પ્યોરિફાયરનો એક મોટો બિઝનેસ ફૂલીફાલી રહ્યો છે.એટલે કે સમસ્યાના નિરાકરણને બદલે ધંધાના વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચિંતક અશોક વાજપેયીએ એક વ્યાખ્યાનમાં કહ્યું હતું બિલકુલ એવું જ થઈ રહ્યું છે, સમાજનું સ્થાન બજારે લઈ લીધું છે.હિટલરની ગેસ ચેમ્બરમાં લાખો યહુદીઓ મર્યા ત્યારે આખા વિશ્વએ ચીસ પાડી હતી. ભારતની સ્મોગ ચેમ્બરોમાં લાખો લોકો મરી રહ્યા છે અને દરકાર કરનારું કોઈ નથી. પહેલા હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત હતા તથા હવે ગુજરાતની ચૂંટણીમાં બિઝી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ મુજબ દિલ્હીનું પ્રદૂષણ સામાન્ય કરતા ૩૦ ગણું વધારે છે. બીજિંગ વિશ્વના સૌથી વધારે પ્રદૂષિત શહેેરોમાં માનવામાં આવે છે. દિલ્હીનું પલૂશન તેના કરતાય ૧૦ ગણું ઝાઝું છે. આમાં વાંક એકલા દિલ્હીનો નથી. સમગ્ર ઉત્તર ભારતનો છે.પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનનું પ્રદૂષણ દદડી જઈને દિલ્હીમાં જમા થાય છે. ત્યાંથી તેના નિષ્કાસન માટેની વ્યવસ્થા નથી. એટલે ગગનચૂંબી ગેસ ચેમ્બરનું નિર્માણ થાય છે. દિલ્હીની સમસ્યા અને સમાધાનો પર કેન્દ્રિત થવા દરમિયાન કેટલાક ડેટાબેઝમાંથી પસાર થવું અનિવાર્ય છે. ડબલ્યુએચઓ જણાવે છે કે અત્યારે વિશ્વમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદૂષણને લીધે થાય છે. જાના થા જાપાન, પહોંચ ગયે ચીન મુજબ ૬૫ લાખ લોકો યમલોક પહોંચી જાય છે. હુએ થોડા વર્ષો પૂર્વે વિશ્વના ૧૬૦૦ શહેરોના વાતાવરણનો અભ્યાસ કરેલો. તેમાં જાણ્યું હતું કે દિલ્હીની હવા સૌથી વધુ ઝેરી છે. જીભ લબકાવતા સર્પ જેમ જ તો.દિલ્હીમાં જ આ સમસ્યા છે એવું નથી. અન્ય શહેરોમાં પણ છે. અને બે-ત્રણ શહેરમાં તો દિલ્હી કરતા પણ વધારે. પરંતુ રાજધાની હોવાને નાતે દિલ્હી માધ્યમોમાં ગાઢ ધુમ્મસ માફક છવાયેલું રહે છે. એક રીપોર્ટાનુસાર વિશ્વના સૌથી પ્રદૂષિત ૧૫ શહેરોમાંથી સાત ભારતના છે.મત વિકાસના નામે મળે છે. કોઈ નેતા એમ કહે કે હું પર્યાવરણ પ્રદૂષણ મુક્ત બનાવીશ તો તેને મત મળતા નથી. પ્રદૂષણ મુક્તિની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં નીચેના ક્રમે હોય છે કાં હોતી જ નથી. કેમ કે જનતા પોતે તેને પ્રાયોરિટી આપતી નથી. નેતાઓને મફત લેપટોપ, સસ્તા મકાન, આર્થિક વિકાસ વગેરે નામે મત મળે છે. પ્રદૂષણનો મુદ્દો પ્રજા દ્વારા ઉપેક્ષિત છે અને એટલે જ જનસામાન્યમાંથી ઊભરી આવતા નેતા દ્વારા પણ.દેહલીઝ (ઉંબરો) પરથી દેહલી શબ્દ આવ્યો. તેમાંથી દિલ્હી અને દિલ્લી. દેહલી એટલે ભારતનો ઉંબરો. દિલ્હીમાં હાલ પ્રદૂષણ ઊમરો ઓળંગી ચૂક્યું છે. અત્યારે દિલ્હીમાં પ્રતિ વર્ષ ૩૦,૦૦૦ લોકો વાયુ પ્રદૂષણથી ગૂંગળાઈ મરે છે. રોજિંદી સરેરાશ ૮૨ની આસપાસ થાય. ઉત્તર પ્રદેશમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જતા ત્રણ દિવસમાં ૬૧ બાળકો મરી ગયા તેમાં આખો દેશ હચમચી ગયો હતો, પણ દિલ્હીમાં પ્રદૂષણથી રોજ ૮૨ લોકો મરે છે તોય કોઈનું રુવાડું ફરકતું નથી. લાન્સેટ જર્નલે તેના તાજેતરના અભ્યાસમાં એવું કહ્યું હતું કે ૨૦૧૫માં વિશ્વમાં ૯૦ લાખ લોકોનું વાયુ પ્રદૂષણથી મોત થયું હતું અને તેમાં ૨૫ લાખ ભારતીય હતા. વર્ષે ૨૫ લાખ લોકો વાયુ પ્રદૂષણથી મર્યા હોય તો ભારતમાં રોજના ૬,૮૪૯ લોકો તેનાથી મૃત્યુ પામે છે તેવું તારણ નીકળે. વિશ્વાસ ન આવે તો કેલ્સીથી ચેક કરી શકો છો.