Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૨૩ દિનમાં ૧૭ ચેઇન સ્નેચિંગની ઘટના

શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્નેચિંગના બનાવ ઉત્તરોતર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને પકડવા માટે લાચાર બની છે. મહિલાઓ કે પુરુષોએ હવે જાહેર રોડ પર કે ભરચક વિસ્તારમાં પણ સોનાની ચેઇન કે દાગીના પહેરીને નીકળવું હવે સલામત નથી રહ્યું, કારણ કે ચેઇન સ્નેચરો બાઇક પર ઘૂમ સ્ટાઇલથી આવીને ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપે છે. શહેરમાં રોજ કોઇકને કોઇક વિસ્તારમાં ચેઇન સ્નેચરોનો ભોગ નિર્દોષ નાગરિક બની રહ્યા છે. ચાલુ મહિનામાં માત્ર ૨૩ દિવસમાં ૧૭ ચેઇન સ્નેચિંગના ગુના બન્યા છે, જેને પગલે શહેરભરમાં મહિલાઓ અને વૃધ્ધાઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. મહિલાઓ માટે તો હવે તો સોનાના દાગીના પહેરીને બહાર નીકળવું જાણે જોેખમ બની ગયું છે. ચેઇન સ્નેચરો માટે મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ રહી છે. શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે, લોકો હવે સોનાની ચેઇન પહેરતા પહેલા દસ વખત વિચાર કરે છે કે ક્યાંક બાઇક પર ચેઇન સ્નેચરો આવીને ચેઇન નહીં ખેંચી જાય ને.. શહેરમાં છેલ્લા ૨૩ દિવસમાં ૧૭ ચેઇન સ્નેચિંગની ઘટના બની છે, પોલીસ માટે ગંભીર ચિંતાની સાથે સાથે એક શરમજનક વાત કહી શકાય. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરીમાં રહેતા વૃધ્ધ વિમલાબેન રાવલ વહેલી પરોઢે પૌત્રને લઇને દુધ લેવા માટે જતા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ તેમના ગળા માંથી રૂ.૨૩ હજાર રુપિયાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે. આ સિવાય છેલ્લા ૨૩ દિવસમાં શહેરમાં કુલ ૧૭ ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા છે જેમાં ચેઇન સ્નેચરો ૭.૭૬ લાખની સોનાની ચેઇન તોડીને નાસી ગયા છે. શહેરનો કોઇ એવો ખુણો બાકી નહી હોય જ્યા ચેઇન સ્નેચરોએ ચેઇન સ્નેચિંગની ઘટનાને ના અંજાપ આપ્યો હોય. આનંદનગર, વસ્ત્રાપુર, માઘુપુરા શહેરકોટડા, નવરંગપુર, સોલા, સરદારનગર, શાહિબાગ, સહિતના તમામ વિસ્તારોમાં નિર્દોષ લોકો ભોગ બન્યા છે. ચેઇન સ્નેચરો મોટાભાગે આધેડ અને વૃધ્ધ લોકોને ટાર્ગેટ કરે છે જે ૧૭ લોકો ચેઇન સ્નેચરોનો ભોગ બન્યા તેમાં ૧૦ લોકો આધેડ અને વૃદ્ધ છે. સરદારનગર વિસ્તારમાં આવેલ રાજધાની સોસાયટીમાં રહેતા ખુશાલ સેવારામ નંદાના ગળામાંથી ૭૦,૦૦૦ રૂપિયાની ચેઈન લૂંટાઈ ત્યારે સોલામાં રહેતા નિલિમાબહેનના ગળામાંથી રૂ. ૨૫,૦૦૦નું મંગળસૂત્ર ખેંચી સ્નેચરો ફરાર થયા હતા. નવરંગપુરા વિસ્તારમાં ચાલતા જતા શશીબહેનના ગળામાંથી રૂ. ૨૨,૦૦૦ની ચેઈન ખેંચાઈ હતી. ત્યારે સરદારનગરના કૃષ્ણાધામ સોસાયટીમાં રહેતા ઈન્દ્રલાલ આહુજાના ગળામાંથી રૂ. ૬૦,૦૦૦ની ચેઈન સ્નેચરો લઈને જતા રહ્યા હતા. કૃષ્ણનગરમાં રહેતા રેખાબહેન તેમજ ચાણક્યપુરીમાં રહેતા અરવિંદભાઈ, મકરબામાં રહેતા મોતીબહેન અને અમરેલીમાં રહેતા બાબુભાઈ સંઘાણીના ગળામાંથી પણ ચેન સ્નેચરોએ ચેઈન ખેંચી નાસી ગયા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ચેઈન સ્નેચરોએ તરખાટ મચાવ્યો છે. જ્યારે પોલીસ તેમને પકડવા માટે લુલી સાબિત થઈ છે. પોલીસ પાસે હોક સ્કોડ તેમજ રેસર બાઈક હોવા છતાં પણ ચેઈન સ્નેચરો બિનધાસ્ત પોલીસના ડર વગર ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી નાસી છૂટવામાં સફળ થઇ જાય છે, જે આમ તો પોલીસના ગાલ પર તમાચા સમાન છે. ચેઈન સ્નેચરો હવે કોઈ જગ્યાએ ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
ખાસ કરીને વહેલી પરોઢિયે વ્હિકલ પર કે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોને ચેઈન સ્નેચરો ટાર્ગેટ કરી રહ્યા છે.
આ મામલે સેક્ટર-૧ના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમિત વિશ્વકર્માએ જણાવ્યું છે કે નવરાત્રીના સમય પર પોલીસ બંદોબસ્ત વધુ હોવાના કારણે ચેઈન સ્નેચિંગના બનાવ વધ્યા હતા. જેને ડિટેક્ટ કરવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. ચેઈન સ્નેચરોને પકડવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર નથી કરવામાં આવ્યો, પરંતુ ડીસીપી લેવલે મોટાભાગના ચેઈન સ્નેચરોને પકડી લેવા માટે તપાસ ચાલુ છે.

Related posts

पैसे के लिए दो परप्रांतीय शख्सों का मर्डर करनेवाला गिरफ्तार

aapnugujarat

અમદાવાદની મહિલા ડોક્ટરની બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાયો

aapnugujarat

મોદીની કચ્છ યાત્રાને લઈ યુવા મોરચાની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1