Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમા સતત બીજા દિવસે અતિક્રમણ દૂર કરાયા

ગુજરાત હાઇકોર્ટના નિર્દેશો બાદ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલીશન ડ્રાઇવ અને ટ્રાફિક પોલીસની મદદથી અસરકારક ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે આજે અમ્યુકો તંત્રના અધિકારીઓ પોલીસ સ્ટાફની મદદથી શહેરના નવા વાડજ, અખબારનગર, ચાંદલોડિયા, કાલુપુર દરવાજા, સરખેજ રોડ સહિતના વિસ્તારોમાં ત્રાટકયા હતા અને મોટાપાયે ડિમોલિશન ડ્રાઇવ ચલાવી હતી. તો બીજીબાજુ, ઇસનપુરમાં મહાવીર સ્કૂલથી ગોવિંદવાડી ચાર રસ્તાથી જયમાલાથી મંગલેશ્વરથી આવકાર હોલ સુધીના પટ્ટામાં તેમ જ ગોમતીપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા અસરકારક ટ્રાફિક ઝુંબેશ ચલાવી વાહનો ડિટેઇન, સ્થળ પર દંડની વસૂલાત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમ્યુકો તંત્રએ આ વિસ્તારોમાં સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવી રસ્તાઓની બંને બાજુનો પટ્ટો ખુલ્લો કર્યો હતો. તંત્રના માણસોએ આ વિસ્તારોમાં ગેરકાયદે પાર્કિંગ, ઓટલા, દબાણો અને બાંધકામો પર બુલડોઝર ફેરવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સરખેજ રોડ પર આજે સતત બીજા દિવસે અમ્યુકો તંત્ર ત્રાટકયુ હતુ અને આ વિસ્તારમાં રોડ પર અડીને કરી દેવાયેલા ગેરકાયદે બાંધકામો, દુકાનો, ઓટલા સહિતના દબાણો બુલડોઝર અને જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. સરખેજ રોડ પરના વિસ્તારમાં તંત્રએ મોટાપાયે દબાણો દૂર કર્યા હતા, જેને લઇ સ્થાનિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા પોલીસ તંત્રના કાફલા સાતે મકતમપુરા વોર્ડમાં આવેલા સરખેજ પોલીસ સ્ટેશનથી વિશાલા ચોકડી સુધીના જુહાપુરા વિસ્તારનાં દબાણોને આજે સવારથી દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત ચાંદલોડિયા વોર્ડમાં ઉમિયા હોલથી વિશ્વકર્મા મંદિર સુધીના રોડ પરના દબાણો અને ગેરકાયદે બાંધકામોને પણ મોટાપાયે દૂર કરાય હતા. જ્યારે પૂર્વ ઝોનમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા મચ્છી માર્કેટમાં પણ તંત્ર ત્રાટક્યું હતું. એસ.પી. ચોકની કલન્દરી મસ્જિદ સુધીના ૧.પ૦ કિ.મી.લાંબા મોડલ રોડ પરના દબાણ ઉપરાંત વિરાટનગરથી એસ.પી. રિંગ રોડ પરની પામ હોટલ સુધીના મોડલ રોડનાં દબાણ હટાવવાની કામગીરી આજે દિવસભર ચાલી હતી. જેમાં કલન્દરી મસ્જિદથી એસ.પી. ઓફિસ સુધીના રોડ પર મચ્છી માર્કેટનાં વર્ષો જૂના દબાણો અને રસ્તા પરના અવરોધો બુલડોઝર ફેરવી હટાવાયા હતા. મચ્છી માર્કેટમાં વીસથી વધુ ગેરકાયદે શેડ ઊભા કરાયેલા હોઇ તેનો સફાયો બોલાવાતાં સ્થાનિક વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. કલન્દરી મસ્જિદથી એસ.પી. ચોક સુધીના રોડની ડાબી બાજુના પટ્ટો ઉત્તર ઝોનમાં આવતો હોઇ આજની કામગીરીમાં ઉત્તર ઝોન પણ જોડાયો હતો. જ્યારે મધ્યઝોનમાં રાયપુર દરવાજાથી સારંગપુર સર્કલ થઇને આસ્ટોડિયા રોડ પરના દબાણ અને કાલુપુર સહિતના વિસ્તારોમાં દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી માર્ગો ખુલ્લા કરાયા હતા.

Related posts

વ્યાજખોરના ત્રાસથી વેપારીનો કેનાલમાં ઝંપલાવીને આપઘાત

aapnugujarat

ગુજરાત સરકારના કર્મચારીઓ – પેન્સનર્સને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો નિર્ણય

aapnugujarat

વસ્ત્રાપુરમાં છેડતી પ્રકરણમાં કસ્ટમ્સ અધિકારી સામે કેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1