Aapnu Gujarat
ગુજરાત

શ્રાદ્ધ કર્મ કરવાની પિતૃઓની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત થાય છે

હાલ ચાલી રહેલા શ્રાધ્ધ પક્ષને લઇ શ્રાધ્ધ પાછળનો મહાત્મ્ય અને શાસ્ત્રોક્ત ઇતિહાસ પણ પિતૃતર્પણ અને પિતૃઓની કૃપા-આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સોનેરી અવસર પૂરો પાડે છે. વિષ્ણુપુરાણમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિષ્ણુપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે, અન્ન, જંગલી સાગનાં પાન-ફળ, ઓછામાં ઓછી દક્ષિણા અને જો આટલું પણ શક્ય ન હોય તો સાત અથવા આઠ તલ અંજલિમાં જળની સાથે લઈને બ્રાહ્મણને આપવું જોઈએ. જો આમ કરવા માટે વ્યક્તિ અસમર્થ હોય તો તેણે પોતાના હાથ આકાશ તરફ ઉઠાવીને દિગપાળો અને સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે સૂર્ય દેવ પ્રભુ, મેં મારા હાથ હવામાં ફેલાવ્યા છે, મારા પિતૃઓ મારી ભક્તિથી સંતુષ્ટ થાય. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ ખીર-પૂરી બનાવીને બ્રાહ્મણોને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. ઘરની છત પર ખીર-પૂરીનો કાગવાસ નાખવામાં આવે છે. જો કાગડાઓ આવીને તે ખાય તો એમ માનવામાં આવે છે કે શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચ્યું છે અને તેઓ તૃપ્ત થયા છે. શ્રાદ્ધ દરમિયાન સ્વજનની મૃત્યુ તિથિએ પરિવારના બધા જ લોકો ભેગા મળીને સાથે ખીર-પૂરીનું ભોજન કરે છે. શ્રાદ્ધ કર્મ શ્રેષ્ઠ કર્મ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરે છે તેને શ્રેષ્ઠ સંતાન, દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, અને અન્ય ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સત્ય અને શ્રદ્ધાથી કરવામાં આવેલ કર્મ શ્રાદ્ધ અને જે કર્મથી માતા-પિતા અને આચાર્ય તૃપ્ત થાય એ તર્પણ છે. વેદોમાં શ્રાદ્ધને પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધ-તર્પણ આપણા પૂર્વજો, માતા,પિતા અને આચાર્યના પ્રત્યે સન્માનનો ભાવ છે. આ પિતૃયજ્ઞ સંપન્ન થાય છે સંતાનોત્પતિ અને સંતાનની યોગ્ય શિક્ષા-દીક્ષાથી. આનાથી જ પિતૃ-ઋણ પણ ચુકતે થાય છે. ભારતીય સંસ્કૃતિમાં રહેલા ચાર વેદો અખંડ છે. અર્થાત તેમાં ક્યારેય રતીભારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને વેદોમાં જણાવ્યું છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઋણ ચૂકવી શકાય છે. તો પુરાણોમાં જણાવ્યા અનુસાર જો પૂર્ણ શ્રદ્ધા સાથે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો માત્ર પિતૃઓ જ તૃપ્ત નથી થતા પરંતુ, બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર અર્થાત ભગવાન શિવ, અશ્વિનીકુમારો, સૂર્ય, અગ્નિ, અષ્ટવસુ, વાયુ, વિશ્વદેવ, ઋષિગણ, મનુષ્ય, પશુ-પક્ષી અને સરિસૃપ વગેરે સમસ્ત લોકોને તૃપ્તિ મળે છે. જો મનુષ્યએ પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સાથે પિતૃઓનુ શ્રાદ્ધ કર્મ કર્યું હોય તો પિતૃઓ તૃપ્ત થઈને તે મનુષ્યને દીર્ઘાયુ, સંતાન સુખ, યશ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ સુખ ધન અને ધાન્યથી સમૃદ્ધ કરે છે અને મનુષ્યનાં જીવનમાં સુખની નવી દિશા ખોલી આપે છે. આપણી સંસ્કૃતિમાં શ્રાદ્ધ કરવાનું ખૂબ મહત્વ છે. પરંતુ જીવતાં માતા-પિતાને જો આપણે સુખી ન રાખ્યાં હોય તો તેમના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરવાનો કે કાગવાસ નાંખવાનો કોઈ અર્થ રહેતો નથી. ઘણાં સંતાનો એવાં પણ હોય છે કે માતા પિતા જ્યારે જીવતા હોય ત્યારે તેમને સરખી રીતે તેઓ રાખતાં હોતાં નથી. બાળકોનાં અણછાજતાં વર્તનનાં કારણે માતા-પિતાનું લાગણીઓ દુભાય છે અને જે બાળકો માતા પિતાની લાગણીઓને દુભાવે છે તેવા સંતાનોને ઈશ્વર ક્યારેય માફ નથી કરતા, તમે તમારા જીવનમાં ગમે તેટલાં સત્કર્મો કરતા હોય પરંતુ જો તમારા માતા પિતાને સરખી રીતે નહી સાચવો તેમની માન-મર્યાદા, સેવા-ચાકરી નહી કરો તો તમે કરેલા સઘળા સત્કર્મોનું પરિણામ શૂન્ય છે. જીવતા જેને તમે ન સાચવી શક્યા તેમના મૃત્યુ બાદ તેમનુ શ્રાદ્ધ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. શ્રાધ્ધ પક્ષમાં ભારે શ્રધ્ધા અને ભકિતપૂર્વક પિતૃતર્પણની શાસ્ત્રોક્ત અને નૈતિક ફરજ અદા કરી પિતૃઓના આશીર્વાદ અને કૃપા પામવાનો આ રૂડો અવસર છે, તેથી પિતૃઓને પ્રસન્ન કરો.

Related posts

નારણપુરાના વેપારી સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઈ

aapnugujarat

વ્યસન મુક્તિ કેન્દ્રોની સંખ્યામાં ગુજરાતનો નંબર દેશમાં છેલ્લો

aapnugujarat

पशु की वजह से दुर्घटना होने पर मालिकों के विरूद्ध अपराध दर्ज होगा : पुलिस कमिश्नर द्वारा कड़ी कार्रवाई का आदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1