Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામ-NRC ડ્રાફ્ટને લઈ સંસદમાં હોબાળો

આસામમાં આજે જારી કરવામાં આવેલા નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાફ્ટ ઉપર રાજકીય ઘમસાણ મચી ગયું છે. તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ યાદીમાં ૪૦ લાખ લોકોના બહાર હોવાને લઇને રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો જેના પરિણામ સ્વરુપે કાર્યવાહી બે વખત મોકુફ કરવાની ફરજ પડી હતી. લોકસભામાં પણ વિપક્ષી સભ્યોએ ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં નિવેદન આપીને કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર ધાંધલ ધમાલ કરવાની જરૂર નથી. જેનું પણ નામ ડ્રાફ્ટમાં નથી તેને દાવા કરવા માટે પુરતી તક મળશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, જે ડ્રાફ્ટ છે તે અંતિમ નથી. ત્યારબાદ પણ દાવા કરવામાં આવી શકે છે. જે લોકોને લાગે છે કે, તેમનું નામ આમા હોવું જોઇએ તે એનઆરસીમાં દાવા કરી શકે છે. આ દાવાને કેટલા દિવસમાં નિકાલ કરી દેવામાં આવશે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. જો કોઇ આનાથી પણ સંતુષ્ટ થતાં નથી તો તે ફોરેનર્સ ટ્રાઇબ્યુનલમાં અરજી કરી શકે છે. કોઇને કોઇ જગ્યાએ ન્યાય ચોક્કસપણે મળશે. તેઓ ગૃહમાં અપીલ કરવા માંગે છે કે, આમા તમામ લોકો સહકાર આપે જરૂરી છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ છે. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા ઉપર ધાંધલ ધમાલ યોગ્ય નથી. લોકસભામાં ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમંત્રીના જવાબથી અસંતુષ્ટ સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ મુદ્દા પર કહ્યું હતું કે, કેટલાક લોકો કોઇપણ કારણ વગર આ યાદીના આધાર પર માહોલ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સંપૂર્ણપણે નિષ્પક્ષ રિપોર્ટ છે. કોઇપણ ભ્રામક માહિતી આપવામાં આવી નથી. આ કોઇ ફાઇનલ લિસ્ટ નથી. માત્ર ડ્રાફ્ટ છે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ નાગરિકતા માટે અપીલ કરી હતી જેમાંથી ૨૮૯૩૮૬૭૭ લોકોએ યોગ્ય ગણવામાં આવ્યા બાદ તેમને નાગરિકતા આપવામાં આવી છે. આ અગાઉ ટીએમસી સાંસદ સૌગત રોયે એનઆરસી રિપોર્ટને લઇને લોકસભામાં સ્થગન પ્રસ્તાવની વાત કરી હતી. ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ ટીએમસીના સાંસદ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તૃણમુલ સાંસદ આને લઇને શાંત થયા ન હતા. ધાંધલ ધમાલ જારી રહી હતી. ત્યારબાદ રાજ્યસભાની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુએ પણ ડ્રાફ્ટને લઇને રાજકીય ઘમસાણ વચ્ચે કહ્યું હતું કે, સરકાર કોઇની સાથે અન્યાય થવા દેશે નહીં. એનઆરસી ઉપર ધાંધલ ધમાલ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જવાની બાબત યોગ્ય નથી.

