Aapnu Gujarat
ગુજરાત

૧૨ જૂન, ૨૦૨૩ : વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : રાજ્ય સરકારે ગત વર્ષે ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી

રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે ૧૨૭૮ જેટલા છાપા મારીને ૧૨૭ બાળકો તેમજ ૨૮ તરૂણો સહિત ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ ૨૦૨૩માં પણ આ અભિયાન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા દર વર્ષે ૧૨મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાળ મજૂરીમાં રોકાયેલા બાળકોની દુર્દશાને પ્રકાશિત કરવાના હેતુથી વર્ષ ૨૦૦૨માં પ્રથમ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. આ હકીકતને ધ્યાને રાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં બાળ શ્રમયોગી અધિનિયમના સફળ અમલીકરણ માટે રાજ્યમાં સૌપ્રથમ વખત વર્ષ ૨૦૦૯માં ‘બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી’ માટે “સ્ટેટ એક્શન પ્લાન ફોર એલિમીનેશન ઓફ ચાઇલ્ડ લેબર સિસ્ટમ” બનાવવામાં આવી હતી. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬નું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે.

 

બાળ મજૂરીના કારણો

બાળ મજૂરીનું મુખ્ય કારણ આર્થિક-સામાજિક સમસ્યા છે. યુનિસેફના મત મુજબ, બાળકોને નોકરી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રથમ કારણ ગરીબી છે, જેના કારણે બાળકો તેમની ઉંમરના પ્રમાણમાં સખત મહેનત કરે છે. પરંતુ આ સિવાય વસ્તી વિસ્ફોટ, સસ્તી મજૂરી, ઉપલબ્ધ કાયદાઓનો અમલ ન કરવો, બાળકોને શાળાએ મોકલવામાં માતા-પિતાની અનિચ્છા પણ જવાબદાર છે. ઘણા કિસ્સામાં માતા-પિતા કે વાલીઓ તેમના બાળકોને શાળાને બદલે કામ પર મોકલવાનું પસંદ કરે છે, જેથી કુટુંબની આવકમાં વધારો થઈ શકે.

 

બાળકોને કામ પર રાખવાની કાયદેસરતા

૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખવા ગેરકાયદેસર છે; જોકે આ નિયમમાં કેટલાક અપવાદો છે, જેમ કે કૌટુંબિક વ્યવસાયમાં કામ કરતા બાળકો જ્યારે શાળાએથી પાછા ફરે ત્યારે અથવા ઉનાળાના વેકેશન દરમિયાન, બાળ કલાકારોને ફિલ્મોમાં કામ કરવાની છૂટ છે, તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે છે. જો કાર્યસ્થળ જોખમી વ્યવસાય કે તેની સૂચિમાં સમાવિષ્ટ પ્રક્રિયામાં સમાવિષ્ટ ન હોય તો ૧૪થી ૧૮ વર્ષની વયજૂથના કિશોરોને નોકરી આપી શકાય છે.

 

બાળ મજૂરી નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો

સ્ટેટ એક્શન પ્લાન અંતર્ગત બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી અંગેની કામગીરી માટે વિવિધ સ્તરે ચાર કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્ટેટ લેવલ મોનીટરીંગ કમિટી જેના અધ્યક્ષ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી હોય છે, જિલ્લા કક્ષાએ ટાસ્કફોર્સ જેના અધ્યક્ષ જિલ્લા કલેકટરશ્રી અને સભ્ય સચિવ જિલ્લા મદદનીશ શ્રમ આયુકતશ્રી છે, મોનીટરીંગ સેલ જેના અધ્યક્ષ રાજ્યના શ્રમ આયુકતશ્રી છે, જ્યારે કોર કમિટીના અધ્યક્ષ મુખ્ય સચિવશ્રી હોય છે.