માની લઈએ કે ૨૦૧૫માં ઘણા ઝાઝા લોકો વાયુ પ્રદૂષણને લીધે મરી ગયા હશે. દર વર્ષે આટલી મોટી સંખ્યામાં મોત નહીં થતા હોય. યુએસની એક સંસ્થા છે, હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટીટયુટ. તે જણાવે છે કે દર વર્ષે હવાના પ્રદૂષણને કારણે ભારતમાં ૧૧ લાખ લોકોના પ્રાણ જાય છે. ૧૧,૦૦,૦૦૦ ભાગ્યા ૩૬૫ કરો એટલે રોજિંદા ૩,૦૩૨ લોકો થયા.ભારતમાં કોઈ બોમ્બ બ્લાસ્ટમાં ૩,૦૩૨ લોકો મૃત્યુ પામે તો આપણે આઘાતમાં સરી પડીએ અને વર્ષો સુધી આ ઘટનાને યાદ રાખીએ. આપણા આંસુ સુકાવાનું નામ ન લે. પ્રદૂષણ નામનો બિલ્લીપગો હત્યારો રોજ ૩,૦૦૦થી વધુ લોકોને મારી રહ્યો છે અને આપણા મોઢા પરની માખી પણ ઊડતી નથી.હદ છે યાર. અત્યારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જે સ્તર પર પહોંચ્યું છે તેટલું પશ્ચિમના કોઈ શહેરમાં પહોંચે તો સરકારે રાજીનામું આપી દેવું પડે એટલી ધમાલ મચી જાય. અહીં તો ચૂંટણીઓમાં પણ પ્રદૂષણ મુદ્દે ચર્ચા થતી નથી. રાજ્યસભા ટીવીને એક સુંદર બૌદ્ધિક ચર્ચામાં સીપીસીબી(સેન્ટ્રલ પલૂશન કંટ્રોલ બોર્ડ)ના અતિરિક્ત નિર્દેશક દિપાંકર શાહે દિલ્હીના પ્રદૂષણને ધારાવાહિક ગણાવીને મુદ્દાને હળવો બતાડવાના પ્રયત્નો કર્યા તે રુદનાસ્પદ છે.એ જ પેનલમાં કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પૂર્વાધ્યક્ષ પરિતોષ ત્યાગી બેઠા હતા. તેમણે રસપ્રદ માહિતી આપી કે થારનું રણ નજીક હોવાથી ત્યાંની રેતી ઊડીને દિલ્હીના વાતાવરણમાં આવે છે. એ સિવાયના ફેક્ટર્સ તો છે જ. પણ એક આય સમસ્યા છે.પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ૩૫,૦૦,૦૦૦ ટન છોડના ઠૂંઠાં (સ્ટબલ) બાળવામાં આવે છે. કેજરીવાલે તે બંધ કરાવવા અનેક વિનંતી કરી. પાકિસ્તાનની પંજાબ સરકારે પણ ખેતરના પાક અવશેષો બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે,ખેડૂતો એમ કહે છે કે પાક અવશેષો ખસેડવામાં પૈસા ઝાઝા લાગે અને નુકાસન જાય, પણ સરકાર તો કંઈક કરી શકેને. જેવી રીતે ટીપર વાન ઘરે-ઘરે ફરીને કચરો એકઠો કરે એમ સરકારે ગામેગામ ટ્રક ફેરવીને પાક અવશેષો એકત્રિત કરી લેવા જોઈએ.તેનો ઉપયોગ વીજળી ઉત્પાદનમાં કરી શકાય. અત્યારે પંજાબમાં ઓલરેડી આવો એક બાયોમાસ પાવરપ્લાન્ટ છે. બીજા પણ અનેક કરી શકાય એટલું બાયોમાસ (છોડના ઠૂંઠાં) ભેગા થઈ શકે છે, પરંતુ આમાં ચૂંટણીગત ફાયદો મળતો ન હોવાથી કોઈપણ સરકારને આમાં રસ નથી.શાસકો અને વિપક્ષો સામસામે હોય તે સમજી શકાય, પરંતુ જ્યારે સમસ્યા આવે ત્યારે બધાએ એકસંપ થઈ જવું. જેમ ત્રાહિત શત્રુ સામે પાંડવો-કૌરવો એક થઈ જતા એમ. ભારતમાં રોજ હજારો લોકો પ્રદૂષણને કારણે યમલોકની ટિકિટ કઢાવે છે તો પણ આપણા રાજકીય પક્ષો ટાંટિયા ખેંચ અને હૂંસાતૂંસીમાંથી ઊંચા આવતા નથી.