Aapnu Gujarat
બ્લોગ

ફોરેન્સિક સાયન્સની કમાલ

ગુના સંશોધનનું કામ ટેકનોલોજીને કારણે કેટલીક હદે સરળ થઇ ગયું છે.ક્રાઇમ સીન પરનાં પુરાવાઓ મોટાભાગે તો ગુનેગારનું પગેરૂ દર્શાવી આપતા હોય છે અને આ પગેરૂ શોધવાનું કામ ફોરેન્સિક સાયન્સે વધારે સરળ બનાવ્યું છે.આમ તો પોલીસની કામગિરી ગુનેગારને તેના અંજામ સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે પણ આજે જે કેટલીક હત્યાઓની ચર્ચા કરવામાં આવી છે તેમાં ફોરેન્સિક સાયન્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.
૧૭૫૧માં હેન્લીમાં મેરી બ્લાન્ડી નામની મહિલા એક સ્કોટીશ ઓફિસર વિલિયમ હેન્રી ક્રેન્સ્ટોમ સાથે લગ્ન કરવા માંગતી હતી પણ પ્રોબ્લેમ એ હતો કે તેને પત્ની અને સંતાનો હતા અને તે તેમને છેહ આપવા માંગતો ન હતો.જ્યારે આ વાતની જાણ મેરીનાં પિતા ફ્રાંસિસ બ્લેન્ડીને થઇ ત્યારે તેમણે આ લગ્નનો ઇન્કાર કરી દીધો.જો કે ક્રેન્સ્ટોને મેરીને એક પદાર્થ આપ્યો અને જણાવ્યું કે તે તેના પિતાનાં ભોજનમાં તે ભેળવી દે.ફ્રાંસિસ બ્લેન્ડીની હત્યા એ ફોરેન્સિક ટોકસીકોલોજીનાં પ્રારંભિક કેસોમાંનો એક હતો જેણે આ મોત એક હત્યા હોવાનું પુરવાર કર્યુ હતું.ત્યારે માર્સ ટેસ્ટનો હજી આરંભ થયો ન હતો જેને શરૂ થવામાં હજી એક દાયકાની વાર હતી.અંગ્રેજ ફીઝીશ્યન એન્થની એડિંગ્ટને આ કેસ પર કામ કર્યુ હતું.જેણે વિવિધ ટેસ્ટ કરીને એ સફેદ પાવડર ઝેર હોવાનું જણાવ્યું હતું અને તેના નિષ્ણાંતોએ તેના પરિણામોનો સ્વીકાર કર્યો હતો.મેરીએ તે પાવડર ઉપયોગ કર્યાનું કબૂલ કર્યુ હતું.જો કે તેણે દાવો કર્યો હતો કે તે માનતી હતી કે તે પદાર્થ હાનિકારક નથી અને તે માત્ર પોતાના પિતાને રાજી કરવા માંગતી હતી.તેને દોષી જાહેર કરવામાં આવી હતી અને ૧૭૫૨માં તેને ફાંસીએ લટકાવી દેવામાં આવી હતી.ક્રેન્સ્ટોન ફરાર થઇ ગયો હતો પણ તે જ વર્ષે તેનું મોત થયું હતું.
