Aapnu Gujarat
બ્લોગ

પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણી જનતાનો મુડ દર્શાવનાર સાબિત થશે

આગામી થોડા સમયમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી થવાની છે અને તેમાં સત્તાનાં સુત્રો હાંસલ કરવા માટે દરેક રાજકીય પક્ષે પોતાની રીતે પ્રચાર ચાલુ કરી દીધો છે.આ પાંચ રાજ્યોની ચુંટણી એટલા માટે મહત્વપુર્ણ છે કે આ ચુંટણી દ્વારા જનતાનો મુડ પારખવામાં મદદ મળશે.રાજ્ય સરકારની કામગિરી તો મહત્વની બની જ રહેશે કેન્દ્ર માટે લોકો શું વિચારી રહ્યાં છે તે વાતનો પણ અણસાર મળી જવાનો છે.મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિજોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચુંટણીનાં પરિણામો અગિયાર ડિસેમ્બરે જાહેર થશે જેના પર પુરા દેશની નજરો મંડાયેલી છે.હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે તો તેલંગાણામાં ટીઆરએસ અને મિજોરમમાં કોંગ્રેસની સરકાર છે.ભાજપ ત્રણ રાજ્યોમાં પોતાની સરકારને જાળવી રાખવા માંગે છે અને મિજોરમમાં કોંગ્રેસને સત્તાથી દુર કરવા માંગે છે જે તેના માટે મોટો પડકાર છે.આ પાંચેય રાજયોમાં કુલ ૮૩ લોકસભા બેઠકો છે જેમાં હાલમાં ૬૦ પર ભાજપનો કબજો છે.પાંચેય રાજયોની ચુંટણી મોદી માટે એસિડ ટેસ્ટ સમાન છે.જો કે આમ તો મોદી અને અમિત શાહને આ પાંચ રાજ્યો જ નહી આગામી લોકસભાની ચુંટણીમાં પણ ભાજપનો જ વિજય થશે તેવો વિશ્વાસ છે પણ કેટલીક એજન્સીઓ દ્વારા કરાયેલા સર્વેએ તેમની ઉંઘ હરામ કરી નાંખી છે.જો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જનતાએ સરકારની વિરૂદ્ધ મતદાન કર્યુ તો આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માટે તે સંજીવનીનું કામ કરશે.જો કે કોંગ્રેસ માટે તો આ રાજ્યોમાં ભાજપ માટે પડકાર ઉભો કરવો પણ મહત્વનું જ બની રહેશે કારણકે તે બાબત તેમને લોકસભાની ચુંટણીમાં લાભદાયક બની રહે તેમ છે.જો કે હાલમાં આ પાંચ રાજ્યોમાં ખાસ કરીને જ્યાં ભાજપ સત્તા પર છે ત્યાં સત્તા ટકાવી રાખવી પડકારજનક છે.
ગત એક વર્ષ દરમિયાન જ્યાં પણ પેટા ચુંટણીઓ થઇ છે ત્યાં ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે.જે ભાજપનો ગઢ ગણાય છે તે ગુજરાતમાં પણ તેમને બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું હતું.હાલમાં પાંચ રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ૨૩૧ બેઠકો છે જેમાંથી ૨૩૦ પર ચુંટણી થશે અને એક સભ્યને નોમિનેટ કરવાનો છે.હાલમાં ભાજપનો ૧૬૬ પર તો ૫૭ પર કોંગ્રેસનો કબજો છે.બસપા પાસે ચાર અને અન્ય પાસે ત્રણ બેઠક છે.આમ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ મુખ્ય મુકાબલો છે.કેટલીક બેઠકો પર અન્ય પક્ષો તેમને અસર કરી શકે તેમ છે.રાજસ્થાનમાં કુલ ૨૦૦ બેઠક છે જેમાં ૧૬૩ પર ભાજપ, ૨૧ પર કોંગ્રેસ, ચાર પર બસપા, ચાર પર એનપીપી, બે પર એયુજેડપી અને ૭ પર અપક્ષોનો કબજો છે.આ રાજ્યમાં પણ મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે જો કે રાજસ્થાનનાં મતદારો દર પાંચ વર્ષે સરકાર બદલતા રહે છે આ વખતે રાજે પોતાની સત્તા જાળવી રાખશે કે કેમ તે આગળનો સમય જ જણાવશે.