Aapnu Gujarat
બ્લોગ

કડવાશ ભૂલી આપસી સંબંધોમાં મીઠાશ વધારવાનો મોકો આપતું પર્વ : દિવાળી

શહેરમાં ચારે બાજુ રોશની, શોપિંગ સેન્ટર અને દુકાનો પર ઝૂલતા ’સેલ’ના પાટિયાં, ફટાકડાની દુકાનો, લોકોની ભીડ અને ધુમાડાથી દૂષિત વાતાવરણ. આ કોના આગમનનો સંકેત છે, તે તો તમે જાણી જ ગયાં હશો.મહિના અગાઉથી સ્ત્રીઓ શોપિંગ માટે આમથી તેમ દોડતી હોય છે. ઘર સજાવવા, નવાં કપડાં સિવડાવવા તેમજ આખા ઘરની સાફસૂફીનું કામકાજ દિવાળી આવતાં પહેલાં એકાદ માસથી શરૃ કરતી હોય છે.પોતાના માટે અને બાળકો માટે નવાં કપડાં ખરીદીને તેઓ બાળકોની સાથે દુકાનદારોને પણ ખુશ કરી દે છે. પતિ મહાશયનાં ખિસ્સાં ખાલી થવાથી તેઓ ખુશ થતાં હશે કે કેમ એ વાત જુદી છે.આખાય વર્ષ દરમિયાન અનેક તહેવારો આવે છે અને જાય છે. દરેક તહેવાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. પરંતુ દિવાળી બધા તહેવારોથી ભિન્ન છે. આ તહેવાર એવો છે, જેની નાનાં-મોટાં સૌને હોંશ હોય છે. ઉમંગ અને ઉત્સાહ હોય છે. નવરાત્રિ અગાઉથી લોકો આ તહેવાર ઉજવવાની તૈયારી કરવા લાગે છે. સૌ ફટાકડા ફોડવાનો લહાવો લે છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને રંગેચંગે આ પર્વ ઊજવે છે.આવો ખુશાલીભર્યો દિવસ અચાનક શોકભર્યા દિવસમાં પલટાઈ જાય તો? ઘરમાં કોઈ વિવાદ કે ઝઘડો થાય તો? જો આવું થાય તો આ ખુશાલીભર્યા પર્વની મજા મરી જાય ખરુંને?
અલગ-અલગ શહેરોમાં વસતાં એક પરિવારનાં સભ્યો પણ આ તહેવાર ઉજવવા ખાસ ભેગાં થાય છે. મા ઇચ્છે છે કે વાર-તહેવારના દિવસે દીકરો-વહુ વહેલાં ઊઠીને તૈયાર થાય. એવામાં જો વહુ નવ વાગ્યે ઊઠીને બ્રશ કરતી હોય તો કઈ સાસુને તે ગમે? દિવાળીના દિવસે લાપશી, દૂધપાક-પૂરી બનાવવાને બદલે વહુ પોતાનાં બાળકોને તૈયાર કરવા રૃમમાં ભરાઈ રહે એવું વર્તન કોણ સહન કરી શકે? ઘર સાફ-સુથરું કે વ્યવસ્થિત કરવાને બદલે પોતાનાં, પતિનાં અને બાળકોનાં મેલાં કપડાંનો ઢગલો રૃમમાં કરી રાખે તો એવી વહુને શું કહેવું?
એમાંય સાસુ કંઈ કહે અને વહુ દીકરી-છણકો કરી માનું અપમાન કરે ત્યારે મા બિચારી કરે શું? બીજાનાં ઘર રોશનીથી અને સફાઈથી ચમકતાં હોય અને પોતાનાં ઘરમાં તહેવાર ઉજવવા માટે ખાસ બહારગામથી આવેલાં વહુ-દીકરીઓ સવારે ૧૧ વાગ્યા સુધી રૃમમાં ભરાઈ રહ્યાં હોય, તો આ જોઈ મા થી કાંઈક કહેવાઈ જાય તે સ્વાભાવિક છે.જો આ બાબત અંગે ઘરમાં કોઈ વિવાદ ઊભો થાય, તો દિવાળી જેવા ખુશીના તહેવારે ઘરમાં આનંદને બદલે વિષાદભર્યું વાતાવરણ સર્જાય છે. દાદીમા પાસે ખાસ દિવાળી ઉજવવા આવેલાં બાળકો રજાઓનો આનંદ પણ માણી શકતાં નથી. આવવા-જવાનો ખર્ચ માથે પડે છે તે તો અલગ.મોજમસ્તીથી તહેવાર માણવા આવેલાં છોકરાઓ પોતાનાં ઘરે પણ ફરવા તત્પર થઈ જાય છે. જ્યારે મા અનિચ્છાએ પણ દીકરા-વહુની રવાનગીની ઘડીઓ ગણવા લાગી જાય છે.આમ, તહેવારનો આનંદ ક્યાંય ઊડી જાય છે. પૈસા ખર્ચા, સમય ફાળવીને આવેલાં પરિવારનાં સભ્યો ઉમંગ કે ઉત્સાહને બદલે ઉદાસી સાથે પોતાને ઘરે પાછાં ફરે છે. ઉલ્લાસનું વાતાવરણ ઉદાસીનતાભર્યું બની જાય છે. આપણા સમાજમાં આવી ઘટનાઓ ઘણાં પરિવારોમાં બનતી હશે.