લોહી ફોરેન્સિક સાયન્સમાં અગત્યનું પુરવાર થાય છે.૧૯૦૧માં જર્મન બેકટેરીયોલોજીસ્ટ પોલ ઉલેનહુથે લોહીનાં સેમ્પલનો ઉપયોગ કર્યો હતો અને એક હત્યારાને તેનાં અંજામ સુધી પહોંચાડવાનું કામ કર્યુ હતું.૧ જુલાઇ ૧૯૦૧માં જર્મનીનાં ગોહરેનનાં જંગલોમાં છ અને આઠ વર્ષનાં બાળકો ગુમ થયા હતા.બીજા દિવસે તેમનાં મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યા હતા.આવી જ એક ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી જેમાં એક ખેડુતો તેના સાત ઘેટાઓને મારીને તેમનાં અંગોને જુદા કરતા એક વ્યક્તિને જોયો હતો.શંકાની સોય ત્યારે લુડવિગ ટેસ્નો નામનાં એક કાર્પેન્ટર પર તકાઇ હતી.પોલીસને તેને ત્યાંથી કપડા મળ્યા હતા જેના પર કેટલાક શંકાસ્પદ ડાઘા મળી આવ્યા હતા.જો કે લુડવિગે તે તે ડાઘા વુડ ડાયનાં હોવાનું જણાવ્યું હતું.જો કે ખેડુતે તેની ઓળખ કરી હતી.મેજિસ્ટ્રેટને પણ પાસેનાં ગામમાં બે બાળકીઓનાં મોતની ઘટનાં યાદ આવી હતી અને અહીં પણ શંકા લુડવિગ પર જ કરાઇ હતી.તંત્રને તે હત્યારો હોવાનો પુરો વિશ્વાસ હતો પણ તેની વિરૂદ્ધ કોઇ પાક્કા પુરાવા ન હતા પણ પોલ ઉલેનહુથની કામગિરી ત્યારે મહત્વની પુરવાર થઇ હતી જેમાં એ વાત સાબિત થઇ હતી કે જે ડાઘા હતા તે ડાયનાં નહી પણ મનુષ્યનાં લોહીનાં હતા.ફોરેન્સિક સાયન્સની કામગિરીને પરિણામે લુડવિગ ફાંસીનાં માંચડે પહોચ્યો હતો.
ફોરેન્સિક ટોકસિકોલોજીમાં ડો.વિલિયમ વિલકોકસની કામગિરી લેન્ડમાર્ક માનવામાં આવે છે જેમણે ઝેરની માત્રા માપવા માટેની પદ્ધતિ વિકસાવી હતી.તેમણે પોતાની આ ટેકનિકનો ઉપયોગ સૌપ્રથમ ૧૯૧૧માં કર્યો હતો.એલિઝા બેરો નામનાં એક વ્યક્તિની હત્યા કરાઇ હતી અને આરોપી તરીકે ફ્રેડરિક સેડોનનું નામ ઉપસ્યુ હતું જે તેનો પાડોશી હતો.પહેલા તો તેણે ફ્રેડરિક પાસે તેની તમામ બચત અને તેના શેર તેના નામે કરાવી લેવાનું કામ કર્યુ હતું.થોડા જ મહિનાઓ બાદ એલિઝા બેરો માંદી પડી હતી અને ત્યારબાદ મોતને ભેટી હતી.સેડોને તેને બહુ ઉતાવળે દફનાવી દીધી હતી.જો કે તેની આ ઉતાવળને કારણે તેના પર શંકા ઉપજી હતી એલિઝાનાં સંબંધીઓએ પણ તંત્રને અરજ કરી હતીકે આ કેસની તપાસ કરવામાં આવે.તેના મૃતદેહનું પરિક્ષણ ડો.વિલકોકસે કર્યુ હતું.તેમનાં સહાયક તરીકે ત્યારે બર્નાડ સ્પીલ્સબરીએ કામ કર્યુ હતું જે પાછળથી બહુ જાણીતા પેથોલોજીસ્ટ બન્યા હતા અને દેશનાં જાણીતા હત્યાકેસોમાં તેમની કામગિરી બહુમુલ્ય રહી હતી.તેમણે એ સાબિત કર્યુ હતું કે એલિઝાને ઝેર આપવામાં આવ્યું હતું.આ ઝેર તેને ફલાયપેપરમાંથી મળી આવ્યું હતું જે ભારે માત્રામાં તેણે એલિઝાનાં મોત પહેલા ખરીદ્યા હતા.
એડમંડ લોકાર્ડને ફ્રાંસનાં શેરલોક હોમ્સ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી જેમણે ગુનાશોધનનાં પ્રારંભિક ગાળામાં કામગિરી બજાવી હતી.આજે તેમને તેમનાં એકસચેન્જ પ્રિન્સીપલને કારણે યાદ કરવામાં આવે છે.તે માનતા હતાં કે દરેક ગુનેગાર કોઇને કોઇ સુરાગ તેની પાછળ છોડતો જ હોય છે.તેમણે પોતાનાં આ સિદ્ધાંતને એક કરતા વધારે વખત પુરવાર કર્યો હતો.જેમાં સૌથી જાણીતો કેસ હતો ૧૯૧૨નો મેરી લેટલી હત્યાકાંડ.