લિસ્ટમાં નથી તે નાગરિકોના ભાવિને લઇ ચર્ચા છેડાઈ
આસામમાં નેશનલ રજિસ્ટ્રર ઓફ સિટિઝન માટે ફાઇનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ આને લઇને રાજકીય હોબાળો મચી ગયો છે. આ ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકોના નામ નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થઇ રહ્યો છે કે, આશરે આ ૪૦ લાખ લોકોનું શું થશે. અલબત્ત આ ફાઈનલ લિસ્ટ નથી પરંતુ ડ્રાફ્ટ છે. જે લોકોના નામ આમા સામેલ નથી તેવો આના માટે દાવો કરી શકે છે છતાં આને લઇને આસામમાં તંગદિલીની સ્થિતિ છે. નવા નેશનલ સિટિઝન રજિસ્ટ્રારમાં આસામમાં રહેતા તમામ ભારતીય લોકોના નામ, સરનામા અને ફોટાઓ છે. આ પ્રથમ વખત છે જ્યારે વિસ્તારમાં ગેરકાયદેરીતે રહેતા લોકોના સંદર્ભમાં માહિતી જારી કરવામાં આવી રહી છે. દેશમાં લાગૂ નાગરિકતાના કાયદાથી થોડોક અલગરીતે રાજ્યમાં અસમ અકાર્ડ ૧૯૮૫ લાગૂ છે. તેના કહેવા મુજબ ૨૪મી માર્ચ ૧૯૭૧ની અડધી રાત સુધી પ્રદેશમાં પ્રવેશ કરનાર લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા માટે ૩૨૯૯૧૩૮૦ લોકોએ અરજી કરી હતી જે પૈકી ૨૮૯૩૮૬૭૭ને નાગરિકતા માટે લાયક ગણવામાં આવ્યા છે. જે ૪૦ લાખ લોકોના નામ યાદીમાં નથી તેમની પાસે હજુ પણ ક્લેઇમ કરવાની તક છે. એનઆરસીના કો-ઓર્ડીનેટરનું કહેવું છે કે, આ યાદીના આધાર પર કોઇપણ નાગરિકને હાલમાં અટકાયતી સેન્ટરમાં મોકલવામાં આવનાર નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, અંતિમ ડ્રાફ્ટ આવ્યા બાદ જે લોકોના નામ એનઆરસીમાં નથી તેમના ભાવિનું શું થશે. આજે રાજનાથસિંહે આ સંદર્ભમાં ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં પારદર્શકતા દર્શાવવામાં આવશે. એનઆરસી લિસ્ટને લઇને અડચણો દેખાઈ રહી છે. તમામ બાબતો સુપ્રીમ કોર્ટના દેખરેખમાં ચાલી રહી છે. જે લોકોને લાગે છે કે, તેમના નામ અંદર હોવા જોઇએ તેમને સામેલ કરવામાં આવી શકે છે.
રજિસ્ટ્રાર જનરલ શૈલેષે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આ લિસ્ટ અંતિમ નથી. ક્લેઇમ અને વાંધાઓની નોંધણી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ લોકોના મતાધિકારને લઇને પણ પ્રશ્નો ઉઠશે. આ ૪૦ લાખ લોકો મતદાન કરી શકશે કે કેમ તે સંદર્ભમાં અંતિમ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે. ક્લેઇમ કરવાની તક આપવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટથી લઇને ૨૮મી સપ્ટેમ્બર સુધી દાવા કરી શકાય છે. સમગ્ર સુનાવણી બાદ આનો નિકાલ કરવામાં આવશે. આસામમાં રહેલા અરજીદારો હેલ્પલાઈન નંબર ૧૫૧૦૭ પર કોઇપણ સમયે કોલ કરી શકે છે. યાદીમાં એવા લોકોને પણ સામેલ કરવામાં આવશે જે લોકોના વંશજ દેશની પ્રથમ વસ્તીગણતરી ૧૯૫૧માં સામેલ હતા. આસામમાં ગેરકાયદેરીતે રહેતા બાંગ્લાદેશીઓનો મામલો ખુબ જટિલ મુદ્દો રહ્યો છે. આને લઇને કેટલાક મોટા હિંસક આંદોલન પણ થઇ ચુક્યા છે. આસામના મુળ નાગરિકોએ તર્ક આપ્યું છે કે, ગેરકાયદેરીતે આવીને અહીં રહેતા લોકો તેમના અધિકારો મેળવી રહ્યા છે. ૮૦ દશકમાં આને લઇને સ્ટુડન્ટ મુવમેન્ટ હાથ ધરાયું હતું. ત્યારબાદ આસામ ગણપરિષદ અને તત્કાલિન રાજીવ ગાંધી સરકાર વચ્ચે સમજૂતિ થઇ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૯૭૧ સુધી જે પણ બાંગ્લાદેશી આસામમાં ઘુસ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે. બાકીના લોકોને દેશ નિકાલ કરી દેવામાં આવશે. અંતિમ ડ્રાફ્ટ આવ્યા બાદ જે લોકોના નામ નથી તેમના ભાવિને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. તેમને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન થઇ રહ્યો છે.

૪૦ લાખ લોકોનાં નામ નહીં હોવાથી મમતા લાલઘૂમ
આસામમાં જારી નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઈનલ ડ્રાફ્ટ ઉપર રાજકીય ઘમસાણની સ્થિતિ મચી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યાદીમાંથી ૪૦ લાખ લોકોના નામ નહીં હોવાને લઇને કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું છે કે, આ સંદર્ભમાં નિષ્પક્ષતા સાથે તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના નિષ્પક્ષતા સાથે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાના મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, કેટલાક સમુદાય અને ભાષા વિષયકના લોકોને બિનજરૂરીરીતે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ બાંગ્લા કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ પણ છે છતાં પણ લિસ્ટમાં લોકોના નામ નથી. સરનેમ જોઇને લોકોના નામ એનઆરસીમાંથી દૂર કરવામાં આવી ચુક્યા છે. સરકાર બળજબરીપૂર્વક લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે ઇચ્છુક છે. મમતાએ કહ્યું હતું કે, સિટિઝન રજિસ્ટરની યાદીથી બંગાળી લોકો પ્રભાવિત થશે. મમતાએ કહ્યું હતું કે જે ૪૦ લાખ લોકોના નામ યાદીમાં નથી તે ક્યાં જશે. સરકાર પાસે તેમના પુનઃવસવાટ માટે કોઇ પ્રોગ્રામ છે કે કેમ. છેલ્લે બંગાળને જ આની કિંમત ચુકવવી પડશે. ભાજપની વોટ પોલિટિક્સ આની પાછળ રહેલી છે. આમા સુધારા કરવામાં આવે તે જરૂરી છે.
મમતાએ કેન્દ્ર સરકાર ઉપર બંગાળીઓ સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, આસામમાં રહેનાર બાંગ્લાભાષી લોકોને અને ખાસ કરીને બાંગ્લા ભાષા બોલતા આસામમાં રહેનાર લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ લોકો રોહિગ્યા નથી પરંતુ આ દેશના છે. તે લોકો પણ ભારતીય છે. મમતાએ કહ્યું હતું કે, આવા સંવેદનશીલ મુદ્દા ઉપર રાજનીતિ કરવી જોઇએ નહીં. કેન્દ્રની નીતિ વિભાજિત કરવાની રહી છે.

Related posts

2028 तक भारत बन सकता है ‘सोलर पावर सिस्टम’ में महाशक्ति

aapnugujarat

सोनभद्र मामला : छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल का BJP पर पलटवार, हमने तो नहीं रोका था

aapnugujarat

सीमा विवाद के मामले में चीन से बात करेंगे डोभाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1