ચાહે ઓડ-ઇવન કરે, શાળા બંધ કરે, બાંધકામ બંધ કરે, ઉદ્યોગો બંધ કરાવે, હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરે કે કંઈપણ કરે, પણ જો આસપાસના તમામ રાજ્યો સાથે મળીને એકસમાન નીતિ લાગુ નહીં કરે તો દિલ્હીની પ્રદૂષણ આપદા પાછી વળવાની નથી.હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબની સરકારે એકસરખી પર્યાવરણ નીતિ બનાવી અને ચાલવું પડે તો અને તો જ ઉકેલ આવી શકે. સરદાર પટેલે ૫૬૨ દેશી રાજ્યોનું એકીકરણ કરી નાખ્યું હતું. તેમના અવિરત ગુણગાન ગાતા રહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું માત્ર પાંચ રાજ્યોનેય એક સાથે ન બેસાડી શકે?એટલી તો કુનેહ એક રાજપુરુષમાં હોવી જોઈએ કે નહીં? શું એકબીજાના કટ્ટર વિરોધી નેતાઓને તેઓ જનહિત માટે એક મંચ પર ન લાવી શકે? કે પછી તેઓ પોતે જ આ માટે તૈયાર નથી? દિલ્હી પ્રદૂષણ બાબતે સરકાર કરતા વધુ ચિંતા આપણી ન્યાય પાલિકા કરી રહી છે. એ બાબત આપણા માટે ખુશીની પણ છે અને દુઃખની પણ. કોઈપણ શહેરના પ્રસારની એક સીમા હોય છે. એક હદ કરતા તેનો વધુ વિસ્તાર કરી શકાતો નથી. દિલ્હી, કલકત્તા, મુંબઈ એ આવા પરાકાષ્ઠા પર પહોંચી ગયેલા શહેરો છે. તેઓ હવે વધુ જનસંખ્યાને સમાવી શકે તેમ નથી.ઉલાટાનો તેનો વર્તમાન ભાર હળવો થાય એવી સમય સહિત ઘણા બધાની માગ છે. ફેફસાંના વિશેષજ્ઞા ડૉ.અરવિંદ કુમાર જણાવે છે કે દિલ્લીની આટલી ખરાબ હાલત પાછલા ૩૫ વર્ષમાં ક્યારેય થઈ નથી. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજની સ્થિતિ ઇમરજન્સી જેવી છે. જો તમે લોકોને બચાવવા માગતા હો તો તેમને દિલ્હી છોડવાનું કહો.મોટા શહેરોમાં રહેવાનો મોહ હવે છોડવો જોઈએ. આજે નહીં છોડીએ તોય કાલે તો છોડવો જ પડશે. હવે તમે કસબામાં પણ બેસીને ઇન્ટરનેટની મદદથી દુનિયાના કોઈપણ ખૂણાનું કામ કરી શકો છો. ડિજિટલ ક્રાંતિએ ઓલરેડી સોલ્યુશન આપી દીધું છે.વાયુ પ્રદૂષણ અટકાવવા માટે કોલસો ન બાળવો, ખેતરમાં પોવાલ-પરાલ ન બાળવા કે વાહનો ઘટાડવા તે બધા ઉકલ તો છે જ પણ તેનાથી મોટું નિરાકરણ એ છે કે ત્યાંની વસ્તી અન્યત્ર સ્થળાંતરિત થાય. કોઈ દિલ્હીમાં કે મુંબઈમાં રહેવા આવે તો તેને કાયદાકીય રીતે રોકી ન શકાય, પણ એ અને એના જેવા બીજા ઘણા શહેરો છે જેની લિમિટ આવી ગઈ છે. તેની બદલે નાના શહેરોમાં વસવું વધારે સ્વાસ્થ્યપ્રદ અને બુદ્ધિગમ્ય છે.ભવિષ્યમાં કદાચ એવું બનશે કે લોકો એક શહેરમાં રહેવાને બદલે ૧૫૦૦-૨૦૦૦ના સમૂહમાં છુટી-છુટી ટાઉનશિપમાં રહેતા હશે. ઇકોફ્રેન્ડલી જીવનશૈલી જીવતા હશે. કદાચ એ સમયે પ્રદૂષણમાંથી મોક્ષ મેળવી શકાશે. એવું ન થાય ત્યાં સુધી આપણે નેતાઓ અને અધિકારીઓના મગજમાં ભરાઈ ગયેલી સ્મોગ બહાર આવે એવી પ્રાર્થના કરીએ.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર – પ્રથમ ગોળમેજી પરિષદમાં – ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

આજે વિશ્વ પર્યાવરણ દિન : દેશમાં વધતું પ્લાસ્ટિકનું પ્રદુષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1