મેરી તેનાં માતાપિતાનાં લ્યોનનાં ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.પોલીસને તેના બોયફ્રેન્ડ એમિલ ગુર્બીન પર શંકા હતી.જો કે તેણે પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે અસંખ્ય સાક્ષીઓ તૈયાર કર્યા હતા જેમણે જણાવ્યું હતું કે ગુર્બીન મોડી રાત સુધી તેમની સાથે પત્તા રમતો હતો.તેની વિરૂદ્ધ કોઇ પુરાવા ન હતા.જો કે ત્યારે લોકાર્ડે તેમનાં સિદ્ધાંતને પુરવાર કર્યો હતો.તેમણે વિચાર્યુ કે જો ગુર્બીને મેરીનું ગળુ દબાવ્યું હશે તો તેનાં હાથનો સંપર્ક જરૂર થયો હશે.તેમણે ગુર્બીનનાં નખ મેળવ્યા હતા જો કે તેના નખમાંથી જે ટીશ્યુ મળ્યા હતા તેનાથી તે મેરીનાં હોવાનું સાબિત કરવું અશક્ય હતું.જો કે લોકાર્ડે તેનાં નખમાંથી જે પદાર્થ મળી આવ્યો હતો તેનું વિશ્લેષણ કર્યુ ત્યારે જણાયું કે વેનેશિયન રેડ હતું જે ફેસ પાઉડરમાં વપરાય છે પણ ત્યારે તે વસ્તુ બહુ રેર કેસમાં વપરાતી હતી અને તેમણે એ મેરી માટે તૈયાર કરી હોવાનું ડ્રગીસ્ટે જણાવ્યુ હતું.ત્યારબાદ ગુર્બીને પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.તેણે પોતાનાં મિત્રોને ભારે માત્રામાં દારૂ પિવડાવ્યો હતો અને ઘડિયાલને ઘણાં કલાકો આગળ સેટ કરી હતી જેથી તે પોતાના મિત્રોને વિશ્વાસ અપાવી શકે કે તે તેમની સાથે મોડી રાત સુધી હતો અને દારૂનો નશો હોવાને કારણે મિત્રોને પણ તે તેમની સાથે હોવાનું લાગ્યુ હતું જો કે તેઓ દારૂનાં નશામાં બેહોશ થઇ ગયા ત્યારે ગુર્બીને પોતાની ગર્લફ્રેન્ડની હત્યાને અંજામ આપ્યો હતો.
૧૯૭૧નાં નીલ લાફેવેની હત્યામાં વોઇસપ્રિન્ટ વિશ્લેષણે મહત્વની ભૂમિકા ભજવી હતી.લાફાવે તેનાં ૩૨માં જન્મદિને માર્યો ગયો હતો.વિસ્કોન્સીનનાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં તેનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો.તેનું માથું જો કે નજીકમાં જ મળી આવ્યું હતું જેમાં .૨૨ની બે ગોળીઓએ છેદ કરી દીધો હતો.તપાસકર્તાઓએ જ્યારે તપાસનો આરંભ કર્યો ત્યારે જણાયું કે લાફાવે શિકારીઓ તરફ રોષ ધરાવતો હતો અને તેમની સાથે સખ્તાઇથી વર્તતો હતો.તપાસકર્તાઓએ એ તમામ વ્યક્તિઓની પુછપરછ કરી જેમની લાફાવેએ ધરપકડ કરી હતી.તે તમામનો પોલીગ્રાફ ટેસ્ટ કરાયો હતો.જો કે ૨૧ વર્ષનાં બ્રાયન હુસોંગે તે ટેસ્ટનો ઇન્કાર કર્યો હતો.તપાસકર્તાઓએ હુસોંગનાં ફોન ટેપ કરવાની પરવાનગી મેળવી હતી અને તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી.હુસોંગે પોતાની દાદીને ફોન કર્યો હતો જેણે જણાવ્યું હતું કે તેની પિસ્તોલને તેમણે સારી રીતે સંતાડી દીધી છે.પોલીસે તેનાં ઘરની તલાશી લીધી હતી જ્યાંથી તે ગન મળી આવી હતી.આ ગનથી જ લાફાવેની હત્યા કરાઇ હતી.હુસોંગે ત્યારે અદાલતમાં જણાવ્યું હતું કે ફોનમાં જે અવાજ છે તે તેનો નથી.પોલીસે ટેપ કરાયેલો વાર્તાલાપ મિશિગન વોઇસ આઇડેન્ટીફિકેશન યુનિટને મોકલ્યો હતો જેમણે એ અવાજ હુસોંગનો હોવાનું જણાવ્યું હતું.આ કેસમાં હુસોંગ અને તેની દાદી બંનેને સજા કરાઇ હતી.