રાજ્યમાં બાળ મજૂરીના મુખ્ય કારણોને ધ્યાને લઈ સ્ટેટ એકશન પ્લાનમાં રાજ્ય સરકારના વિવિધ સંલગ્ન ખાતાઓ સાથેનું કન્વર્ઝન્સ મોડલ રજૂ કરવામાં આવ્યું છે. આ કન્વર્ઝન્સ મોડલમાં સરકારના જુદા-જુદા ખાતાઓ સાથે કન્વર્ઝન્સ કરવામાં આવે છે, જેમાં શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળ શ્રમયોગી પ્રથા નિવારવામાં આ તમામ વિભાગની મદદ લેવામાં આવે છે. શ્રમ અને રોજગાર વિભાગ એ નોડલ વિભાગ તરીકે કાર્ય કરે છે, જેની હેઠળ આવતા શ્રમ આયુક્ત તંત્ર દ્વારા વિવિધ ટાસ્કફોર્સની મદદથી છાપા મારવામાં આવે છે. જેમાં ગૃહ વિભાગ મારફતે પોલીસતંત્રને સાથે રાખવામાં આવે છે. ગૃહ વિભાગ હેઠળના એન્ટી હયુમન ટ્રાફીંકીંગ યુનિટ દ્વારા ખોવાયેલા બાળકોને બાળમજૂરીમાં આવતા અટકાવવામાં મદદરૂપ થાય છે. છાપામારીમાં બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળ શ્રમયોગીઓને સમાજ સુરક્ષા હસ્તકના બાળ સંરક્ષણગૃહને સોંપવામાં આવે છે. આ બાળ શ્રમયોગીઓનું શિક્ષણ વિભાગના પરામર્શમાં રહીને શૈક્ષણિક પુનર્વસન કરવામાં આવે છે. સાથે સાથે બાળ શ્રમયોગી ફરીથી બાળ મજૂરીમાં ન જોડાય તે હેતુથી જો બાળકનાં માતા-પિતા અથવા વાલી કામ ન કરતા હોય તો સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓનું આર્થિક પુનર્વસન પણ કરવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ ચાલે તે માટે જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેકટરશ્રી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે મોનિટરીંગ કરી સંલગ્ન ખાતાના જિલ્લા કક્ષાનાં અધિકારીઓ સાથે પણ સંકલન કરે છે.

 

બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા કાયદાનું અમલીકરણ

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬નું અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે. વર્ષ-૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા આ અધિનિયમની જોગવાઈઓમાં સુધારો કરીને મૂળ કાયદાનું નામ બાળ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬થી બદલીને બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે તે મુજબ જરૂરી સુધારા કરીને તા.૧૭/૦૩/૨૦૧૮ના નોટીફિકેશનથી નિયમો જાહેર કર્યાં છે. જેમાં ૧૪ વર્ષની ઉંમર પૂર્ણ કરી ન હોય તેવા બાળકોને કોઈ પણ પ્રકારના ધંધા-પ્રક્રિયાઓમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે જે કિશોરોએ ૧૪ વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા નથી તેવા કિશોરોને જોખમી વ્યવસાયો-પ્રક્રિયાઓમાં કામે રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

રાજ્યમાં કાયદાનું ઉલ્લંઘન કરીને બાળકોને નોકરી પર રાખવાની સજા

બાળ અને કિશોર શ્રમયોગીઓને કાયદાથી વિરુદ્ધ કામે રાખવા પર માલિકોને પ્રથમવારના ગુન્હા માટે સજાની જોગવાઈ વધારવામાં આવી છે. જે મુજબ રૂ. ૨૦ હજારથી લઈ રૂ.૧ લાખ સુધીનો દંડ અથવા છ મહિનાથી બે વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે. જ્યારે આવા જ પ્રકારના બીજી વખતના ગુન્હામાં એ જ માલિકને એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન)(ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦થી બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન અધિનિયમ-૧૯૮૬માં કરાયેલ સુધારા મુજબ દંડની મહત્તમ રકમ રૂ. ૫૦ હજારના સ્થાને રૂ. ૧ લાખ કરવામાં આવી છે.  બાળ/ કિશોર શ્રમયોગીઓને કામે રાખવાના ગુન્હાને પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુન્હો એટલે કે કોગ્નીઝેબલ ઓફેન્સ ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ કાયદાના ભંગ બદલ કોઈપણ વ્યક્તિ એફ.આઈ.આર. દાખલ કરી શકે છે. એટલે કે આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાય તો વોરંટની ગેરહાજરીમાં પણ ધરપકડ કે તપાસ કરી શકાય છે.

