Aapnu Gujarat
બ્લોગ

નિતીન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા વચ્ચે થઈ બબાલ, મામલો ગયો મુખ્યમંત્રી રૂપાણી પાસે?

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલએ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના સંબંધોમાં લાંબા સમયથી ખટાશ આવી ગઈ છે, પણ તાજેતરમાં એક ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટરની બદલીના મામલે નિતીન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા સામ-સામે આવી ગયા હતા. આખરે મામલો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચતા તેમણે વચલો રસ્તો કાઢી ઈન્સપેક્ટરની બદલી કરી દેવા પ્રદિપસિંહ જાડેજાને કહ્યુ હતું.
ઘટનાની શરૂઆત તા. ૨૩ જુન ૨૦૧૮થી થઈ હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને કોર્ટ તરફથી મળતા સમન્સ અને વોરંટમાં એક સમન્સ મહેસાણા તાલુકાના ભાજપના પ્રમુખ પ્રહલાદ પટેલનું પણ હતું. પ્રહલાદ પટેલ મહેસાણા તાલુકા ભાજપના પ્રમુખ હોવાને કારણે સ્થાનિક પોલીસ તેમને ઓળખતી પણ હતી. કોર્ટ ડ્યુટીમાં રહેલા હેડ કોન્સ્ટેબલ પ્રહલાદ પટેલને ફોન કરી જાણ કરી હતી કે તમારૂ એક વોરંટ મહેસાણા કોર્ટમાંથી નિકળ્યુ છે તો તમે કોર્ટમાં હાજર થઈ વોરંટ રદ કરાવી લો. પ્રહલાદ પટેલ સામે ચેક રીર્ટન થવાના કેસ સહિત અને ગુના કોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ ચાલી રહ્યા છે.
પ્રહલાદ પટેલને પોલીસનો ફોન આવ્યા બાદ તેમણે કોર્ટમાં જઈ વોરંટ રદ કરાવવાને બદલે તેઓ સીધા પોલીસ સ્ટેશન આવી ગયા હતા. પ્રહલાદ પટેલ સામે વોરંટ હોવાને કારણે તેઓ સામે ચાલી પોલીસ સ્ટેશન આવી જતા હવે પોલીસ માટે તેમને કોર્ટમાં રજુ કરી દેવા જરૂરી બન્યુ હતું. હેડ કોન્સ્ટેબલ દ્વારા આ અંગે ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર બારોટને જાણ કરતા તેમણે પણ સલાહ આપી હતી કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લાગેલા છે. આ સંજોગોમાં હવે તેઓ સામે ચાલી પોલીસ સ્ટેશન આવી ગયા છે તો કોર્ટમાં રજુ કરી દો.
આથી એક હેડ કોન્સ્ટેબલ અને પ્રહલાદ પટેલ કોર્ટમાં ગયા હતા, પણ મેજીસ્ટ્રેટ ઘરે જતા રહ્યા હોવાને કારણે પોલીસ તેમને મેજીસ્ટ્રેટના ઘરે લઈ ગઈ હતી. વર્ષોથી પ્રહલાદ પટેલ સામે સમન્સ નિકળી રહ્યા હતા અને કેસ પેન્ડીંગ હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર થતાં ન્હોતા, જેના કારણે મેજીસ્ટ્રેટ દ્વારા નારાજગી વ્યક્ત કરી ફરિયાદીના નિકળતા સાડા સાત લાખ ચુકવી દેવા જોઈએ તેવી ટકોર કરી હતી, પણ આ વખતે ત્યાં હાજર પ્રહલાદ પટેલના વકીલે મેજીસ્ટ્રેટ સામે દલિલો શરૂ કરતા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રહલાદ પટેલને મહેસાણા જેલમાં મોકલી દેવા આદેશ આપ્યો હતો.
