Aapnu Gujarat
ગુજરાત

એમ.આર. શાહની સુપ્રીમના જસ્ટિસ તરીકે નિમણૂંક થઇ

સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા મૂળ ગુજરાતી અને અમદાવાદના એવા ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ શ્રી આર.સુભાષ રેડ્ડી, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીની સુપ્રીમકોર્ટના જજ તરીકે બહુ મહત્વની ભલામણ કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં આ ચારેય ચીફ જસ્ટિસના સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકેની નિયુકિત અંગેના નોટિફિકેશન, વોરંટ સહિતની પ્રક્રિયા સંપન્ન થવાની શકયતા છે. આ સાથે જ સુપ્રીમકોર્ટમાં જજીસની સંખ્યા ૨૮ની થશે, જે કુલ મંજૂર જગ્યાથી માત્ર ત્રણ જ ઓછી છે. અમદાવાદના અને ગુજરાતી એવા પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એમ.આર.શાહની સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક થતાં ગુજરાતના ન્યાયતંત્ર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. કારણ કે, ગુજરાતના ન્યાયતંત્ર માટે આ બહુ મોટી અને ગૌરવપૂર્ણ ઘટના છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલાં શહેરમાં બિસ્માર રસ્તાઓ, આડેધડ પાર્કિંગ અને રખડતા ઢોરોની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી એમ.આર.શાહે અમ્યુકો, પોલીસ તંત્ર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ શહેર રાજયના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન, આડેધડ પાર્કિંગ, ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવા અંગે હાલ અસરકારક ડ્રાઇવ ચાલી રહી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા હતા. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ શ્રી એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચી તેમની છબી યાદગાર બનાવી દીધી છે. ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્‌ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા હોય કે બિસ્માર રસ્તાઓની વાત, સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ હોય કે, પછી પ્રજાજનોના આરોગ્ય અને પ્રાથમિક બુનિયાદી સુવિધાઓની વાત હોય..અનેકવિધ બાબતોને લઇ ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમઆર શાહે અનેક સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસરો પાડનારા અતિ મહત્વના ચુકાદાઓ આપી સમગ્ર ન્યાયતંત્રમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું અને ગુજરાત ન્યાયતંત્રમાં એક સોનેરી ઇતિહાસ રચ્યો હતો. તેમની અસાધારણ કામગીરીથી પ્રભાવિત થઇને જ વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહની બિહારની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ઓગસ્ટ મહિનામાં નિયુકિત કરવામાં આવી હતી, ત્યાં પણ ચીફ જસ્ટિસ એમ.આર.શાહે સીબીઆઇ, દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓના સહિતના કેસોમાં ખૂબ જ મહત્વના નિર્દેશો જારી કર્યા હતા અને ત્યાંની જયુડીશીયલ સીસ્ટમમાં પણ નોંધપાત્ર અને બહુપયોગી સુધારાની અમલવારી કરી હતી. જેની હકારાત્મક નોંધ લઇ અને તેમની અસાધારણ કામગીરીને ધ્યાનમાં લઇને જ સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સુપ્રીમકોર્ટના જજ તરીકે નિયુકિત માટે પસંદગીની મ્હોર મારી હતી. તેમની સાથે સુપ્રીમકોર્ટની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીની પણ સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ તરીકે ભલામણ કરાઇ છે. આ સિવાય મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા અને ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અજય રસ્તોગીના નામોની પણ સુપ્રીમકોર્ટના જજ તરીકે ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટની કોલેજીયમની ભલામણ બાદ હવે એકાદ સપ્તાહમાં તમામ ચીફ જસ્ટિસના સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકેના નોટિફિકેશન, વોરંટ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને તેઓની સત્તાવાર નિયુકિત, શપથવિધિ સહિતની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે.

Related posts

રાજ્યના ૯૬ તાલુકાના ૨૬ લાખ ખેડુતોને સહાય મળશે

aapnugujarat

મૂવી રેટિંગથી કમાવવાની લાલચ આપી ભેજાબાજોએ દંપતીને ₹1.12 કરોડનો ચૂનો ચોપડ્યો

aapnugujarat

૨૪મીથી એરપોર્ટ ઉપર એસી લકઝરી બસ સેવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1