 

માતાપિતા કે વાલીઓ પણ બાળ મજૂરી માટે દંડને પાત્ર

સામાન્ય રીતે, બાળકોના માતા-પિતા કે વાલીઓને તેમના બાળકોને આ કાયદાની વિરુદ્ધ કામ કરવાની મંજૂરી આપવા બદલ સજા કરી શકાતી નથી, પરંતુ જો ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈ વ્યવસાયિક હેતુ માટે કામ કરવા માટે અથવા જો ૧૪થી ૧૮ વર્ષની ઉંમરના કિશોરને કોઈપણ જોખમી વ્યવસાય અથવા પ્રક્રિયામાં કામ કરાવવામાં આવે છે, તો આ જોગવાઈ લાગુ પડતી નથી અને તેને સજા થઈ શકે છે.

માતા-પિતા કે વાલી પ્રથમ જો પ્રથમ વખત આવું કરે તો કાયદો તેમને ભૂલ સુધારવાની તક આપે છે, કાઉન્સેલિંગ દ્વારા તેનું સમાધાન કરી શકે છે. પરંતુ જો તેઓ ફરીથી તેમના બાળકને આ કાયદાનું ઉલ્લંઘન કરીને કામ કરાવે છે, તો રૂ. ૧૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે.

 

જો તમારા પડોશમાં કોઈ બાળકો પાસે કામ કરાવે તો તમે શું કરી શકો 

જો તમને આ કાયદાનું કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું હોય, તો તમે પોલીસ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તેની જાણ કરી શકો છો. તમે બાળકોના અધિકારો પર કામ કરતી સામાજિક સંસ્થાઓના ધ્યાન પર પણ લાવી શકો છો. તેમજ પોલીસ અધિકારીઓ અથવા બાળ મજૂર નિરીક્ષકોને પણ ફરિયાદ કરી શકો છે. તેમજ ચાઈલ્ડ લેબર હેલ્પલાઇન નંબર ૧૫૫૩૭૨ ઉપર સંપર્ક કરી શકાય.

આંતરરાષ્ટ્રીય મંજૂર સંસ્થાન દ્વારા નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની ઉપસ્થિતિમાં ભારતમાં પણ ઇવેન્ટ યોજાશે

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ પર આંતરરાષ્ટ્રીય મંજૂર સંસ્થાન દ્વારા ભારતમાં પણ ‘સોશિયલ જસ્ટિસ ફોર ઓલઃ હાઉ ટુ એન્ડ ચાઈલ્ડ લેબર’ મુદ્દે કલકત્તા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના ૧૧૧માં સત્ર દરમિયાન ILO દ્વારા એક ઉચ્ચ સ્તરીય સાઇડ ઇવેન્ટ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની ઉપસ્થિતિમાં યોજાશે. આ ઇવેન્ટ દરમિયાન સામાજિક ન્યાય અને બાળ મજૂરી નાબૂદી વચ્ચેની કડી પર ધ્યાન કેન્દ્રિત કરી ચર્ચા-વિમર્શ કરાશે. જેમાં ઉપસ્થિત પેનલિસ્ટ આઈ.એલ.ઓ.ના ઘટકો દ્વારા તેની પ્રતિબદ્ધતાઓ પર સતત કાર્ય થકી સામાજિક ન્યાય વધારવા માટેના પગલાઓ કેવા મહત્વપૂર્ણ સાબિત થયા છે તે અંગેના ઉદહરણો ઉપર ભાર મૂકશે.

આ પેનલિસ્ટની યાદીમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ગિલ્બર્ટ એફ. હોંગબો, ચિલીના શ્રમ અને સામાજિક સુરક્ષા મંત્રી જીનેટ જારા રોમન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ એમ્પ્લોયર્સના ડેપ્યુટી સેક્રેટરી જનરલ જેરોમ બેલિયન-જોર્ડન, નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી, વર્કર ગ્રુપ માટે ILO ગવર્નિંગ બોડીના સભ્ય પાઓલા ડેલ કાર્મેન, એલાયન્સ 8.7ના ચેરપર્સન અનુશેહ કરવર, ભારતના યુથ એડવોકેટ કિન્સુ કુમારનો સમાવેશ થાય છે.

Related posts

મોરાડુંગરી ગામમાં અજગર પકડાયો

editor

પબ્લિક ટોયલેટમાં મહિલાને માત્ર એકમાં સેનેટરી નેપકીન

aapnugujarat

૭૫ નગરપાલિકાની ચૂંટણી આજે જાહેરનામુ જારી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1