જેલમાં ગયાના બે દિવસ બાદ પ્રહલાદ પટેલ જામીન ઉપર છુટ્યા હતા અને તેઓ ત્યાંથી પોતાના કાર્યકરો સાથે સીધા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પાસે ગયા હતા, તેમણે રજુઆત કરી કે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બારોટે તેમને જેલમાં ધકેલી દીધા હતા. જો પોલીસ ભાજપના નેતાઓને પુરી દેશે તો પ્રજા ભાજપને શુ કામ મત આપશે, તેમની ધરપકડ થઈ હોવાને કારણે તેમના વિસ્તારના લોકો હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપશે નહીં. ત્યાર બાદ નિતીન પટેલે કાર્યકર્તાઓની હાજરમાં જ ડીજીપી શીવાનંદ ઝાને ફોન ઈન્સપેક્ટર બારોટની તાત્કાલીક બદલી કરવા આદેશ આપ્યો હતો.
નિતીન પટેલના ફોન બાદ ઈન્સપેક્ટર બારોટની તરત આઈબી ગાંધીનગરમાં બદલીનો આદેશ પણ થઈ ગયો હતો. પરંતુ આ પ્રકરણની મહેસાણા ડીએસપીના જાણકારીમાં હોવાને કારણે તેમણે તરત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને મહેસાણા તાલુકા પોલીસના સીસીટીવી ફુટેઝ પણ મોકલી આપ્યા હતા. જેમાં પ્રહલાદ પટેલ સામે ચાલી મોટર સાયકલ ઉપર પોલીસ સ્ટેશન આવે છે, પોલીસે તેમની સાથે કોઈ દુરવ્યવહાર પણ કર્યો ન્હોતો.
ડીએસપીની રજુઆત બાદ પ્રદિપસિંહ જાડેજાએ ડીએસપીને આદેશ આપ્યો હતો કે ઈન્સપેકટર બારોટને મહેસાણાથી છુટા કરવા નહીં. આમ બારોટની બદલી ઉપર પ્રદિપસિંહે રોક લગાવી હતી, જેના કારણે નિતીન પટેલ નારાજ થયા હતા. તેમણે પ્રદિપસિંહને કહ્યુ હતું કે તાત્કાલીક બારોટને છુટા કરી આઈબીમાં મોકલી આપવામાં આવે, પરંતુ પ્રદિપસિંહની દલીલ હતી કે મહેસાણા પોલીસે કોર્ટના આદેશ પ્રમાણે જ કામ કર્યુ છે, કોઈ રાજકિય કિન્નાખોરી રાખી પગલુ લીધુ હોય તેવુ નથી. પોલીસ સ્ટેશન આવી ગયેલા પ્રહલાદ પટેલને કોર્ટમાં રજુ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન્હોતો.
આ ઉપરાંત પ્રહલાદ પટેલને જેલમાં મોકલી આપવાનો આદેશ કોર્ટનો હતો જેમાં પોલીસ કંઈ જ કરી શકે તેમ ન્હોતી. છતાં નિતીન પટેલે પોતાની મમત પકડી રાખી અને વિજય રૂપાણી સામે રજુઆત કરી હતી કે તેઓ નાયબ મુખ્યમંત્રી હોવા છતાં પ્રદિપસિંહ તેમનો આદેશ માનતા હતા. આખરે રૂપાણી દ્વારા આ મામલે અહમનો ટકરાવ કરવાને બદલે બારોટે મહેસાણામાંથી ખસેડી દેવાનું કહ્યુ હતું. પોલીસ ઉપર ક્યા પ્રકારના રાજકિય દબાણ હોય છે અને રાજકારણીઓ કઈ રીતે પોલીસ તંત્રની હાલત કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે, પણ આ ઘટના પછી મહેસાણા પોલીસે વોરંટ બજવણી બંધ કરી દીધી હોવાની જાણકારી મળી છે.

Related posts

શ્રી કૃષ્ણ – એક અવતારી પુરૂષ

aapnugujarat

૧૦ પૈકી ૬ અમેરિકી સેક્સ કરતા ઉંઘવાનું પસંદ કરે છે : રિપોર્ટ

aapnugujarat

અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1