દરેક વ્યક્તિ પોતાની નિકટતમ, પ્રિય વ્યક્તિ સાથે દિવાળી ઉજવવાની ઇચ્છા ધરાવતી હોય છે. એમાંય ખાસ કરીને બહારગામ રહેતાં દીકરા-વહુને દિવાળીને દિવસે પોતાને ઘરે બોલાવવાનાં સ્વપ્ન બધાં જ મા-બાપ સેવતાં હોય છે.આમાં દિવાળીના તહેવારે આખો પરિવાર ભેગો થાય તેવી પરંપરાગત માન્યતાનું પાલન પણ થાય છે.
છતાં આજની પેઢીની બેફિકરાઈ અને ઉધ્ધતાઈને લીધે ક્યારેક પર્વની ખુશી વિષાદમાં પલટાઈ જતી હોય છે. નાનીઅમથી બાબતમાં દેરાણી-જેઠાણી વચ્ચે ઇર્ષા કે વિવાદ ઝઘડાનું રૃપ લઈ લે છે. ઘરમાં શોકની લાગણી ફેલાઈ જાય છે, વાતાવરણ ભારેખમ બની જાય છે.દિવાળી પર ભેગાં થવાનો આનંદ અનેરો છે. આ આનંદની ઘડીને દુઃખદ ન બનાવશો. વ્યક્તિની રચનાત્મકતાનું પ્રદર્શન તહેવાર પ્રસંગે થાય છે, પરંતુ એ દિવસે કજિયો કે કંકાસ થાય તો, તેનું મહત્ત્વ રહેતું નથી. થોડી સમજદારીથી તહેવાર દરમિયાન ખર્ચેલા પૈસાનું મહત્ત્વ વધે છે એટલું જ નહીં, તે તમારા પરિવારમાં એકતા જાળવવા મદદરૃપ બનશે.જો તમે સાસરીમાં પતિ અને બાળકોની આજુબાજુ જ ફરતાં રહેશો, તો પરિવારનાં અન્ય સભ્યોને તમારા આવા વર્તન બદલ રોષ ઉત્પન્ન થશે. સાસરું પણ તમારું જ ઘર છે. તમે તમારા ઘરે જે કામકાજ કરતાં હો તે અહીં કરવાનું હોય છે.તમારો મોટા ભાગનો સમય અન્ય પરિવારજનો માટે પણ ફાળવો. બહારગામથી તમારી સાથે તહેવાર માણવા મહેમાન, કુટુંબીજનો આવ્યાં હોય તેમની અવગણના ન કરશો. અન્ય લોકો પણ તમારાં બાળકની એટલી સંભાળ રાખશે જેટલી તમે એમનાં બાળકોની રાખશો. તે તમારાં પોતાનાં બાળકો સમાન છે. આથી બાળકો પ્રત્યે પણ પ્રેમાળ વર્તન દાખવો.શાંતિ એ શાણપણનું પ્રતિક છે. મોટા ભાગે પરિવારમાં કડવાશ ત્યારે જ ઊભી થતી હોય છે, જ્યારે પરિવારની પ્રત્યેક સ્ત્રી પોતાનાં રૃપ સૌંદર્ય, આવડત, કલા વગેરે બદલ મોટા અભિમાનમાં રાચતી હોય. તેઓ ઘણી વાર પોતાની માન્યતાઓ મુજબ બધાં વર્તે તેવો દુરાગ્રહ રાખે છે. જ્યારે તેમને કહેવામાં કે પૂછવામાં આવે ત્યારે જ બોલે કે સલાહ આપે, તો વધુ સારું. જ્યારે આપણી એ કરૃણતા છે કે મોટા ભાગના લોકો ઉપદેશ આપવામાં પાવરધા હોય છે, જ્યારે તેમને અનુસરનાર લોકો બહુ ઓછા હોય છે.ખાસ કરીને સ્ત્રીઓ વણમાગી સલાહ આપવા સદા તત્પર રહે છે. કોઈનાં કાર્ય અંગે ટીકા કે વણમાંગી સલાહથી વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે.કેટલીક સ્ત્રીઓને બીજી સ્ત્રીઓ સમક્ષ ખોટી બડાશ હાંકવાની કુટેવ હોય છે. ઘરમાં વોશિંગ મશીન કે વીસીઆર વસાવવામાં આવે તો તરત જ મોટાઈ બતાવવાનું શરૃ કરી દે છે. જાણે પોતે જ બધું વસાવી શકતી હોય અને બીજા લોકોમાં કોઈ કુનેહ કે આવડત હોય જ નહીં, એવી ડિંગો હાંકે છે.ખરી રીતે દિવાળીના દિવસોમાં ખોટી ચર્ચા, દેખાડો, હુંસાતોસી કરી બખેડા ઊભા કરવા, સંબંધોમાં કડવાશ પેદા કરવી કે તેના કરતા ભાઈચારો, મિત્રતા, આત્મિયતા વધારવી જોઈએ. નવા વરસનાં સુપ્રભાતે એકબીજા સમીપ આવે સંબંધોની મીઠાશ વધે તેવા સંનિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ.

Related posts

વેલેન્ટાઇન પર મહિલાઓની તુલનામાં પુરૂષો કરે છે સૌથી વધુ ખર્ચ

aapnugujarat

૨૦૧૯ની લોકસભા ચુંટણી મોદી શાહ જ નહી રાહુલ માટે પણ આસાન નહી હોય….

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1