રાજે સરકાર સામે લોકોનાં રોષને કારણે કોંગ્રેસને આશા છે કે તેમને જનતા સત્તાનાં સુત્રો સોંપશે.ભાજપનાં નેતાઓનાં ચહેરા પર પણ ગભરાટનાં ભાવ નજરે પડી રહ્યાં છે.છત્તીસગઢમાં કુલ ૯૦ બેઠકો છે.૨૦૧૩માં થયેલી ચુંટણીમાં ભાજપને ૪૯ અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી હતી.બસપા અને અન્યને એક એક બેઠક મળી હતી.આ રાજ્યમાં પણ મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ થવાનો છે.
પુર્વોત્તરમાં મિજોરમમાં કુલ ૪૦ બેઠકો છે જેમાં ૩૪ પર કોંગ્રેસનો કબજો છે.એમએનએફ પાસે પાંચ અને એમ પી સી પાસે એક બેઠક છે.ભાજપ આ રાજ્યમાં પોતાનુ ખાતુ ખોલી શકી નથી.તેલંગાણામાં કુલ ૧૧૯ બેઠકો છે જેમાં ગત ચુંટણીમાં ટીઆરએસને ૯૦ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને ૧૩ અને ઓવૈસીનાં પક્ષને સાત બેઠકો મળી હતી. ભાજપને પાંચ, ટીડીપીને ત્રણ અને સીપીઆઇને એક બેઠક મળી હતી.આ વખતે પણ બહુકોણીય મુકાબલો જ થવાનો છે.
આ પહેલા મોદી મેજિકનાં બળે ભાજપને સત્તા મળી હતી પણ હાલમાં કેન્દ્રમાં મોદી સરકારની કામગિરી અને જનતાનો મુડ જોતા ભાજપ માટે માર્ગ આસાન નથી.આમ તો આંકડાઓ દ્વારા સરકાર પોતાની જાતને અવ્વલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે પણ જે રીતે મોંઘવારી અને બેકારીમાં વધારો થઇ રહ્યો છે, સરકાર રોજગાર ઉત્પન્ન કરવામાં નિષ્ફળ રહી છે, નોટબંધી અને જીએસટીનો માર હજી પણ જનતા ભોગવી રહી છે.વ્યાપારીઓ અને ખેડુતોમાં રોષ છે અને ખેડુતોની આત્મહત્યાઓમાં ઘટાડો રોકી શકાયો નથી તે તમામ વાતોએ મોદી સરકારને બેકફુટ પર ધકેલી દીધી છે.રાફેલ ડીલ પર કોંગ્રેસ સતત આક્રમક થઇ રહી છે જેના કારણે ભાજપને ડિફેન્સીવ થઇ જવું પડ્યું છે.
ગત લોકસભા ચુંટણીમાં મોદીએ લોકોને અચ્છે દિનનો વાયદો કર્યો હતો જે પાછળથી તેમનાં નેતાઓએ જ ચુનાવી જુમલો હોવાનું જણાવ્યું હતું.તેમનાં એક પ્રધાને તો ત્યાં સુધી કહી દીધુ છે કે તેમને સત્તા મળવાની આશા જ નહતી આથી તેમણે ચુંટણીનાં સમયે મોટા મોટા વાયદાઓ કર્યા હતાં જે ખોટા હતા.ત્યારે મોદીએ વિદેશમાં રહેલા કાળાનાણાંને પણ મુદ્દો બનાવ્યો હતો પણ મોદી સરકાર તેમાં પણ કશું જ નક્કર કરી શકી નથી.ત્યારે લોકોનાં ખાતામાં પંદરલાખ રૂપિયા જમા કરવાનો પણ વાયદો કરાયો હતો જે માત્ર શબ્દોનાં પરપોટા જ હતા.મોદીએ નોટબંધી લાગુ તો કરી પણ તેનાથી ના તો ભ્રષ્ટાચાર પર અંકુશ લાગ્યો ન તો કાળાનાણાને નષ્ટ કરી શક્યું હતું.૨૦૧૪માં મોદીએ યુપીએ સરકારની નબળાઇઓ પર જ વાર કર્યો હતો અને લોકોને સુશાસનનો વાયદો કરીને સત્તા મેળવી હતી.ત્યારે મોદીએ આતંકવાદ વિરૂદ્ધ પણ કડક પગલા ભરવાનો વાયદો કર્યો હતો પણ ના તો કાશ્મીરમાં તેમની ઘુસણખોરી પર અંકુશ લાગ્યો છે ના તો પાકિસ્તાન દ્વારા થતા હુમલાઓ પર કોઇ લગામ લગાવી શકાઇ છે.અર્થવ્યવસ્થાનાં મોરચા પર પણ મોદી સરકારને નિષ્ફળતા જ મળી છે.ભારતીય ચલણે તેનું સૌથી મોટુ અવમુલ્યન જોયું છે ડોલરની તુલનાએ રૂપિયો ૭૫ની સપાટી પર પહોંચી ગયો હતો.