ફોરેન્સિક એન્થ્રોપોલોજી દાયકાઓ જ નહી સદીઓ જુના ગુનાઓ અંગે માહિતી આપી શકે છે.વેલ્સમાં સ્વેન્સીની ગુફાઓમાંથી કંકાળ મળી આવ્યું હતું.તેના હાડકાઓ ત્યારે કાર્ડિફની ફોરેન્સિક લેબોરેટરીમાં લાવવામાં આવ્યા હતા.જેમણે એ હાડકાઓને જોડીને પુરૂ માળખુ તૈયાર કર્યુ હતું.તેનાં મસ્તક અને જાંઘનો ભાગ જણાવતો હતો કે મરનાર મહિલા હતી.તેના હાડકાઓની લંબાઇથી તે ૫.૪ ફુટની હોવાનું જણાતું હતું.એકસરે અને તેની ડહાપણની દાઢ તેની ઉંમર ૨૦થી ૨૮ વર્ષની હોવાનું જણાવતી હતી.વાળનાં બહુ બારીક કણો મળ્યા હતા પણ તે બ્રાઉન કલરનાં હોવાની ચાડી ખાતા હતા.જો કે તેનાં મોતનું કારણ જણાતું ન હતું.તેનાં હાથમાં એક વેડિંગ રિંગ મળી આવી હતી જેનાં હોલમાર્ક પરથી ખબર પડી કે તે ૧૯૧૮ની હતી.તપાસકર્તાઓને તે મહિલા ચાલીસ વર્ષ પહેલા મોતને ભેટી હોવાનું લાગતું હતું.જો કે મોટાભાગનો રેકોર્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાશ પામ્યો હતો પણ તેમ છતાં તેમણે પોતાની પુછપુરછ ચાલુ રાખી હતી.તેમની એ તપાસ રંગ લાવી હતી.કેટલાક લોકોએ મેમી સ્ટુઅર્ટ નામની કોરસ ગર્લ ગુમ થયાની વાત કરી હતી.લોકોએ તેનું જે વર્ણન કર્યુ હતું તે પેલા કંકાલને હુબહુ ફીટ બેસતું હતું.તે ૧૯૨૦માં ગુમ થઇ હતી અને તેના ગુમ થયા પાછળ તેના પતિનો હાથ હોવાની શંકા હતી પણ મેમીનો મૃતદેહ હાથ લાગ્યો નહી હોવાને કારણે છુટી ગયો હતો.જે ૧૯૫૮માં મોતને ભેટ્યો હતો.
