Aapnu Gujarat
બ્લોગ

દુનિયાનો સૌથી મોટો બેનંબરી કારોબાર ચાઇલ્ડ ટ્રાફિકિંગ

સમાજમાં આપણે ભલે ગમે એટલી ચોખલિયાપણાની વાતો કરીએ, પરંતુ એક હકીકત છે કે આપણા દેશમાં આજે ચાઇલ્ડ ટ્રાફિકિંગનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે.એક અંદાજ અનુસાર આ સમસ્યા માત્ર આપણા દેશ પૂરતી જ સીમિત છે એવું નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ આજે અનહદપણે વધી રહ્યું છે. દુનિયામાં દર વર્ષે બે લાખ કરતાં વધુ બાળકો ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બને છે, જેમાંથી એક તૃતીયાંશ બાળકો ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશોનાં હોય છે.એક બીજા ચોંકાવનારા અંદાજ અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચાઈલ્ડ ટ્રાફિકિંગ દ્વારા થતા વૈશ્વિક બિઝનેસનો વ્યાપ અંદાજે ૧પ.પ અબજ ડોલરનો છે. ભારતમાં દર વર્ષે સરેરાશ એક લાખથી વધુ બાળકો ગુમ થાય છે અને સરેરાશ જોઇએ તો ર૭૦ જેટલી છોકરીઓ અને મહિલાઓ પણ ગુમ થાય છે.ગુમ થનારાં બાળકોમાં છોકરીઓની સંખ્યા ૬૦ ટકાથી વધુ હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આજે પોર્ન ઇન્ડસ્ટ્રી ખાસ કરીને અમેરિકામાં એક ધીકતો ધંધો બની ગઇ છે, એમાં પણ વિકૃત લોકોને ચાઇલ્ડ પોનોગ્રાફીનું એક વરવું વ્યસન અને વળગણ થઇ ગયું છે.માનવ તસ્કરીમાં સંગઠિત-ગેરકાયદે વ્યાપાર એટલી ઝડપથી ફેલાઇ રહ્યો છે કે ભારતને એશિયામાં માનવ તસ્કરીના મુખ્ય કેન્દ્ર તરીકે માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ ચાઈલ્ડ ટ્રાફિકિંગની બાબતમાં કડક વલણ અપનાવ્યું છે, પરંતુ આપણે ત્યાં સરકારના પક્ષે ગુમ થતાં બાળકોની સમસ્યાઓ અંગે ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે.ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગેના કાયદા અને ગાઇડ લાઇન્સનું કડકપણે પાલન કરવામાં આવતું નથી. ભારતનાં કેટલાંક પછાત રાજ્યમાં બાળકો અને ખાસ કરીને છોકરીઓની તસ્કરી કરતા એજન્ટ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગરીબ તેમજ મજબૂર માતા-પિતાને તેમનાં સંતાનો વેચવાની ફરજ પાડી રહ્યા છે.દેશના અન્ય રાજ્યો- શહેરોની માફક ગુજરાત અને સુરતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ હોવાનુ નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્યમંત્રી વિજય રૃપાણી અને રાજ્યપાલ ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં સુરત ખાતેના એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ. તેમણે મુખ્યમંત્રી અને રાજ્યપાલને રાજ્યના વિકાસને આ બુરાઇથી મુક્ત કરાવવા અપીલ કરી હતી. દેશના જુદા- જુદા રાજ્યો- શહેરોમાં બાળમજૂરી, ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ પ્રવર્તી રહ્યુ છે. દેશમાં બાળ અપરાધના કિસ્સા વધ્યા છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ પ્રમાણે, ગુજરાતમાં આ પ્રકારના કિસ્સા વધ્યા નથી, તે સારી વાત છે. પરંતુ, આમછતા બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકીંગનુ દૂષણ છે તે એક હકિકત છે. જે દૂર કરવા માટે સરકાર, વેપાર જગત, સામાજિક-ર્ ર્ધામિક સંગઠનો સૌના સહિયારા પ્રયત્નો જરૃરી છે.