દર વર્ષે બે કરોડ રોજગાર ઉભા કરવાનો વાયદો કરાયો હતો પણ રોજગાર કે નોકરીઓ આપવાની વાત તો દુર છે ગત વર્ષે દેશની સાત મોટી આઇટી કંપનીઓએ ૭૬૦૦૦ લોકોની છંટણી કરી હતી.આમ વિભિન્ન મોરચે મોદી સરકારની નિષ્ફળતાને કારણે લોકો ભાજપથી મોહભંગ પામ્યા છે.તેવામાં હાલમાં ભાજપનાં કેટલાક નેતાઓએ રામમંદિરનો મુદ્દો ઉઠાવીને લોકોમાં વિભાજનનો માર્ગ અપનાવીને સત્તા મેળવવાની તૈયાર કરી છે.સંઘ અને તેમની સંસ્થાઓ અને સંત સમુદાયે પણ રામજન્મભૂમિનો મુદ્દો ચુંટણીનાં સમયે જ ઉઠાવ્યો છે અને ભાજપનાં મોટાભાગના નેતાઓ ખાસ કરીને પ્રાદેશિક નેતાઓ એ આ મુદ્દાને ધાર આપવાનું કામ કર્યુ છે.
૧૯૮૪ બાદ ૨૦૧૪માં જનતાએ ભાજપને બહુમતિ આપી હતી જે આઝાદ ભારતનાં ઇતિહાસની પહેલી ઘટના હતી.જનતાને આશા હતી કે મોદી તેમની મહેચ્છાઓને પુર્ણ કરશે.લોકોને આશા હતી કે આ વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે પણ આશ્ચર્યની વાત છે કે સાડા ચાર વર્ષ ભાજપને કે તેમનાં કોઇ નેતાને આ વાત યાદ આવી હતી ના તો સંઘ કે તેમનાં નેતાઓએ સરકારને પોતાનો વાયદો નિભાવવાની વાત યાદ અપાવી હતી પણ હવે જ્યારે ચુંટણી માથે છે ત્યારે સંસદમાં અધ્યાદેશ લાવવાનું દબાણ કરાઇ રહ્યું છે.જેમ રામમંદિરનો મુદ્દો ૨૦૧૪માં પણ મહત્વનો હતો તેમ ૩૭૦ની કલમનો મુદ્દો પણ એટલો જ મહત્વપુર્ણ હતો પણ સત્તામાં આવ્યા બાદ મહેબુબા સાથે ગઠબંધન કરીને સત્તા ભોગવી અને લોકસભાની ચુંટણી નજીક આવતા છેડો ફાડીને અલગ થયા ત્યારે તેમણે ૩૭૦ની કલમ યાદ કરી ન હતી.મોંઘવારીનો મુદ્દો ત્યારે મોદીએ ઉઠાવ્યો હતો પણ તેમનાં સાડા ચાર વર્ષનાં કાર્યકાળમાં મોંઘવારીએ સૌથી વધારે માઝા મુકી છે.દેશની અર્થવ્યવસ્થાનાં અચ્છે દિનની લોકોને આશા હતી પણ એવું કશું જ થયું ન હતું.દેશની જનતા તેનાથી નારાજ છે જો ચુંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં નહી આવે તો આગામી લોકસભાની ચુંટણીમાં પણ ભાજપને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.વિપક્ષ માટે પણ આ પાંચ રાજયોની ચુંટણી અગ્નિપરીક્ષા સમાન જ છે આમ બંનેની શાખ દાવ પર છે.જો કે અંતિમ નિર્ણય તો જનતાએ જ લેવાનો છે પાંચમાંથી ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો ભાજપ માટે આકરા ચઢાણ છે જ જે કોંગ્રેસ માટે ખાસ્સા લાભદાયી નિવડે તેમ છે કારણકે આ રાજ્યોમાં તેને સત્તા મળે ન મળે પણ તે જો મજબૂત બનશે તો પણ લોકસભાની ચુંટણી માટે તેમને ખાસ્સો જુસ્સો પ્રાપ્ત થાય તેમ છે.ગુજરાતમાં ભાજપને સોની અંદર લાવી દેવામાં કોંગ્રેસન સફળતા મળી હતી હવે તે જ કરિશ્મો તે આ ત્રણ રાજ્યોમાં પણ દર્શાવવા માંગે છે જેથી તે ભાજપનાં કોંગ્રેસ મુક્ત નારાનો જડબાતોડ જવાબ આપી શકે.

Related posts

સબરીમાલા, સુપ્રીમ અને રાજકારણ

aapnugujarat

મકરસંક્રાંતિ અનેરું મહત્વ – સૂર્યપૂજાની સાચી રીત અને અદ્ભુત ફાયદા

aapnugujarat

લાખો રૂપીયા તને મુબારક, બસ મારે તો માત્ર મારા પતિનો પ્રેમ જ જોઇએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1