Aapnu Gujarat
ગુજરાત

વીએસ હોસ્પિટલનું ઓડિટોરિયમ ગોડાઉનમાં ફેરવાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની એક સમયે સમગ્ર રાજ્યમાં અને રાજ્ય બહારના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ભારે પ્રતિષ્ઠા હતી, જોકે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલની પ્રતિષ્ઠા એક યા બીજા કારણસર જોખમાઇ રહી છે. અલબત્ત, વી.એસ.હોસ્પિટલને હાઇટેક અને હેલિપેડ સાથે અત્યાધુનિક બનાવાઇ રહી છે પરંતુ તેમછતાં હજુ તંત્રની બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરની ઐતિહાસિક ધરોહર સમાન વી.એસ.હોસ્પિટલના ઓડિટોરિયમનો ગોડાઉન તરીકે ઉપયોગ થઇ રહ્યો હોવાની વિગતો સામે આવતાં ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર મામલે મેયરનું ધ્યાન દોરવામાં આવતાં તેમણે આ અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે છેક ડિસેમ્બર-૧૯૩૧માં વી.એસ. હોસ્પિટલની સ્થાપના કરાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ વર્ષ ૧૯૩૩માં વી.એસ. હોસ્પિટલની મુલાકાત લઇને ભારે પ્રભાવિત થયા હતા. વી.એસ. હોસ્પિટલ પરિસરમાં લગભગ આ જ સમયગાળામાં આ ઓડિટોરિયમ બનાવાયું છે. એક સમયે વી.એસ. હોસ્પિટલનું ઓડિટોરિયમ અનેકવિધ સેમિનાર સહિતના કાર્યક્રમોથી ગાજતું હતું. દેશભરના અનેક નામાંકિત ડોકટરોએ આ ઓડિટોરિયમમાં હાજર રહી પોતાના જ્ઞાન-કૌશલ્યથી સૌને વાકેફ કર્યા હતા. વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના વિવિધ આયોજન હેતુ પણ ઓડિટોરિયમ મહત્ત્વપૂર્ણ હતું. પરંતુ રૂ.૬૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન નવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના એક પ્રકારે સમગ્ર વી.એસ. હોસ્પિટલ કોરાણે મૂકી દેવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તાજેતરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને હેરિટેજ સિટી રથયાત્રા જાહેર કરનાર શાસકો પણ વી.એસ. હોસ્પિટલ તરફ ઉપેક્ષા દાખવતા હોય તેમ સ્ટોરરૂમમાં ફેરવાયેલા ઓડિટોરિયમને જોતાં લાગે છે. વી.એસ. હોસ્પિટલના ઓડિટોરિયમને તંત્રના આર્કિટેક્ટ દ્વારા ભયજનક જાહેર કરાયું છે એટલે ખરેખર તો ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વના ઓડિટોરિયમનું રિપેરિંગ કરવાની જરૂર છે. તેના બદલે ઓડિટોરિયમમાં સ્ટ્રેચર, ટ્રોલી, ખુરશી વગેરે ખડકીને તેને સ્ટોરરૂમ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. વરસાદની સિઝનમાં ઓડિટોરિયમની છત ગળતી હોઇ અંદરનો સામાન પલળી રહ્યો છે. તેમ છતાં તંત્રની એવી વાહિયાત દલીલ છે કે, જો ઓડિટોરિયમમાં સામાન ન મૂકીને બહાર મૂકીએ તો મચ્છરોનો ઉપદ્રવ ફેલાઇ શકે છે. બીજી તરફ તંત્રને એનએચએલ મેડિકલ કોલેજમાં બનાવાયેલા ઓડિટોરિયમના કારણે આ ઓડિટોરિયમની કોઇ પરવા નથી. જો કે, સૂત્રોનું માનવું છે કે, વાસ્તવમાં નવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ કરોડોના ખર્ચે અત્યાધુનિક ઓડિટોરિયમ આકાર પામી રહ્યું હોઇ સ્વાભાવિક રીતે વી.એસ. હોસ્પિટલના સત્તાવાળાઓને વર્ષોજૂના ઓડિટોરિયમના રિપેરિંગની દરકાર નથી. ખરેખર તો હેરિટેજ પ્રકારના આ ઓડિટોરિયમને રિપેર કરી તેને ભાવિ પેઢી માટે એક યાદગાર ઇમારત બનાવવાની જરૂર છે. આ અંગે મેયરના હોદ્દાની રૂએ વી.એસ. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરપર્સન બીજલબહેન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વી.એસ. હોસ્પિટલના બંધ પડેલ ઓડિટોરિયમનો જો તંત્ર દ્વારા સ્ટોરરૂમ તરીકે ઉપયોગ કરાતો હશે તો તે બાબત ખરેખર આઘાતજનક છે. હું આ બાબતે સ્થળ તપાસ કરીને ઓડિટોરિયમનો યોગ્ય ઉપયોગ કરવાની સૂચના આપીશ. મેયરે ખુદ આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી.

Related posts

બિટકોઇનમાં પીઆઇ અનંત પટેલ વધુ રિમાન્ડ પર રહેશે

aapnugujarat

सीजी रोड पर घंटे के अनुसार पार्किंग चार्ज वसूला जाएगा

aapnugujarat

હિંમતનગર ટીડીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

Leave a Comment

UA-96247877-1