૭ ઓગસ્ટ ૧૯૬૭માં પંદર વર્ષની લિંડા પીકોક સ્કોટીશ ટાઉન બિગારમાં મૃત હાલતમાં મળી આવી હતી.તેના શરીર પર મારનાં નિશાન મળ્યા હતા અને તેનું ગળું ટુંપી દેવાયું હતું તેની છાતી પર પણ બચકા ભરાયાની નિશાની મળી આવી હતી.તપાસકર્તાઓએ લગભગ ૨૯ લોકોને શંકાસ્પદ ગણાવ્યા હતા.જો કે તેમણે ત્યારે વોરેન હાર્વે નામનાં દંતસ્પેશિયાલિસ્ટની મદદ લીધી હતી.વોરને લગભગ ચારસો કલાકનો સમય લીધો હતો.ઝીણવટભર્યા પરિક્ષણો બાદ તે દાંતનાં નિશાન ૧૭ વર્ષનાં ગોર્ડન હેનાં હોવાનું જણાયું હતું.તેનાં દાંતમાં ક્ષતિ હતી અને તેના કારણે જ લિંડાની છાતી પર જે નિશાન મળ્યા હતાં તે અલગ પ્રકારનાં હતા.હાર્વેએ પાંચ કલાક અદાલતમાં હાજરી આપી હતી અને પોતાના પરિક્ષણો અંગે માહિતી આપી હતી અને તે દાંતનાં નિશાન ગોર્ડનનાં હોવાનું જણાવ્યું હતું.તેમની વાતનો અદાલતે સ્વીકાર કર્યો હતો અને ગોર્ડનને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.બ્રિટનમાં આ પ્રકારે સજા કરવાનો આ પ્રથમ કેસ હતો.
બેલેસ્ટીકે તેની મહત્તા ૨૦૦ વર્ષથી પુરવાર કરી છે.૧૭૯૪માં લેંકેશાયરમાં એડવર્ડ કુલશોની હત્યા થઇ હતી અને શંકા ૧૮ વર્ષનાં જહોન ટોમ્સ પર કરાઇ હતી.ટોમ્સ પાસે હત્યાનું કારણ હતું અને સાથે જ પિસ્તોલ પણ હતી.કુલશોનાં પોસ્ટમોર્ટમમાં પેપરનો ટુકડો મળ્યો હતો.આ પેપર પિસ્તોલમાં વપરાયો હોવાનું તપાસકર્તાઓને લાગ્યું હતું.આ ટુકડો સોંગ શીટમાંથી ફાડવામાં આવ્યો હતો.જ્યારે ટોમ્સની ધરપકડ કરાઇ ત્યારે તેનાં ખિસ્સામાંથી એ શીટ મળી આવી હતી.આટલા પુરાવાએ ટોમ્સને ફાંસીનાં માંચડા પર પહોચાડ્યો હતો.
હાલની ગુનાશોધન પદ્ધતિમાં ડીઅનએ ઐતિહાસિક પુરવાર થયું છે.લોહીનું નાનામાં નાનુ ટીપું કે નાનાં વાળનો ટુકડો અપરાધીને જેલનાં સળિયા પાછળ ધકેલવામાં મહત્વના પુરવાર થાય છે.એક કરતા વધારે વખત ડીએનએ પરિક્ષણે સફળતા હાંસલ કરી છે.દાયકાઓથી આ પદ્ધતિએ સફળતાનો આંક ઉંચો રાખ્યો છે.૧૯૭૩માં દક્ષિણ વેલ્સમાં આવેલ લિન્ડાર્સીનાં જંગલમાં ત્રણ છોકરીઓ મૃત હાલતમાં મળી આવી હતી જેના પર બળાત્કાર ગુજારાયો હતો.મીડિયાએ ત્યારે હત્યારાને સેટરડે નાઇટ સ્ટ્રેંગલરનું નામ આપ્યું હતું.પોલીસે લગભગ ૨૦૦ વ્યક્તિઓની તપાસ કરી હતી પણ અપરાધીને પકડવામાં સફળતા મળી ન હતી.તપાસકર્તાઓને હત્યારાનાં વીર્યનાં નમુના મળ્યા હતા.જો કે ૧૯૭૦નાં ગાળામાં તે પુરતો પુરાવો ન હતો.ફોરેન્સીક સાયન્ટીસ્ટોએ ત્યારે નેશનલ ડીએનએ ડેટાબેઝ તપાસવાનો પ્રયાસ કર્યો હતો.જો કે ત્યાં પણ તેમને કશું પ્રાપ્ત થયું ન હતું.જો કે તેમને પોલ કુપમેન નામનાં કારચોરની સાથે તેનાં ડીએનએ મેચ કરતા હોવાનું જણાયું હતું. જોકે આ વાત મહત્વની સાબિત થઇ હતી કારણકે તેના પિતા જોસેફ કેપેનની શંકાસ્પદ તરીકે પુછપરછ કરાઇ હતી.૧૯૯૦માં જોસેફ કેન્સરનાં કારણે મોતને ભેટ્યો હતો.ત્યારે તેના વીર્યનાં નમુનાને મેચ કરાયો હતો અને તે તેનું જ હોવાનું બહાર આવ્યું હતું.જો કે જોસેફને ક્યારેય હત્યારો ગણવામાં આવ્યો ન હતો તેના મોત બાદ તો તંત્રએ એ કેસને પણ કલોઝ કરી દીધો હતો.