આ પ્રકારના કિસ્સામાં કેસ વર્ષો સુધી ચાલે છે. ઘણાં રાજ્યોમા તો ૯૯-૧૦૦ વર્ષથી પણ વધુ થઇ જાય છે. ગુજરાતમાં પણ આ પ્રકારના કેસમાં લાંબો સમય નીકળી જાય છે. કેસનો ઝડપથી નિકાલ થાય તે માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની માફક નેશનલ ચાઇલ્ડ ટ્રીબ્યુનલ બનાવવાની જરૂર છે. વધુમાં જણાવ્યુ હતુ કે, આ પ્રકારના કેસમાં આરોપીને તો, સજા થઇ જાય છે પરંતુ, પીડીત તથા તેના પરિવારને સામાજિક- કૌશલ્યમાં રાહત મળતી નથી. તે માટે પૂરતુ બજેટ ફાળવાવુ જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો બાળકો માટે ફંડ એલોકેશન કરે છે પરંતુ, તે ખૂબ ઓછુ છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળશોષણ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ અટકાવવા માટે ખાસ કાનૂન બિલ તૈયાર કરવામા આવી રહ્યુ છે. જે હવે પછીના લોકસભા સત્રમાં રજૂ થઇ શકે છે. જેને તમામ પક્ષ- વિપક્ષે જવાબદારી પૂર્વક મહિલાઓ- બાળકોના હિતમાં પસાર કરાવવુ જોઇએ. ડો. કૈલાશ સત્યાર્થીએ ગુજરાત અને સુરતમાં બાળમજૂરી- ચાઇલ્ડ ટ્રાફિકિંગ અંગેના કરેલા નિવેદન સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, બાળકો બાળમજૂરીથી મુક્ત થાય અને તેને તેમને તેનુ બાળપણ પાછુ મળે તે માટે સરકાર કટિબધ્ધ છે. બાળકોને સુરક્ષા મળી રહે તે માટે બાળ સુરક્ષા અને બાળ આરોગ્ય વિભાગ કાર્ય કરી જ રહ્યુ છે. આમછતા ખાતરી આપુ છે કે જ્યાં પણ આવશ્યકતા પડશે ત્યાં પગલા ભરવા સરકાર કટિબધ્ધ છે.ગેરકાયદે હથિયારોની હેરાફેરી, ડ્રગ્સની હેરાફેરી બાદ દુનિયાનો સૌથી મોટો કોઇ બેનંબરી કારોબાર હોય તો તે છે ચાઇલ્ડ ટ્રાફિકિંગ.હૈતીના આ બાળકો કદાચ નસીબદાર હશે કે તેમને વેંચી દેવામાં આવે તે પહેલા તેમના દલાલો પોલીસના હાથે પકડાઇ ગયા અને આ બાળકોનું જીવન બચી ગયું. પરંતુ ચાઇલ્ડ ટ્રાફિકિંગ જેવા હિચકારા કૃત્યનો ભોગ બનતા દુનિયાના (ખાસ તો એશિયાના) અન્ય બાળકો કદાચ એટલા નસીબદાર નહીં હોય. દરવર્ષે દુનિયામાં લાખોની સંખ્યામાં બાળકો ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બને છે. આ હલકા કૃત્યનું એક વ્યવસ્થિત નેટવર્ક પણ ચાલે છે અને ક્યારેક ક્યારેક અલ્પ માત્રામાં તે પ્રકાશમાં આવે છે.ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બનતા બાળકોને મહદઅંશે સેક્સના ગોરખધંધામાં ધકેલી દેવામાં આવે છે કારણકે જાતિય સંતોષ માણવા માટે ઘણા લોકો બાળકોની માંગ કરતા હોય છે. આ બાળકોની માંગ ઘણીવાર પુરૂષો ઉપરાંત સ્ત્રીઓ પણ કરતી હોય છે. આ ઉપરાંત પોર્નોગ્રાફિક ફિલ્મ ઉતારવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં આ બાળકોને ગુલામોની જેમ વેંચી દેવામાં આવે છે અને તેમની પાસે કાળી મજૂરી કરાવાય છે. આ ઉપરાંત ભીખ મંગાવવી, શરીરના અંગો વેચી દેવા જેવા કિસ્સાઓની પાછળ પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે.ફિલ્મ સ્લમડોગ મિલિયોનરની વાર્તા કદાચ આપને યાદ હશે જેમાં કઇ રીતે અનાથ બાળકોને આંખો ફોડીને ભીખ માંગવાના ધંધામાં સંડોવી દેવાય છે તેમજ કઇ રીતે તેમની પાસે કાળી મજૂરી કરાવાય છે. બાળકોની આવી અવદશા ફિલ્મ પેજ થ્રીમાં પણ બતાવવામાં આવી હતી જેમાં ફિલ્મનું એક પાત્ર પોતાના વિદેશી મિત્રો સાથે મળીને કામવાસના સંતોષવા બાળકોનો ઉપયોગ કરતું હોય છે અને આ બાળકો તેની પત્ની દ્વારા ચલાવાતા અનાથઆશ્રમમાંથી લવાયેલા હોય છે. ફિલ્મોમાં જે પરિસ્થિતિ બતાવાય છે તેના કરતા પણ હકિકત કદાચ વધારે ગંભીર હશે પરંતુ તેની કોઇ અધિકૃત માહિતી આપણી પાસે ઉપલબ્ધ નથી.હાઇવે પરના ઢાબાઓમાં, ચાની કિટલી પર કામ કરતા, સિગ્નલો પર ભીખ માંગતા બાળકોને પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો શિકાર કહી શકાય. હમણા સુધી ગલ્ફ દેશોમાં યોજાતી ઉટોની રેસમાં પણ બાળકોનો ઉપયોગ જોકી તરીકે કરવામાં આવતો હતો અને તેના માટે પણ ભારત, બાંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાંથી બાળકો લઇ જવામાં આવતા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા અનુસાર,ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે બાળકોને કામ પર રાખવા, તેમની હેરાફેરી કરવી, તેમનું શોષણ કરવાના હેતુ સાથે તેમને આશરો આપવો. તેમાં બાળકો પાસે કરાવાતી વેશ્યાવૃત્તિ, ગુલામી અથવા તે પ્રકારે લેવામાં આવતું કામ, તેમના અંગોનો વેપાર કરવો, તેમને મજૂરી કરવા ફરજ પાડવી, જાતિય શોષણ કરવા જેવી બાબતો પણ સમાવિષ્ટ છે.ચાઇલ્ડ ટ્રાફિકિંગ પાછળ સામાજિક ઉપરાંત આર્થિક તત્વો પણ એટલાજ જવાબદાર છે. તેનું મુખ્ય કારણ ગરીબી માનવામાં આવે છે આમ પણ ભારતમાં ગરીબીને કારણે પોતાનુ સંતાન વેંચી દેતા મા-બાપના કિસ્સા અવારનવાર માધ્યમોમાં ચમક્યા કરે છે. ગરીબી ઉપરાંત ફેમિલી બ્રેક-અપ, બેકારી, કુશળતાનો અભાવ, ઓછું શિક્ષણ જેવી બાબતો પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ માટે જવાબદાર છે. આ બધામાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનું જો સૌથી મોટું કોઇ કારણ હોય તો તે છે ગરીબી.પ્રવાસન ઉદ્યોગ જ્યાં વિકસ્યો હોય ત્યાં પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગનું દુષણ વધુ હોય છે. જેમ વેશ્યાવૃત્તિ માટે સ્થાનિક તત્વો ભાગ ભજવે છે તેજ બાબત ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં કામ કરે છે. આ ઉપરાંત જે દેશ અથવા પ્રાંતમાં હિંસાચારનું પ્રમાણ વધારે હોય, ગરીબ અર્થતંત્ર અને તેમાય કુદરતી આપત્તિઓ આવે ત્યારે પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગને વેગ મળે છે કારણકે આવા સંજોગોમાં બાળકોની હેરફેર કરવી સરળ બને છે.ખાસતો ગરીબ મા-બાપોને પોતાના બાળકોને સારી રોજગારી આપવામાં આવશે અને તેના દ્વારા તેમનું જીવનધોરણ સુધરશે તેવા દિવાસ્વપ્નો બતાવાય છે. તેમજ બંધિયા મજૂરો, ઘરકામ માટે, ખેતમજૂર, કન્સ્ટ્રક્શન વર્ક, કાર્પેટ ઉદ્યોગ, માછીમારી જેવા ઉદ્યોગો અને સસ્તી મજૂરી માટે પણ બાળકોની માંગ ખુબ મોટી હોય છે. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી માટે પણ બાળકોનો ઉપયોગ કરાય છે.ચાઇલ્ડ ટ્રાફિકિંગની કોઇ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી શકતી. યુનાઇટેડ સ્ટેટ કોંગ્રેસના અંદાજ મુજબ દરવર્ષે દસથી વીસ લાખ લોકોનું ગેરકાયદે સ્થળાંતર કરવામાં આવે છે જેમાંથી ૫૦૦૦૦થી વધુ લોકો અમેરિકામાં આવતા હોય છે. જ્યારે ચાઇલ્ડ ટ્રાફિકિંગ અંગે યુનાઇટેડ નેશન્સનું માનવું છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં ફક્ત એશિયા ખંડમાંજ ત્રણ કરોડ બાળકો અને મહિલાઓને વેશ્યાવૃત્તિના ધંધા માટે ગેરકાયદે રીતે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.મેકોંગ દેશો (જ્યાંથી મેકોંગ નદી પસાર થાય છે જેવાકે થાઇલેન્ડ, કંબોડિયા)ના ચાઇલ્ડ ટ્રાફિકિંગ અંગેના રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે એકલા થાઇલેન્ડમાં ૧૬૪૨૩ જેટલી વિદેશી વેશ્યાઓ દેહવ્યાપાર સાથે સંકળાયેલી છે અને તેમાની ત્રીસ ટકા જેટલીતો અઢાર વર્ષથી નીચેની વય ધરાવે છે. ૧૯૯૦થી ૧૯૯૭ સુધી ૮૦૦૦૦ જેટલી મહિલાઓ અને બાળકો થાઇ/મ્યાનમાર બોર્ડર પ્રાંતમાં વેશ્યાવૃત્તિ માટે લાવવામાં આવ્યા હતા.યુનિસેફ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ દક્ષિણ એશિયાની સરકારોએ આપેલા આંકડા મુજબ દરવર્ષે પાંચથી સાત હજાર નેપાળી છોકરીઓને ભારતમાં ગેરકાયદે રીતે લાવવામાં આવે છે અને તેમાની મોટાભાગની છોકરીઓને દિલ્હી, મુંબઇ જેવા શહેરોમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. આ આંકડાઓ મોટાભાગે અંદાજો આધારિત હોય છે અને તેની ગણતરી કરવાની કોઇ વ્યવસ્થિત પદ્ધતિ ન હોવાને કારણે આ દુષણમાં કેટલા બાળકો હોમાય છે તેનો કોઇ ચોક્કસ આંકડો મેળવી શકાતો નથી. દુનિયામાં ઘણા બેનંબરી ધંધા ચાલે છે જેમાં સૌથી ટોચ પર હથિયારોની હેરાફેરી, ડ્રગ્સની હેરાફેરી અને ત્યારબાદ ચાઇલ્ડ ટ્રાફિકિંગ આવે છે. જોકે, દુખદ બાબત એ છે કે દુનિયાના તમામ દેશોની સરકાર તેના વિશે જાણતી હોવા છતાં તેને રોકી શકવામાં સફળ રહી નથી. એલટીટીઇ જેવા લશ્કરી સંગઠનોમાં તો બાળકોને પણ આત્મઘાતી બોમ્બર બનવાવી તાલિમ આપવામાં આવી હોવાના અહેવાલો થોડા સમય પહેલા આવ્યા હતા આ ઉપરાંત પેલેસ્ટાઇનમાં પણ બાળકોને નાનપણથીજ હાથમાં રમકડાને બદલે હથિયારો થમાવી દેવામાં આવે છે. આમ, ચાઇલ્ડ ટ્રાફિકિંગનો એક મોટો ઉદ્દેશ તેમનો લડાયક ઉપયોગ કરવામાં પણ થાય છે.મીડિયામાં અવારનવાર ઘરકામ માટે રાખવામાં આવેલા બાળકો પર પાશવી અત્યાચારો થયાના અહેવાલો આવતા રહે છે જેમાં ઘણીવાર સેલેબ્રિટીઝ પણ સામેલ હોય છે. વધુમાં ચાની કિટલી પર કામ કરતા કે હાઇવે પરના ઢાબામાં કાળી મજૂરી કરતા બાળકોને જોઇને આપણને ક્યારેય કોઇ લાગણી નથી થતી જાણે કે તે રોજબરોજના જીવનનો હિસ્સોજ ન હોય !

Related posts

પ્રાણાયામ અંગે વૈજ્ઞાનિક સંશોધન

aapnugujarat

વર્ષો બાદ ગુજરાતમાં વાઘની હાજરી

aapnugujarat

વિશ્વમાં ઘટી રહી છે હિન્દુઓની વસતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1