Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં વિશ્વ યોગ દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આ વર્ષે રાજ્ય સરકાર ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીમાં વધુ એક સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. ‘વિશ્વ યોગ દિવસ’ના દિવસે સમગ્ર રાજ્યમાં એક કરોડ ૨૫ લાખ નાગરિકો એક સાથે યોગ કાર્યક્રમ કરી સરકાર નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.
રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ માટેની તૈયારીઓ પ્રારંભ કરી દેવામાં આવી છે, તો રાજ્ય સરકારના જુદા જુદા વિભાગ દ્વારા પણ ૧૫ જૂનથી લઈ અને ૨૦ જૂન સુધી જુદા જુદા યોગના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના પાટનગર મનાતા સુરતમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં ૧.૨૫ લાખ જેટલા નાગરિકો એકસાથે વાઇ સર્કલે સવારે ૬ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી યોગ કરશે. આ સાથે જ રાજ્યના જુદા જુદા ઐતિહાસિક સ્થળો અને મહત્વના સ્થળો પર પણ આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ‘વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉજવણી કરશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં થશે.’
સવારે ૬ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખથી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી સવારે ૬.૩૦ કલાકે રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે. તેનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરવામાં આવશે. દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે. તેનું પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનારા કાર્યક્રમોમાં કરવામાં આવશે. આખું વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે, ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ’યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે.’
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદૃઢ માર્ગદર્શન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે, સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૫ સ્થળોની પસંદગી કરી છે. તેમાં ૧૦ જેટલાં ઐતિહાસિક સ્થળો, ૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૧૭ જેટલાં પ્રવાસન સ્થળો, ૩૩ જેટલાં જિલ્લા અને મહાનગરપાલિકાના સ્થળો અને ૮ તાલુકા મથકોના સ્થળની પસંદગી કરવામાં આવી છે.’
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં યોગ અંગે જન જાગૃતિ કેળવાય તે આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં છેલ્લા છ માસથી યોગ અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં રાજ્યભરમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા, ઝોન કક્ષાની યોગ સ્પર્ધા, અમદાવાદમાં રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા, યોગોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ, હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક જ સમયે ૪૧ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટા પ્રમાણમાં નાગરિકો જોડાયા હતા. આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ કોમન યોગ પ્રોટોકોલ માટે ૪૧ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ જાગૃતિ માટે દર શનિ-રવિ ૧૦૦થી વધુ વીકેન્ડ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતતા માટે કેટલા દિવસ બાકી છે તે દર્શાવતી ૧૧ ફુટ ઉંચાઇ ધરાવતી રિવર્સ ડિજિટલ કાઉન્ટ ડાઉન ઘડિયાળ રાજ્યના ૫૦ આઇકોનીક સ્થળો ઉપર મૂકવામાં આવી છે. જ્યારે બાળકોમાં નાનપણથી જ યોગ પ્રત્યે જાગૃતતા આવે તે માટે રાજ્યના ૧૦૦ જેટલા સ્થળો ઉપર દસ દિવસના ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ : ૧૦ દિવસમાં ટાઇફોઇડના ૯૦ કેસો થયા

aapnugujarat

કડી ના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો ને 5000 રૂપિયા નું કેસ વિતરણ કરવામાં આવ્યું.

editor

ફતેવાડી કેનાલ પાસેથી મળેલી લાશ ચાંગોદરની યુવતીની હોવાની પ્રબળ શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1