હત્યારો કોણ છે તેની જાણ હોવી અને તેને પુરવાર કરવું બંને અલગ બાબત છે.૧૯૦૮માં જર્મન ઓથોરિટીએ માર્ગારેટ ફિલ્બર્ટનાં હત્યારાને દોષી પુરવાર કર્યો હતો અને આ માટે જીઓ ફોરેન્સિકનો ઉપયોગ કરાયો હતો જે જર્યોજ પોપ નામનાં વૈજ્ઞાનિકે વિકસાવી હતી.ફિલ્બર્ટની માથા વિનાની લાશ ૩૦ મેએ બવારિયાનાં ખીણ વિસ્તારમાં આવેલા ફોલ્કેન્સ્ટાઇનનાં ખેતરમાં મળી આવી હતી.ત્યારે શંકા એન્ડ્રીયાસ શ્લીચર નામનાં ખેડુત પર કરાઇ હતી.પોલીસને તેના કપડા પર લોહીનાં ડાઘ મળ્યા હતા તેના નખમાંથી પણ લોહીનાં અંશ મળ્યા હતા.જો કે આટલી વાત તેને ગુનેગાર સાબિત કરવા માટે પુરતી ન હતી.પોલીસે જ્યારે વિસ્તારની તલાશ કરી ત્યારે નજીકનાં અવાવરૂ કિલ્લામાંથી તેની રાયફલ, દારૂગોળો અને પેન્ટની જોડ મળી આવી હતી.તપાસ દરમિયાન જણાયું હતું કે શ્લીચરની પત્નીએ તેના બુટ સાફ કર્યા હતા.શ્લીચરે પોતે ક્રાઇમ સીન પર હાજર હોવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે પોતાના ખેતરમાં આંટો મારવા ગયો હતો.જો કે પોપે તેની વાત ખોટી હોવાનું પુરવાર કર્યુ હતું.તેમણે ત્રણેય જગ્યાઓની માટીનાં નમુના મેળવીને જણાવ્યું હતું કે ત્રણેય જગ્યાની માટી અલગ અલગ પ્રકારની હતી.જ્યાં હત્યા થઇ હતી તે જમીન રેડ સેન્ડસ્ટોન ધરાવતી હતી.જ્યારે કિલ્લામાં જે માટી હતી તેમાં કોલસા અને ઇંટનાં નમુના હતા જ્યારે તેના ખેતરની જમીન અલગ જ તત્વો ધરાવતી હતી.પોપે જ્યારે તેના જુતાનું પરિક્ષણ કર્યુ ત્યારે તેને ક્રાઇમ સીન અને કિલ્લાની જમીનનાં અંશ મળ્યા હતા પણ તેના ખેતરની જમીનનાં અંશ મળ્યા ન હતા.તેની તપાસ દરમિયાન મૃત ફિલ્બર્ટનાં સ્કર્ટનાં રેસા મળી આવ્યા હતા.શ્લીચર દોષી ઠર્યો હતો.

Related posts

EVENING TWEET

aapnugujarat

દાઉદ ઈબ્રાહિમ હજુ દૂર છે

aapnugujarat

નીટ – ઝીની પરીક્ષા બેવાર : ફાયદો વધારે કે નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1