Aapnu Gujarat
બ્લોગ

ભાજપ શિવસેના વચ્ચે ભંગાણ

જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે ભાજપે હિન્દુત્વને આગળ ધરીને પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે પ્રયાસો અદાર્યા હતા અને વાજપેયીની આગેવાનીમાં એનડીએની સરકાર કેન્દ્રમાં ેબની પણ હતી.જો કે ત્યારબાદ ફરી એકવાર યુપીએનાં હાથમાં સત્તાનાં સુત્રો આવ્યા ત્યારે ભાજપે ગુજરાતનાં તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આગળ કર્યા હતા અને ચુંટણીમાં ભારે બહુમતિ હાંસલ કરી હતી.જ્યારે મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે અને તે પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના મજબૂત હતી અને ત્યારે બાલાસાહેબ ઠાકરેનાં એક ઇશારે આખુ મહારાષ્ટ્ર થંભી જતું હતું.તોફાનોમાં શિવસેનાનું નામ આવવું કે બાબરી મસ્જિદનો ધ્વંશ થવો બધામાં ઠાકરે ડંકાની ચોટ પર કહેતા કે તેમના શિવસૈનિકોનું કામ છે અને ત્યારે મહારાષ્ટ્રમાં જ નહિ દેશમાં હિન્દુત્વનાં પ્રતિક તરીકે તેમની ઓળખ હતી આ જ કારણે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ચાલતા હતા જ્યારે કોંગ્રેસ અને એનસીપી તેમની વિરૂદ્ધ રહેતા હતા.જો કે જે આન બાન શાન ઠાકરેનાં સમયે હતી તે આન બાન શાનનો તેમનાં અવસાન બાદ જાણે કે અંત આવ્યો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે અલગ થયા જો કે ભાજપે તો શિવસેના સાથે જોડાણ ચાલુ રાખ્યું હતું અને આ પરિસ્થિતિનો લાભ પણ ઉઠાવ્યો અને ચુંટણીમાં ભાજપનો દેખાવ શાનદાર રહ્યો હતો જેના પરિણામે મહારાષ્ટ્રમાં તેમની સત્તા સ્થપાઇ હતી ત્યારે શિવસેનાને કદાચ ભાન થયું કે ભાજપ સાથે રહીને આખરે તો તેમને જ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને આ કારણે જ સત્તામાં ભાગીદાર હોવા છતાં શિવસેનાએ ભાજપનો વિરોધ કરવાનું ચાલુ કર્યુ હતું. એનસીપી અને કોંગ્રેસ કરતા પણ પ્રબળ વિરોધ અનેકવાર શિવસેના દ્વારા કરાયો હતો હવે જ્યારે આગામી સમયમાં ચુંટણીનો ડંકો વાગવાનો છે ત્યારે હવે શિવસેનાએ ધોકો પછાડીને ભાજપથી અલગ થવાની જાહેરાત કરી છે તેમાંય તેમણે અવિશ્વાસની દરખાસ્ત સમયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ હતું અને પહેલા સાથ આપવાની વાત કર્યા બાદ તેમણે અલગ રહેવાનું પસંદ કર્યુ હતું.હાલમાં અમિતશાહે પણ પોતાના કાર્યકરોને એકલા હાથે ચુંટણીની તૈયારીઓમાં લાગી જવાની હાકલ કરી છે.
આખરે અવિશ્વાસ દરખાસ્તનું પરિણામ આવ્યું છે ખરું. કદાચ આ જ ઇરાદો હતો. એનડીએમાં કેટલા તડાં પડી શકે છે અને વિપક્ષો કઇ હદે એક થઈ શકે છે તેનો ટેસ્ટ લોકસભામાં કરવાનો હતો. આ ટેસ્ટમાં વિપક્ષ ખાસ સફળ થયું નથી, કેમ કે તેમની સંખ્યા માત્ર ૧૨૬ સુધી જ પહોંચી. સામે હતો તોતિંગ ૩૨૫નો એનડીએનો આંકડો. પરંતુ બે પક્ષોના વલણ એકદમ સ્પષ્ટ થયા છે – બીજુ જનતા દળ અને શિવસેના. બીજુ જનતા દળ હજી પણ વિપક્ષની સાથે, મહાગઠનબંધમાં બેસવા તૈયાર નથી. તે પોતાના પત્તા ખુલ્લા રાખવા માગે છે. બીજી બાજુ શિવસેનાએ પોતાના પત્તા હવે ખુલ્લા કરી નાખ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં હવે ચમત્કાર થાય તો જ બંને પક્ષો વચ્ચે સમાધાન થાય.
રવિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ મુંબઈમાં હતા. ભાજપના નેતાઓ સાથે તેમણે બંધ બારણે બેઠક કરી હતી. લોકસભાની આગામી ચૂંટણી એકલા હાથે લડવાની છે અને શિવસેના સાથે સમજૂતિ થવાની નથી એવો અણસાર તેમણે આ બેઠકમાં આપી દીધાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરે તે સંજોગોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવાની છે. તેવા સંજોગોમાં પણ ભાજપ બરાબર ટક્કર આપી શકે તે માટે દરેક વોર્ડમાં પાંચ પાંચ કાર્યકરોને સક્રીય કરી દેવાનો કાર્યક્રમ તેમણે અત્યારથી પક્ષના સંગઠનને આપી દીધાનું કહેવાય છે.
અવિશ્વાસની દરખાસ્ત વખતે હવે શિવસેના માટે વલણ સ્પષ્ટ કરવું જરૂરી હતું. તે રાજ્યમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકારમાં ભાગીદાર છે, પણ તેનું વલણ વિપક્ષ કરતાંય આકરું રહ્યું છે. સતત મહારાષ્ટ્ર ભાજપ સરકારની અને નરેન્દ્ર મોદી સરકારની શિવસેનાએ ટીકા કરી છે. પણ પોતાના પ્રધાનોને સરકારમાંથી પાછા બોલાવ્યા નથી. તેથી અવિશ્વાસ દરખાસ્તના આગલા દિવસે જાહેરાત થઈ કે શિવસેના ભાજપને ટેકો આપશે ત્યારે નવાઈ લાગી નહોતી. અમિત શાહે ફોન પર ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને સમર્થન આપવાનું નક્કી થયું છે તેના સમાચારો સહજ લાગ્યા હતા. પરંતુ તે પછી શિવસેનાએ મોડી સાંજે ધડાકો કર્યો. સેનાએ જાહેરાત કરી કે તે ભાજપ સરકારને ટેકો આપશે નહિ. વિપક્ષ સાથે પણ નહિ બેસે, પરંતુ લોકસભામાં ગેરહાજર રહેશે.
જાણકારો કહે છે કે, શિવસેનાના દિલ્હીમાં બેઠેલા સાંસદોમાં ભાજપે ફાચર મારી છે. કેટલાકને ખાનગીમાં પોતાની તરફેણમાં કરી લીધા છે. પક્ષના ૧૮ સાંસદોને વ્હીપ અપાઇ ગયો કે ભાજપની તરફેણ કરીને અવિશ્વાસની દરખાસ્તનો વિરોધ કરવાનો છે. પરંતુ વ્હીપ અપાયો તે સાથે જ મુંબઈમાં બેઠેલા ઉદ્ધવ ઠાકરે ચોંક્યા હતા. કેમ કે આવો કોઈ નિર્ણય લેવાયો નહોતો તેમ જાણકારો કહે છે. તેના કારણે શંકા એ ઊભી થઈ હતી કે કોણ આવા ખેલ કરી રહ્યું છે.
શિવસેનાને ભાજપ પર અવિશ્વાસ થાય તેનું આ પહેલું કારણ નહોતું. લોકસભાની ચૂંટણી પછી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૪માં આવી ત્યારે ૨૫ વર્ષ પછી બંને પક્ષનું ગઠબંધન તૂટી ગયું હતું. તે વખતે ભાજપને અંદાજ આવી ગયો હતો કે એકલા હાથે ચૂંટણી લડવાથી ફાયદો છે. તેથી સમજૂતિ માટે અને બેઠકોની માગણીમાં એવી રીતે જીદ પકડવામાં આવી હતી કે શિવસેના તૈયાર ના થાય અને ભાજપ એકલે હાથે ચૂંટણી લડી શકે. પહેલો ઝટકો એ હતો. લોકસભામાં ભાજપે વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. ૪૮માંથી ૨૪ પર. શિવસેનાને ૨૦ બેઠકો અપાઇ હતી, જ્યારે ચાર બેઠકો આરપીઆઈ સહિતના નાના સાથી પક્ષોને આપવામાં આવી હતી. બંને પક્ષોએ સારો દેખાવ કર્યો, સેનાને ૧૮ બેઠકો મળી, જ્યારે ભાજપ માત્ર એક જ બેઠક હારીને ૨૩ પર જીતી ગયો હતો. તેના કારણે હવે વિધાનસભામાં ભાજપે વધારે બેઠકો માગી હતી. ૧૪૪ બેઠકોની માગણી ભાજપે કરી હતી. ચર્ચા બાદ ૧૩૦ બેઠકો સુધીની તેની તૈયારી હતી, પણ શિવસેનાએ છેલ્લે ૧૧૯ બેઠકો આપવાનું કહ્યું. ૧૮ બેઠકો ચાર નાના સાથી પક્ષો માટે છોડવાની તૈયારી બતાવી. આ રીતે સેના પોતે ૧૫૧ બેઠક પર લડવા માગતું હતું. પ્રાદેશિક પક્ષ તરીકે અને બે દાયકાથી સિનિયર સાથી તરીકે વધારે બેઠકોનો દાવો સેનાએ કર્યો, પણ આત્મવિશ્વાસથી ભરપુર ભાજપે તક જોઈને ગઠબંધન તોડી નાખ્યું. ભાજપે ૨૬૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા. સેનાએ ૨૮૨. પરિણામો આવ્યા પછી ચિત્ર બદલાઈ ગયું. ૨૬૦માંથી ભાજપ ૧૨૨ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બની ગયો હતો. સેના માત્ર ૬૩ બેઠકો જીતી શક્યું હતું. મહારાષ્ટ્રમાં હવે મોટો ભાઈ ભાજપ હતો.
શિવસેનાના અગત્યના ગણાતા નેતા સુરેશ પ્રભુને પણ ભાજપે નવેમ્બર ૨૦૧૪માં આવકાર્યા અને રેલવે જેવું વજનદાર ખાતું આપી દીધું હતું. શિવસેનાના અગત્યના ગણાતા સુરેશ પ્રભુને જોકે સેનાએ સાઇડલાઇન કરી નાખ્યા હતા તે જુદી વાત છે. વાજપેયીની એનડીએ સરકારમાં શિવસેનાના સાંસદ તરીકે તેઓ પ્રધાન બન્યા હતા, પણ મોદીની એનડીએ સરકારમાં શિવસેનાએ તેમનું નામ પ્રધાન તરીકે આપ્યું નહોતું. નરેન્દ્ર મોદીએ મોકો જોઈને સુરેશ પ્રભુને ભાજપમાં જોડાઈ જવાનું કહ્યું.
સેનાને ખ્યાલ આવી ગયો હતો કે ભાજપ હવે મહારાષ્ટ્રમાં મુખ્ય પક્ષ બનીને શિવસેનાને માત્ર નાના સાથી તરીકે જ રાખવાના મૂડમાં છે. તેથી રાજ્યની સરકારમાં ભાગીદારી છતાં સેના સતત ભાજપનો વિરોધ કરતી આવી છે. પરંતુ ભાજપ સ્ટ્રેટેજિક કારણોસર સેનાને છોડવા માગતી નથી. કારણ કે હિન્દુત્વની કોર આઇડોલોજીમાં દાયકાઓ સુધી સાથ આપનાર સેના ભાજપને વિમાસણમાં મૂકી શકે છે. તેથી બહુ મજબૂત કારણ મળે ત્યારે જ ભાજપ સેનાને છોડે.
તેવું કારણ હવે ભાજપને મળ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન ના આપ્યું, ત્યાં સુધી બરાબર છે, પણ બીજા દિવસે રાહુલ ગાંધીના વખાણ કર્યા અને રાહુલ ગાંધી ચર્ચામાં અને વડાપ્રધાનને ભેટીને છવાઇ ગયા છે તેવા વખાણ પણ કરવામાં આવ્યા. ભાજપ તો કસાઇ છે એવા શબ્દો પણ પક્ષના મુખપત્ર સામનામાં છાપવામાં આવ્યા. સેનાના નેતા રાઉતે રાહુલ ગાંધીના વખાણ કર્યા, એટલું જ નહિ, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા તે માત્ર જપ્પી નહોતી, પણ ઝટકો હતો એવું પણ કહ્યું.
રાહુલ ગાંધી નફરત અને નિંદા સામે પ્રેમ અને લાગણીના સંદેશ તરીકે વડાપ્રધાનને લોકસભામાં જ ભેટી પડ્યા તેનાથી ભાજપના નેતા ભારે અકળાયા છે. રાહુલ ગાંધીએ છોકરમત કરી છે તેવું સાબિત કરવા માટે મથી રહેલા ભાજપના નેતાઓ માટે પોતાના જ સાથી પક્ષ સેનાના વખાણ વધારે અકળાવનારા છે.

Related posts

અમદાવાદનું કર્ણાવતી : ભવ્ય ભૂતકાળ અને ચમકદાર વર્તમાન

aapnugujarat

હાલ નોકરીની જગ્યાઓ પર મહિલામાં ક્વીન બી સિંડ્રોમ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1